ફરી મોહબ્બત - 22 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 22

ફરી મોહબ્બત

ભાગ : ૨૨


"કોણ છે તું??" અનય બરાડ્યો. પણ ડીજેના ઘોંઘાટમાં અનયનો અવાજ પ્રસર્યો નહીં.

" હું અંકુરનો ફ્રેન્ડ...!! મને જ નહીં. પૂરા ગામમા આઈ મીન પૂરા ફ્રેન્ડ સર્કલમાં તમારી રિલેશનશિપની ચર્ચા છે દોસ્ત...!!" એ કહીને જતો જ હતો ત્યાં જ અનયે એનો હાથ પકડતાં પૂછ્યું, " મને કહેવાનો મતલબ?? તારું એના પાછળનું મોટિવ શું છે?"

"મતલબ...!! મતલબ તો તારી આંખ સામે જ ઊભો છે!!" એ નવજુવાન છોકરાએ બંને સાથે ડાન્સ કરતાં ઈવા અને અંકુર સામે આંગળી ચિંદતા કહ્યું. અનયની નજર ઈવા અંકુર પર ગઈ જે ઘણી મસ્તી કરતાં ડાન્સ કરી રહ્યા હતાં.

"મને તારો શુભચિંતક જ સમજ." એ નવજુવાન એટલું કહીને અંકુર અને ઈવા સાથે જ ડાન્સ કરવા માટે ભળી ગયો અને ત્યાંથી જ એના ચહેરા પર એક અનેરી જીત આવી હોય તેમ એ ડાન્સ કરતા કરતા જ અનય પર નજર નાંખતો રહ્યો.

અનયનું માથું ચકરાવા લાગ્યું. એ ઝડપથી વિચારે ચડ્યો, "એ કોણ હતો?? હું એને નથી જાણતો..!! એ કહે છે કે એ અંકુરનો ફ્રેન્ડ છે!! એટલે....!!" એને સમજ પડતી ન હતી. અનયને એમ લાગ્યું કે હવે એ વધારે સમય આ ઘોંઘાટ સહન કરી શકશે નહીં. એ ઝડપથી રૂમ પર આવી ગયો. એનો જીવ તો પહેલાથી જ વિહ્વળતામાં પસાર થઈ રહ્યો હતો હવે આ નવજુવાને એના કાનમાં જે રેડયું એ ખરેખર ઘણા પ્રશ્નો ઊભા કરે એવા હતાં...!! પરંતુ અનયનું દિલ માનવા તૈયાર ન હતું...!!

એ આવીને થાક્યો હોય તેમ બેડ પર શરીરને લંબાવ્યું. એ ઊંડા વિચારમાં પડ્યો, " એટલે ઈવાએ અમારા બંનેના રિલેશનશિપની વાત અંકુરને પણ જણાવી છે...!! અને અંકુરે પોતાના આખા ફ્રેન્ડ સર્કલને આ બધી જ વાત કહી રાખી છે...!!"

"હા ઈવાએ વાત કરી હશે અમારા બંનેના રિલેશનશિપની...એમાં ખોટું પણ શું છે?? અંકુર ઈવાનો ભાઈ છે. માનેલો ભાઈ છે. એટલે વાત તો શેર કરી જ હશે..!! પણ અંકુરે પણ ફ્રેન્ડ સર્કલમાં વાત ચગાવી મૂકી..આ વાત ગળે નથી ઉતરતી...હોઈ શકે કે એ નવજુવાન છોકરો ઈવા અંકુરનો દુશ્મન હોઈ શકે.. કદાચ એક જ ફિલ્ડમાં વર્ક કરતા હશે... અનય વધારે વિચાર ના કર... તારો સ્વભાવ રહ્યો જ નથી કે તું ઊંડાણમાં ઉતરીને તોડી તોડીને ઉલટો સુલટો વિચાર કરી શકે.. જસ્ટ કુલ!!" અનય સ્વગત જ વિચાર કરતો ઉકેલ લાવી દીધો અને એ વિચારને ત્યાં જ પડતો મૂકી દીધો.

અનયે મગજ પર એટલું ભાર આપીને વિચાર કર્યો કે એ થાકીને ઊંઘી ગયો હતો. એની આંખ ત્યારે જ ખોલાઈ જ્યારે ઈવાને અંકુર રૂમમાં મુકવા આવ્યો.

" ઈવાએ વધુ પડતી જ ડ્રિંક્સ મારી મૂકી છે ભાઈ." અંકુરે રૂમની અંદર પહોંચતા જ કહ્યું. અનય બેડ પરથી ઝટથી ઉઠ્યો અને ઈવાને બેડ પર સુવડાવી દીધી. અનય માટે પણ હવે નવું ન હતું ઈવાનું ડ્રિંક લેવાનું ને એના પછીના નાટક ડ્રિંક ચડી જવાનું અને પછી એને સંભાળવાનું...!!

"તું જા હું જોઈ લઈશ." અનયના અવાજમાં રોષ સાફ દેખાઈ રહ્યો હતો. અંકુર ખભા ઉલાળતો જતો રહ્યો.

"ઈવા..!! ડ્રિંક્સ ચડી જાય ત્યાં સુધી કેમ તું પીય છે યાર...!!" અનયે ગુસ્સામાં કહ્યું પણ એનું સાંભળવાનું જ કોણ હતું..!! ઈવા બકબક કરીને સૂઈ ગઈ હતી પરંતુ અનય એને ક્યાંય લગી જોતો રહ્યો.

***

ઈવાના એન્કરિંગના પ્રોગ્રામો સ્ટુડિયોમાં રાતે ચાલતા હતા. દિવસ દરમિયાન ફ્રી સમય ઈવા અનય અને અંકુર શોપિંગ તથા ફરવામાં પસાર કરતાં. અંકુર પોતે જ ઈવા અનયને પોતાની કારમાં લઈ જતો. પરંતુ આ બધી જ બાબતોમાં અનય હવે એ નવજુવાન છોકરાની મુલાકાત બાદ જાણે અલર્ટ થઈ ગયો હોય તેમ એ ઝીણામાં ઝીણી વાતને નોટિસ કરતો રહ્યો.

***

"અરે જીજાજી તમે રહેવા દો. હું પે કરી દઉં છું." અંકુરે કહ્યું. અનય ઈવા અંકુર શોપિંગ કરવા માટે મોલમાં આવ્યા હતાં. ઈવાની શોપિંગ માટેના પૈસા અંકુર જ ચૂકવી રહ્યો હતો.

"અનય રહેવા દે. અંકુરભાઈ પે કરી દેશે." ઈવાએ પણ અંકુરના વાતમાં સૂર પુરાવ્યો.

અનય અજંપાથી અંકુર ઈવાની કેમેસ્ટ્રીને જોતો રહી ગયો. એને સમજ પડતી ન હતી કે આ બની શું રહ્યું હતું...!! હરતા ફરતાં એ જોઈ રહ્યો હતો કે ઈવા અને અંકુરને એકબીજા સાથે બહુ સારી રીતે ફાવતું હતું. બંને કારમાં પણ પોતાની જ વાતો ચાલુ રાખતા. આગળની સીટ પર ઈવા હકથી બેસી જતી..!! પરંતુ અનયનું મન માનવા તૈયાર ન હતું. એ વાતને ઈગ્નોર કરતો જતો હતો કે બંને એકમેકને ભાઈ બહેન ગણાવે છે તો એવો શક કરવો વ્યાજબી ગણાશે નહીં...!! એકવાર તો અનયે સ્વગત જ પોતાને ઠપકો આપી દીધો, " અનય તું ખોટું વિચારી રહ્યો છે. તું શકી ટાઈપ થઈ રહ્યો છે...!! તારો સ્વભાવ શંકાશીલ તો નથી જ...તો શું કામ આવું વિચારે છે...!!

ઈવાના એન્કરિંગના પ્રોગ્રામો કોઈક વાર રાતના મોડે સુધી ચાલતા એટલે હોટેલ પર પણ ઈવા અનય અંકુર લેટ જ પહોંચતા. તેમ જ સવારે પણ આરામથી ઊઠીને ફ્રેશ થતા. આજે એન્કરિંગનો ચોથો દિવસ હતો. અનય ક્યાંય લગી સૂતો પડ્યો હતો. અચાનક જ એ ઉઠયો. ઘડિયાળમાં જોયું તો બપોરના બાર વાગ્યા હતા..!! એનું માથું પણ સખત દુઃખતું હતું..!! ઊઠીને એની નજર ઈવા અંકુર પર ગઈ જે બંને કશીક વાતોમાં મશગૂલ હતાં.

"ઈવા મને ઉઠાડ્યો કેમ નહીં?? અને તમે શું ફરવા ગયેલા?? કે પછી ફરવા જવાના છો?" અનયે ઈવા અને અંકુર જે રીતે ડ્રેસ પહેરીને તૈયાર થઈને બેઠા હતાં એ જોતાં જ પૂછી પાડ્યું.

બંનેએ કશો જવાબ આપ્યો નહીં પણ એકસાથે હસી પડ્યાં. અનયને લાગ્યું કે બંને એની મજાક ઉડાવી રહ્યા હોય...!! એમ પણ એ જ્યારથી આવ્યો છે એન્કરિંગનાં પ્રોગ્રામ અટેન કરવા માટે ત્યારથી સતત એને લાગી રહ્યું હતું કે એને ઈવા અંકુર બંને મળીને ઈગ્નોર કરી રહ્યાં હોય...!!

અનય ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો. અચાનક એ બાથરૂમમાંથી પાછો ફર્યો કારણ ટોવેલ લેવાનો ભૂલી ગયો હતો..!! પરંતુ તે સાથે જ એની નજર ઈવા અંકુર પર ગઈ જે લીપ કિસ કરવામાં એટલા તો મશગૂલ થઈ ગયા હતા કે અનય ત્યાં જ આવીને ઉભો છે એ સુદ્ધા મહેસૂસ કરી શક્યા નહીં. ઈવાની પીઠ અનય તરફ હતી.

ક્રોધના આવેશમાં જ આવી અનય ધરતી ફાટી જાય એટલા જોરથી ચિલાવ્યો," ઈવા....આઆઆઆઆ....!!"

(ક્રમશ)