ડરપોક નંદન Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડરપોક નંદન

ડરપોક નંદન

આ ઘટના 1980ના વર્ષની આસપાસની છે.



બોકરવાડા ગામમાં રઘુનાથભાઇ અને તેમના ધર્મપત્ની જાનકીબેન રહેતા હતાં. રઘુનાથભાઇ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. લગ્નના દસ વર્ષ પછી એમને નંદન નામે પુત્ર ભગવાનની કૃપાથી થયો હતો. નંદનના આવવાથી પતિ-પત્નીના જીવનમાં આનંદ છવાઇ ગયો હતો. પરંતુ એ આનંદ વધુ લાંબો સમય રઘુનાથભાઇના જીવનમાં રહ્યો ન હતો.

"જાનકી, આપણો દીકરો નંદન ખૂબ ડરપોક છે. બાર વર્ષનો થયો છતાંય પથારીમાં પેશાબ કરી જાય છે. ગામના છોકરાઓ સાથે રમવા માટે પણ જતો નથી. આ ઉંમરે તો છોકરાઓ સંતાકૂકડી, આંબલી-પીપળી, ગીલ્લીદંડા, કબ્બડી જેવી કેટલીય રમત રમતા થઇ ગયા હોય પણ આપણો દીકરો એટલો ડરપોક છે કે ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ઘર સિવાય કશે જતો નથી. મને તો હવે આની ખૂબ ચિંતા થાય છે. માત્ર આપણા રસોઇયાના દીકરા માધા સાથે જ આખો દિવસ ઘરના ફળિયામાં રમ્યા કરે છે. આવું ને આવું રહ્યું તો એ ડરપોક બનીને આખી જિંદગી પસાર કરશે." રઘુનાથે નિસાસો નાંખતા પત્ની જાનકીને કહ્યું હતું.

"તમે નાહકની ચિંતા કરો છો. આપણો નંદન ખૂબ બહાદુર બનશે. હજી તો માંડ બાર વર્ષનો થયો છે અને તમે આદુ ખાઇને એની પાછળ પડી ગયા છો. ભગવાને લગ્નના દસ વર્ષ પછી આટલો રૂડો-રૂપાળો છોકરો આપ્યો છે એનો આનંદ કરવાના બદલે એ ડરપોક છે એવું કહી એની પાછળ જ પડ્યા રહો છો. ભગવાન બધું સારું કરશે. તમે ચિંતા ના કરો." જાનકીએ પતિને ઠપકો અને આશ્વાસન બંન્ને સાથે આપતા કહ્યું હતું.

નંદન અંદર રૂમમાં બેઠો બેઠો બધી વાત સાંભળી રહ્યો હતો.

નંદને એના મનની મૂંઝવણ એની ઉંમરના જ મિત્ર માધાને કહી હતી.

"મારા પિતાજી મને ડરપોક ગણે છે પરંતુ ડરવા જેવી વાત હોય તો ડર તો લાગે ને? રાત્રે સપનામાં ભૂત આવે તો કોઇને પણ પથારીમાં પેશાબ થઇ જાય અને ગામના છોકરાઓ જોડે રમવા જઇએ અને ઝાડ ઉપરથી પડી જઇએ કે નદીમાં ડૂબી જઇએ તો મરી જવાયને? પિતાજી વકીલ હોવા છતાં આટલી સીધી વાત કેમ સમજતા નથી?" નંદને આશ્ચર્ય સાથે મિત્ર માધાને પૂછ્યું હતું.

"નંદન, તારી વાત તો સાચી છે. તારે આ બધી વાત તારા પિતાજીને કહેવી જોઇએ. જેથી એ તારી વાતને સમજી શકે." માધાએ બોલ ઉછાળતા ઉછાળતા નંદનને કહ્યું હતું.

"પિતાજીને વાત કરું? પિતાજી સામે આવે તો મારા મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. મને સૌથી વધારે એમનો જ ડર લાગે છે. એ જ્યારે રાત્રે ઘરે આવે એટલે હું તરત સુવા જતો રહું છું અને સવારે એ એમના કામ માટે નીકળે પછી જ હું ઉઠું છું. માટે પિતાજીને તો હું કશું કહી શકું એમ છું જ નહિ." નંદને રડમસ અવાજે મિત્ર માધાને કહ્યું હતું.

"ચાલ આપણે બંન્ને રમીએ. તારા પિતાજી તારી વાત એક દિવસ સમજશે." માધાએ નંદનને કહ્યું હતું.

માધાની વાત સાંભળી બંન્ને મિત્રો પાછા રમવા લાગી ગયા હતાં.

"મેં મહેસાણા એક ડોક્ટરની તપાસ કરી છે. ડોક્ટર બહુ સારા છે. નંદનને આપણે એમની પાસે લઇ જઇએ. નંદનનો ડર ભગાડવાની એમની પાસે ચોક્કસ કોઇ દવા હશે." રઘુનાથે પત્ની જાનકીને કહ્યું હતું.

"ના રે ના... હું મારા એકના એક દીકરા નંદનને ડોક્ટરોના ઇન્જેક્શન અને દવા ખવડાવવા નથી માંગતી. જો તમે મારા દીકરાને ડોક્ટર પાસે લઇ ગયા છો તો મારાથી ખરાબ કોઇ નહિ હોય, એ સમજી લેજો." જાનકીએ પતિને કહ્યું હતું.

નંદન સુતા સુતા માતા-પિતાની વાત સાંભળી રહ્યો હતો. ઇન્જેક્શનનું નામ સાંભળી એ એકદમ ડરી ગયો હતો પણ માતાએ કરેલા પોતાના બચાવથી એ ખુશ થઇ ગયો હતો.

"મારી મમ્મી મારી બધી વાત સમજે છે અને મારો પક્ષ પણ લે છે. મારી મમ્મી ના હોય તો મારા પપ્પા તો મને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી દે." નંદન આવું બબડતા બબડતા સુઇ ગયો હતો.

રઘુનાથ એક દિવસ નંદનના અભ્યાસ વિશે પૂછવા સ્કૂલના આચાર્ય સુમતીલાલ શાહ પાસે ગયા હતાં પરંતુ આચાર્યએ જે વાત કહી એ સાંભળી રઘુનાથ ખૂબ મનમાં ને મનમાં નંદન ઉપર ગુસ્સે થયા હતાં.

"જુઓ રઘુનાથભાઇ, તમારો દીકરો નંદન સવારે સ્કૂલે આવે ત્યારથી સ્કૂલમાંથી છૂટે ત્યાં સુધી પોતાના જ વર્ગમાં બેસી રહે છે. સ્કૂલના બાળકો જોડે પણ હળતોમળતો નથી અને કોઇને મિત્રો બનાવતો નથી. નાસ્તો કરવા માટે પણ એકલો જ બેસે છે. સ્કૂલની કોઇપણ પ્રવૃત્તિમાં રસ લેતો નથી અને એ ડરપોક હોવાની સાથે સાથે એકલવાયો રહ્યા કરે છે. આ રીતે તો એનો વિકાસ રૂંધાઇ જશે. તમે અને તમારા ધર્મપત્ની એને આ બાબતે થોડું સમજાવો નહિતર પછી નાછૂટકે અમારે એને સ્કૂલમાંથી બરતરફ કરવો પડશે." આચાર્યએ રઘુનાથને નંદનની ફરિયાદ કરતા કહ્યું હતું.

ઘરે આવી રઘુનાથે જાનકીને સ્કૂલના આચાર્યએ કહેલી બધી વાત શબ્દસહ કહી હતી. રઘુનાથની વાત સાંભળી એમની પત્ની જાનકી પણ ખૂબ ચિંતામાં પડી ગઇ હતી. નંદન પણ બારણાંમાં ઊભો રહી પિતાની વાતને સાંભળી રહ્યો હતો. રઘુનાથની વાત સાંભળી જાનકી રૂમમાં જઇ રડવા લાગી હતી ત્યારે નંદને એની માતા પાસે જઇ કહ્યું હતું.

"મમ્મી તું નાહક ચિંતા કરે છે. હું મારા વર્ગમાં બેસી અને મારા સ્કૂલની ભણવાની ચોપડીઓ વાંચતો હોઉં છું. અમારા સ્કૂલના આચાર્યને દરેક વાત વધારીને કહેવાની ટેવ છે. તું ચિંતા ના કરીશ. એક દિવસ ભગવાન મને બહાદુર બનાવશે ત્યારે આપણે બધાંને દેખાડી દઇશું." નંદને માતાના આંસુ લૂછતાં કહ્યું હતું.

નંદનની વાત સાંભળી જાનકીએ એને ગળે લગાડી દીધો હતો. જાનકી માટે તો નંદન ઈશ્વરે આપેલા વરદાન સમાન હતો. નંદનના ડરપોક બનવા પાછળ અજાણતા પણ જાનકીની વધુ પડતી મમતા અને નંદનને હાથમાં ને હાથમાં રાખવાની એની ટેવ ઓછા-વત્તા અંશે કારણભૂત હતી.

એક દિવસ સાંજે નંદન અને માધો રોજના નિત્યક્રમ પ્રમાણે ઘરની બહાર આવેલા ફળિયામાં બોલથી રમી રહ્યા હતાં. રઘુનાથ પણ ઓટલા ઉપર બેસી સવારનું બાકી રહેલું છાપું વાંચી રહ્યા હતાં. એટલામાં ફળિયામાં બનાવેલા કૂવા પાસે બોલ જઇ રહ્યો હતો. માધો બોલ લેવા માટે ઝડપથી એની પાછળ દોડી રહ્યો હતો. કૂવા પાસે જઇ એ બોલ લેવા જતા એ પણ બોલ સાથે કૂવામાં પડ્યો હતો. માધોની બરાબર પાછળ નંદન દોડી રહ્યો હતો. નંદન કૂવા પાસે પહોંચ્યો અને તરત એ પણ માધાની પાછળ કૂવામાં પડી ગયો હતો. આ દૃશ્ય જોઇને રઘુનાથ દોડતા-દોડતા કૂવા પાસે આવ્યા અને કૂવામાં દોરડું લટકાવી દીધું અને બૂમાબૂમ કરી ઘરના નોકરચાકરને તેમજ રસ્તા પર જતા લોકોને મદદ કરવા કૂવા પાસે બોલાવી લીધા હતાં.

બધાંએ ભેગા થઇ માધા અને નંદનને કૂવામાંથી બહાર કાઢ્યા હતાં. હજી નંદન કશુંક બોલે એ પહેલા રઘુનાથ નંદનને ભેટી પડ્યા હતાં.

"વાહ મારા બહાદુર નંદન વાહ, તે આજે તારી જાનની પરવાહ કર્યા વગર તારા મિત્રનો જીવ બચાવ્યો. તું હવે ડરપોક નથી રહ્યો પરંતુ બહાદુર નંદન બની ગયો છે." પિતા રઘુનાથે પોતાની ગજગજ છાતી ફુલાવીને નંદનને કહ્યું હતું.

ડરપોક નંદને કૂવામાં પડી પોતાના મિત્રની જાન બચાવી એ વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઇ હતી. શાળાના આચાર્યએ પણ આ વાતની સત્યતા ચકાસીને સ્કૂલના વાર્ષિક સમારંભમાં નંદનને બહાદુરીનું ઇનામ આપવાનું પણ જાહેર કરી દીધું હતું. સ્થાનિક દૈનિક ન્યૂઝપેપરમાં પણ નંદનનો ફોટો બહાદુર બાળક તરીકે છપાયો હતો.

આ ઘટના બન્યા પછી નંદન ખુશ તો રહેતો હતો પરંતુ કૂવાથી ખૂબ દૂર રમતો હતો.

"પિતાજી, મારે તમને એક વાત કહેવી છે." નંદને એક દિવસ હિંમત કરી પિતા રઘુનાથને કહ્યું હતું.

"હા બોલ બોલ મારા બહાદુર દીકરા બોલ, શું કહેવું છે તારે?" રઘુનાથે નંદનને પોતાની બાજુમાં બેસાડતા પૂછ્યું હતું.

"પિતાજી, આપણા કૂવાની ફરતે ઊંચો કોટ કરાવી દો જેથી ફરીવાર કોઇ કૂવામાં પડે નહિ નહિતર પાછું એને બચાવવા માટે મારે કૂવામાં પડવું પડશે." નંદને પિતા રઘુનાથને કહ્યું હતું.

નંદનની આ વાત એની મમ્મી જાનકી પણ સાંભળી રહી હતી.

"વાહ મારો દીકરો કેટલો પ્રેમાળ અને હિંમતવાન છે. બીજાની જાન બચાવવા માટે એ ફરીવાર કૂવામાં પડવા પણ તૈયાર છે. તમે કાલે ને કાલે કૂવાની ફરતે કોટ બનાવડાવી દો જેથી ફરીથી કૂવામાં કોઇ પડે નહિ. જા બેટા, તું સૂઇ જા." જાનકીબેન પોતાની આંખમાં આવેલા હરખના આંસુ લૂછતાં લૂછતાં બોલ્યા હતાં.

નંદન પિતાના રૂમમાંથી નીકળી ઘરમાં આવેલા ભગવાનના રૂમમાં ગયો હતો અને ભગવાનની મૂર્તિ સામે ઊભો રહી ગયો હતો.

"હે ભગવાન! હું તમારી જેમ ઝાડ પર પણ નથી ચડી શકતો કે નથી નદીમાં પડી તરી શકતો, નથી તમારી જેમ તોફાન મસ્તી કરી ગામના લોકોનો પ્રિય બની શકતો પરંતુ જે દિવસે મેં મારા મિત્ર માધાને કૂવામાં પડીને બચાવ્યો એ દિવસે હું જાણી જોઇને કૂવામાં પડ્યો ન હતો. હું કૂવા પાસે પહોંચ્યો અને મારો પગ લપસ્યો અને એટલે હું કૂવામાં પડ્યો હતો. મારી ઇચ્છા આ વાત પિતાજીને કહી દેવાની હતી પરંતુ પિતાજીએ એ પહેલા જ મને બહાદુર નંદન કહી ગળે લગાડી દીધો હતો. હું સમજણો થયો ત્યારથી મેં પહેલીવાર પિતાજીને આટલા બધાં ખુશ જોયા હતાં અને એટલેજ હું કશું બોલ્યો નહિ. મારા ચૂપ રહેવાના કારણે બધાં મને બહાદુર સમજવા લાગ્યા. સ્કૂલમાંથી પણ મને બહાદુરીનું ઇનામ મળવાનું છે. છાપામાં પણ મારો બહાદુર બાળક તરીકે ફોટો છપાયો છે. પરંતુ આ વાત હું તમને એટલા માટે કહું છું કે મેં સાંભળ્યું છે કે જૂઠ્ઠું બોલનારને તમે નર્કમાં લઇ જઇ ગરમ તેલના તાવડામાં તળો છો અને મને દાઝી જવાનો ખૂબ ડર લાગે છે માટે ભગવાન મારા આ જૂઠ્ઠું બોલવાની વાતને તું માફ કરી દેજે. મને મારી જાતને બહાદુર કહેવડાવવાનો જરાય આનંદ નથી અને ડરપોક રહીને જ હું મારી જાતથી ખુશ છું. મેં મારી ભૂલની માફી માંગી લીધી છે માટે હવે તું મને સજા નહિ આપે. મારી મમ્મીનું કહેવું છે કે જૂઠ્ઠું બોલનાર ભગવાન સામે માફી માંગી લે તો ભગવાન એને માફ કરી દે છે માટે ભગવાન મને માફ કરી દેજે અને હા, ખાસ કરીને પેલા તેલના તાવડામાં તળવાવાળી વાત યાદ રાખી મને એમાંથી બચાવજો અને આ વાત મારી અને તમારી વચ્ચે જ રાખજો. સવારે મારી મમ્મી તમારી પૂજા કરવા આવે ત્યારે એને કહી ના દેતા." આટલું બોલી નંદન પોતાના રૂમમાં જઇ સુઇ ગયો હતો.

( એક સત્ય ઘટના પર આધારિત )

- ૐ ગુરુ