સપના અળવીતરાં - ૬૫ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૬૫

"રાગિણી.... "

જાણે કોઈ કાનની એકદમ નજીક મોં રાખી બોલતું હોય એવો અવાજ સંભળાયો અને અંદરથી એક ધક્કો આવ્યો હોય એમ ઝાટકા સાથે તેની આંખ ખુલી ગઈ., અને પછી ખુલ્લી જ રહી. અજાણી જગ્યાનો પડઘો નેત્રપટલ પર ઝીલાયો, પણ તે ક્યાં છે એ સમજી ન શકી. તેણે ગરદન ફેરવવાની કોશિશ કરી પણ માથું એકદમ ભારે લાગ્યું. તેણે ખાલી નજર ફેરવી જોઈ, પણ આસપાસ કોઇની હાજરી વર્તાતી નહોતી. નાક પાસે પતલી ઓક્સિજન પાઇપ પસાર થતી હતી, તે અનુભવી અને એક ઊંડો શ્વાસ લીધો. શ્વાસ લેવાનો પણ થાક લાગતો હોય એમ એણે ફરી આંખો મીંચવાની કોશિશ કરી, પણ જાણે કોઇએ તેના પોપચા પકડી રાખ્યા હોય એવું લાગ્યું. તેની નજર છત પર ધીમી ગતિએ ફરતા પંખા પર સ્થિર થઈ અને તેના માનસપટલ પર આખીય ઘટના છવાઇ ગઇ. જાનીભાઇની શીપ ... એ મિ. વ્હાઈટ... એની ઠંડી ક્રૂરતા...એ કાચની કેબિનમાં ફરતો પંખો... અને પંખા સાથે બંધાયેલો કેયૂર....

"કેયૂર.... "

કેયૂરનો ચહેરો નજર સામે તરવરતાંજ તે રાડ પાડી બેઠી થઈ ગઈ. તેનો અવાજ સાંભળી એક નર્સ દોડતી તેની પાસે આવી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. આતંકિત રાગિણીએ ઓક્સિજનની પાઇપ અને વેઇનફ્લોમાં લગાવેલી બોટલની નળી ખેંચી નાંખી હતી.. વેઇનફ્લોમાંથી લોહીની ધાર વહી રહી હતી. નર્સે તરતજ વેઇનફ્લોનું બૂચ બંધ કરી લોહી અટકાવ્યું અને રાગિણીને શાંત પાડવાની કોશિશ કરવા માંડી. એ સાથે જ બઝર દબાવી બહાર રહેલી બીજી નર્સને ડોક્ટરને બોલાવી લાવવા કહ્યું. ડોક્ટર આવે ત્યાં સુધીમાં કોકિલાબેન રૂમમાં પહોંચી ગયા હતા. કોકિલાબેને હેતથી રાગિણીના માથે હાથ ફેરવ્યો એટલે એમની કમર ફરતે હાથ વીંટાળીને એમના પેટ પર માથું ટેકવી રાગિણી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ડોક્ટર આવ્યા ત્યારે પણ રાગિણીનું રડવાનું ચાલું જ હતું.

"મિસિસ ખન્ના, કંટ્રોલ યોર સેલ્ફ. પ્લીઝ... જસ્ટ થિંક અબાઉટ યોર બેબી. "

કોકિલાબેનના સ્નેહ નિતરતા હાથનો સ્પર્શ અને ડોક્ટરના શબ્દોએ જાણે જાદુઈ અસર કરી હોય એમ તે ધીરે ધીરે સ્વસ્થ થઇ.

"કેયૂર ક્યાં છે? કેવું છે એને? મારે મળવું છે. પ્લીઝ.. "

"હી ઈઝ ઓલમોસ્ટ ફાઇન. ડોન્ટ વરી. "

ડોક્ટરના શબ્દો ખોખલા કેમ લાગતા હતા? રાગિણીએ કેયૂરને મળવાની આજીજી કરી તો ફરી ડોક્ટરે કહ્યું,

"એ કોમામાં છે. બટ ડોન્ટ વરી. બેસ્ટ ટ્રીટમેન્ટ ચાલું જ છે. "

હવે રાગિણીએ કેયૂરને એકનજર જોવા માટે રીતસર જીદ પકડી. થોડી આનાકાની પછી ડોક્ટરે નમતું જોખ્યું અને રાગિણીને કેયૂર પાસે જવાની મંજુરી મળી ગઇ, પણ એક શરતે... તે રૂમમાં અંદર નહી પ્રવેશે. બહારથી જ, ગ્લાસવોલમાંથી કેયૂરને જોશે. રાગિણી માની ગઇ. તેને તો બસ કેયૂરને જોવો હતો... પોતાની નજર સામે...

ડોક્ટરે મંજૂરી આપતા નર્સ એક વ્હીલચેર લઇ આવી. રાગિણીને બેડ પરથી ઉભા થવામાં અને ફરી વ્હીલચેર પર બેસવામાં ઘણો પરિશ્રમ પડ્યો. નર્સની મદદથી તે વ્હીલચેર પર ગોઠવાઈ એટલે હળવા હાથે ધકેલીને નર્સ તેને આઇ. સી. યુ. વોર્ડ પાસે લઇ ગઇ. ડોક્ટર અને કોકિલાબેન પણ સાથે જ હતા. આઇ. સી. યુ. વોર્ડનો દરવાજો ખોલી એ ચારેય અંદર પ્રવેશ્યા. એક નાનકડી લોબી પાર કરીને કેયૂરના રૂમ સુધી પહોંચ્યા. ગ્લાસવોલની પેલી બાજુ એક માનવ શરીર બેડ પર પોઢેલું હતું... નખશિખ સફેદ પાટામાં લપેટાયેલું... ઠેર ઠેર કેટલીય નળીઓ ખોંસેલી હતી, બોટલમાંથી સફેદ પ્રવાહી શરીરની અંદર જઈ રહ્યું હતું, જમણો પગ ઊંચો કરી લટકાવેલો હતો, કેટલીય જાતના સેન્સર તેના શરીર પર લગાડેલા હતા, જે જુદા જુદા મશીન સાથે જોડાયેલા હતા...

આ.. કેયૂર!.. કેયૂરની આ હાલત... મારે કારણે..?? રાગિણી એકદમ ઉભી થવા ગઇ, પણ પેટમાં સણકો આવતા ફરી બેસી પડી. તેણે અસહાય નજરે ડોક્ટર સામે જોયું. ડોક્ટરે માહિતી આપતા જણાવ્યું,

"મિ. ખન્નાને અહીં લાવવામાં આવ્યા ત્યારે બહુ સિરીયસ કંડીશનમાં હતા. વોમિટના કણો બધા શ્વાસનળીમાં જામી ગયા હતા. માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઈન્ટરનલ બ્લીડીંગ પણ ઘણું થયું હતું. આખા શરીરમાં નાના મોટા બધું મળીને પૂરા પંદર ફ્રેક્ચર હતા. બટ નાઉ, અમે ઘણુંબધું કવર કરી લીધું છે. શરીરના ઘા ધીમે ધીમે ભરાઇ રહ્યા છે, બટ સ્ટીલ હી ઈઝ ઈન કોમા. "

"અ.. એને... સ.. આ.. જા.. થ.. વા.. માં.. ક..એટલો... ટ..આઇ..મ.."

ડોક્ટરના કાન ચમક્યા. અત્યારસુધી તે કેયૂર પર નજર સ્થિર રાખીને બધી માહિતી આપી રહ્યા હતા. નર્સ અને કોકિલાબેન પણ કેયૂરને જ જોઈ રહ્યા હતા. કેયૂર વિશે સાંભળતા રાગિણીમાં આવેલ પરિવર્તન કોઈના ધ્યાનમાં ન આવ્યું. જ્યારે શ્વાસ લેવા સંઘર્ષ કરી રહેલી રાગિણીએ ત્રુટક સ્વરે કેયૂર ક્યારે સાજો થશે, એવું પૂછ્યું ત્યારેજ બધાનું ધ્યાન રાગિણી તરફ ગયું. રાગિણીનો એક હાથ તેના પેટ પર દબાયેલો હતો અને બીજો હાથ ગળાની નીચે મુઠ્ઠી વળી ગયો હતો... તે ઊંડા શ્વાસ લેવાની નિષ્ફળ કોશિશ કરી રહી હતી!

"ઓહ શીટ્.... "

ડોક્ટર રાગિણીની પરિસ્થિતિ જોઈ વિચારમાં પડી ગયા. તેમણે નર્સને કેયૂરનાં રૂમમાં જ રાગિણીને લઇ જવા કહ્યું. ત્યાં એકસ્ટ્રા ઓક્સિજન સિલીંડર હતું, તેનાથી રાગિણીને તરતજ ઓક્સિજન આપ્યો. થોડીવારના તરફડાટ પછી રાગિણી બેહોશ થઇ ગઇ, પણ તેના શ્વાસ ધીમે ધીમે નોર્મલ થઇ રહ્યા હતા. રાગિણીની આ સિચ્યુએશન જોઈ ડોક્ટર થોડા ટેન્શનમાં આવી ગયા હતા. તેમણે કોકિલાબેનને પૂછ્યું,

"મિસિસ ખન્નાને અસ્થમાની તકલીફ છે? "

કોકિલાબેન પણ અસમંજસમાં હતા. તેમણે માથું ધુણાવી ના પાડી.

"ઓકે. એમના ગાયનેક ડોક્ટર... એમની કોઈ ફાઇલ? "

ફરી કોકિલાબેને માથું ધુણાવ્યું, એટલે ડોક્ટરે તરતજ એક ગાયનેક મિત્રને કોલ કરી બધી વિગતો જણાવી એમને તાબડતોબ આવી જવા જણાવ્યું.

અહીં કેયૂર અને રાગિણી... તો ત્યાં કેકે અને આદિ... એ બંને પણ ડો. ભટ્ટ પાસે ગયા હતા.. કોકિલાબેનની ચિંતામાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો. નર્સે તેમની હાલત જોઈ તેમના ખભે હાથ રાખી સાંત્વના આપી. કોકિલાબેન પણ સમજતા હતા કે અત્યારે ઢીલા પડવાનો સમય નથી. તેમણે આંખની ભીની સપાટી કોરી કરી, ત્યાં જ આદિનો કોલ આવ્યો.

"હલો આંટી, આદિ બોલું. કેકે ઈઝ નાઉ મચ બેટર. ડો. ભટ્ટનું કહેવું છે કે ઘણી સારી રીકવરી આવી ગઇ છે. હજુ વીકનેસ છે, પણ બહુ જલ્દી કવર થઈ જશે. હું અંકલને પણ કહી દઉં છું કે ચિંતા ન કરે. બેડ ડેય્ઝ હેવ ગોન નાઉ. "

કોકિલાબેન એકનજરે મોબાઈલને તાકી રહ્યા. એમની સાથે જનરલી બધા વિડિયોકોલથી જ વાત કરતાં કે જેથી કોકિલાબેનના ઈશારા જોઈ શકાય. પણ અત્યારે કદાચ આદિને ઉતાવળ હશે, એટલે તેણે વોઇસકોલ કર્યો હતો. કોકિલાબેને તો આદિની વાત સાંભળી લીધી, પણ આદિને રાગિણી વિશે જણાવી ન શક્યા. ફરી એક આંસુ પાંપણની ધાર પર લટકી રહ્યું.

એકસાથે કેટલા મોરચે લડાઇ હતી... કેકે., કેયૂર, રાગિણી... અને બિઝનેસ પણ... લગભગ નિવૃત્ત થઇ ગયેલા કેદારભાઇએ ફરી કે કે ક્રિએશન્સની ધુરા સંભાળી લીધી હતી. બધાજ મોરચે જીતવું પણ જરૂરી હતુ... એકપણ મોરચે પીછેહઠ એટલે...

***

"રાગિણી.... "

કાનની એકદમ નજીક સંભળાયેલો અવાજ અને રાગિણીની ખૂલ્લી આંખ સામે તરવરતો કેયૂરનો ચહેરો... આ હવે તેને રોજનું થયું હતું. તે સૂવે એટલે થોડીવારમાં જાણે કોઇ એકદમ એનાં કાનમાં મોઢું રાખી તેને બોલાવતું હોય એવું લાગે અને એની આંખ ખૂલી જતી. પછી ઈચ્છવા છતાં તે સૂઈ ન શકતી. આમ ને આમ કેટલા મહિના વીતી ગયા. થોડીવાર આંટા માર્યા પછી રાગિણી તેના પૂરા ઉપસેલા પેટની અંદર થતી હલચલને અનુભવતી આરામખુરશી પર બેઠી. આજે તેને ક્યાંય ચેન નહોતું પડતું. અડધી રાત વીતી ગઇ હતી, પણ ઉંઘ તેની વેરણ બની ગઇ હતી.... સામે દિવાલ પર રહેલ કેયૂરના આદમકદ ફોટામાંથી જાણે કેયૂર તેની સાથે વાત કરી રહ્યો હોય એવું લાગ્યું... ફરી કાન પાસે એ અવાજ સંભળાયો... જાગૃત અવસ્થામાં પણ!

"રાગિણી... "

અંદરથી બબુએ એક જોરદાર લાત મારી અને રાગિણીથી ઉંહકારો નીકળી ગયો. તેને ભરોસો થઇ ગયો કે આ સપનુ નથી, કે નથી તંદ્રાવસ્થા... તે સંપૂર્ણ જાગૃત છે, અને સામે ફોટામાં કેયૂર તેની સાથે વાત...!!!

રાગિણી એકદમ હતપ્રભ બની ગઇ. તે હળવેથી ઉભી થઇ અને કેડ પર હાથ રાખી ધીમી ચાલે કેયૂરના ફોટા પાસે પહોંચી. તે ફોટા પર હાથ પસવારતી ઉભી રહી, તો એક અજબ અનુભવ થયો. જાણે એ ફોટામાંનો કેયૂર જીવંત થઈ ગયો હતો! રાગિણીની હથેળી સાથે કેયૂરની હથેળીનું જોડાણ થયું અને જાણે ઊર્જાનું ચક્ર સંપૂર્ણ થઇ ગયું... સહજીવનની પ્રથમ ક્ષણથી રાગિણીને જે અનુભવની આકાંક્ષા હતી, તે આજે પરિપૂર્ણ થઇ હતી..

વહેતી ઊર્જાના દિવ્ય અનુભવ વચ્ચે કેયૂરનો અવાજ સંભળાયો,

"બસ, હવે મને જવા દે... મને મુક્ત થવા દે... "

જે કંઇ બની રહ્યું હતું એ હજુય રાગિણીની સમજ બહારનું હતું... તે કેયૂરના કહેવાનો અર્થ સમજી... અને નકારમાં માથું હલાવવા માંડી. કેયૂરનો હાથ પકડવાની કોશિશ કરી, પણ કાચની લીસી સપાટી પર તેની હથેળી લપસી પડી... પોતાની જાતને અત્યંત અસહાય અનુભવતી ફરી અસ્થમાના એટેકનો શિકાર બની. તેનો શ્વાસ રોકાઇ રહ્યો હતો... કેયૂર તેની નજરથી ઓઝલ થઇ રહ્યો હતો... અસ્થમાનો પંપ તેના ગાઉનના પોકેટમાંજ હતો, પણ તે બહાર ન કાઢી શકી... તે ત્યાંજ ફસડાઈ પડી. તેના ધક્કાથી કેયૂરનો ફોટો પણ નીચે પડી ગયો.. ફોટાનો કાચ તૂટીને આખા રૂમમાં ફેલાઇ ગયો..

એ અવાજ સાંભળી કેકે અને કોકિલાબેન તરતજ દોડી આવ્યા. રાગિણીની હાલત જોઈ તરતજ તેને હોસ્પિટલ લઇ ગયા. રાગિણીને પૂરા દિવસો જતા હતા, એ સમયે આ એક્સિડન્ટ...

****

"ઉંવા... ઉંવા... "

ભય, દુઃખ, ચિંતા... બધાને અતિક્રમીને અત્યારે હર્ષની લાગણી બધાનાં માનસપટ પર છવાયેલી હતી. છેલ્લા ચાર કલાક અસહ્ય તણાવપૂર્ણ રહ્યા હતા. રાગિણીની હાલત જોઈ ડોક્ટરે તરતજ સીઝર કરવાની સલાહ આપી. અસ્થમાના તીવ્ર એટેકને કારણે રાગિણીના શરીરમાં જતો ઓક્સિજન સપ્લાય લગભગ નહીવત્ થઇ ગયો હતો. જેની આડઅસર બાળક પર પણ થઇ શકે. અને જો એવું થાય, તો બળકના મગજ પર અસર પહોંચે... કદાચ તે માનસિક વિકલાંગ પણ બની શકે...

આમપણ રાગિણીને નવમો મહિનો પૂરો થવામાંજ હતો. અઠવાડિયા પછીની ડ્યૂ ડેટ આપેલી હતી. એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે સીઝર કરવામાં બીજું કોઈ જોખમ જણાતું નહોતું. સત્વરે નિર્ણય લેવાઇ ગયો અને અત્યારે ખુશીની આલબેલ પોકારતું ઉંવા ઉંવા...

રાગિણી હજી ઓપરેશન થીયેટરમાંજ હતી. પણ નર્સ હસતા ચહેરે એક નાનકડું બાળક કોકિલાબેનના હાથમાં આપી ગઇ. ઓહ! જાણે સ્વર્ગનું સુખ... ઝીણી ઝીણી આંખો, નાના નાના હોઠ, ફૂલેલા ગુલાબી ગાલ, કંકુ ચોપડ્યું હોય એવા લાલ ચટ્ટક તળિયા, અને માથા પર કાળા ભમ્મર વાળ... કોકિલાબેને તેને એકદમ નજીક લાવી એક નાનકડી ચૂમી ભરી લીધી. બરાબર ત્યારેજ એ નાનકડી ગુલાબી હથેળીમાં કોકિલાબેનની સાડીનો છેડો પકડાઇ ગયો. બબુ ટગર ટગર કોકિલાબેન સામે જોઈ રહ્યું, જાણે ભવોભવની ઓળખાણ શોધી રહ્યું! અને પછી નાનું નાનું મોં ખોલી એક મોટું બગાસું ખાધું અને આંખ મીંચી સૂઈ ગયું.

સુખનો ઘુંટડો હજુ ગળા નીચે ઉતરે એ પહેલાં તો કેકેનો મોબાઈલ રણકી ઉઠ્યો. સામે છેડે કેદારભાઈ હતા. એમના અવાજમાં નિરાશા હતી. કેયૂર...