"આપણું નસીબ પણ વકીલ સુનીલ સીંદે જેવું ચમકી જાય તો જિંદગી સુખી થઇ જાય." નાસિકની નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ હેમંત ખાટગેએ કોર્ટની બહાર કીટલી પર ચા પીતા પીતા પોતાના આસીસ્ટન્ટ વીજુ દેશપાંડેને કહી રહ્યો હતો.
"સુનીલ સીંદે તો નાસિકનો નસીબદાર વકીલ છે. છેલ્લા સાત વર્ષમાં એણે ખૂબ ખ્યાતિ મેળવી છે અને રૂપિયા પણ પુષ્કળ કમાયો છે. સાત વર્ષ પહેલા અહીં આપણી જેમ જ આપણી જોડે જ આ જ કીટલી પર ચા પીતો હતો અને હવે મર્સીડીઝ ગાડીમાં ફરે છે. આને કહેવાય નસીબનું ચમકવું, સમજ્યો?" વીજુ દેશપાંડેએ હસીને હેમંતને કહ્યું હતું.
"તું સાચી વાત કહી રહ્યો છે વીજુ. વકીલાત તો આપણને પણ કરતા આવડે છે. કોર્ટમાં તો આપણે પણ કેસ લડીએ છીએ પણ એનું નસીબ એને એવો સાથ આપે છે કે ના જીતી શકાય એવા કેસ પણ એ જીતીને બતાવે છે. દસ વર્ષ પહેલા એને એફીડેવીટ લખતા પણ આવડતી ન હતી. એફીડેવીટ કરતા પણ મેં એને શીખવાડ્યું હતું. સાલું વખત વખતની વાત છે. પણ સવાલ એ છે કે એનું નસીબ સોનાનું કયા પારસ પત્થરથી થયું એ સવાલ મને કાયમ થાય છે." હેમંત ખાટગેએ વીજુ સામે જોઇ કહ્યું હતું.
ચાની કીટલીવાળો અત્યાર સુધી ચૂપચાપ બંન્નેની વાતને સાંભળી રહ્યો હતો. બંન્નેની વાતો પૂરી થયા પછી એ બોલ્યો હતો.
"સાત વર્ષ પહેલા તમે બેઠા છો એ બેન્ચ ઉપર જ સુનીલ સીંદેને એક બોલપેન મળી હતી. એ બોલપેન એમણે મને બતાવીને પૂછ્યું હતું કે 'આ બોલપેન કોની છે? જેની હોય એને કહેજે કે મારી પાસે આવે અને લઇ જાય.' પરંતુ એ જ દિવસે સુનીલ સીંદે એ બોલપેન લઇ કોર્ટમાં ગયો અને એ જીવનનો પહેલો કેસ જીતી ગયા હતાં. મને લાગે છે કે એ બોલપેનથી એમનું નસીબ ચમક્યું છે." ચાની કીટલીવાળાએ સુનીલ સીંદેના તકદીરવાલા બનવાની વાત આ બંન્નેને કહી હતી.
"શું યાર તું પણ અહીં વકીલોને ચા પીવડાવતા પીવડાવતા તું પણ વકીલોની જેમ વાત બનાવતો થઇ ગયો છે." વીજુએ ચાવાળાની મશ્કરી કરતા કહ્યું હતું.
"ના વીજુ સાહેબ, હું સાચું કહું છું. વર્ષ પછી આ વાત મને સુનીલ સીંદેએ જ કહી હતી કે બોલપેને મારું નસીબ બદલી નાંખ્યું છે. આ બોલપેન તકદીરવાળી છે." કીટલીવાળો સુનીલ સીંદેના શબ્દો યાદ કરી બોલી રહ્યો હતો.
"આજે મારી સામે એક કેસમાં સુનીલ સીંદે લડવાનો છે. વીજુ તું એક કામ કર, તું પણ મારી સાથે કોર્ટરૂમમાં ઉપસ્થિત રહેજે. જે બોલપેનની આ ચાવાળો વાત કરે છે એ બોલપેન સુનીલ સીંદે કાયમ ટેબલ ઉપર મુકે છે. હું તક જોઇ એ બોલપેન લઇને તને આપી દઇશ. તું લઇને કોર્ટમાંથી બહાર નીકળી જજે અને સાંજે મને આપી દેજે. આપણે જોઇએ તો ખરા કે આ ચાવાળાની વાતમાં કેટલી સત્યતા છે. અઠવાડિયા પછી આપણે પેન પાછી સુનીલ સીંદેને આપી દઇશું. મારે તો ખાલી આ પેન તકદીર ચમકાવે છે કે નથી ચમકાવતી એ ચકાસવું છે." હેમંતે વીજુ સામે જોઇ કહ્યું હતું.
"વકીલ થઇને આપણે ચોરી કરવાની મને યોગ્ય લાગતું નથી." વીજુએ આનાકાની કરવાનું શરૂ કર્યું હતું.
"જો ભાઇ સત્યવાદી રાજા હરીશચંદ્ર, આપણે વકીલ છીએ અને બોલપેન આપણે કાયમ નથી રાખવાના. આપણે તો ખાલી એક પ્રયોગ ખાતર આ પેન ચોરી કરીએ છીએ. અઠવાડિયામાં તો આપણે પાછી આપી પણ દઇશું." હેમંતે પોતાની દલીલ મજબૂત કરી વીજુને બોલપેન ચોરી કરવાના કાવતરામાં સામેલ કરી દીધો હતો.
બરાબર ત્રણ વાગે કોર્ટની કાર્યવાહી શરૂ થઇ હતી. સુનીલ સીંદે હેમંત ખાટગેની બરાબર બાજુમાં બેઠો હતો. બંન્નેની આગળ એક લાંબુ ટેબલ હતું જેની ઉપર સુનીલે પોતાના ચશ્મા, પોતાની બોલપેન અને ફાઇલ મુકી હતી.
હેમંતે બોલપેન તરફ નજર કરી હતી. જૂની પુરાણી થઇ ગયેલી બોલપેન લગભગ જર્જરીત અવસ્થામાં જ હતી. એ બોલપેનથી લખવું શક્ય દેખાતું ન હતું. માટે આ બોલપેન માત્ર લકી હોવાના કારણે સુનીલ સીંદે પોતાની સાથે રાખે છે અને ચાની કીટલીવાળાની વાત સાચી છે એ વાત સમજતા હેમંતને વાર ન લાગી.
હેમંતે તક જોઇને સુનીલની નજર જ્યારે જજ તરફ હતી ત્યારે એની પેન લઇ અને વીજુને આપી દીધી હતી. વીજુ પેન લઇ કોર્ટમાંથી બહાર નીકળી ગયો હતો.
હેમંત જજ સામે દલીલ કરવા માટે ઊભો થયો અને પોતાની દલીલ પૂરી કરી જ્યારે એ ટેબલ પાસે આવ્યો ત્યારે સુનીલ બેબાકળો બની પરસેવે રેબઝેબ થઇ કશુંક શોધી રહ્યો હતો.
"મી. સુનીલ તમે શું શોધી રહ્યા છો? હું તમારી કોઇ મદદ કરું?" હેમંતે સુનીલને પૂછ્યું હતું.
"અહીં મારી એક બોલપેન હતી, તે જોઇ છે?" સુનીલે હેમંતને પૂછ્યું હતું.
"બોલપેન? ના, મેં જોઇ નથી. કેમ ખૂબ કિંમતી હતી? માઉન્ટ બ્લેન્કની હશે કેમ?" હેમંતે અજાણ્યા થઇ પૂછ્યું હતું.
"ના, સાવ સાદી બોલપેન હતી પરંતુ મારા માટે ખૂબ મૂલ્યવાન હતી. તમે જાઓ મી. હેમંત, હું શોધી લઇશ." સુનીલે હેમંતને જવાનું કહ્યું હતું.
હેમંત સુનીલની વાત સાંભળી કોર્ટની બહાર નીકળી ગયો હતો. ચાની કીટલી ઉપરથી જ એણે વીજુ પાસેથી બોલપેન લઇ પોતાના બ્લેક કોટના અંદરના ખિસ્સામાં મુકી દીધી હતી. હવે આ બોલપેનનો ચમત્કાર જોવાનો હતો.
બીજા દિવસે હેમંત પોતાના બ્લેક કોટના ખિસ્સામાં નસીબદાર પેનને મુકી જાણે કોર્ટમાં કેસ નહિ પરંતુ યુદ્ધ લડવા જતો હોય અને જીતી જ જશે એવા આત્મવિશ્વાસથી એ જઇ રહ્યો હતો. નસીબજોગે હેમંત એ દિવસે કોર્ટમાં જે કેસ લડ્યો હતો એ જીતી પણ ગયો હતો અને એ પણ વકીલ સુનીલ સીંદેને હરાવીને એ જીત્યો હતો.
બસ, આ એક હારથી સુનીલ સીંદેની પડતીના દિવસો શરૂ થઇ ગયા અને નસીબદાર કલમની તાકાતથી હેમંત એક પછી એક કેસ લડતો પણ ગયો અને જીતતો પણ ગયો હતો.
નાસિકની નીચલી કોર્ટમાં એ છેલ્લા દસ વર્ષથી વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો પરંતુ આ એક વર્ષમાં મળેલી સફળતાના કારણે એ નંબર વન વકીલ બની ગયો હતો અને આ બધું થવા પાછળ નસીબદાર બોલપેન જ છે એવું દૃઢપણે હેમંત માનતો થઇ ગયો હતો.
"આ બધાં કેસ તું જે જીતે છે એ આ નસીબદાર પેનથી જ જીતે છે એવું તું ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકે?" એના આસીસ્ટન્ટ અને મિત્ર વીજુએ એક દિવસ હેમંતને પૂછ્યું હતું.
"વાત ખૂબ સરળ અને સમજાય એવી છે. હું વર્ષોથી આ જ કોર્ટમાં કેસ લડું છું પણ છતાં ખૂબ ઓછા કેસ હું જીત્યો હતો. પહેલા હું જેટલી મહેનત કોર્ટમાં કેસ જીતવા માટે કરતો હતો એટલી જ મહેનત હું અત્યારે પણ કરું છું પણ પહેલા મોટાભાગના કેસો હું હારી જતો હતો અને હવે જે કેસ હું હાથમાં લઉં છું એ જીતી જઉં છું. બીજું મહત્ત્વનું કારણ સુનીલ સીંદે છેલ્લા એક વર્ષમાં બધાં જ કેસ હારી રહ્યો છે. એનો અર્થ એવો થયો કે એ આ બોલપેનના નસીબથી જ સુનીલ કેસ જીતતો હતો. દરેક વ્યક્તિને પોતાની કાબિલીયત કેટલી છે એ ખબર હોય. મને પણ મારી કાબિલીયત ખબર છે. હું બધાં જ કેસ જીતી શકું એટલો કાબિલ વકીલ નથી અને સત્ય સ્વીકારવામાં મને તારી સામે કોઇ શરમ અનુભવાતી નથી. માટે મારી જીત પાછળ એ નસીબદાર બોલપેનનો જ હાથ છે એમાં કોઇ શંકા નથી. બસ, છ મહિનાથી તારી ભાભી ઝઘડીને બે છોકરાઓને લઇ પિયર જતી રહી છે. સફળતા મળી ત્યારે કુટુંબમાં પ્રોબ્લેમ ઊભો થયો. બસ, આ એક જ દુઃખ મારા મનને કોરી ખાય છે. પત્ની અને છોકરાઓ વગર હવે આ સફળતાનો પૂરો આનંદ મને મળતો નથી." હેમંતે એક વર્ષમાં એણે અનુભવેલી આખી વાત વીજુને કહી હતી.
લગભગ અઠવાડિયાનો સમય વીતી ગયો હશે. રવિવારની સવારે હેમંત એની પત્નીને ફોન લગાડી એને પાછી આવી જવા માટે સમજાવી રહ્યો હતો પરંતુ પત્ની કોઇપણ કારણે પાછી આવવા તૈયાર ન હતી.
હેમંત જ્યારે એની પત્નીને સમજાવી રહ્યો હતો ત્યારે ઘરનો ડોરબેલ વાગ્યો હતો. ઘરના નોકર રાજુએ જઇને દરવાજો ખોલ્યો હતો.
"સાહેબ, આપને મળવા કોઇ વકીલ સુનીલ સીંદે આવ્યા છે." નોકરે કહ્યું હતું.
હેમંતે પત્નીને કહ્યું કે હું ફોન પછી કરું છું એમ કહી ઘરના મુખ્ય દરવાજા પાસે પહોંચી ગયો હતો.
"આવો...આવો... સુનીલ સાહેબ, અંદર આવો. તમે મારા ઘરે આવ્યા, મને આનંદ થયો. આપ આ સોફા પર બેસો." હેમંતે ખૂબ વિવેકથી સુનીલનું સ્વાગત કરતા કહ્યું હતું.
સુનીલ સોફા પર બેસી ગયો હતો. એના હાથમાં મીઠાઇનું બોક્સ હતું. મીઠાઇનું બોક્સ એણે હેમંતના હાથમાં આપ્યું હતું.
"મી. હેમંત, આ મીઠાઇ છે. તમારા કારણે મારા જીવનમાં ફરીવાર ખુશીઓ પાછી આવી છે. તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે." સુનીલે હેમંત સામે જોઇને કહ્યું હતું.
હેમંતે મીઠાઇનું બોક્સ લઇ લીધું હતું.
"સુનીલ સાહેબ, મેં એવું તો શું કર્યું કે જેનાથી તમે આટલા ખુશ છો. એક વર્ષ પહેલા તો તમે આપણી કોર્ટમાં નંબર વનની પોજીશન પર હતાં. જ્યારે અત્યારે તો એક વર્ષમાં તો અડધાથી વધુ કેસ મારી સામે જ હાર્યા છો. તો પછી આનંદ કઇ વાતનો છે?" હેમંતે આશ્વર્ય સાથે પૂછ્યું હતું.
હેમંતનો સવાલ સાંભળી વકીલ સુનીલ સીંદે હસવા લાગ્યો હતો.
"જો મી. હેમંત, મને હમણાં ત્રણ દિવસ પહેલા જ ખબર પડી કે તમારી પત્ની તમારા સંતાનોને લઇ અને ઘર છોડીને ચાલી ગઇ છે અને છેલ્લા એક વર્ષથી તમે ધડાધડ કેસ જીતીને નાસિકના નંબર વન વકીલ પણ બની ગયા છો. એટલે મારી નસીબદાર બોલપેન તમે જ લીધી છે એ સમજતા મને વાર લાગી નહિ. મને જ્યારે આ નસીબદાર બોલપેન મળી હતી ત્યારે હું મારા પર્સનલ જીવનમાં ખૂબ જ સુખી હતો. મારી પત્ની અને મારી બાર વર્ષની દીકરી સાથે હું સુખથી જીવન વ્યતિત કરી રહ્યો હતો. પરંતુ બોલપેન આવ્યા બાદ હું સફળ તો થઇ ગયો પરંતુ મારી પત્ની અને મારી દીકરી રીસાઇને ઘર છોડીને જતા રહ્યા હતાં. જે દિવસે તમે બોલપેન ચોરી એના ત્રીજા જ દિવસે મારી પત્ની અને દીકરી ઘરે પાછા આવી ગયા હતાં. એનો મતલબ એવો થયો કે નસીબદાર બોલપેન તમને નામ, પ્રતિષ્ઠા અને પૈસો આપે છે પરંતુ જે તમારું સાચું સુખ છે એટલેકે તમારી પત્ની અને બાળકો છે તેને છીનવી લે છે. તમે મારી પેન લીધી ના હોત તો હું કદાચ કાયમ મારી પત્ની અને મારી દીકરીથી દૂર રહેત. તમે મારી પેન લઇને મારા પર ઉપકાર જ કર્યો છે. મારી પાસે આજે કામ ખૂબ જ ઓછું છે પણ મને સંતોષ છે કારણકે જ્યારે હું સાંજે પાછો ઘરે જઉં ત્યારે મારી પત્ની પ્રેમથી જ્યારે આવકારે છે ત્યારે મને મારા જીવનનું સાચું સુખ એમાં જ દેખાય છે. તમારી પત્ની તમારા બે પુત્રોને લઇ ઘર છોડીને ગઇ છે એનું કારણ એ નસીબદાર બોલપેન જ છે. હવે એ બોલપેનને નસીબદાર કહેવી કે બદનસીબ એ તમારે નક્કી કરવાનું છે." સુનીલ સીંદેએ પોતાનો અનુભવ હેમંતને જણાવતા કહ્યું હતું.
સુનીલના ગયા પછી હેમંત સુનીલે કહેલી આખી વાતને મનમાં ને મનમાં વાગોળી રહ્યો હતો. સુનીલની વાતમાં દમ છે એવું એને થોડી મિનિટો સુધી લાગ્યું પણ ખરું પરંતુ એ વાત પર વિશ્વાસ રાખ્યા વગર બીજે દિવસે એ કોર્ટમાં એક સીધા અને ખૂબ સરળ કેસમાં દલીલ કરી શક્યો નહિ અને એ હારી ગયો હતો.
સરળ કેસમાં થયેલી હારથી હેમંત પરેશાન થઇ ગયો હતો. એનો હાથ અનાયાસે એના કોટના ખિસ્સામાં ગયો પરંતુ એમાં એની નસીબદાર પેન ન હતી. એ હાંફળો-ફાંફળો થઇ બધે જોવા લાગ્યો હતો. ઘરે જઇને પણ એણે એ બોલપેન જ્યાં મુકતો હતો ત્યાં ચકાસી જોયું પરંતુ ત્યાં બોલપેન હતી નહિ.
એક અઠવાડિયામાં તો એના હાથમાંથી ત્રણ કેસ જતા રહ્યા હતાં અને બે કેસ એ હારી પણ ગયો હતો. એના નસીબનું રોકેટ ઊંચે જવાના બદલે નીચે આવવા લાગ્યું હતું. પંદર દિવસમાં તો હેમંત ફરીવાર પહેલાની જેમ જ નાના નાના કેસો લડવા પડે અને કોર્ટની બહાર બેસી એફીડેવીટો બનાવવી પડે એ પરિસ્થિતિમાં આવી ગયો હતો.
ખાલી એક જ વાત એના જીવનમાં સારી બની અને એ વાત એ હતી કે રીસાઇને પિયર ગયેલી એની પત્ની એના બે પુત્રોને લઇને પાછી આવી ગઇ હતી. પત્નીને પરત આવેલી જોઇ હેમંતને સમજાઇ ગયું હતું કે એ નસીબદાર પેન સફળતા અપાવે છે પરંતુ કુટુંબને તોડાવે છે. માટે એને કુટુંબના વિયોગને સહન કરવા કરતા એ પેનને ભૂલવાનું જ મુનાસીબ માન્યું હતું.
"યાર હું મુંબઇની નીચલી કોર્ટમાં જઇ પ્રેક્ટિસ કરવાનું વિચારું છું. નાસિકમાં તો હવે કંઇ મેળ પડે એમ લાગતું નથી." એના આસીસ્ટન્ટ વીજુએ હેમંતને કહ્યું હતું.
"હા ભાઇ, તું મુંબઇ જઇ હવે તારું નસીબ અજમાવી જો. તારી ઉંમર હજી ત્રીસ જ વર્ષની છે. અહીં નાસિકમાં તારો વિકાસ નહિ થાય." હેમંતે વીજુને ગળે લગાડી કહ્યું હતું.
વીજુ મુંબઇની નીચલી કોર્ટમાં જઇ પ્રેક્ટિસ કરવા લાગ્યો હતો. બે વર્ષની મહેનત વીજુની રંગ લાવી હતી. એના નસીબ આડે રહેલું પાંદડું કુદરતે હટાવી દીધું હતું. અઠવાડિયામાં એક-બે વાર વીજુ હેમંત જોડે ફોનથી વાત કરી પોતાની સફળતાની વાતો હેમંતને કહેતો હતો. હેમંત પણ મુંબઇ જઇ વીજુએ કરેલા વિકાસથી ખુશ હતો. વીજુ મુંબઇની નીચલી કોર્ટમાં એક નામાંકિત વકીલ તરીકે પ્રસ્થાપિત થઇ ચૂક્યો હતો.
"વીજુ, તું હવે બત્રીસ વર્ષનો થયો. લગ્ન કરી લે. આ રીતે એકલા એકલા જિંદગી પસાર નહિ થાય. પત્ની અને બાળકો વગરનું જીવન સાવ નકામું છે." હેમંત એકવાર વીજુને ફોન ઉપર સમજાવતા કહ્યું હતું.
"હું મારી પ્રતિષ્ઠા અને નામ સાથે ખુશ છું. મારે લગ્ન કરી કૌટુંબિક જવાબદારીઓમાં પડવું નથી. મેં ખૂબ ગરીબી જોઇ છે. હવે હું મારા માતા-પિતાની સેવા કરી મારું સંપૂર્ણ જીવન વૈભવ અને આનંદમાં પસાર કરવા માંગુ છું." આટલું બોલી વીજુએ ફોન મુકી દીધો હતો.
હેમંત જોડે ફોન ઉપર વાત કરતા કરતા વીજુની નજર એ નસીબદાર બોલપેન તરફ હતી. હેમંતના ખિસ્સામાંથી એ બોલપેન એણે ચોરી દીધી હતી અને આ નસીબદાર પેને એણે મુંબઇની નીચલી કોર્ટમાં એક નામાંકિત વકીલ બનાવ્યો હતો.
સુનીલ અને હેમંતના અનુભવ ઉપરથી એને ખબર પડી ગઇ હતી કે લગ્ન કરીશ તો એ લગ્નજીવન લાંબુ ટકવાનું નથી અને ગરીબીમાં તો હવે જીવવું નથી. માટે આ નસીબદાર બોલપેન મને પ્રતિષ્ઠા અને રૂપિયા આપ્યા કરે એ જ મારે જોઇએ છે.
વીજુ બોલપેન સામે જોઇ એના મનમાં આવું વિચારી રહ્યો હતો ત્યારે એ નસીબદાર બોલપેન એની સામે જોઇ હસીને કશું કહી રહી હોય એવો ભાસ થયો હતો.
"તારા લગ્ન ન થવા દઇને હું મારું કામ કરી જ રહી છું. તને ભૌતિક સુખ મળશે પણ હું સાથે છું એટલે સાંસારિક સુખ પ્રાપ્ત નહિ થવા દઉં." વીજુના કાનમાં સંભળાતા અવાજો બોલપેનના હતાં કે એના હૃદયમાંથી નીકળ્યા હતાં એ વીજુ કળી શક્યો ન હતો.
(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)
- ૐ ગુરુ