“ફરી મોહબ્બત”
ભાગ : ૩૦
"તે મને કીધું નહીં?? તને અહીંયા જ આવવાનું હતું તો હું તને લઈને જ આવતો ને...!!" અનયના ચહેરા પર ખુશી છલકાઈ. મોમ પણ આવી ગયા અનયના ચહેરા પરનું સુખ જોવા...!!
"આ ખુશી તને મળતે?? જો તું મને લઈને આવ્યો હોત તો..તને સરપ્રાઈઝ આપવા ગીત પોતે હાજર થઈ ગઈ!!" અનયને આવકાર આપતા ગીતે કહ્યું અને મોમ હસી પડ્યા.
"ઓહહ એટલે આ બધો તમારા બંનેનો પ્લાન હતો?? ફોન પર તમે બંને વાત જ કરતા હતા અને એક જ મુલાકાતમાં તમે બંને એકસાથે પણ થઈ ગયા..!! આજે ખબર પડી ગઈ સ્ત્રીઓ કેટલી ઝડપથી એકમેક સાથે ફ્રેન્ડશીપ કરી શકે છે." અનયે ગીત થતા પોતાની મોમને સંબોધતા કહ્યું.
અરે અનય એ તો છે જ. પણ ગીત તો ગજબની છે. એ તો ક્યારની આવી છે. મારી સાથે ગપ્પા લડાવ્યા. મારી કેટલી ના પાડવા છતાં રસોઈ પણ ગીતે જ બનાવી. તમારી જોડી સુખમય રહે." અનયની મોમ આશીર્વાદ આપતા હોય તેમ બંનેને એકલા મૂકીને જતા રહ્યાં. અનયના ઘરમાં ગીતના આવવાથી આનંદ છવાઈ ગયો. ઘર ભર્યું ભર્યું લાગવા લાગ્યું.
"તું જા ફ્રેશ થઈને આવ. ત્યાં સુધી હું જમવાની થાળી પીરસી રાખું." અડગ થઈને ઉભેલો અનયને ગીતે આછો ધક્કો મારતા કહ્યું. પણ અનય ત્યાંથી ગયો નહીં.
"કેમ ઊભો છે?? મમ્મીએ જમી લીધું. એમને ગોળી લેવાનું હોય છે ને. તેઓ સૂવા માટે જતા રહ્યાં." અનયની વાતને ભાપી લીધી હોય તેમ ગીતે કહ્યું. અનયને આ બધું સપનું સિવાય કશું લાગતું ન હતું. એ એટલી બધી ખુશી જીરવી શકતો ન હતો. ગીત એના માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર લાગી રહી હતી. એની ખુશી ફૂલી સમાતી ન હતી. એ ઝડપથી ફ્રેશ થવા માટે જતો રહ્યો. ત્યાં સુધી ગીતે ડાઈનીંગ ટેબલ પર થાળી રાખી દીધી હતી. અનય ચેર પર બેઠો. ગીત એની બાજુમાં જ બીજી ચેર પર ગોઠવાઈ. એ પ્રેમથી અનયને ખવડાવવા લાગી. અનયને સમજ જ પડતું ન હતું કે આ બધું જ એની સાથે હકીકતમાં થઈ રહ્યું હતું..!! એ પ્રેમનો ભૂખ્યો હતો...!! એ જે ચાહતો હતો..!! ઝંખતો હતો એ જ તો થઈ રહ્યું હતું.
"ગીત તું મને મેરેજ બાદ પણ આવા જ પ્રેમથી જમાડશે?" ગીતની આંખોમાં જોતા કહ્યું.
"હા હું આવી રીતે જ તને પ્રેમથી જમાડીશ." ગીતે કહ્યું. અનય પણ ગીતને પ્રેમથી જમાડવા લાગ્યો. બંને એકમેકની આંખોમાં જોઈને એકમેકને પ્યારથી ખવડાવતા રહ્યાં. બંનેએ ભોજન પતાવ્યું.
"હું કિચન સાફ કરીને આવું છું." ગીત ડાઈનિંગ ટેબલ પરનું બધું સમેટતાં કહેવા લાગી.
"હું પણ આવું છું કિચનમાં. હેલ્પ જોઈતી હોય તો કરી દઉં."અનયે કહ્યું.
"મેરેજ બાદ બધી જ હેલ્પ કરજો. તને ઓફિસે પણ જવાનું હશે એટલે આજે નહીં પછી ક્યારેક કરજો હેલ્પ. તું આરામ કર. હું આવું છું." ગીતે જીદ્દ કરતા કહ્યું. પણ અનય કિચનના પ્લેટફોર્મ પર પોતાની જગ્યા કરીને બેસી રહ્યો. ગીતે ઝડપથી કામ પતાવવા માંડ્યું.
"અરે જા ને યાર...!! શું કામ ડિસ્ટર્બ કરે છે." ગીતે અનયને બેડરૂમમાં તગેડી દીધો. અનય બેસબરીથી ગીતની રાહ જોતો બેડ પર લબાવ્યું ખરું પણ એને ચેન પડ્યું નહીં. એના દિલમાં કશુંક થઈ રહ્યું હતું. એ ઈવાને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. ગીત એના પર છવાઈ ગઈ હતી. સામેથી મળતી ગીતની મોહબ્બતથી અનય ઈવામાંથી બહાર નીકળી ચુક્યો હતો. એને પોતાનું ગિટાર કાઢ્યું. અનયની મોમ પોતાના બેડરૂમમાં સુઈ ગયા હતાં. ગીત બેડરૂમમાં પ્રવેશી. એ અનયની બાજુમાં જ આવીને લગોલગ બેસી ગઈ. જોરથી અનયના ગાલ પર કિસ કરી. "તને ઓફિસે નથી જવાનું??" ગીતે પૂછ્યું.
"નથી જઉં. લાવ તારા પગ દબાવી દઉં. તું આવીને કામે જ લાગી ગઈ."અનયે કહ્યું.
"તું આવે ત્યાં સુધી મોમ સાથે કેટલા ગપ્પા મારુ?? એમ પણ હું તારી વાઈફ જ તો છું. ફક્ત મેરેજ નથી કર્યા એટલું જ અને... અને....!!" ગીતે આંખ મારીને કહ્યું.
"ગીત તું મને છોડીને મેરેજ બાદ જતી તો નહીં રહેશે ને??" અનયે પૂછી પાડ્યું.
"કેમ એવું પૂછે છે?? મને તું તારા પાસ્ટ સાથે નહીં સરખાવ અનય...!!" ગીતે નારાજ થતા કહ્યું. ત્યાં જ અનયે ગિટારની તાર છેડી. અનય ગીતની આંખોમાં ઊંડી રીતે ઉતરી જાય એવી રીતે જોવા લાગ્યો. એ ટકટક કરતો ગીતની આંખોમાં જ જોતો રહ્યો. એને તાર છંછેડી. એની આંગળી ગિટાર પર ચાલવા લાગી, "દિલ સંભલ જા ઝરા ફીર મોહબ્બત કરને ચલા હૈ તું...." ના સોન્ગ પર ગિટાર પર ધૂન વગાડતાં અનયની આંગળીઓ બેહદ દર્દથી ચાલી રહી હતી. એની આંખમાં આવેલા આંસુઓ એના ગિટાર પર પડી રહ્યાં હતાં. ગીતે એના ખબા પર સાંત્વના આપતો હાથ રાખ્યો. અનયે ઝડપથી પોતાના આંસુઓ લૂછી નાંખ્યા. એ થોડો હસ્યો. પછી એ જ સોન્ગ પોતે ગાવા લાગ્યો અને ગિટાર પર ધૂન વગાડતા ગીત સામે જોતો રહ્યો.
ગીતે ઝડપથી અનયને પોતાની બાહોમાં લઈ લીધો, " અનય એટલો દુઃખી નહીં થા યાર...!!"
"ગીત મને છોડીને તું જતી નહીં...!! હું ફરી મોહબ્બતમાં પડી ચુક્યો છું તારી સાથે... આય લવ યુ ગીત... ગીત આય લવ યુ. તું મને છોડીને જતી ના રહે એનું પ્રોમિસ કર ગીત... ગીત તું પણ મને છોડીને જતી રહેશે તો હું જીવવા લાયક નહીં રહું ગીત...!!" અનય નાના બાળકની જેમ રડતો કહી રહ્યો હતો.
"અનય...અનય... અરે યાર તને કેટલી વાર કીધું..!! તું મને તારા પાસ્ટ સાથે સરખાવ નહીં. તું બધું એ ભૂલી જા. આપણે તો મેરેજ પહેલા જ પતિ પત્ની ની જેમ જ એકમેકનું કેર કરી રહ્યા છે. ડિવોર્સ તારો પતે એટલે હું મારા મોમ ડેડને સમજાવીશ. ગીત સાથે તને ફરી મોહબ્બત થઈ ચૂકી છે ને ?? તો ગીતની મોહબ્બતમાં વિશ્વાસ રાખ." ગીતે સમજાવ્યું.
"ગીત આય લવ યુ." અનયે કહ્યું.
"આય લવ યુ ટુ." ગીતે અનયનું માથું ચૂમતા કહ્યું. અનયનો રડતો ચહેરો જોઈને એ હસી પડી, " જા તારું મોઢું ધોઈને આવ."
અનય ફ્રેશ થઈને આવ્યો.
"ગીત...!!" અનયે પાછળ પગ કરીને બેડ પર બેસેલી ગીત પર પોતાનું માથું ઢાળતા કહ્યું. ગીત અનયના વાળમાં હાથ ફેરવતા જ્યાં ત્યાંની વાતો કરવા લાગી. અનય સુખ અનુભવતો હતો. આ હકીકત કે પછી સપનું છે એ જ વિચાર એના દિમાગમાં થોડી થોડી પળે ચાલ્યા કરતો. બંને જણા મેરેજ બાદની થતા ગીતની આગળની સ્ટડી વિશેની ચર્ચા કરતા રહ્યાં. ક્યારેક બંન્ને ચૂપ પણ થઈ જતા. બંને સાથે છે એનો સુખદ એહસાસ અનુભવી લેતા.
"ચલો હવે. તારા ઓફિસ માટે નીકળ અને મને મારા ઘરે પહોંચાડી દે. નહીં તો આપણે ક્યાંક આગળ વધી જઈશું." ગીતે મજાક કરી.
"તારા મરજી વગર હું આગળ કેવી રીતે વધુ??" અનયે કહ્યું અને એ ઓફિસ માટે તૈયાર થવા લાગ્યો. કબોર્ડના અરીસામાં પોતાનો ચહેરો અને વાળ સરખા કરતા કહ્યું, " ગીત તારું સરપ્રાઈઝ મને ગમ્યું. થેંક યુ." અચાનક ઘરે આવી પહોંચેલી ગીતથી અનય પણ ખૂશ થઈ ગયો તેમ જ અનયના મોમ પણ..!!
"ચાલ મને છોડી દે હવે ઘરે." ગીતે અનયને પાછળથી લપેટી જતા કહ્યું. અનયથી રહેવાતું ન હતું. ગીત પણ સામેથી એ જ ચાહતી હતી જે અનય ચાહતો હતો. અનયે ગીતને પોતાની સામે કરી.
અનયે ગીતના હોઠ ચૂમી લીધા.
(ક્રમશ)