sonal nu khun books and stories free download online pdf in Gujarati

સોનલનું ખૂન

વાર્તા

સોનલનું ખૂન


હરમન અને જમાલ પોતાની ઓફિસમાં બેસી નવા કેસ ઉપર વિચારવિમર્શ કરી રહ્યા હતાં, બરાબર એ જ વખતે ઇન્સ્પેક્ટર રાઠોડનો ફોન હરમનના મોબાઇલ ઉપર આવ્યો હતો.

"હેલો હરમન, આજે રાત્રે તારે મારી સાથે મારા ખાસ મિત્ર અને મહિના પહેલા જ ACP તરીકે નિવૃત્ત થયેલ પોલીસ અધિકારી સૂરજસિંહે એમની રીટાયર્ડમેન્ટ નિમિત્તે રાખેલી પાર્ટીમાં આવવાનું છે. પાર્ટીમાં આવવા માટે એમણે તને ખાસ આમંત્રણ આપ્યું છે." ઇન્સ્પેક્ટર રાઠોડે હરમનને કહ્યું હતું.

"રાઠોડ સાહેબ, હું અને ACP સૂરજસિંહ ક્યારેય પણ એકબીજાને મળ્યા નથી કે ઓળખતા નથી. છતાંય એમણે મને પાર્ટીમાં કેમ આમંત્રિત કર્યો છે?" હરમને ઇન્સ્પેક્ટર રાઠોડને આશ્ચર્ય સાથે પૂછ્યું હતું.

"ACP સૂરજસિંહને મેં તારા વિશે ઘણી બધી વાતો કહી છે. મારી વાતો સાંભળીને એ તારા કામથી ખૂબ પ્રભાવિત થયા છે અને એટલે જ એમણે એમની પાર્ટીમાં તને આમંત્રિત કર્યો છે અને એક કેસ બાબતે પણ તને કશુંક પૂછવા પણ માંગે છે." ઇન્સ્પેક્ટર રાઠોડે હરમનના મનમાં ઊભા થયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું.

"સારું ઇન્સ્પેક્ટર રાઠોડ, હું અને જમાલ પાર્ટીમાં આવી જઇશું. તમે પાર્ટી જે જગ્યાએ છે એનું સરનામું મને વોટ્સએપ કરી દેજો." હરમને આમંત્રણ સ્વીકારતા કહ્યું હતું.

"પાર્ટી સૂરજસિંહના બંગલા ઉપર જ છે અને રાત્રે નવ વાગે છે. હું એમના બંગલાનું સરનામું તને વોટ્સએપ કરી દઉં છું." આટલું બોલી ઇન્સ્પેક્ટર રાઠોડે ફોન મુકી દીધો હતો.

રાત્રે નવ વાગે હરમન અને જમાલ ઇન્સ્પેક્ટર રાઠોડે આપેલા સરનામા ઉપર પ્હોંચી ગયા હતાં. પાર્ટીમાં ખૂબ જ ખાસ લોકોને બોલાવ્યા હોય એવું હરમને નોંધ્યું હતું.

હરમન અને જમાલને બંગલામાં પ્રવેશ થતા જોઇને ઇન્સ્પેક્ટર રાઠોડ એની નજીક આવ્યા હતાં.

"હરમન, સારું થયું તું આવી ગયો. હું તારી જ રાહ જોતો હતો. ACP સૂરજસિંહની તબિયત બપોરથી ઠીક નથી અને આ બધાં મહેમાનો પણ એમના અંગત મિત્રો જેવા જ છે, માટે એ પાર્ટીમાં હાજર ના હોય તો પણ કોઇને ખોટું લાગે નહિ. એ અત્યારે એમના બેડરૂમમાં આરામ કરી રહ્યા છે અને આપણને અંદર એમના રૂમમાં બોલાવ્યા છે." આટલું બોલી ઇન્સ્પેક્ટર રાઠોડ સૂરજસિંહના બેડરૂમ તરફ ચાલવા લાગ્યા હતાં.

હરમન, જમાલ અને ઇન્સ્પેક્ટર રાઠોડ દરવાજો ખખડાવીને રીટાયર્ડ ACP સૂરજસિંહના બેડરૂમમાં પ્રવેશ્યા હતાં. સૂરજસિંહ બેડરૂમના સોફા પર બેસીને ટી.વી. ઉપર IPLની મેચ જોઇ રહ્યા હતાં.

ત્રણેય જણને આવેલા જોઇ એમણે ટી.વી. બંધ કર્યું અને સોફા પરથી ઊભા થયા હતાં. ઇન્સ્પેક્ટર રાઠોડે બધાંની ઓળખાણ એકબીજા સાથે કરાવી હતી. સૂરજસિંહે બધાંને બેસવાનું કહ્યું હતું અને બધાં માટે સોફ્ટ ડ્રીંક્સ મંગાવ્યું હતું.

"સૂરજ સાહેબ, તમે મને પાર્ટીમાં આમંત્રિત કર્યો એનો મને ખૂબ આનંદ છે. ઇન્સ્પેક્ટર રાઠોડે કહ્યું કે આપની તબિયત સારી નથી." હરમને વાતનો દોર ચાલુ કરતા કહ્યું હતું.

"હા, થોડુંક તાવ જેવું લાગે છે. બાકી બધું બરાબર છે. હરમનભાઇ, મેં લગભગ પાંત્રીસ વર્ષ પોલીસમાં નોકરી કરી અને ACP તરીકે રીટાયર્ડ થયો. પરંતુ એક કેસ મારા આખા કેરીયરમાં એવો બન્યો કે જે કેસે મને હલાવી નાંખ્યો અને હું જાણતો હતો છતાં સબુતના અભાવે ખૂનીને પકડી શક્યો નહિ અને આ કેસ ચાલ્યો ત્યાં સુધી હું ખૂનીને પકડી શક્યો નહિ એનું તો દુઃખ છે, પરંતુ આ કેસનું રહસ્ય પણ હજી એકદમ અકબંધ રહ્યું છે. ઇન્સ્પેક્ટર રાઠોડ તમારા ખૂબ વખાણ કરતા હતાં, એટલે મેં વિચાર્યું કે આ કેસ બાબતે તમારી જોડે ચર્ચા કરી લઉં. હવે હું રીટાયર્ડ થઇ ગયો, માટે આ કેસ બાબતે કશું કરી શકવાનો નથી. પરંતુ છતાંય આનું રહસ્ય ઉકલે તો મને આનંદ થશે." ACP સૂરજસિંહે પરિચય બાદ મૂળ વાત ઉપર આવતા કહ્યું હતું.

હરમન સમજી ગયો કે રીટાયર્ડ ACP સૂરજસિંહે એને આ કેસના ઉકેલ માટે જ પાર્ટીમાં આમંત્રિત કર્યો છે.

"ACP સાહેબ, તમારા જેવા ચાલાક અને હોંશિયાર પોલીસ અધિકારી આ કેસ ઉકેલી ના શક્યા તો હું અહીં બેઠા-બેઠા કોઇ તપાસ કર્યા વગર કેસને કઇ રીતે ઉકેલી શકીશ. છતાંય આપ જો મારા સવાલોના જવાબ આપશો તો હું કેસ ઉકેલવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ." હરમને પણ સૂરજસિંહની મૌખિક રીતે કહ્યા વગર આપેલી ચેલેંજ સ્વીકારતો હોય એવી રીતે કહ્યું હતું.

"હા ચોક્કસ, તમારા દરેક સવાલનો મને ખબર હશે એટલો જવાબ હું અચૂક આપીશ અને સાચો આપીશ. સૌપ્રથમ તમને એ ખૂન કેસની આખી માહિતી વિગતવાર કહી દઉં. 1975માં વિરમગામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે મારી બદલી થઇ હતી. વિરમગામ એ વખતે ખૂબ નાનું અને અવિકસિત હતું. હું પણ નવો નવો ઇન્સ્પેક્ટર બન્યો હોવાના કારણે જોશમાં હતો. ત્યાં મારી મુલાકાત ત્યાંની પ્રાથમિક શાળામાં નોકરી કરતી બાવીસ વર્ષની રાધિકા સાથે થઇ હતી. હું મળ્યો ત્યારે એના લગ્ન થયેલા હતાં અને એ જે સ્કૂલમાં નોકરી કરતી હતી એ સ્કૂલમાં થયેલી ચોરીની ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન આવી હતી. રાધિકાનો પતિ દારૂડિયો હતો અને એની જોડે મારઝૂડ કરતો હતો. રાધિકાએ આ વાત મને સ્કૂલમાં થયેલી ચોરીની ફરિયાદ લખાવતા કહી હતી અને મને એના પતિમાંથી છોડાવવાની અરજ પણ કરી હતી. રાધિકાને એના પતિના ચંગુલમાંથી છોડાવવા માટે મેં એને ઘણીવાર પોલીસ સ્ટેશન બોલાવી અલગ-અલગ ગુનાઓ માટે ડરાવ્યો અને ધમકાવ્યો હતો. રાધિકાનો પતિ વિરમગામમાં માથાભારે અને ગેરકાયદેસર કામો કરતો હતો. એનું નામ જગત હતું, પરંતુ આખું વિરમગામ એને જગુના નામે ઓળખતું હતું. વારંવાર પોલીસ સ્ટેશને જગુને બોલાવીને ધમકાવવાથી એનામાં થોડું પરિવર્તન આવ્યું હતું અને એ સુધરવા લાગ્યો હતો. વિરમગામમાં એ વખતે મને બે વર્ષ રાખ્યા બાદ મારી બદલી ડિપાર્ટમેન્ટે અમદાવાદમાં દરિયાપુરમાં કરી હતી. ત્યારબાદ વીસ વર્ષ પછી ફરીવાર મારી બદલી વિરમગામ થઇ હતી. અમદાવાદ આવ્યા બાદ હું રાધિકા કે જગુના સંપર્કમાં ન હતો. એ વખતે આવી મોબાઇલની સવલત ન હતી." ACP સૂરજસિંહ બોલ્યા હતાં અને એ વખતે વેઇટર રૂમમાં બધાં માટે ભોજન લઇને આવ્યો એના કારણે સૂરજસિંહ ચૂપ થઇ ગયા હતાં.

બધાંએ ભોજન કરી લીધું ત્યારબાદ સૂરજસિંહે પોતાની વાત આગળ ચલાવી હતી.

"વિરમગામ 1995માં ફરી બદલી થયા બાદ મેં જગુ અને રાધિકાની તપાસ કરી હતી. તપાસ કરતા મને ખબર પડી કે જગુએ વિરમગામમાં કોઇ શેઠના ત્યાં ચોરી કરી હતી અને ચપ્પુથી એમનું ખૂન કર્યું હતું. જેના કારણે એને ઉમરકેદની સજા થઇ હતી. રાધિકા જે સ્કૂલમાં નોકરી કરતી હતી એ સ્કૂલમાં જઇને તપાસ કરતા માલુમ પડ્યું કે રાધિકા એક વર્ષ પહેલા જ ટી.બી.ના રોગમાં મૃત્યુ પામી હતી અને રાધિકા અને જગુને એક દીકરી હતી જેનું નામ સોનલ હતું. રાધિકાએ એના મૃત્યુના એક વર્ષ પહેલા સોનલના લગ્ન વિરમગામમાં એનાથી પંદર વર્ષ મોટા એક સોના-ચાંદીના વેપારી ઘનશ્યામ સાથે કરાવી દીધા હતાં. સોનલ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને બોલવા ચાલવામાં ખૂબ ચબરાખ હતી. એવું મને સોનલ વિશે તપાસ કરતા માલુમ પડ્યું હતું." આટલું બોલી સૂરજસિંહ થોડી મિનિટો માટે ઊભા રહ્યા હતાં.

"હવે એક દિવસની વાત છે. હું રાત્રે પોલીસ સ્ટેશનથી અમદાવાદ તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં મેં ચાર જણને ખભા ઉપર એક ઠાઠડી લઇ જતા જોયાં હતાં. એમની જોડે એક જીપ ધીમે-ધીમે ચાલી રહી હતી. મને નવાઇ લાગી કે આટલી મોડી રાત્રે લાશ લઇને સ્મશાન તરફ કોણ જઇ રહ્યુ છે! હિંદુ ધર્મ પ્રમાણે તો રાત્રે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં ના આવે. મને શક પડતા મેં જોરથી હોર્ન માર્યો હતો અને જીપમાંથી ઉતરું એ પહેલા એ લોકો મૃતદેહ ત્યાં જ છોડીને જીપમાં બેસીને ભાગી ગયા હતાં. મેં જઇને મૃતદેહનું મોઢું ખોલ્યું તો હું આશ્ચર્યચકિત થઇ ગયો હતો. એ મૃતદેહ સોનલનો હતો. હું તરત પોલીસ સ્ટેશન પાછો આવ્યો અને ત્યાંથી હવાલદારોને લઇ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી આપ્યો હતો અને આ વાતની જાણ એના પતિને કરવા અને એની પૂછતાછ કરવા સોનલના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં નોકરે કહ્યું કે સોનલનો પતિ ઘનશ્યામ એના મિત્ર રાજુભાઇની દુકાને છે. હું તરત જ વિરમગામના બજારમાં આવેલી રાજુભાઇની કરિયાણાની દુકાને પહોંચ્યો હતો. દુકાનનો દરવાજો બંધ હતો. મેં દરવાજો ખખડાવ્યો ત્યારે રાજુભાઇએ દરવાજો ખોલ્યો હતો અને હું અને મારા બે હવાલદારો દુકાનમાં અંદર દાખલ થઇ ગયા હતાં. રાજુભાઇએ એવું જણાવ્યું કે એ, ઘનશ્યામ, દિનેશ અને રતન આ ચાર મિત્રો રોજ એની દુકાનમાં બેસી અને ગપ્પા મારતા હોય છે અને ક્યારેક ક્યારેક દારૂ પીતા હોય છે. પરંતુ એ દિવસે એ લોકો સાંજના સાત વાગ્યાથી રાતના અગિયાર વાગે જ્યારે હું દુકાનમાં પહોંચ્યો ત્યાં સુધી વાતો કરી રહ્યા હતાં અને કોઇપણ વ્યક્તિ દુકાનમાંથી બહાર ગયું ન હતું. મેં ચારેય જણને ખૂબ જ ધમકાવ્યા અને એમની પૂછપરછ કરી, પરંતુ ચારેય પોતાનું બયાન બદલવા તૈયાર ન હતાં." આટલું બોલી સૂરજસિંહ પાણી પીવા માટે રોકાયા હતાં.

પાણી પીધા બાદ એ આગળ બોલ્યા હતાં.

"બીજા દિવસે પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં એવું આવ્યું કે સોનલના ગળાના ભાગમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ પર માર મારી એને તોડી નાંખવામાં આવી છે. આ કારણે જો પોસ્ટમોર્ટમ ના થાય તો ખૂન થયું છે એવી ખબર પણ ના પડે. એના શરીર ઉપર મારઝૂડના કે હાથાપાઇના કોઇ નિશાન ન હતાં. પરંતુ મને એના પતિ ઘનશ્યામ ઉપર શક નહિ પરંતુ વિશ્વાસ હતો કે સોનલની હત્યા એના પતિએ જ કરી છે. એટલે હું હાથધોઇ એની પાછળ પડી ગયો હતો, પરંતુ સબુતોના અભાવે એને ગીરફ્તાર કરવો શક્ય ન હતો. સોનલના મૃત્યુના એક મહિના બાદ ઘનશ્યામના નોકરનો પોલીસ સ્ટેશન ફોન આવ્યો હતો કે ઘનશ્યામ મૃત્યુ પામ્યો છે. નોકર દ્વારા સમાચાર મળતા જ હું તાબડતોબ ઘનશ્યામના ઘરે પહોંચ્યો હતો અને એની બોડી પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમના રીપોર્ટ ઉપરથી ફરીવાર એવું સાબિત થયું કે ઘનશ્યામની પણ થાઇરોઇડની ગ્રંથિ ઉપર ખૂનીએ વાર કર્યો છે અને ઘનશ્યામનું મૃત્યુ થયું છે. ઘનશ્યામ અને સોનલનું મૃત્યુ રાત્રિના સાત થી દસના ગાળા દરમ્યાન એક જ સમયે થયું અને બંન્ને ઘટના ખૂનની જ હતી. એટલું હું ચોક્કસ કહી શકું છું. હવે તમે મને કહો કે આ બંન્ને ખૂન કરના ખૂની કોણ? જો સોનલની હત્યા ઘનશ્યામે કરી હોય તો ઘનશ્યામનો ખૂની કોણ?" સૂરજસિંહે ચીરૂટ સળગાવતા હરમન સામે જોઇ પૂછ્યું હતું.

સૂરજસિંહે સંભળાવેલો કેસ સાંભળીને ઇન્સ્પેક્ટર રાઠોડ અને જમાલ પણ વિચારમાં પડી ગયા હતાં. હરમન હવે શું કરે છે અને શું બોલે છે એ જોવા બંન્ને જણા આતુર હતાં.

"સૂરજ સાહેબ, સોનલનું ખૂન થયું એ રાત્રે ઘનશ્યામ અને એના ત્રણ મિત્રોએ તમારી પૂછપરછ દરમ્યાન પોતાના શું બયાન આપ્યા હતાં?" હરમને પૂછ્યું હતું.

"ઘનશ્યામ એની પત્નીના ખૂનની વાત સાંભળી પહેલા તો રડવા લાગ્યો હતો અને પછી ઘનશ્યામે મને કહ્યું હતું કે એ સાત વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી એટલેકે જ્યાં સુધી હું દુકાનમાં દાખલ ના થયો ત્યાં સુધી એ ત્યાં જ હતો અને દુકાનમાંથી પાંચ મિનિટ માટે પણ બહાર નીકળ્યો નથી. ઘનશ્યામનો પહેલો મિત્ર રાજુ, એણે મને કહ્યું હતું કે હું જ્યારે એમની દુકાનમાં દાખલ થયો ત્યારે ચારેચાર જણ દુકાનમાં હતાં અને સોનલનું ચરિત્ર પ્રમાણમાં સારું ન હતું. બીજા મિત્ર દિનેશે એવું કહ્યું હતું કે અમે ચાર જણ નિર્દોષ છીએ અને અમે દુકાનમાંથી બહાર નીકળ્યા નથી. પરંતુ સોનલના ચરિત્ર વિશે એ કશું ખરાબ બોલ્યો ન હતો અને એ માણસ મને ભલો પણ લાગ્યો હતો. ત્રીજો મિત્ર રતન કે જે સોનલના ચરિત્ર વિશે ખૂબ ખરાબ બોલી રહ્યો હતો અને એ પોતે અને બીજા ત્રણ જણા નિર્દોષ છે અને ચારેય જણા દુકાનની બહાર નથી નીકળ્યા એ બયાનને દોહરાવ્યું હતું. પરંતુ રતન મને પ્રમાણમાં ગુંડા જેવો લાગ્યો હતો. સોનલનું ચરિત્ર સારું જ હતું અને એ નિષ્કલંક હતી એવું મને તપાસ કરતા ખબર પડી હતી." ચીરૂટ પીતા-પીતા સૂરજસિંહે હરમનને દરેકના બયાન કહ્યા હતાં.

"તમને વાંધો ના હોય તો તમને એક પર્સનલ સવાલ પૂછું?" હરમને અચાનક પોતાના સવાલનો પાટો બદલ્યો હતો.

"હા ચોક્કસ પૂછો." સૂરજસિંહે થોડું વિચાર્યા બાદ હરમનને કહ્યું હતું.

"સૂરજ સાહેબ, આપે લગ્ન કર્યા છે કે કર્યા હતાં?" હરમને સૂરજસિંહ સામે જોઇ પૂછ્યું હતું.

"ના, પોલીસની નોકરીમાં અને દોડાદોડમાં લગ્ન કરવાની કોઇ તક મળી નહિ, માટે મેં લગ્ન કર્યા નથી." રીટાયર્ડ ACP સૂરજસિંહે ટૂંકમાં જવાબ આપ્યો હતો.

સૂરજસિંહનો જવાબ સાંભળી હરમન વિચારમાં પડી ગયો હતો.

"મને લાગે છે કે સોનલનું ખૂન એના પતિ ઘનશ્યામે જ કર્યું છે અને ઘનશ્યામનું ખૂન એના સગા પિતાએ કર્યું છે." હરમને ઝડપથી પોતાનું નિવેદન આપ્યું હતું.

"સોનલનું ખૂન એના પતિ ઘનશ્યામે કર્યું, પણ કઇ રીતે?" સૂરજસિંહે હરમનની સામે જોઇને પૂછ્યું હતું.

"સોનલનું ખૂન કરવા માટે ઘનશ્યામ રાજુની દુકાનેથી નીકળ્યો હશે અને સોનલનું ખૂન કરી પાછો આવી ગયો હશે. તમે કહ્યું એ પ્રમાણે એનો પતિ ઘનશ્યામ એનાથી મોટો હતો અને મોડી રાત સુધી બહાર રહેતો હતો જેના કારણે સોનલ સાથે એના કોઇ ઝાઝા સંબંધો ન હતાં. ઘનશ્યામ ચોક્કસ થાઇરોઇડ ગ્રંથિ વિશે જાણતો હશે અને એના ઉપર વાર કરવાથી મૃત્યુ થાય એની એને જાણ હશે અને એટલે જ એણે આ રીતે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી પાછો રાજુની દુકાને આવી ગયો હતો. તમે કહ્યું એ પ્રમાણે રાજુ, દિનેશ અને રતન ઘનશ્યામના મિત્રો હતાં. એટલે મિત્રને બચાવવા માટે તેઓ પોતાના બયાન ઉપર અડગ અને ચૂપ રહ્યા હતાં એવું મારું ચોક્કસપણે માનવું છે." હરમને સોનલના ખૂન વિશે રહસ્ય ખોલતા કહ્યું હતું.

"ચાલો આ વાત તમારી સાચી એકવાર માટે માની લઇએ, તો પછી ઘનશ્યામનું ખૂન કોણે કર્યું હશે?" સૂરજસિંહ અઘરા સવાલ ઉપર આવ્યા હતાં.

"સોનલનું ખૂન ઘનશ્યામે કર્યું અને ઘનશ્યામનું ખૂન એના પિતાએ કર્યું." હરમને પોતાના માથાના વાળ સરખા કરતા કહ્યું હતું.

"શું ગપ્પા મારે છે તું. સોનલનો પિતા તો જેલમાં હતો. જેલમાંથી એ બહાર આવીને ખૂન કઇ રીતે કરી શકે?" સૂરજસિંહે હસતા હસતા હરમનને કહ્યું હતું.

"સૂરજ સાહેબ, મારો કહેવાનો મતલબ છે કે સોનલના અસલી પિતા એટલે કે એના બાયોલોજીકલ ફાધર એટલેકે આપે સોનલના ખૂનનો બદલો લેવા ઘનશ્યામનું ખૂન કર્યું." હરમને સીગરેટ સળગાવતા સૂરજસિંહ સામે જોઇ કહ્યું હતું.

હરમનની વાત સાંભળી જમાલ અને ઇન્સ્પેક્ટર રાઠોડને આંચકો લાગ્યો હતો અને સૂરજસિંહની સળગતી ચીરૂટ નીચે કારપેટ ઉપર પડી ગઇ હતી. ઇન્સ્પેક્ટર રાઠોડે ઊભા થઇ તરત ચીરૂટને પોતાના પગથી ઓલવી નાંખી હતી.

રીટાયર્ડ ACP સૂરજસિંહ હજી હરમને આપેલા આંચકામાંથી બહાર આવ્યા ન હતાં. થોડીવારમાં સૂરજસિંહે પોતાની જાતને સંભાળી.

"હરમન, તું ખરેખર હોંશિયાર છે. પરંતુ તને આ વાતની ખબર કઇ રીતે પડી? તારા હાથમાં તો કેસની ફાઇલ પણ નથી અને કોઇ સબુત પણ નથી, તો પછી મેં જ આ ખૂન કર્યું છે એ તને કઇ રીતે ખબર પડી?" સૂરજસિંહે બીજી ચીરૂટ સળગાવતા હરમનને પૂછ્યું હતું.

"સૂરજ સાહેબ, જ્યારે તમે વાત કહેવાની શરૂ કરી ત્યારે રાધિકાની જેવી વાત આવી ત્યારે તમારા મોઢાના હાવભાવ એકદમ બદલાઇ ગયા હતાં. એના માટેનો પ્રેમ તમારી આંખોમાં છલકાઇ આવ્યો હતો અને સોનલની વાત ચાલતી હતી ત્યારે તમે સોનલ ચરિત્ર્યહીન હોવા છતાં એનું ચરિત્ર્ય સારું છે એવું દર્શાવવાનો વારંવાર પ્રયત્ન કરી રહ્યા હતાં અને વારંવાર સોનલનો પક્ષ ખેંચી રહ્યા હતાં. ઘનશ્યામનો એક મિત્ર દિનેશે સોનલના ચારિત્ર્ય વિશે કોઇ ખરાબ અભિપ્રાય ના આપ્યો તો એ તમને સારો અને ભોળો લાગ્યો હતો. જ્યારે બીજા મિત્ર રતને સોનલ ના ચારિત્ર્ય વિશે ખૂબ ખરાબ અભિપ્રાય આપ્યો તો એ તમને ગુંડા જેવો લાગ્યો જ્યારે દિનેશ અને રતન બંન્નેને તમે પહેલી જ વાર મળ્યા હતાં. તમે જાણી ગયા હતાં કે ઘનશ્યામે જ સોનલનું ખૂન કર્યું છે. પરંતુ તમારી પાસે સબુતનો અભાવ હતો અને એટલે જ તમે તમારી એકની એક દીકરી અને મૃત્યુ પામેલી પ્રેમિકા રાધિકાની આત્માને શાંતિ મળે એ માટે તમારી દીકરીનું ખૂન કરનાર એના પતિનું ખૂન બરાબર એ જ રીતે અને એ જ સમયે કર્યું જે રીતે અને જે સમયે ઘનશ્યામે સોનલનું ખૂન કર્યું હતું. તમે ઇચ્છત તો એનું ગળું પણ દબાવી શક્યા હોત અને એને બંદૂકની ગોળી પણ મારી શક્યા હોત, પરંતુ તમે એ જ રીતે ઘનશ્યામને માર્યો જે રીતે એણે સોનલને મારી, જેથી બદલો લેવાનો તમને સંતોષ થાય. ઘનશ્યામના ખૂનની વાત કહેતી વખતે તમે ખૂબ જ સંતુષ્ટ અને શાંત દેખાતા હતાં અને સૌથી મહત્વની વાત મેં જે જોઇ કે એક નિવૃત્ત થયેલ ACP તાવમાં તપતો હોય અને છતાંય વર્ષો જૂના કેસને બરાબર યાદ રાખીને એ કેસ નથી ઉકલ્યો એવું જણાવીને પૂરેપૂરી માહિતી સાચી આપીને મારી બુદ્ધિને ચકાસવાનું કામ કરવાની સાથે-સાથે મારા કરતા તમે વધારે હોંશિયાર છો એવું પણ સાબિત કરવા માંગતા હતાં. મારા કહેવાથી આપને ખોટું લાગ્યું હોય તો આપને હું ક્ષમા માંગુ છું." હરમને લાફો મારીને ગાલને પાછો પંપાળી પણ લીધો હતો.

"ના હરમન, તું સાચો છે. મેં મારી દીકરીનો બદલો લેવા જ ઘનશ્યામનું ખૂન કર્યું." આટલું બોલી સૂરજસિંહ ઊભા થઇને હરમનને ગળે લગાડી લીધો હતો.

ત્રણે જણ બંગલામાંથી બહાર નીકળી અને પોતપોતાની ગાડીમાં ઘરે જઇ રહ્યા હતાં, પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે સૂરજસિંહે જે કર્યું એ બરાબર હતું કે ન હતું?

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED