"બોસ, મહેમાન આવી ગયા છે. "
બબલુના અવાજથી દાદા તંદ્રામાંથી ખેંચાઈ આવ્યા હોય એમ ઝબક્યા અને પૂછ્યું,
"ગુડ. બધી તૈયારી થઇ ગઇ છે? "
"હા બોસ. "
"ઓકે. તો મહેમાનને લઇ આવો અહીં. "
બસ, દાદાનો હુકમ થતાંજ એ રૂમનો દરવાજો ખૂલ્યો અને ઈન્સ્પેક્ટર ડીસુઝા સહિત આદિ, કેકે અને રાગિણીને બંધક બનાવી અંદર લાવવામાં આવ્યા. રાગિણીએ દાદા સામે તીખી નજરે જોયું. તેણે નોંધ્યુ કે સમય પસાર થવાની સાથે દાદાના ચહેરા પર વધુ કરડાકી આવી હતી... સાથેજ બે નવા નિશાન પણ કપાળમાં બની ગયા હતા... સૌથી વધુ અચરજ તેને દાદાનાં પહેરવેશનું થયું. તે એકદમ મિ. વ્હાઇટ બનીને એ જ ખુરશી પર પગ પર પગ ચડાવીને બેઠો હતો... રાગિણીના ધબકારા અનિયમિત થઇ રહ્યા હતા... તેને અંદાજો આવી ગયો હતો કે હવે તેનું સપનુ... તેના અંદેશાઓ હકીકતનું રૂપ લેવાની તૈયારી કરી રહ્યા છે!
ઈં. ડિસુઝા ખૂબ જ અકળાયેલ હતા. તેને એજ સમજાતું નહોતું કે તેનો દાવ અવળો કેમ પડ્યો? તેના કમાન્ડો તો વેલ ટ્રેઈન્ડ હતા... તો પછી? કે પોતે પહોચે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું એ ભૂલ હતી? અને આ મેડમ... એને કેવી રીતે ખબર પડી કે... જેટલું વધારે વિચારે એટલો ગુંચવાડો વધતો જતો હતો... પાછળથી એક પંટરીયાએ ધક્કો મારતા ડીસુઝા જાણે વર્તમાનમાં આવી ગયા. બધા વિચારો ખંખેરી તેમણે અત્યારે દાદા પર કોન્સન્ટ્રેટ કરવાનું નક્કી કર્યું.
કેકે અને આદિ પણ બંધક હતા છતાં અહીં પણ આદિ કેકેની પાછળ હતો, કે જેથી જરૂર પડ્યે તરત કેકેને ટેકો આપી શકાય. બધા દાદાની બરાબર સામે પહોંચ્યા એટલે દાદાએ એક ઉપાલંભ કરતું હાસ્ય કરી કહ્યું,
"વેલકમ, વેલકમ, મારા મોંઘેરા મેમાનો... આ દાદા તમારૂં સ્વાગત કરે છે. "
ડીસુઝાનો ગુસ્સો ઝાલ્યો ન રહ્યો એટલે એણે પોતાના પગ પાસે થૂંકી બૂટ તળે કચડી નાંખ્યું. તેની આંખોમાં ખુન્નસ ઘુટાતું જોઈ જાણે દાદાને નશો ચડતો હોય એમ અસ્સલ કાઠિયાવાડી અંદાજમાં બોલ્યા,
"ધીરી બાપુડીયા, ખમ્મા, ખમ્મા... "
ડીસુઝાને કંઈ સમજાયું નથી એ જોઈ દાદાને વધુ ચાનક ચડી. તેણે બબલુને ઉદ્દેશીને કહ્યું,
"આ સાહેબને પણ એમના ટટ્ટુઓ સાથે બાંધી દે. જા ઝટ કર્ય... "
અને બબલુ એ જ રૂમનાં એક ખૂણામાં ડીસુઝાને ખેંચી ગયો. ત્યાં કાચની એક નાનકડી કેબિનમાં એના કમાન્ડોને બંધક બનાવીને રાખ્યા હતા, એમની સાથે ડીસુઝાને પણ બંધક બનાવી રાખી દીધો.
"હવે આમનો વારો... "
દાદાએ કેકે અને આદિ તરફ જોયું. પછી કેકેની હાલત જોઈ પોતાનું હસવું રોકી ન શક્યા . પોતાની જગ્યાએથી ઉભા થઇ ત્રણ ડગલે કેકે પાસે પહોંચી ગયા. કેકેને બોચીએથી પકડી જમીનથી બે ઈંચ અધ્ધર કરી છોડી દીધો. કેકે લથડીયું ખાઇ ગયો, પણ આદિએ તરત ટેકો કરી તેને સંભાળી લીધો.
" શું જોઈને હાલ્યો આવ્યો દાદા સામે? હેં? "
દાદાનું અટ્ટહાસ્ય ગુંજી ઉઠયું, ત્યાંજ એને ચીરતો કેકેનો અવાજ સંભળાયો,
"મારો ભાઈ ક્યાં છે? "
દાદાએ જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ હસવાનું ચાલું રાખ્યું એટલે કેકેનો પિત્તો ગયો. તેણે દાદાનો કોલર પકડી ફરી વધુ મોટા અવાજે પૂછ્યું,
"કેયૂર ક્યાં છે? "
સટ્ટાક!.. અને કેકે સામેની દિવાલ સાથે અફળાયો. આદિ તેની પાસે દોડી ગયો. કેકેને સીધો કરી જોયું તો તેનો ગાલ ચિરાઇ ગયો હતો અને એમાંથી લોહીનો રેલો છેક તેના કોલર સુધી પહોંચી ગયો હતો. આદિ ડઘાઈ ગયો, છતાં હિંમત કરી તે બોલવા ગયો પણ,
શ્ શ્ શ્... દાદાનો અવાજ અને આખા રૂમમાં સન્નાટો! દાદાએ આંખથીજ ઈશારો કર્યો અને ચાર પંટરીયા કેકે અને આદિને ઘેરીને ઉભા રહી ગયા. હવે તેમની અને રાગિણી વચ્ચે ઘણું અંતર થઈ ગયું હતું. બધા સાથે હોવા છતાં રાગિણી જાણે એકલી પડી ગઇ હતી. કેકેની હાલત જોઈને ઘડીક તો તે એકદમ ડઘાઇ ગઇ. પરસેવાનો રેલો તેના કાન પાછળથી થઇ તેની ગરદન પર સરકતો છેક પીઠ પર ઉતર્યો. એક સેકન્ડ માટે તેને આંખે અંધારા આવી ગયા, પણ મનોમન તેણે કેયૂરને યાદ કર્યો અને જાણે તેનામાં શક્તિનો સંચાર થયો.. તે સ્થિર નજરે દાદા સામે તાકી રહી.
"મેકવાન ક્યાં છે?"
રાગિણીએ જાણે સાંભળ્યું જ ન હોય એમ દાદા સામે તાકી રહી. દાદા બે ડગલે તો રાગિણી પાસે પહોંચી ગયા.
"તને કઉં છું છોકરી, બોલ, મેકવાન ક્યાં છે? "
દાદાએ હાથ તો ઉગામ્યો, પણ પાછલી વખતનો અનુભવ યાદ આવતા હાથ હવામાં જ રોકી દીધો. રાગિણીની આંખમાં ડરનું નામોનિશાન નહોતું... દાદાને આશ્ચર્ય થયું. દાદાનાં મુખભાવ જોઈ રાગિણીના હોઠ સ્હેજ વંકાયા. પછી તે બોલી,
"મમ્મા પાપાને તો હું પણ શોધું છું... તારી પહેલાથી... છેલ્લે તારી સાથે જ હતાં ને! બોલ, પછી ક્યાં ગયા? ક્યાં છે મારા મમ્મા પાપા? "
દાદાએ ભોંઠપ અનુભવી એટલે સવાલ બદલ્યો.
"સારૂં, ચાલ. મેકવાનને છોડ. મારા હીરા ક્યાં છે? "
"કયા હીરા? "
"એ જ... જે લઇને મેકવાન ગાયબ થઇ ગયો છે... એ હીરા, જેની પાછળ મારો ભાઇબંધ ડેવિડ પણ ખોવાઇ ગયો છે... એ હીરા... "
"બસ, કેટલું જુઠાણું ચલાવીશ? અને ક્યાં સુધી? ડેવિડની સચ્ચાઈ તું પણ જાણે છે અને હું પણ. બાકી બધાને ખબર પડશે... તો પરિણામ વિચારી લેજે. "
દાદાથી તુંકારો સહન ન થયો. રાગિણીની ગળચી પકડી તેને પાછળની તરફ ધકેલતો છેક ખુરશીની પાસે પડેલા મોટા ટેબલ સુધી ઘસડી ગયા. રાગિણીની કમરમાં ટેબલની ધાર વાગી. તેનાથી ઉંહકારો થઇ ગયો, સાથેજ ગળા પરની પક્કડ ઢીલી થતાં વળી તેના શબ્દો બહાર આવ્યા..
"રહી વાત હીરાની, તો મને નથી ખબર. "
હવે દાદાનો કંટ્રોલ છૂટી ગયો. એ સાથે જ એક થપ્પડ રાગિણીના ગાલ પર પડી. રાગિણી બેવડ વળી ટેબલ પર પછડાઇ. હવે જાનીભાઇથી ન રહેવાયું. તે બહાર ઉભો દરવાજાની તિરાડમાંથી બધુ જોઈ રહ્યો હતો. રાગિણી નાનપણથી જાનીભાઇની શીપ પર આવતી... જાનીભાઈને તેની સાથે લાગણીનો એક તંતુ જોડાયેલો હતો. એમાંય રાગિણીનું સ્હેજ ઉપસેલું પેટ જોઇ તે પરિસ્થિતિ પામી ગયો હતો. વળી, દાદાની બેરહેમીથી પણ તે સારી રીતે વાકેફ હતો. એટલેજ તેને ડર લાગ્યો કે રાગિણી સાથે કંઇક અજુગતું ન બની જાય!
જાનીભાઇએ દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ તે અંદરથી બંધ હતો. દરવાજા પાસે ટૂંડો ઉભો હતો. જાનીભાઇએ ટૂંડાને દરવાજો ખોલવા વિનંતી કરી, પણ તે ન માન્યો. આ બાજુ જાનીભાઇની અંદર પ્રવેશવાની કશ્મકશ ચાલું હતી, ત્યાં સામે ટેબલ પાસે, દાદાનું ખુન્નસ વધતું જતું હતું. બેવડ વળી ગયેલી રાગિણી પર થૂંકતા તે બોલ્યા,
"તો તું એમ નહી માને ને?... બબલુ... "
એક ઈશારો અને પેલી કમાન્ડોવાળી કેબિનમાંથી હાથપગ બાંધેલ ઈમરાનને અર્ધબેહોશીની હાલતમાં ઉંચકીને લઇ આવ્યો. તેનું મોં સૂજી ગયેલું હતું અને કપડાં ફાટી ગયા હતા... આખા શરીરે ઠેકઠેકાણે લાલ ભૂરા ચકામા ઉપસી આવ્યા હતા. તેની હાલત જોઇ રાગિણીના મનમાં અરેરાટી વ્યાપી ગઈ...
"એને બિચારાને શું કામ વચ્ચે લાવે છે? એણે તારૂં શું બગાડ્યું છે? અને એને તો હીરા વિશે પણ કંઈ ખબર નથી... "
"એનો ગુનો તો સૌથી મોટો છે. જાસૂસી... દાદાની જાસૂસી.... હવે આને જીવતો રાખવા માંગતી હોય, તો બોલ., હીરા ક્યાં છે? "
ફરી રાગિણીનો એજ જવાબ...
"મને નથી ખબર. "
રાગિણી અત્યારે પોતાની જાતને અત્યંત અસહાય મહેસૂસ કરી રહી હતી. હીરા બાબતે તેને ક્યારેય કોઇ વિઝન આવ્યુંજ નહોતુ! તેની પાસે દાદાના સવાલનો કોઈ જવાબ જ નહોતો! પણ ઈમરાનની હાલત... તેનાથી જોવાતી નહોતી. તે કરગરી પડી.
"એને છોડી દે. એનો કોઈ વાંક નથી. એ તો કેયૂર માટે થઇને... "
"કેયૂર.... આહ, સારૂં યાદ કરાવ્યું. બબલુ... ''
ફરી બબલુ કામે લાગી ગયો. તેણે એક કળ દબાવી એટલે જે ખૂણામાં કમાન્ડોવાળી કેબિન હતી, એના સામા ખૂણાની દિવાલ સરકવા માંડી. ત્યાં પણ એવીજ કાચની એક નાનકડી કેબિન હતી. કેબિનમાં આછું અધારું હતું એટલે કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. બસ એટલો ખ્યાલ આવ્યો કે વચ્ચોવચ કોઈને ઉંધામાથે લટકાવેલ છે. તેના હાથ પીઠ પાછળ બંધાયેલા છે. તેના ઢીલા શરીર પરથી લાગતું હતું કે છૂટવાના અનેક ઉધામા કર્યા પછી શરણાગતિ સ્વીકારી લીધી છે! બબલુએ એક સ્વીચ દબાવી એ સાથેજ એ રૂમ પ્રકાશથી ઝળહળી ઊઠ્યો અને રાગિણીથી રાડ પડાઇ ગઇ...
"કેયૂર... "
રાગિણીને એક ધ્રાસ્કો પડ્યો, એ સાથે જ તેના પેટમાં એક તીણી ટીસ ઉઠી. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. આગઝરતી નજરે તેણે દાદા સામે જોયું, તો દાદાની દ્રષ્ટિ પણ તેની પર જ સ્થિર હતી.
"હં.. હં... સાઉન્ડપ્રૂફ કેબિન છે... અને બીજી વાત, એ આપણને નહી જોઈ શકે... પણ તું તો જોઈ શકીશને... તારા કેયૂર ને... "
દાદાએ 'તારા' શબ્દ પર કંઇક વધુપડતોજ ભાર આપી દીધો હતો. રાગિણીએ કેકે સામે જોયું. કેકે અને આદિને બે બે પંટરીયાએ પકડી રાખ્યા હતા. એ બંને પણ કેયૂરને જોઇ વિચલિત થઇ ગયા હતા... છૂટવા માટે ધમપછાડા કરતા હતા... છેલ્લા ઉપાય રૂપે પાંચમો પંટરીયો હાથમાં ગન સાથે તેમની સામે ઉભો રહી ગયો હતો. છતાં કેકેના ઉધામા ચાલુ રહેતા ગનનું નાળચું કેકેના કપાળે અડ્યું કે તરત આદિએ પીછેહઠ કરી... સાથે કેકેને પણ શાંત રહેવા ઈશારો કર્યો...
"બોલ છોકરી, છેલ્લીવાર પૂછું છું... ક્યાં છે હીરા?"
"કેયૂરે તારૂં શું બગાડ્યું છે? છોડી દે એને... "
એક અટ્ટહાસ્ય અને દાદાએ પોકેટમાંથી એક નાનકડું રીમોટ કાઢ્યું. એક બટન દબાવતાની સાથે કેયૂર ગોળ ગોળ ફરવા માંડ્યો. એવું લાગ્યું જાણે તેને પંખા સાથે બાંધેલો હતો... પંખાની સ્પીડ વધતી ગઇ એમ કેયૂર માથું દિવાલથી નજીક જવા માંડ્યું. રાગિણીના ધબકારા એટલા વધી ગયા જાણે હ્રદય હમણાં છાતી ફાડી બહાર આવી જશે... એ સાથે જ પેટનો દુઃખાવો પણ વધતો ચાલ્યો અને તેની શ્વાસ લેવાની ઝડપ વધી ગઇ. અત્યંત તણાવપૂર્ણ પરિસ્થિતિમાં તેના ગળામાંથી અવાજ પણ નહોતો નીકળી રહ્યો.
દાદાના ચહેરા પર કુટિલ સ્મિત રમી ગયું.
"તને સોનમ વિશે ખબર છે, ડેવિડ વિશે પણ... તો હીરા વિશે કેમ નહી? "
ધીમે ધીમે પંખાની સ્પીડ વધી રહી હતી અને કેયૂરના માથા અને દિવાલ વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું... રાગિણીનો શ્વાસ ગળામાં જ અટવાઈ ગયો... જાણે તે શ્વાસ લેવા તરફડતી હોય એવી એની હાલત હતી... તેનો એક હાથ છાતી પર દબાયેલો હતો, બીજા હાથે ટેબલની ધાર પકડેલી હતી અને નજર કેયૂર પર ચોંટેલી હતી...
પંખાની વધતી જતી સ્પીડ અને ઝોલા લેતું કેયૂરનું શરીર... જાણે હવા પણ થંભી ગઇ હતી. બબલુ સહિત બધા પંટરીયા પણ દાદાની નીષ્ઠુરતા જોઈ અવાક્ થઈ ગયા હતા... બસ એક ટૂન્ડા સિવાય! ટૂન્ડો હજુય જાનીભાઇ સાથેની રકઝકમાં બીઝી હતો. સ્તબ્ધ શાંતિમાં એ બંનેનો અવાજ સાંભળી દાદાએ ટૂન્ડા તરફ જોયું.
"યે... યે.. જાનીભાઇ અંદર આનેકુ મંગતા. "
દાદાએ આંખોથીજ એને આવવા દેવાની મંજૂરી આપી. જાનીભાઇ દોડતો જઇ સીધો દાદાના પગમાં લાંબો થઈ ગયો.
"છોડ દો બેચારી બચ્ચી કો... મેને અપની ગોદમેં ખિલાયા ઉસકો... છોડ દો... "
"ઠીક હૈ. બોલ ઉસકો, હીરે કા પતા બતાયે... સબ જમેલા ખતમ... "
બોલતા બોલતા ફરી પંખાની સ્પીડ વધારી. કેયૂરના શરીરનો ચકરાવો વધુ મોટો થયો. જરાક માટે દિવાલ સાથે ભટકાવાનું બાકી રહ્યું. હવે જો જરાક પણ સ્પીડ વધી, તો...
આ પરિસ્થિતિ કેયૂર માટે અત્યંત વસમી હતી. ઘેનની દવાની અસર હવે સંપૂર્ણ પણે ઉતરી ચૂકી હતી. તેને એટલો મુશ્કેટાટ બાંધ્યો હતો કે તે પોતાની જાતે બિલકુલ હલનચલન કરી શકે એમ નહોતો. બીજું તો ઠીક, તેના ખભાથી લઇ થાપા સુધી એક પાટિયું બાંધ્યુ હતુ, એટલે તે કમરથી પણ વળી શકે એમ નહોતો. પંખાની જેમ ગોળ ગોળ ફરતા હવે તેને સખત ચક્કર આવી રહ્યા હતા. કાળજુ જાણે ગળામાં આવી ગયું હોય એવું લાગતું હતું. પરિસ્થિતિ અસહ્ય થઈ જતા છેવટ વોમિટનો કોગળો બહાર આવીજ ગયો, જે ફરતે બધી દિવાલો પર ચોંટી ગયું...
કેકેની શારિરીક નબળાઈ અત્યારે તેને ખૂબ અખરતી હતી. તે ઈચ્છવા છતાંય કંઈ કરી શકે એમ નહોતો.. અને આદિ... આદિની નજર રાગિણી પર સ્થિર હતી. રાગિણીની આ પરિસ્થિતિ કોઈ મેડિકલ ઈમર્જન્સી તરફ ઈશારો કરી રહી હતી, પણ એ મજબૂર હતો.. પોતાની નજર સામે રાગિણીને આ રીતે તડપતી જોવા માટે!
"હીરા... "
દાદાની પીન એકજ જગ્યાએ ચોંટી ગઇ હતી. જાનીભાઇ રૂદનમિશ્રિત અવાજે બોલ્યા..
"વો હીરા અપુનકે પાસ થા... પર અપુન બેચ દીયા... "
એક સાથે બે ધડાકા સંભળાયા. દાદાએ જાનીભાઇની ખોપરીમાં ગોળી ઉતારી દીધી હતી. પણ બીજો ધડાકો? દાદાએ ટૂન્ડાને ચેક કરવા મોકલ્યો, પણ ત્યારેજ અજાણતા રીમોટમાં બટન પર હળવો ભાર આવ્યો અને પંખાની સ્પીડ વધી ગઇ. કેયૂરનું શરીર થોડું વધારે ઉપર ઉંચકાયુ અને...
કાચની દિવાલો લાલ રંગે રંગાઈ ગઇ... એ સાથેજ રાગિણી પણ બેહોશ થઇ ગઇ!