'પપ્પા એક ખુશ ખબર છે. આપણા આ બંગલાની કિંમત બિલ્ડર દસ કરોડ આપી રહ્યો છે. આમ તો એની માર્કેટ વેલ્યુ ચાર કરોડ જ થાય. પરંતુ બંગલો જો બિલ્ડરને વેચી દઈએ તો એ લોકો અહીં ફ્લેટની સ્કીમ ઊભી કરશે અને દસ કરોડ આપણને આપશે. આ પ્રોપટી વેચીને આપણે બોપલ સાઈડ નવા બનેલા બંગલાઓ ખરીદી તેમાં રહેવા જતા રહીએ. હું તો ઓફર સાંભળીને ખુશ થઇ ગયો. મેં તો બિલ્ડરને કહ્યું કે કાલે મારા પપ્પા સાથે તમારી મીટીંગ પણ કરાવી દઉ છું.' કથને જમતા-જમતા પિતા રમેશભાઈને કહ્યું હતું.
રમેશભાઈનો હાથ જમતા-જમતા અટકી ગયો, રૂમાલથી એમણે હાથ લૂછી નાખ્યા અને ઊભા થઈ ડ્રોઈંગરૂમમાં જઈ બેસી ગયા.
'બેટા કથન તારે આપણું આ ઘર વેચવું છે? આ આપણું ઘર નથી, આ તારા દાદા જ્યંતિભાઈએ એમના હાથે બનાવેલું આપણું ઘર પરંતુ એમનું મંદિર છે. અને મંદિરનો કોઈ દિવસ સોદો ના થાય. તને ખબર નહિ હોય શામળાની પોળમાં અમે રહેતા ત્યારે હું આઠ વર્ષનો હતો ત્યારે અમે આ ઘરમાં રહેવા આવ્યા હતા. આજે હું ૬૦ વર્ષનો થયો. ૫૨ વર્ષથી આ ઘરની અંદર મારા માં-બાપ એટલે કે તારા દાદા-દાદીની યાદો, એમનો પ્રેમ, વાત્સલ્ય આ દિવાલના ખૂણે-ખૂણે, આ ઘરની દરેક જગ્યાએ એમનું અસ્તિત્વ રહેલું છે. મારા માટે મારા માતા-પિતા ઈશ્વર સમાન હતા અને છે. અને આ એમનું મંદિર છે. આ ઘર હું કોઈપણ સંજોગોમાં દસ કરોડ નહિ સો કરોડ આપે કોઈ, તો પણ વેચવાનો નથી.’ રમેશભાઈ ગુસ્સામાં રૂમાલ કથન પર ફેંકતા કહ્યું હતું.
કથન પણ એમની સામે ડ્રોઈંગરૂમમાં સોફામાં આવીને બેસી ગયો હતો. એની મમ્મી મમતાબેન પણ કથનની બાજુમાં આવીને બેસી ગયા હતા.
'તમે પપ્પા હજી જુનવાણી વિચારો સાથે જીવો છો. આ પાલડી એરિયામાં હવે શું રાખ્યું છે? આજુબાજુ બધે ફ્લેટો ઊભા થઈ ગયા છે. આપણા બંગલાની બાજુમાં પણ ફ્લેટો ઊભા થઇ રહ્યા છે. આપણે આ રીતે તો જિંદગી ફલેટોની વચ્ચે ઘેરાઈને કેવીરીતે પસાર કરીશું? બોપલમાં બંગલો ખરીદીને ત્યાં જઈશું તો ત્યાં મોટા બંગલાની અંદર ખુલ્લી હવામાં, ખુલ્લા વાતાવરણમાં આપણે રહી શકીશું. હવે આ ઘરની માયા છોડી દો. તમે પણ આ બંગલો વેચી કલહાર બંગ્લો ખરીદો લો. આપડે બધા ત્યાં શાંતિથી જીવી શકીએ. અને એ ત્યારે જ શક્ય બનશે જયારે આપણે આ બંગલો વેચીશું.' કથને રમેશભાઈને સમજાવતા કહ્યું હતું.
‘જો દીકરા કથન તું સમજ, હું આ જ બંગલાના કમ્પાઉન્ડમાં ક્રિકેટ પણ રમ્યો છું અને લખોટીઓ પણ રમ્યો છું. લગ્ન કરીને તારી માં મમતાને પણ હું આ જ ઘરમાં લાવ્યો હતો. તું અમારુ એક નું એક સંતાન અમારા લગ્નના ચાર વર્ષ પછી જન્મ્યો હતો. તું જન્મ્યો પછી દાદા એક વર્ષ સુધી દુકાને આવ્યા ન હતા. બહાર વરંડામાં મુકેલી આરામ ખુરશીમાં બેસીને તને રમાડયા કરતા હતા. તારા દાદા મને કહેતા હતા કે ‘રમેશ આ બંગલો તારા એક દીકરા માટેતો બહુ મોટો છે. આ બંગલામાં તો આપણી સાત પેઢીઓ મોટી થઈ જશે.’ એમને શું ખબર હતી કે જે પૌત્રને પોતાના ખોળામાં રમાડી રહ્યા છે, એ જ એમણે ખુબ મહેનતથી બનાવેલું ઘર વેચવા માટે એક દિવસ તત્પર થઈ જશે. અહીંયા મારા માં-બાપના, મારા બાળપણનાં, મારી યુવાનીનાં, મારા ઘડપણનાં, તારા જન્મના અને તારા બાળપણનાં પણ મૂળિયાં રોપાયેલા છે અને આ તારા દીકરા રોહનનો જન્મ પણ આ જ ઘરમાં થયો છે. એટલે આ ઘર સાથે મારી યાદો એટલી બધી છે કે આ ઘરને ક્યારે પણ હું જીવતાંજીવત તને વેચવા નહિ દઉં. મારા માટે આ ઘર નથી પ્રેમ અને યાદો તેમજ આપણા વંશવેલાનું મૂળ છે.’ રમેશભાઈએ કથનને ગુસ્સે થતા કહ્યું હતું.
‘તમે પણ આમ શું લાગણીશીલ થઈ જાવ છો, આ ઘરના બદલે કલહારમાં જઈને રહીશું. ત્યાં બંગલો ખરીદીશું. દીકરાની ઈચ્છા છે તો એની ઈચ્છાને માન તો આપવું જોઈએ ને. હવેની જિંદગી એને જીવવાની છે, એની સામે એનું આખું ભવિષ્ય પડ્યું છે. તમે જીદ છોડી દો. અને આ ઘર કાલે બિલ્ડરને મળી વેચી નાખો.’ મમતાબેને રમેશભાઈને સલાહ આપતા કહ્યું.
‘લો, કથનની વકીલ આવી ગઈ. આ તારો દીકરો ત્રીસ વર્ષનો થયો. નાનો હતો ત્યારથી દરેક વખતે દીકરાની ઈચ્છા છે તો આટલું કરી દો ને, દીકરાને ગમે છે તો હા પાડી દો ને, દીકરો માંગે છે એટલા પૈસા આપી દો ને. તારા કીધે કીધે કરતો રહ્યો ને આની બધી ઈચ્છાઓ, ચાહે મને ગમતું હોય કે ના ગમતું હોય, હું હા પડતો ગયો. હવે આજે તારો આ સુપુત્ર મારા પિતાના, મારા મૂળિયાં ઉખેડવા માટે તૈયાર થઇ ગયો છે. તને એના ભવિષ્યની ચિંતા છે, પરંતુ હું મારી બાકીની જિંદગી શાંતિથી જીવી શકું અને ઘડપણમાં શાંતિથી આ ઘરમાં મારી સુખદ યાદો સાથે મરી શકું એવો વિચાર તને નથી આવતો?’ રમેશભાઈએ આંખમાં આંસુ સાથે મમતાબેનને પૂછ્યું હતું.
‘આ બંગલો વેચવામાં હું હા નહિ પાડુ. હું મોઢા પરથી મૂર્ખો દેખાઉં છું પણ છું નહીં. એ તું અને તારો દીકરો સમજી લેજો અને આ ઘર વેચવાની બાબતમાં કોઈપણ પ્રકારની ચર્ચા તમે બન્ને મારી જોડે ના કરો તો સારું છે. કારણ કે લાગણીઓ તો તમારા માં-દીકરા સિવાય દુનિયામાં બીજાંકોઈની પાસે તો છે જ નહિ. એવું તમે માનો છો. તારો આ જ દીકરો મને કહેતો હતો કે તમારામાં ઈમોશનલ સેન્ટિમેન્ટ નથી. તમારામાં લાગણી નથી. મારામાં લાગણી નથી? મારામાં લાગણી-પ્રેમ છે ત્યારે મને એક-એક વસ્તુ આજે પણ યાદ છે. કથનનું આ જ ડ્રોઈંગરૂમમાં ઘોડિયું મૂકતા હતા અને એ દિવાલ પર જોયા કરતો હતો હજી મારા મનમાં એ યાદ અકબંધ છે. આ જ ઘરમાં એ ચાલતા શીખ્યો, આ જ ઘરમાં એ દોડતાં શીખ્યો, આ જ ઘરમાંથી એ સ્કૂલમાં ભણ્યો- કોલેજમાં ભણવા ગયો અને એમ.બી.એ થયો અને આ જ ઘરમાં એ મારો બોસ થઇ રહ્યો છે. અને પોતાના બાપને લાગણીહીન કહી રહ્યો છે. અને તું એની વકીલ થઈ અને એની તરફેણ કરી રહી છે. જો મમતા, તારે અને તારા દીકરાને અહીંથી જવું હોય તો એપલ વુડમાં ખરીદેલા આપણા બંગલામાં તમે લોકો રહેવા જઈ શકો છો. આ ઘરમાં હું એકલો રહીશ. પરંતુ આ બંગલો ક્યારે પણ વેચાશે નહિ. આ બંગલો મારા જીવતાંજીવ તુટશે નહિ અને મારા મર્યા બાદ મારી વિલ પ્રમાણે આ પ્રોપટીને સાચવવા માટે હું ટ્રસ્ટ બનાવી દઈશ. જેથી મારા પિતાના આ મંદિરની જાળવણી થઈ શકે.’ રમેશભાઈએ પોતાનો નિર્ણય જણાવતાં કહ્યું હતું.
‘તમને તમારો દીકરો નહિ પણ આ ઘર વ્હાલું છે, એમ ને? તમને મારા ભવિષ્યની ચિંતા નથી. મને અને સોનાને હવે અહીં નથી ફાવતું. અમારે લોકોને હવે અહિયાંથી જવું છે. ઈંટની દિવાલોના મકાનને વળગીને અમે નથી રહી શકતા. અમારે અમારી લાઈફસ્ટાઈલ જીવવી છે.’ કથને ગુસ્સે થતાં રમેશભાઈને કહ્યું હતું.
‘ભાઈ, લગ્ન કરે તને આઠ વર્ષ થયા છે. અને તું તારી લાઈફસ્ટાઈલ જ જીવી રહ્યો છે. સવારથી સાંજ સુધી આપણે ફેક્ટરી પર હોઈએ ત્યાં ધંધા સિવાયની કોઈ વાત ના થાય. તારા લગ્ન થયા પહેલા કે લગ્ન થયા પછી તે તારા આ બાપ સાથે કલાક પણ બેસીને પ્રેમની વાતો કરી છે? સારી વાતો કરી છે? કોઈ દિવસ બાપાને કહ્યું છે કે ચાલો તમને મુવી જોવા લઇ જવું કે હરવા-ફરવા સાથે લઈ જવું, તું તારા મિત્રોમાં, તારી પત્નીમાં, તું તારા જીવનમાં વ્યસ્ત છે. જયારે અમે ઘરે આવતાંતા ને, તું નાનો હતો ત્યારે હું તારામાં વ્યસ્ત રહેતો હતો. હું તને કાંકરિયા લઇ જતો હતો. ઘણીવાર લો-ગાર્ડન લઇ જતો હતો. અમદાવાદમાં પહેલા તો એટલા બધા ફરવાના સ્થળ પણ ન હતા. દર વર્ષે તને બહારગામ ફરવા લઈ જતો હતો. તારા દાદા સામેથી કહેતા હતા કે જા, કથનને ફેરવીને આવ. ગમે તેટલો ફેકટરીએથી થાકેલો હોઉં, તો પણ તને દરરોજ એક કલાક આંટો ખવડાવવા લઇ જતો હતો. આટલો ટાઈમ તો તું પણ તારા દીકરા જોડે પણ પસાર નથી કરતો. તારા કરતા વધારે હું રોહન જોડે સમય પસાર કરું છું. એટલે તારી લાઈફસ્ટાઈલમાં અમે ક્યાંય દખલરૂપ છીએ નહિ. તું અહીં રહે કે પછી તને ઈચ્છા હોય ત્યાં રહે, પણ આ ઘરના ભોગે તો કશું જ નહિ થઇ શકે.’ રમેશભાઈનો પારો ધીરે -ધીરે ઉપર ચઢી રહ્યો હતો.
‘તમે એકવાર શાંતિથી વિચારો. તમારું ધંધાદારી મગજ ક્યાં ગયું? દરેક વસ્તુને તમે પૈસા અને ધંધોની નજરે જોતા આવ્યા છો. તો અહીંયા તમને સીધો છ કરોડનો પ્રોફિટ મળી રહ્યો છે. એ દેખાતુ નથી? આ બંગલો વેચવા જઈએ તો ચાર કરોડ પણ ના આવે. એના દસ કરોડ મળી રહ્યા છે. આટલું સાફ ગણિત તમને સમજાતું કેમ નથી?’ કથને પોતાની હઠને પકડી રાખતા કહ્યું હતું.
‘બેટા, રહેવાના ઘરની કિંમત ના જોવાય. રહેવાના ઘરની યાદો, રહેવાના ઘર માટેનો પ્રેમ જોવાય. આપણા માટે આ ઈંટ-સિમેન્ટનું મકાન નથી. આ આપણું ઘર છે, આની કિંમત કાલે સો કરોડ પણ થઇ જાય તો પણ આ ઘર વેચવા માટે નથી. તું સમજ્યો મારી વાત? આમાં નફોને નુકસાન દેખવાનું ના હોય. જયારે હું આ ડ્રોઈંગરૂમમાં સાંજે બેસું છું, ત્યારે મને એવું થાય છે કે હજી પણ તારા દાદા-દાદી મારી આસપાસ છે. તારા દાદા આપણને છોડીને ગયે દસ વર્ષ થઇ ગયા અને દાદીને તો પંદર વર્ષ થઇ ગયા પણ છતાં પણ આજે આ ઘરમાં હું એમની હયાતી અનુભવી શકું છું. એમના સ્પર્શને, એમની હૂંફને આજે પણ એવો જ મેહસૂસ હું કરી શકું છું. અને એ સ્પર્શ, એ હૂંફ અને એ લાગણીની સામે રૂપિયાની કોઈ વિસાત નથી દીકરા મારી વાત સમજવાની કોશિશ કાર. રૂપિયા તો આજે પણ આપણી પાસે ઘણા છે અને આપણને કોઈ વાતે કોઈ તકલીફ નથી. પછી આ ઘર વેચવાની વાત કરીને તું નાહક ની આપડા બધાની જિંદગીમાં ઝેર નાખી રહ્યો છે.’ રમેશભાઈએ દીકરાને પ્રેમથી સમજાવતા કહ્યું હતું.
‘ક્યાં સુધી તમે આ બંગલાને પકડી રાખશો? તમને જો આ ઘર આટલું જ વ્હાલું લાગતું હોય તો લાગે પણ મને આ ઘર વ્હાલું નથી લાગતું. અને તમે જ મને કહેતા હતા ને કે છેવટે તો આ ઘર તારું જ છે. તો પછી મારે આ ઘરનું જે કરવું હોય એ મને કરવા દો ને.’ કથને પિતા પર દબાણ લાવતા કહ્યું હતું.
‘જો બેટા, આ ઘર તારું છે એ તો હું હજુયે કહું છું પણ રહેવા માટે, વેચવા માટે નહિ. આ ઘરનો તું એકલો જ વારસદાર છે. પરંતુ આ ઘર ક્યારેય પણ વેચવા માટે તારા દાદા એ બનાવ્યું ન હતું. તને ખબર છે શામળાની પોળથી દાદા બસમાં અહીં આવતા હતા અને અહીં ઊભા રહી મજૂરો પાસે અને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવતા હતા. આ ઈંટોથી લઈ સિમેન્ટ, રેતી બધું જ એ ખરીદીને લાવ્યા છે. આ ઘર જ્યારે બનાવ્યુંને અને અમે જ્યારે ગૃહપ્રવેશ કર્યોને ત્યારે તારા દાદા એ તારી દાદીને કીધું હતું કે ‘હવે રમેશને કોઈ ચિંતા નહી રહે, આટલા મોટા બંગલામાં રમેશ અને તેનો પરિવાર સુખેથી જીવી શકશે.’ તારી બે ફોઈઓના લગ્ન કરાવીને એમની જવાબદારી પણ એમણે પરીપૂર્ણ કરી. અને એ લોકોને પણ એમની ઈચ્છા પ્રમાણે જે કંઈ પણ વ્યવહાર થતો તો એ બધો જ કર્યો હતો. મને તારા દાદાએ એક જ વાત કીધી હતી કે રમેશ ગમે તે થાય આ ઘર ને કશુંજ થવું ના જોઈએ. કારણ કે આ ઘર સાથે એમને એટલો જ પ્રેમ હતો જેટલો પ્રેમ મને આજે છે અને તને પણ એટલો જ હોવો જોઈએ એવું હું માનું છું. તું કોલેજમાં ક્રિકેટ રમતા-રમતા પડી ગયો અને તને ફ્રેક્ચર થયું હતું યાદ છે? ત્યારે આ જ ડ્રોઈંગરૂમમાં તારો ખાટલો લગાડવામાં આવ્યો હતો. અને રોજ રાતના બે વાગ્યા સુધી દાદા તારી જોડે બેસતા હતા, યાદ છે? કે પછી એ પણ ભૂલી ગયો? આ ઘરની અંદર આપણે સુખ-દુઃખ, તડકો-છાંયો જોયો છે. પ્રેમ અને લાગણી જોઈ છે. અમે આ ઘરમાં હસ્યા પણ છીએ અને રડયા પણ છીએ. તું પણ આ ઘરમાં હસ્યો છે, રડયો છે, મોટો થયો છે અને પ્રેમથી જીવ્યો છે અને આજે આ જ ઘરમાં બેસીને તું મારી જોડે આ જ ઘરને વેચવાની દલીલ કરી રહ્યો છે. તને શરમ આવવી જોઈએ.’ રમેશભાઈએ કથન ઉપર ગુસ્સો કરતાં કહ્યું હતું.
રમેશભાઈ અને કથનની આ ચર્ચા ચાલી રહી હતી અને મમતાબેન ભીની આંખે આ જોઈ રહ્યા હતા. એટલામાં સોના બે ચિઠ્ઠીઓ બનાવીને લઈને આવી.
‘પપ્પા આ બે ચિઠ્ઠીઓમાં એકમાં બંગલો વેચવો અને બીજી ચિઠ્ઠીમાં બંગલો ના વેચવો. એવું મેં લખ્યું છે. આ બંને ચિઠ્ઠીઓ આપણે દાદા-દાદીના ફોટા પાસે મૂકી દઈએ અને રોહનના હાથેથી એક ચિઠ્ઠી ઉપાડાવીએ. અને જે નિર્ણય આવે એ નિર્ણય આપડે સૌએ સ્વીકારવાનો રહેશે.’ સોનાએ વચ્ચેનો રસ્તો કાઢતા કહ્યું હતું.
‘હા, આ રસ્તો બરાબર છે. બા-બાપુજી અને રોહન એ ત્રણેય નિર્ણય કરી લે એનાથી ઉત્તમ કશું નથી.’ મમતાબેને આંખમાં આંસુ લૂછતાં કહ્યું હતું.
રમેશભાઈએ કમને હા પાડી હતી.
સોનાએ બંને ચિઠ્ઠીઓ દાદા-દાદીના ફોટા પાસે મૂકી અને રોહનને ઉચકીને ત્યાં લઈ ગઈ હતી. રોહને એક ચિઠ્ઠી ઉપાડી લીધી. સોનાએ રોહનના હાથમાંથી ચિઠ્ઠી લઈ અને ખોલી હતી. ‘બંગલો ના વેચવો.’ એવું આવ્યું.
રમેશભાઈ ખુશ થઈ ગયા અને રોહનને ઉચકી લીધો હતો. કથન પગ પછાડતો ઉપર એના બેડરૂમમાં જતો રહ્યો હતો.
‘પપ્પા હું તમારા ઘરની વહુ છું. આ ઘરમાં આપણા વંશના મૂળ રહેલા છે, હું જીવું છું ત્યાં સુધી આ ઘરના મૂળને ઉખડવા નહિ દઉ. ઘરની વહુ તરીકે મારી આટલી ફરજ તો હું નિભાવી જ શકું છું.’ સોનાએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું;’
‘પણ બેટા ચિઠ્ઠીમાં બંગલો વેચવાનું આવ્યું હોત હો?’ રમેશભાઈએ સોનાને પૂછ્યું હતું.
‘પપ્પા બન્ને ચિઠ્ઠીમાં બંગલો ના વેચવો એવું જ લખ્યું છે. પછી બંગલો વેચવો છે એવું આવે જ ક્યાંથી?’ સોના વાત કહેતા-કહેતા હસી પડી હતી.
સોનાની સાથે રમેશભાઈ અને મમતાબેન પણ હસી પડ્યા હતા.
- ૐ ગુરુ