“ફરી મોહબ્બત”
ભાગ :૯
"ઈવા..!! શું ગોતી રહી છે. શું નથી મળતું?" અનયે ખૂબ જ પ્રેમપૂર્વક પૂછ્યું.
અચાનક ઈવાએ ગોતવાનું બંધ કર્યું, "હં..!!" એ રડતી અટકી. એ ભૂલી પડી હોય તેમ એની આંખો સંકોચાઈ. અનયે એની પર્સ પડાવી લીધી. ઈવા કશુંક સમજે એના પહેલા જ અનયે ઈવાના હોઠો પર ચસચસતું ચુંબન કરીને જાણે કશું જ કર્યું ન હોય તેમ થોડો છૂટો થઈને બેસી ગયો. ઈવા થોડી શાંત થઈ.
અનયે ઈવાનો હાથ પોતાના હાથમાં લીધો, "ઈવા. હું તને હંમેશા ખૂશ જોવા માગું છું. તારા આંખમાં આવતા આંસુ હું બરદાસ્ત નથી કરી સકતો. એ તું જાણે જ છે. તારા આંસુથી હું દુઃખી થઈ જાઉં છું."
ઈવાએ કશું જ ન કહ્યું.
"તું મારો ફર્સ્ટ લવ છે અને અંતિમ શ્વાસ સુધી રહેશે." અનયે ઈવાનો હાથ ચૂમતા કહ્યું.
"સમય ફ્યૂચરનું કશું કોઈ દિવસ કહેવાતું હશે?? મને છોડીને તું બીજાને પ્રેમ કરવા લાગ્યો તો??" ઈવાએ લાડમાં પૂછ્યું.
"તારા સિવાય હું બીજાને ચાહવા ક્યાં જવાનો?? ઈવા જ મારા રુહમાં સમાયેલી છે તો ફરી મોહબ્બત થવી અશક્ય છે ઈવા..!!" અનયે ઈવાને પ્રેમથી સ્પષ્ટતાં કરી.
અનયે પ્રેમભરી વાતો કરીને ઈવાને આખરે મનાવી.
***
દિવસો વીતતા ગયા. અનય લગ્ન માટેના સપના જોવા લાગ્યો.
***
અનયે ઘડિયાળમાં જોયું. સવારનાં અગ્યાર વાગ્યાં હતાં. એ અકળાયો.
"ઈવા..!!" અનયે ઈવાને ફોન જોડતા કહ્યું.
"હા બોલને ડાર્લિંગ." ઈવાએ કહ્યું.
"ઈવા તારો ફોન બિઝી કેમ આવી રહ્યો છે?" અનય છેલ્લા દોઢ કલાકથી ઈવાને ફોન લગાડીને થાક્યો હતો.
"ઓહ એ તો મારી સ્કૂલની ફ્રેન્ડ ફેસબૂક પર મળી ગઈ. તો નંબર એકચેન્જ કર્યા. એટલે જૂની વાતોમાં પડી ગયા." ઈવાએ કહ્યું.
"ઠીક છે. આજે મળીએ. પાંચ વાગ્યા પછી તને મેસેજ કરું. લેટ પણ થઈ શકે. હું ઘરે લેવા આવીશ તને."
"ઓકે લવ યુ ડાર્લિંગ." ઈવાએ પ્રેમથી કહ્યું.
"લવ યુ ટુ મચ માય હાર્ટ." અનયે મોબાઈલ પર જ કીસ આપતાં કહ્યું.
"અરે અનય તું ઓફિસમાં એટલા જલ્દી.??" સાગરે કેબિનમાં પ્રવેશતાં જ પૂછ્યું.
"હા યાર ઈવા સાથે સાંજે ફરવા જવાનું છે."
"ઓકે.પણ તારો ચહેરો કેમ આમ ઉતરેલો છે. બીજો કશો પ્રોબ્લેમ છે?" અનયનો મુરઝાયેલો ચહેરો જોતા પૂછ્યું." સાગરે નવાઈથી પૂછ્યું.
અનય મુંઝાયો. સાગરને વાત કરું કે નહીં..!!
"શું થયું બોલ ને??" સાગરે પૂછી પાડ્યું.
" અરે યાર કશું નહીં. ઈવા જ્યારથી મુંબઈમાં ઈવેન્ટ કરીને આવી છે. ત્યારથી મારાથી નારાજ જેવી જ રહે છે. એને એમ લાગે છે કે હું એને સમય આપતો નથી." અનયે કહ્યું. સાગર અને અનયનું બંનેનું સારું ફાવતું. બંને એકમેકની વાતો શેર કરતાં અને જરૂરી સલાહ સૂચનો પણ આપતાં.
"ઠીક સારું કર્યું. પાંચ વાગ્યા પછી નીકળી જજે. પછીનું હું સંભાળી લઈશ." સાગરે કહ્યું. હજુ પણ અનયનો ચહેરો એવો જ નારાજ હતો. સાગર એને જોતો રહ્યો. અનયથી રહેવાયું નહીં એને વાત આગળ ધપાવી, " સગાઈ બાદ હું ઈવામા ખાસ્સો ચેનજીસ્ જોઈ રહ્યો છું. એ મારી નાની અમથી વાતને પણ પકડી લે છે. પછી ઝગડા અમારા સ્ટાર્ટ જ થઈ જાય છે. હવે તો એ શક પણ કરી રહી છે."
"અરે સગાઈ થઈ છે ને ભાઈ. તો હક આવી ગયો સમજ. લગન પછી તને બીજા પણ રૂપરંગ પત્નીદેવીના જોવા મળશે. ચીલ યાર આપણું કામ ફક્ત પ્યાર આપવાનું છે." સાગરે હસતાં થોડી ટિપ્સ આપી જ દીધી. એટલું કહીને એ બાજુની કેબિનમાં જતો રહ્યો. અનય પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયો.
***
"ઓહ ઈવા આવને ..!!" ઓફિસમાં આવેલી ઈવાને જોઈને સાગરે મલકાતાં આમંત્રણ આપ્યું. ઈવા સીધી જ અનયનાં કેબીન તરફ જવા લાગી. એ અંદર પેઠી. સાગર પણ અંદર ગયો. " ભાભીજી..!!" સાગરે ટહુકો કર્યો. તે સાથે જ લેપટોપમાં વ્યસ્ત અનયની નજર ઉપર ઉઠી. અચાનક આવીને ઉભેલી ઈવાને મિશ્રિત લાગણીઓથી અનયે જોયું, " ઈવા..!! આવ..!! શું થયું?"
ઈવા ધપ દઈને સામે ચેર પર ગોઠવાઈ ગઈ. સાગરે બંનેના ચહેરા ભણી જોયું. કશુંક સમજાયું હોય તેમ, " એક્સક્યૂઝ મી.." કહીને એ કેબીન બહાર જતો રહ્યો.
"ઈવા શું થયું?" અનયે અકળામણ અનુભવી.
" તારા મોબાઈલમાં મિસકોલ જો પહેલા. શું કરતો હતો??" ઈવાએ ગુસ્સાથી પૂછ્યું.
"ઈવા તું ઓફિસમાં આવીને એવું પૂછી રહી છે? જોયું ને હું કામ કરી રહ્યો છો. હવે શાંતિ??" અનયે ગુસ્સા પર કાબૂ રાખતા કહ્યું.
"અનય. તું પાંચ વાગ્યે મળવાનો હતો ને? " ઈવાએ કહ્યું.
" મેં શું કીધું હતું? ધ્યાનથી વાંચ્યો મેસેજ? પાંચ વાગ્યા પછી મળું. લેટ પણ થશે. હું મેસેજ કરીશ. તારા ઘરે આવીને તને લઈ જઈશ." અનયે ગુસ્સાથી ધીમા અવાજે કહ્યું.
ઈવાનું નાક ફુલાયું. ઈવા તરત જ ઉઠી. કેબીનનો દરવાજો જોરથી ખોલ્યો. ભાગતી જતી રહી. અનય ઈવાની પાછળ ગયો નહીં. અનયની ઓફિસ ઈવાના ઘરની નજદીક જ આવેલી હતી. અનયે તરત જ ઈવાને કોલ કર્યો. પરંતુ ઈવાએ એક પણ ફોન ઉઠાવ્યો નહીઁ. અનયે મેસેજ છોડી દીધો "અડધો કલાકમાં કામ પતાવીને આવું છું તને લેવા. તૈયાર રહેજે."
અનય ગુસ્સામાં જ પોતાનાં કામે લાગી ગયો. પરંતુ વચ્ચે વચ્ચે એ ઈવાને કોલ લગાડતો રહ્યો. પરંતુ ઈવાએ ફોન ઉંચકયા નહીં. તેમ જ મેસેજનો પણ રીપ્લાય આપ્યો નહીં. વીસ મિનીટ બાદ અનયનાં મોબાઈલ પર ઈવાનો નંબર ફ્લેશ થવા લાગ્યો. અનયે ઝડપથી ફોન ઊંચક્યો.
"હેલ્લો..!! હું ઈવાની ફ્રેન્ડ બોલું છું અવની. ઈવાએ હાથની નસ કાપી નાંખી છે." બેબાકળી બનીને અવનીએ કહ્યું અને ફોન કટ થઈ ગયો.
(ક્રમશ..)