sherwani books and stories free download online pdf in Gujarati

શેરવાની

શેરવાની

આ વાત 1975ની આસપાસની છે.


બોકરવાડા ગામના મુખ્ય બજારમાં મોકાની દુકાન ધરાવનાર ફકીરચંદ લાભુચંદ દરજી પોતે દરજીની દુકાન ચલાવતો હતો. પિતા લાભુચંદ ખૂબ સારા દરજી હતા અને એ જ વારસો એમણે એમના દીકરા ફકીરચંદને પણ આપ્યો હતો.

ફકીરચંદ બાપ કરતા પણ સવાયો અને દરજીકામમાં ખૂબ જ હોંશિયાર હતો. બોકરવાડા અને આજુબાજુના પાંચ ગામના સદ્ધર અને નામાંકિત લોકો પોતાના કપડાં ફકીરચંદ પાસે જ સીવડાવવાનો આગ્રહ રાખતા હતાં.

ફકીરચંદ દરજી કામમાં ખૂબ હોંશિયાર હતો અને બીજા દરજીઓ કરતા ઘણો મોંઘો પણ હતો છતાં પણ એના સારા કામની ખ્યાતિના કારણે બારે મહિના એને દરજીકામ ખૂબ જ રહેતું હતું. કામ ખૂબ હોવાના કારણે એણે દુકાનમાં બે સહાયક દરજી પણ રાખ્યા હતાં.

ફકીરચંદની દુકાન ઘણી મોટી હતી. બહાર મોટો ઓટલો અને દુકાનની અંદર ચાર દરજી આરામથી બેસીને કામ કરી શકે એટલી જગ્યા રહેતી હતી. દુકાનમાં જ એક નાનો રૂમ આવેલો હતો જેમાં ગ્રાહકોનું કપડું તેમજ દરજીકામનો બીજો માલસામાન મુકવામાં આવતો હતો.

ફકીરચંદ પોતે ઓટલા ઉપર જ પોતાનું સીલાઇ મશીન લઇ સવારે નવ વાગે બેસી જતો અને સાંજના છ વાગ્યા સુધી સતત સીવવાનું કામ કરતો રહેતો હતો. બપોરના જમવાના સમયે જ એક કલાક એને આરામ મળતો હતો. બાકી આખો દિવસ એ કામમાં વ્યસ્ત રહેતો હતો.

એક દિવસ સવારે એ દુકાન પર આવ્યો ત્યારે ઓટલા પર પંદર વરસનો એક છોકરો એની રાહ જોઇ રહ્યો હતો. ફકીરચંદે પૂછપરછ કરતા ખબર પડી કે એ છોકરો અનાથ છે અને બે દિવસથી ભૂખ્યો પણ છે. નોકરી માટે થઇને એ એની પાસે આવ્યો હતો.

ફકીરચંદે બજારમાં જ આવેલી રમેશ ટી સ્ટોલ પરથી ચા અને બિસ્કીટ એને ખવડાવ્યા અને એ છોકરાને નોકરી પર રાખી લીધો હતો, કારણકે દુકાન અને ઘરના નાના મોટા કામકાજ માટે ધક્કાધુક્કી ખાવા માટે આવા એક છોકરાની એને જરૂર હતી જ.

"કહું છું, આવા અજાણ્યા અને અનાથ છોકરાને નોકરીમાં રાખતા પહેલા સો વાર વિચાર કરવો જોઇએ. ખબર નહિ કોણ હશે ને ક્યાંથી આવ્યો હશે?" પત્ની નિર્મળાએ કઠોરતાથી ફકીરચંદને કહ્યું હતું.

"ખબર નહિ. આમ તો હું કોઇના પર વિશ્વાસ ના મુકું પણ આજે સવારે જ્યારે દુકાન ખોલી ત્યારે આ છોકરો નોકરી માટે મારી રાહ જોઇ રહ્યો હતો. પૂછપરછ કરતા ખબર પડી કે એ અનાથ છે અને બે દિવસથી ભૂખ્યો પણ છે એટલે મેં એને નોકરીએ રાખી લીધો. આમેય દુકાનના નાના-મોટા કામ માટે ધક્કાધુક્કી કરવાવાળો એક છોકરો જોઇતો હતો. મહિનો જોઇ લઇએ કામ બરાબર નહિ કરે તો પછી છૂટો કરતા વાર નહિ લાગે." ફકીરચંદે પત્નીને જવાબ આપી વાત પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.

ફકીરચંદના ઓટલા પર બેસવા અને વાતોના ગપ્પા મારવા માટે જીવાભાઇ પટેલ રોજ સાંજના આવતા હતાં. જીવાભાઇ ફકીરચંદ જોડે ચા પીવે અને ફકીરચંદ પાસેથી બીડી લઇ અને બીડી પણ ફૂંકી લેતા હતાં.

"સાંભળ્યું છે ડાકુ હુકમસિંહ ભાંડુ ગામની એક છોકરીને ઉઠાવી ગયો છે અને એની જોડે લગ્ન કરવાનો છે." જીવાડોસાએ બીડીને ફૂંક મારતા કહ્યું હતું.

"હા, સાંભળ્યું તો મેં પણ છે. પણ જીવાડોસા તમે મારા ઓટલે બેસી ડાકુ હુકમસિંહની વાત કરો નહિ. એના પિતા દલપતસિંહના લગ્ન થયા ત્યારે મારા બાપાએ જ એની શેરવાની સીવી હતી. એના બાપા ડાકુ હતાં પણ સ્વભાવે સરળ લાગતા હતાં. હું ત્યારે ઘણો નાનો હતો પણ મેં બે વાર આ જ દુકાનમાં એમને એમના કપડાં સીવડાવવા માટે આવતા જોયાં છે પણ આ હુકમસિંહ તો મારો બેટો ખૂબ ખુંખાર છે. વાતેવાતે બંદૂકના ધડાકા કરે છે એવી વાત મેં સાંભળી છે માટે એની વાત મારા ઓટલે બેસીને ના કરો." ફકીરચંદે જીવાડોસાને કહ્યું હતું.

"ડાકુ દલપતસિંહની શેરવાની તારા બાપાએ સીવી હતી એ વાત આખું પંથક જાણે છે. તારા બાપા લાભુચંદ મારો નાનપણનો મિત્ર હતો. એના લગ્ન થયા પછી દસ વર્ષે તારો જનમ થયો હતો. પત્થર એટલા દેવ તારા બાપાએ કર્યા ત્યારે તું જન્મ્યો છે. તારું નામ ફકીર રાખવાની સલાહ પણ મેં જ એને આપી હતી. તારામાં તારા બાપાનો આ દરજીકામ સિવાયનો એકેય ગુણ આવ્યો નથી. તારા બાપા ભારે હિંમતવાન હતાં અને તું ડરપોક છે." જીવાડોસાએ ફકીરચંદની જ બીડી પીતા પીતા ફકીરચંદને સંભળાવ્યું હતું.

"જીવાડોસા તમારે એંશી થયા અને હું હજી પચાસે પણ પહોંચ્યો નથી. તમે તો ઘરે જઇને ખાટલામાં લંબાવી દેશો અને મારે અહીં રોજ બજારમાં બેસીને ધંધો કરવાનો છે. ડાકુ હુકમસિંહને ખબર પડે કે અહીં ઓટલે બેઠા બેઠા એની વાતો જ કરીએ છીએ તો મારે તો તકલીફનો પાર ના રહે." ફકીરચંદે જીવાડોસાને સમજાવતા કહ્યું હતું.

જીવાડોસાને પણ ફકીરચંદની વાત બરાબર લાગી. ફકીરચંદ પાસેથી બીજી બીડી લઇ જીવાડોસાએ સળગાવી હતી. જીવાડોસા અને ફકીરચંદ વાત કરી રહ્યા હતાં ત્યારે એક જુવાન દુકાનના પગથિયાં ચડી અને ઉપર આવ્યો હતો.

"મારે શેરવાની સીવડાવવી છે. તમે સીવો છો?" જુવાને પૂછ્યું હતું.

"હા ભાઇ, બધું જ સીવીએ છીએ. તારે શેરવાની સીવડાવવાની છે? તારું લગ્ન છે?" ફકીરચંદે માપ લેવા માટે પટ્ટી હાથમાં લેતા પૂછ્યું હતું.

જુવાને શરમાઇને હા પાડી હતી.

"વિક્રમ, જા ઘરાક માટે સામેથી ચા લેતો આવ." ફકીરચંદે જે છોકરાને નોકરીએ રાખ્યો હતો એને કહ્યું હતું.

ફકીરચંદે જે છોકરાનો નોકરીએ રાખ્યો હતો એનું નામ વિક્રમ હતું.

ફકીરચંદે શેરવાની માટેનું માપ લઇ લીધું. શેરવાનીના રૂપિયા જુવાને ફકીરચંદને પૂરા આપી દીધા હતાં.

"આ શેરવાની ક્યારે તૈયાર થશે?" જુવાને ફકીરચંદને પૂછ્યું હતું.

"શેરવાની હું તમને ત્રણ દિવસમાં સીવીને આપી દઇશ. તમે તો રૂપિયા પણ રોકડા આપી દીધા છે માટે બે દિવસમાં થશે તો બે દિવસમાં તૈયાર કરી દઇશ." ફકીરચંદે જુવાનને કીધું હતું.

જુવાને ફકીરચંદના હાથમાં એક સરનામું આપ્યું હતું.

"તમને વાંધો ના હોય તો આ સરનામે શેરવાની મોકલી આપશો? કારણકે હું બહારગામ જવાનો છું, લગ્નના આગલા દિવસે જ પાછો આવીશ. શેરવાની આપવા માટે જે આવશે એને આવવા જવાનો ખર્ચો હું આપી દઇશ." જુવાને ફકીરચંદને પૂછ્યું હતું.

"હા, આ છોકરો મારા ત્યાં નોકરી છે એ આ સરનામા ઉપર આવીને શેરવાની આપી જશે. આવવા જવાનો ખર્ચો તમે આ છોકરાને આપી દેજો. એ બહાને આ છોકરો બે રૂપિયા કમાશે." ફકીરચંદે વિક્રમ સામે જોઇ જુવાનને કહ્યું હતું.

ફકીરચંદે બે દિવસમાં શેરવાની તૈયાર કરી દીધી હતી. શેરવાની તૈયાર થયા બાદ ફકીરચંદે વિક્રમને કહ્યું હતું.

"જો વિક્રમ, આ શેરવાની આ સરનામા ઉપર આપીને તું પાછો આવી જજે. જવા-આવવાનો ખર્ચો ત્રીસ રૂપિયા માંગી લેજે અને એ રૂપિયા તારી પાસે જ રાખજે અને હા, રાત્રે તારે આવતા મોડું થઇ જશે માટે પાછો આવી ઓટલા ઉપર ના સૂતો. દુકાનમાં અંદર સુઇ જજે. ચોમાસું બરાબર જામ્યું છે. બહાર ઓટલા પર સૂઇ જઇશ તો ભીનો થઇ જઇશ." ફકીરચંદે વિક્રમને સમજાવતા કહ્યું હતું.

"સારું માલિક" કહીને વિક્રમ શેરવાની લઇને આપવા નીકળી ગયો હતો.

એ દિવસે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ફકીરચંદે બીજા દિવસે સવારે દુકાન ખોલી હતી. વિક્રમ દુકાનમાં દેખાયો ન હતો. હજી કદાચ વરસાદના કારણે પાછો આવી શક્યો નહિ હોય એમ વિચારીને એણે પોતાનું કામ ચાલુ કરી દીધું હતું. સાંજના પાંચ વાગ્યા પરંતુ હજી વિક્રમ આવ્યો ન હતો.

જીવાડોસા બરાબર પોતાના સમયે આવી અને ઓટલા પર બેઠક લઇ ચૂક્યા હતાં. એમણે બીડી માટે ફકીરચંદ પાસે હાથ લાંબો કર્યો. ફકીરચંદે બીડીની ગડી અને બાકસ બંન્ને એમના હાથમાં મુક્યા હતાં.

ફકીરચંદનું મન આજે સવારથી જ કામમાં લાગતું ન હતું. કશુંક અમંગળ બન્યાનો અણસાર એના મનમાં આવી રહ્યો હતો. પોતાના મનમાં ચાલતા વિચારો એણે જીવાડોસાને કહ્યા હતાં.

"મને તો લાગે છે કે એ છોકરો શેરવાની લઇ ભાગી ગયો. હમણાં બે-ત્રણ દિવસમાં જ તારો ઘરાક બૂમો પાડતો પાડતો આવશે અને એની શેરવાની માંગશે." જીવાડોસાએ બીડી ફુંકતા ફુંકતા ફકીરચંદની ચિંતા વધારી હતી.

"ના ના... એ છોકરો એવો નથી. તમે મારી જ ચા અને બીડી પીને મારું ટેન્શન વધારવાનું કામ કરો છો." ફકીરચંદે કહ્યું હતું.

જીવાડોસા અને ફકીરચંદ વચ્ચે આ વાત ચાલી રહી હતી એવામાં જ પોલીસની જીપ આવી હતી. પોલીસની જીપમાંથી ઇન્સ્પેક્ટર નીચે ઉતર્યો હતો અને ફકીરચંદની દુકાનના પગથિયાં ચડ્યો હતો.

"ડાકુ હુકમસિંહ તમારા ત્યાં શેરવાની સીવડાવવા આવ્યો હતો?" પોલીસ ઇન્સ્પેક્ટરે ફકીરચંદને પૂછ્યું હતું.

"ના, ડાકુ હુકમસિંહ મારા ત્યાં શેરવાની સીવડાવવા આવ્યો ન હતો અને ડાકુ હુકમસિંહને મેં જોયો પણ નથી. હા પણ બે દિવસ પહેલા એક જુવાન શેરવાની સીવડાવવા આવ્યો હતો ખરો પણ એ તો લગ્નની વાત સાંભળીને શરમાઇ ગયો હતો. એ કોઇપણ રીતે ડાકુ હુકમસિંહ લાગતો ન હતો અને એની શેરવાની એના ઘરે પહોંચાડવા કાલે મારા ત્યાં રાખેલા એક છોકરાને મોકલ્યો હતો પણ એ પણ હજી પાછો આવ્યો નથી. તમારી પાસે ડાકુ હુકમસિંહનો ફોટો હોય તો મને બતાવો. જો મારી પાસે આવ્યો હશે તો હું ઓળખી કાઢીશ." ફકીરચંદે ડરતા ડરતા પોલીસ ઇન્સ્પેક્ટરને જવાબ આપ્યો હતો.

"ફોટો તો અમારી પાસે નથી, પરંતુ તમારી વાત ઉપરથી લાગે છે કે એ આવ્યો નથી. એ આવ્યો હોત તો એને જોઇને તમને તરત જ શંકા પડી ગઇ હોત." પોલીસ ઇન્સ્પેક્ટર આટલું બોલી ફકીરચંદના પગથિયાં ઉતરી ગયો હતો.

આ વાતને દસ દિવસ વીતી ગયા હશે. ફકીરચંદ રોજ વિક્રમને યાદ કરતો હતો. વિક્રમ જે દિવસે શેરવાની આપવા ગયો અને પાછો ના આવ્યો ત્યારથી નિર્મળા રોજ ફકીરચંદને સંભળાવતી હતી કે "અજાણ્યા છોકરા પર વિશ્વાસ મુકીને તમે ભૂલ કરી છે."

ફકીરચંદ વિચારતો વિચારતો કપડાં સીવી રહ્યો હતો. સાંજના છ વાગે દુકાન જ્યારે વસ્તી કરવાની તૈયારી એ કરવા લાગ્યો ત્યારે નવા કપડાંમાં સજીધજીને વિક્રમ દુકાનના ઓટલા ઉપર ચડ્યો હતો. વિક્રમને જોઇને ફકીરચંદ ખુશ થઇ ગયો હતો.

"અલ્યા દસ દિવસથી ક્યાં જતો રહ્યો હતો? શેરવાની તો બરાબર પહોંચાડી આવ્યો હતોને? અને આ નવા કપડાં ક્યાંથી લાવ્યો?" ફકીરચંદે એકસાથે વિક્રમને ધડાધડ સવાલો પૂછ્યા હતાં.

વિક્રમે હાથમાં રહેલી થેલીમાંથી મીઠાઇનું બોક્સ કાઢી ફકીરચંદને આપ્યું હતું.

"મારા મોટાભાઇના લગ્ન હતાં. ખૂબ ધામધૂમથી અને સારી રીતે લગ્ન થયા. મારા મોટાભાઇએ ખાસ તમારા માટે આ મીઠાઇનું બોક્સ મોકલ્યું છે અને શેરવાની તમે સુંદર સીવી હતી એવું પણ કહેવાનું કહ્યું છે." વિક્રમે મીઠાઇનું બોક્સ ફકીરચંદને આપતા કહ્યું હતું.

"અરે, તું તો અનાથ હતોને? તો તારો મોટો ભાઇ ક્યાંથી આવ્યો અને મેં વળી એની શેરવાની ક્યાં સીવી છે?" ફકીરચંદે આશ્ચર્ય સાથે વિક્રમને પૂછ્યું હતું.

"જે જુવાનની તમે શેરવાની સીવી હતી એ મારો મોટોભાઇ ડાકુ હુકમસિંહ છે. એ શેરવાનીનું માપ આપવા આવવાનો હતો એના બે દિવસ પહેલા હું તમારા ત્યાં એટલે નોકરીએ રહ્યો કે એ શેરવાનીનું માપ આપવા માટે આવે તો પોલીસ આજુબાજુ છે નહિને એની ખબર રહે. બે દિવસ મને બધું બરાબર લાગતા મેં એને શેરવાનીનું માપ આપી જવા કહ્યું હતું. શેરવાની પહેરીને એ એકદમ રાજા જેવો લાગતો હતો. તમે મારા પિતાની શેરવાની સીવી હતી, હવે મારા મોટાભાઇ ડાકુ હુકમસિંહની શેરવાની પણ સીવી અને મારા લગ્ન થશે ત્યારે મારી શેરવાની પણ તમારે જ સીવવી પડશે." આટલું બોલી વરસતા વરસાદમાં વિક્રમ ભીંજાતો ભીંજાતો ચાલી ગયો હતો.

ફકીરચંદે મીઠાઇનું બોક્સ ઘરે લાવી પત્ની નિર્મળાને આપ્યું અને આખી વાત નિર્મળાને કહી હતી.

"સારા દરજી હોવાનું આ નુકસાન પણ છે. જે ડાકુ લોકોના શરીર ઉપરથી દાગીના અને ઘરની તિજોરીઓ લોકોનું ખૂન કરીને લૂંટી લે છે એવા ડાકુના લગ્ન થાય અને એનો વસ્તાર વધે એના માટે શેરવાની પણ તમારા જેવા સારા દરજીએ સીવવી પડે અને એ લોકોના પાપના આપણે ભાગીદાર બનવું પડે. મને લાગે છે કે એટલે જ તો ભગવાને આપણને સંતાન આપ્યું નથી. આ ડાકુઓની શેરવાની સીવવાના પાપનું કદાચ આ જ પ્રાયશ્ચિત હશે." નિર્મળા રડતાં રડતાં બોલી હતી.

હંમેશા વરસતો વરસાદ ફકીરચંદને ખૂબ ગમતો પણ આજે એ વરસાદમાંથી ડાકુ હુકમસિંહે મારેલા લોકોનું ખૂન પડી રહ્યું છે એવો ભાસ ફકીરચંદને થયો હતો. એ દિવસ પછી ફકીરચંદે ક્યારેય પણ જીવનમાં શેરવાની સીવી ન હતી.

(એક સત્ય ઘટના પર આધારિત)

(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)

- ૐ ગુરુ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED