વરસાદનો કહેર Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદનો કહેર

વરસાદનો કહેર


જૂન મહિનાના આખરી દિવસો હતાં. આકાશમાંથી ધીમો ધીમો પડતો વરસાદ ધરતીને ભીંજવી રહ્યો હતો. પ્રોફેસર સુગંધા દેસાઇ મુંબઇ સેન્ટ્રલના રેલ્વે સ્ટેશનથી રાત્રે ઉપડતી ગુજરાત મેલમાં બેસી અને અમદાવાદ જઇ રહી હતી. લગભગ 27 વર્ષ પછી તે મુંબઇથી અમદાવાદ જઇ રહી હતી.

પચાસ વર્ષની ઉંમરે પહોંચેલી સુગંધા ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવેશી અને પોતાની સીટ ઉપર જઇ બેસી ગઇ હતી. હાથમાં રહેલી બેગ એણે સીટ નીચે મુકી દીધી હતી. સુગંધાને આજે ઊંઘ આવવાની ન હતી એટલે એ બારીમાંથી બહાર નજર નાંખી રહી હતી. સુગંધાને ઊંઘ ન આવવાનું મુખ્ય કારણ એ વર્ષો પછી અમદાવાદ જઇ રહી હતી એ હતું.

ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવેશ કરતા જ એની આંખ સમક્ષ અમદાવાદ સાથે જોડાયેલો પોતાનો કાળો ડીબાંગ ભૂતકાળ આંખ સામે તરી આવ્યો હતો. આ એ જ ભૂતકાળ હતો જેનાથી વર્ષો સુધી એ ભાગતી રહી હતી અને કદાચ હજી પણ ભાગી રહી હતી.

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા પોતાના પિતાનો બંધ પડેલો બંગલો જો વેચવાનો ના હોત તો કદાચ આખી જિંદગી ક્યારેય પણ એ અમદાવાદમાં પગ ના મુકત. આ એ જ શહેર હતું જે શહેરે એનું સર્વસ્વ લૂંટી લીધું હતું અને એનો સાક્ષી આ વરસતો વરસાદ પોતે જ હતો.

વકીલ દીનકર પટેલની એકની એક દીકરી એટલે સુગંધા. કરોડપતિ પિતાએ દીકરીને ખૂબ લાડકોડથી મોટી કરી હતી. આજે જે બંગલો એ અમદાવાદમાં વેચવા જઇ રહી હતી એ જ બંગલામાં એનો જન્મ થયો હતો.

સુગંધાનો જન્મ ઓગષ્ટ મહિનાની 18 તારીખે થયો હતો. એના માતા-પિતાએ એને કહ્યું હતું કે 'જ્યારે તારો જન્મ થયો ત્યારે અમદાવાદમાં વરસાદે માઝા મુકી હતી. પ્રસુતિગૃહ સુધી ગાડીમાં પહોંચતા તો વરસાદે નાકે દમ લાવી દીધો હતો.'

દર વર્ષે આવતા વરસાદને જોઇ એની માતા સુલક્ષણાબેન એના જન્મ વખતે આવેલા વરસાદની ઘટનાને વરસાદ જોતાં જોતાં યાદ કરી સુગંધાને કહેતા હતા. વરસાદ અને સુગંધાનો નાતો એકબીજા સાથે અનન્ય રીતે જોડાઇ ગયો હતો એવી સુગંધાને વર્ષો પછી ખબર પડી હતી.

એચ.એલ. કોમર્સ કોલેજમાં ભણતી સુગંધા જ્યારે અવિનાશના પ્રેમમાં પડી ત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો. અવિનાશ અને સુગંધા કોલેજમાં સાથે જ ભણતા હતાં. સુગંધા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, પરંતુ વરસાદની સાક્ષીએ અવિનાશ અને એની વચ્ચે ઊભો થયેલો પ્રેમનો સંબંધ ભણતર ઉપર ભારી પડ્યો હતો. ગ્રેજ્યુએશન સારા ટકા સાથે એ પાસ કરી શકી ન હતી, પરંતુ અવિનાશ જોડે લગ્ન કરાવવાની જીદ એણે એના માતા-પિતા પાસે પૂરી કરાવી દીધી હતી.

સુગંધા અને અવિનાશના લગ્ન 6 જૂનના દિવસે થયા હતાં. લગ્ન થયા ત્યારે સુગંધાની ઉંમર એકવીસ વર્ષની હતી અને એ દિવસે પણ વરસાદે આવીને સુગંધા અને અવિનાશના લગ્નની સાક્ષી પૂરી હતી.

લગ્ન પછી જ સુગંધાને ખબર પડી હતી કે અવિનાશના પિતાના માથે લાખો રૂપિયાનું દેવું છે. અવિનાશ અને સુગંધા વચ્ચે પણ લગ્ન બાદ ખૂબ મનમોટાવ રહેવા લાગ્યો હતો.

પિતાએ કરેલા દેવાના કારણે અવિનાશ હતાશામાં આવી ગયો હતો અને દારૂ અને જુગારની લતે ચડી ગયો હતો. સુગંધાએ અવિનાશ જોડે પ્રેમલગ્ન કર્યા હતાં માટે એ આ સંબંધને તોડવા માંગતી ન હતી. એટલે એ એની સાથે દુઃખભર્યું અને પીડાવાળું જીવન નિભાવે જતી હતી.

અવિનાશની માતાનું તો વર્ષો પહેલા નિધન થઇ ગયું હતું અને દેવાના ભાર નીચે દબાઇને એના પિતા પણ અવિનાશ અને સુગંધાના લગ્નના છ મહિના બાદ જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતાં.

અવિનાશે જીવનમાં કોઇપણ કાર્ય સારું પણ કર્યું ન હતું અને પૂરું પણ કર્યું ન હતું. બધી જ રીતે અશક્ત એવા અવિનાશ દારૂ પીને સુગંધાને મારવામાં પૂરેપૂરી શક્તિ વાપરતો હતો. એ જ્યારે સુગંધાને મારતો હોય ત્યારે એ દૃશ્ય કોઇ જુએ તો ચોક્કસ એવું કહે કે કોઇ બળદને લાકડીથી મારી રહ્યું હોય એવું દૃશ્ય આંખ સામે સર્જાતું હતું. સુગંધા બધો ઢોર માર મૂંગા મોઢે સહન કરતી હતી પણ એના મા-બાપને જરા પણ એનો અણસાર આવવા દેતી ન હતી.

એક દિવસ અવિનાશે સુગંધા ઉપર ચારિત્ર્યહીન હોવાનો ધબ્બો મારી એને ઘરમાંથી કાઢી મુકી હતી. સુગંધાનું લગ્નજીવન માંડ એક વરસ ચાલ્યું હશે. 6 જૂને થયેલા લગ્ન બીજા વર્ષે 10 જૂને ચારિત્ર્યહીન હોવાના આરોપ સાથે પૂરા પણ થઇ ગયા.

માત્ર બાવીસ વર્ષની ઉંમરે સુગંધા પિતાના ઘરે વરસાદમાં ભીંજાતી ભીંજાતી તન અને મનથી પતિ સાથે રહેવા છતાં સાવ કોરી અને પવિત્ર એ ચારિત્ર્યહીન હોવાના આરોપ સાથે ઘરે પાછી આવી હતી.

માતા-પિતા બંન્નેએ સુગંધાને ખૂબ જ પ્રેમ અને વ્હાલથી પાછી અપનાવી લીધી હતી. સુગંધાને હવે વરસાદ સાથે નફરત થઇ ગઇ હતી, કારણકે એનો જન્મ વરસતા વરસાદમાં થયો હતો, એને પ્રેમ પણ થયો તો એનો સાક્ષી વરસાદ જ હતો, લગ્નના દિવસે પણ મુખ્ય મહેમાન વરસાદ જ હતો અને એના પર ચારિત્ર્યહીન હોવાનો આક્ષેપ પતિએ મુક્યો ત્યારે બહાર ધોધમાર વરસી રહેલો વરસાદ જ હતો.

માતા-પિતાના પ્રેમના સહારે સહારે અંદરથી સાવ તૂટી ગયેલી અને જીવતી લાશ જેવી બની ગયેલી સુગંધા ફરીવાર જીવવાની કોશિષ કરી રહી હતી. હજી તો એ પુનર્જીવિત થાય અને એનું જીવન ફરીવાર પાટા પર ચડે એ પહેલા તો બરાબર એક વરસ પછી 20 જૂનના દિવસે વરસતા વરસાદમાં એના માતા-પિતા કાર અકસ્માતમાં આ દુનિયા છોડીને ચાલી નીકળ્યા હતાં. વરસાદ ફરીવાર એના માટે એક કારમો ઘા લઇને આવ્યો હતો. મનુષ્યના જીવન માટે વરદાન સમો વરસાદ સુગંધા માટે શ્રાપ બની ગયો હતો.

સુગંધાના મામા મુંબઇમાં પ્રોફેસર હતાં અને મુંબઇમાં એકલા જ રહેતા હતાં. પોતાની બેન-બનેવીના દુઃખદ અવસાન પછી તેઓ સુગંધાને સમજાવીને મુંબઇ લઇ આવ્યા હતાં. મુંબઇમાં જ મનોચિકિત્સક ડોક્ટરની ટ્રીટમેન્ટ બાદ લગભગ અર્ધ પાગલ જેવી થઇ ગયેલી સુગંધાએ પોતાની નોર્મલ જિંદગીને મામાની છત્રછાયામાં જીવવાની શરૂ કરી દીધી હતી.

સુગંધાએ મામાના કહેવાથી પોતાનું ભણતર શરૂ કર્યું અને બી.એડ. કરી અને એમ.એડ. પૂરું કર્યું. સુગંધાએ પોતાનું વિખરાયેલું જીવન પહેલા ભણતર તરફ કેન્દ્રિત કર્યું ત્યારબાદ મામા જે કોલેજમાં પ્રોફેસર હતાં એ કોલેજમાં એ પ્રોફેસર બની અને ભણાવવા લાગી હતી.

દર વર્ષે વરસતો વરસાદ એના જીવનના ભૂતકાળના દુઃખોની યાદ અપાવી જતો હતો. વરસાદ એના જખ્મોને ફરીવાર ખોલીને લોહીલુહાણ કરી નાંખતો હતો. ભૂતકાળ સુગંધાના મનમાંથી ખસતો જ ન હતો. સુગંધાને પોતાને એવું લાગતું હતું કે એ પોતે જીવી કઇ રીતે રહી છે? એ સવાલ છે. આમ કરતા કરતા છવ્વીસ ચોમાસા સુગંધાએ એના જીવનના વીતાવ્યા હતાં.

મામા પણ હવે એંશી વર્ષના થયા હતાં. મામાની બધી જવાબદારી સુગંધાના માથે આવીને પડી હતી. સુગંધાએ અમદાવાદ છોડ્યા પછી ક્યારેય અમદાવાદ પાછી ગઇ ન હતી. પરંતુ પિતાનો બંગલો જે હવે સુગંધાના નામે હતો એને ખરીદવા માટે એક બિલ્ડર બે વરસથી પાછળ પડ્યો હતો. છેવટે અમદાવાદ સાથેની છેલ્લી લેણદેણ પણ પૂરી કરી નાંખવા માટે આજે સુગંધા કમને અમદાવાદની ધરતી તરફ જઇ રહી હતી.

સવારે છ વાગે એ વી.એસ. હોસ્પિટલ પાસે આવેલી એક નામાંકિત હોટલમાં ઉતરી હતી. બિલ્ડર સાથે હોટલની રેસ્ટોરન્ટમાં બેસી બંગલાનો સોદો એણે નક્કી કરી નાંખ્યો હતો. પિતાએ ખૂબ જ પ્રેમથી બનાવેલા બંગલાને જીવનમાં એકવાર છેલ્લે છેલ્લે જોઇ લઉં એવી તીવ્ર ઇચ્છાને એ રોકી શકી ન હતી અને એટલે રીક્ષા કરીને એ બંગલા ઉપર પહોંચી હતી.

ઝાંપો ખોલીને એ બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશી હતી. ચાવી એની પાસે હતી. એણે જઇને બંગલાનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો. બંગલો સાવ અવાવરું થઇ ગયો હતો. દર વર્ષે એ આખો બંગલો મુંબઇથી પૈસા મોકલીને સાફ-સફાઇ કરાવી લેતી હતી પણ છતાંય એ હવે ઊભો નથી રહી શકતો એની ચાડી એની દિવાલો ખાઇ રહી હતી.

સુગંધા ઘરના દરેક રૂમમાં ફરી રહી હતી અને માતા-પિતા સાથેની બાળપણની બધી જ યાદો બે કલાક તૂટેલી ખુરશીમાં બેસીને એણે વાગોળી હતી.

બંગલાની બરાબર બહાર રસ્તાની સામે બાજુ એણે ચાની કીટલી દેખાઇ હતી. ઘરમાંથી એ બહાર નીકળીને ચા પીવા માટે કીટલી ઉપર ગઇ હતી.

સુગંધા કીટલી ઉપર ચા પી રહી હતી ત્યારે એક ભિખારી એની પાસે આવ્યો અને ભીખ માંગવા લાગ્યો હતો. સુગંધાએ પાકીટમાં હાથ નાંખી અને દસ રૂપિયાની નોટ ભિખારીના વાડકામાં નાંખી હતી. દસ રૂપિયાની નોટ ભિખારીના વાડકામાં નાંખતી વખતે અનાયાસે એની નજર ભિખારીના મોઢા પર ગઇ હતી. ભિખારીને જોઇ એ સ્તબ્ધ થઇ ગઇ હતી. એ ભિખારી અવિનાશ હતો. પણ અવિનાશ એને ઓળખી શકે એવી માનસિક પરિસ્થિતિમાં ન હતો. લગભગ એ ગાંડા જેવો થઇ ગયો હતો. ચા વાળાએ એને પ્લાસ્ટિકના કપમાં ચા આપી હતી.

"બહેન, તમે આને રૂપિયા ના આપો. આ રૂપિયાથી એ દારૂ પીવે છે. એને એનો ભૂતકાળ કે વર્તમાન યાદ નથી. બસ, માત્ર દારૂ પીવાનું જ યાદ છે. રોજ આવીને સામેના બંગલા તરફ જે બંગલામાંથી તમે બહાર આવ્યા એના તરફ એ જોયા કરે છે અને કોઇકવાર ચોમાસાની ઋતુમાં સુગંધા.... સુગંધાની બૂમો પાડ્યા કરે છે." ચા વાળાએ સુગંધા સામે જોઇ કહ્યું હતું.

સુગંધાએ ચા વાળા પાસેથી બે વેફરના પડીકા લીધા અને અવિનાશ પાસે જઇ એના વાડકામાં મુક્યા અને સો રૂપિયાની એક નોટ પણ સાથે મુકી હતી. રસ્તો ક્રોસ કરી સુગંધા બંગલા તરફ જઇ રહી હતી ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એના જીવનની આ ક્ષણમાં પણ વરસાદે પોતાની હાજરી પુરાવી હતી.

એવામાં જ એને 'સુગંધા... સુગંધા...' નામની બૂમો સંભળાઇ હતી. સુગંધાના કાને અવિનાશની આ બૂમો સંભળાઇ હતી.

સુગંધાએ પાછા વળીને અવિનાશ તરફ જોયું અને પોતાની આંખમાં આંસુ શોધવા લાગી હતી પરંતુ રડી રડીને સુગંધાની આંખના આંસુ આ જીવનના પતી ગયા હતાં. એના હાથમાં માત્ર ધોધમાર વરસાદના ટીપાં જ આવ્યા હતાં.

(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)

- ૐ ગુરુ