"કહું છું, આ સૂરજ ત્રીસ વરસનો થયો અને હજી એના લગ્ન પણ ગોઠવાતા નથી. મને છેલ્લા છ મહિનાથી મનમાં એવું થાય છે કે આપણે નાનપણમાં એની બાબરી ઉતરાવી ન હતી એના કારણે એના લગ્ન નહિ થતા હોય એવું તો નહિ હોયને? આપણા ગામ બોકરવાડામાં કુળદેવીના મંદિરમાં બાબરી ઉતારવાની પ્રથા છે પરંતુ તમારી જીદના કારણે આપણે એ પ્રથા પાળી શક્યા નથી અને બાધા પૂરી કરી શક્યા નથી એના કારણે જ આનું લગ્નનું અટકતું હશે એવું શીલાભાભીએ મને ગઇકાલે ફોનમાં કહ્યું હતું. બસ ત્યારથી જ મારા મનમાં આ વાત ફર્યા કરે છે." પત્ની વસુધાએ પતિ રમાકાંત રાવલને કહ્યું હતું.
"હવે નાનાપણમાં બાબરી ના ઉતારી હોય એના કારણે લગ્ન ના થાય આ બધી કારણ વગરની વાતો હું માનતો નથી. સૂરજના લગ્ન ન થવાનું કારણ એક તો આપણે બોરીવલી (ઇસ્ટ) માં એક રૂમ રસોડાના ફ્લેટમાં રહીએ છીએ એ અને બીજું કારણ એ શરીરે જરૂર કરતા થોડો વધારે જાડો છે. આ બંન્ને કારણ જ એના લગ્નમાં બાધક બને છે." પત્નીની વાત ધ્યાનમાં ન લેતા રમાકાંતભાઇએ પોતાનો જવાબ આપ્યો હતો.
"તમારા આ જ નાસ્તિક સ્વભાવના કારણે નાનપણમાં તમે એની બાબરી ઉતરાવવા દીધી ન હતી. દીકરો ત્રીસ વરસનો થયો છતાં તમારા પેટનું પાણી હલતું નથી. સમાજમાં કે સમાજ બહાર આપણે એના લગ્ન માટે વાત મુકીએ છીએ તોય કોઇ જગ્યાએ એના લગ્નનો મેળ પડતો નથી અને બોરીવલી (ઇસ્ટ)માં એક રૂમ રસોડામાં રહેતા હોય એવા આપણા જેવા ઘણાં લોકોના છોકરાઓના લગ્ન થઇ ગયા છે. આપણા ફ્લેટનું જ ઉદાહરણ લો તો બધાંના છોકરા-છોકરી પરણી ગયા છે. બસ, આપણો આ રાજકુંવર જ બાકી રહ્યો છે. માટે એક રૂમ રસોડાની વાત અને બોરીવલી (ઇસ્ટ)ની વાત તમે મગજમાંથી કાઢી નાંખો કે એના કારણે સૂરજનું લગ્ન થતું નથી." વસુધાએ તપીને પતિને જવાબ આપ્યો હતો.
"સારું તો પછી સાંજે સૂરજ આવે એટલે એને વાત કરી બોકરવાડા જતા આવીએ. તારા મનમાં એટલાં બધાં વ્હેમ ભરેલા છે કે જેની કોઇ સીમા નથી. નાનપણમાં સૂરજ કેટલો રૂપાળો દેખાતો હતો. એના લાંબા ભૂરા વાળમાં અને માંજરી આંખોમાં એનું મોઢું ખૂબ વ્હાલ આવે એવું લાગતું હતું અને એટલે જ મેં એની બાબરી ઉતરાવી ન હતી. મને ખબર હોત કે ત્રીસ વર્ષ પછી મારા વ્હાલને નાસ્તિક હોવાનું ઇનામ મળવાનું છે તો એ જ સમયે ગામ જઇ અને એની બાબરી ઉતરાવી દીધી હોત." રમાકાંતભાઇએ અકળાઇને પત્નીને જવાબ આપ્યો હતો.
સાંજે સૂરજ વરસાદમાં પલળતો પલળતો ઘરે આવ્યો હતો. ઘરે આવી કપડાં બદલીને ચા પી રહ્યો હતો ત્યારે વસુધાબેને એને બાબરી ઉતરાવા બોકરવાડા જવાની વાત કરી હતી.
છેલ્લાં પાંચ વરસથી એક જીવનસાથી તલાશ કરી રહેલા સૂરજને હવે પત્ની મેળવવા માટે માથે ટાલ કરાવવી પડશે એ સાંભળી એને પોતાની જાત ઉપર અને દુનિયાની બધી છોકરીઓ પર ગુસ્સો આવ્યો હતો.
સૂરજને રોજ મનમાં થતું હતું કે આટલી બધી છોકરીઓમાંથી એક છોકરી મને જીવનસાથી તરીકે મળી ના શકે. જેની સાથે હું મારા સુખ-દુઃખની વાતો અને મારા દિલની લાગણીઓને કહી શકું અને એની સાથે આનંદપૂર્વક મારો ઘરસંસાર શરૂ કરી શકું.
સૂરજ આ બધાં વિચારોમાં મગ્ન હતો એ વખતે જ એના કાને રમાકાંતભાઇનો અવાજ અથડાયો હતો.
"તારી મમ્મી તને સૂરજમાંથી ચાંદ બનાવવા માંગે છે. તારો ટકો થશે એટલે તને કન્યા મળી જશે. માટે રવિવારની ગામ જવાની ટિકીટ હું બુક કરાવી દઉં છું. બાબરી ઉતરાવવાથી તને છોકરી મળશે એવી તારી મમ્મીની માન્યતા છે. માટે કાલે ટકો કર્યા પછી છોકરી ના મળે તો મારો વાંક ના કાઢતો." રમાકાંતભાઇએ ટકોર કરતા સૂરજને કહ્યું હતું.
"તમને પણ સારા કામ કરતા પહેલા નકારો કરવાની ટેવ પડી ગઇ છે. મારો દીકરો કોમ્પ્યુટર એન્જિનિયર બનેલો છે. બધી જ રીતે હોંશિયાર છે. બસ ખાલી..." વસુધાબેને વાક્ય અધુરું છોડી દીધું હતું.
"બસ ખાલી એક પત્ની મળતી નથી. જે ટકો કરાવવાથી મળી જશે." રમાકાંતભાઇએ ફરીવાર વાતને હસવામાં ઉડાવી દીધી હતી.
સૂરજ અને વસુધા બંન્ને એમની સામે ગુસ્સાથી જોઇ રહ્યા હતાં.
શનિવારે રાત્રે ટ્રેનમાં બેસી રવિવારે સવારે ત્રણેય જણ અમદાવાદ રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતાં. અમદાવાદ સ્ટેશન ઉપર પહેલેથી જ બોકરવાડા ગામ જવા માટે ટેક્ષી બોલાવીને રાખી હતી. એ ટેક્ષીમાં તેઓ અમદાવાદથી બોકરવાડા જવા માટે નીકળ્યા હતાં. રસ્તામાં વરસાદે ખૂબ માઝા મુકી હતી. શ્રાવણ મહિનાનો વરસાદ સોળે કળાએ ખીલીને વરસી રહ્યો હતો.
વરસતા વરસાદમાં ત્રણેય જણા બોકરવાડા ગામ પહોંચ્યા હતાં. રમાકાંતભાઇએ પહેલેથી જ ફોન કરી અને પૂજારીને બાબરીની વિધિ કરવા માટે બધી તૈયારી કરી રાખવાનું કહ્યું હતું. પૂજારીએ પણ સૂચના પ્રમાણે પૂજાની બધી જ તૈયારીઓ કરી રાખી હતી.
કાળુ હજામ હજામતનો બધો સામાન લઇ મંદિરના ઓટલા ઉપર આસન પાથરીને બેઠો હતો. મંદિરમાં પૂજા પતાવી અને સૂરજ આસન ઉપર આવીને બેસી ગયો હતો. વર્ષોથી હજામત કરતા કાળુએ દસ મિનિટમાં તો ખૂબ જતનથી ઉગાડેલા સૂરજના બધાં વાળ સફાચટ કરી દીધા હતાં. પોતાના કપાયેલા વાળને નીચે પડેલા જોઇ સૂરજ ખૂબ દુઃખી થયો હતો કારણકે આટલા લાંબા-કાળા-ઘેરા વાળ પણ એને જીવનસાથી અપાવી શક્યા ન હતાં માટે એનો હરખશોક કરવો નકામો હતો એવું સૂરજને લાગ્યું હતું.
માથા પર એક પણ વાળ સૂરજને રહ્યો નહિ. સૂરજ આસન પરથી ઊભો થયો એવો તરત જ બંધ થયેલો વરસાદ ફરી તૂટી પડ્યો હતો. વરસાદના ટીપાં સૂરજની ટાલ પર પડી રહ્યા હતાં. સૂરજને એવો ભ્રમ થયો કે જાણે સ્વયં માતાજી એને આશીર્વાદ આપી રહ્યા છે.
વરસતા વરસાદને પોતાના વાળ વગરના માથા પર અનુભવ કરવાનો સૂરજને આનંદ આવ્યો હતો. પાંચ મિનિટ એ વરસાદમાં મન ભરીને નાહ્યો હતો. બાબરીની પ્રક્રિયા પતાવી ત્રણે જણ મુંબઇ પાછા આવી ગયા હતાં.
સૂરજના માથા પર ટકો જોઇ ઓફિસમાં મિત્રો એવું સમજ્યા કે રમાકાંતભાઇને કશુંક થઇ ગયું.
"ના ભાઇ ના..., મારા પપ્પાને કશું થયું નથી પરંતુ એક જૂની બાધા પૂરી કરવા માટે ગામ જઇ મારે બાબરી ઉતરાવવી પડી હતી." સૂરજે મિત્રોને કહ્યું હતું.
લગ્ન નથી થતાં માટે વાળ ઉતરાવ્યા છે એવું કહેતા સૂરજને સંકોચ થતો હતો.
"સૂરજ માટે એક છોકરીની વાત આવી છે. આપણા સમાજની જ છોકરી છે. એના પિતા રમેશ રાવલ વર્ષોથી અમેરિકા સેટલ થયેલા છે. છોકરી લગ્ન કરવા માટે ઇન્ડિયા આવી છે. છોકરીનું નામ લાવણ્યા છે. એ છોકરી પણ શિકાગોમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે કોર્પોરેટ કંપનીમાં જોબ કરે છે. આપણી જ્ઞાતિની બુકમાંથી એણે સૂરજનો ફોટો અને બાયોડેટા વાંચીને સૂરજ પસંદ પડ્યો છે માટે અંધેરીમાં રહેતા એના મામાનો ફોન આવ્યો હતો. સૂરજ અને લાવણ્યા એકબીજાને મળે એ માટેની વાત મને કહી હતી. એમની ઇચ્છા એવી હતી કે છોકરો-છોકરી બહાર એકબીજાને મળી લે અને પસંદ પડે તો પછી આપણે બધાં મીટીંગ કરીએ." રમાકાંતભાઇએ વસુધાને વાત કરી હતી.
"તમારે હા પાડવી હતીને. બાબરી ઉતરાવ્યા પછી આ પહેલી વાત આવી છે. કદાચ માતાજીના આમાં આશીર્વાદ હોય." વસુધાએ પતિને કહ્યું હતું.
"હા તો મેં પાડી દીધી છે. કાલે સાંજે સાત વાગે અંધેરી રેલ્વે સ્ટેશન પાસે આવેલા કોફી શોપમાં સૂરજ લાવણ્યાને મળવા આવશે એવું મેં કહી પણ દીધું છે અને સૂરજનો મોબાઇલ નંબર પણ આપી દીધો છે અને છોકરીનો મોબાઇલ નંબર સૂરજને આપવા માટે લઇ લીધો છે. આમાં બસ એક જ પ્રશ્ન છે, જો સૂરજ અને લાવણ્યા એકબીજાને પસંદ કરે તો સૂરજે અમેરિકા જવું પડે. લાવણ્યા અહીંયા આવીને રહે એવું નહિ બને." રમાકાંતભાઇએ પત્ની વસુધાને કહ્યું હતું.
"હા, એ તો મને પણ સમજાઇ ગયું પણ સૂરજની જિંદગી બની જતી હોય અને એના જીવનસાથીની તલાશ પૂરી થઇ જતી હોય તો ભલેને એ બંન્ને પોતાનું જીવન શાંતિથી જીવે. આપણે બંન્ને અહીં પ્રેમથી એકલા જીવીશું અને અમેરિકા જતા આવતા રહીશું. આપણે કાઢ્યા છે એટલા વર્ષો તો હવે આપણે આ દુનિયામાં કાઢવાના નથી. સૂરજ અહીંયાથી અમેરિકા જાય તો આપણે એને જે આપી નથી શક્યા એ બધું એ ત્યાં પોતાની મહેનતથી મેળવી શકે." વસુધાબેને પતિ સામે જોઇ કહ્યું હતું.
સાંજે સૂરજ ઘરે આવ્યો ત્યારે રમાકાંતભાઇએ આખી વાત સૂરજને કહી હતી. રમાકાંતભાઇની વાત સાંભળી સૂરજ અકળાયો હતો.
"હજી બાબરી ઉતરાવ્યાને સાત જ દિવસ થયા છે. મારા આખા માથામાં ટાલ છે. જીન્સ, ટી-શર્ટ અને માથે ટાલ સાથે કોફી શોપમાં જઇશ તો છોકરી મીટીંગ કર્યા વગર જ ના પાડી દેશે. બે મહિના મારા માથા પર વાળ તો ઉગવા દો, પછી મીટીંગ ગોઠવો." સૂરજે ગુસ્સાથી કહ્યું હતું.
"તારા માથાના આ ટકાની તું ચિંતા ના કર. મેં છોકરીના મામાને કહી દીધું હતું કે સાત દિવસ પહેલા એક બાધા પૂરી કરવા માટે ગામ જઇ બાબરી ઉતરાવીને આવ્યા છીએ. એટલે એમને ખબર છે કે તારા માથે અત્યારે વાળ નથી. પરંતુ છોકરી પંદર દિવસ માટે જ આવી છે માટે મીટીંગ કરવી જરૂરી છે એવું એમણે મને કહ્યું હતું અને છોકરીએ લગ્ન તારી સાથે કરવાના છે, તારા વાળ સાથે થોડી કરવાના છે." રમાકાંતભાઇએ હસીને સૂરજને કહ્યું હતું.
બીજા દિવસે સૂરજ કમને અંધેરી રેલ્વે સ્ટેશન પાસે આવેલા કોફી શોપમાં લાવણ્યાને મળવા ગયો હતો. લાવણ્યા કોફી શોપના કોર્નરના ટેબલ ઉપર બેઠી હતી. કોફી શોપમાં પ્રવેશી સૂરજે એના ફોન ઉપર રીંગ મારી હતી. સૂરજનો ફોન ઉપાડી એણે ટેબલ પાસેથી સૂરજ સામે જોઇ હાથ ઊંચો કર્યો હતો. સૂરજ લાવણ્યાની બરાબર સામે મુકેલી ખુરશી પર બેસી ગયો હતો.
લાવણ્યા દેખાવમાં ઠીકઠાક લાગતી હતી. સૂરજ અને લાવણ્યા લગભગ એક કલાક સુધી વાત કરતા રહ્યા. એકબીજાની પસંદ નાપસંદની ચર્ચા પણ કરી લીધી હતી. પહેલી જ મીટીંગમાં બંન્નેએ એકબીજા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. બંન્ને દેખાવમાં એકબીજાના સમાંતર હતાં.
બંન્ને જણે એકબીજાના દેખાવ કરતા એકબીજાના ભણતર અને એકબીજાની સમજણને વધારે પ્રાધાન્ય આપ્યું હોય એવું બંન્ને પક્ષોના વડીલને સમજાઇ ગયું હતું.
લાવણ્યાને શિકાગો પાછા જવાનું હોવાના કારણે ચોમાસાની ઋતુમાં જ વરસતા વરસાદમાં અંધેરીમાં આવેલા એક બેન્ક્વેટ હોલમાં ધામધૂમથી બંન્નેના લગ્ન થયા હતાં. લાવણ્યાના માતા-પિતા પણ લગ્ન નક્કી થયા એટલે અમેરિકાથી આવી ગયા હતાં. બંન્નેના માતા-પિતા અને સગાસંબંધીઓએ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતાં.
લગ્ન પતાવીને અઠવાડિયામાં તો લાવણ્યા એના માતા-પિતા સાથે પાછી અમેરિકા જતી રહી હતી. દસ મહિના પછી સૂરજ પણ શિકાગો પહોંચી ગયો હતો અને ત્યાં સારી કંપનીમાં નોકરીએ પણ લાગી ગયો હતો. લાવણ્યા અને સૂરજ બંન્નેએ પોતાનો ઘરસંસાર શિકાગોમાં વસાવી દીધો હતો.
"ગયા ચોમાસામાં સૂરજના લગ્ન થયા હતાં. લગ્નને એક વરસ પૂરું થવા આવ્યું છે. આ બાબરીના પ્રતાપે સૂરજનો ઘરસંસાર તો વસી ગયો પણ આપણો ઘરસંસાર તૂટી ગયો. સૂરજ વગર આ એક રૂમ રસોડાનું ઘર પણ મને ખાવા આવે છે. સૂરજ વગર મને જરાય ગમતું નથી." રમાકાંતભાઇએ નિસાસો નાંખીને વસુધાને કહ્યું હતું.
બારીમાંથી વરસાદની વાછટ ઘરમાં આવી રહી હતી. વસુધાબેને ઊભા થઇને બારી બંધ કરી અને રમાકાંતભાઇ સામે જોયું હતું.
"હવે ઈશ્વર એના અન્ન-જળ-તડકો-છાંયડો અને વરસાદ અમેરિકામાં લખ્યા હશે અને આપણા અહીં મુંબઇમાં જ પૂરા કરવાના લખ્યા હશે." વસુધાબેને રમાકાંતભાઇ સામે જોઇ કહ્યું હતું.
જીવનમાં પહેલીવાર રમાકાંતભાઇની આંખમાંથી આંસુ અસ્ખલિતપણે વહી રહ્યા હતાં. વર્ષોથી આંખોમાં રહેલા આંસુ વરસાદની જેમ એમની આંખમાંથી પડી રહ્યા હતાં.
પતિની આંખમાં આવેલા આંસુઓનું પૂર વસુધાને મુંબઇમાં વરસતા મૂશળધાર વરસાદ કરતા પણ વધુ લાગ્યું હતું.
(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)
- ૐ ગુરુ