Sapna advitanra - 62 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૬૨

સોનમ...

આજે ફરી સોનમે તેના દિલોદિમાગ પર કબ્જો જમાવ્યો હતો... પહેલાની જેમજ... તે હંમેશા કહેતો... સોનમ, જિસકે આગે સોના ભી લગે કમ કમ... અને સોનમ કેવું મીઠું શરમાઇ જતી! એનો સુંવાળો સહવાસ આજે પણ રોમેરોમમાં એક રોમાંચ ભરી જતો. કેવો ઘેલો થઇ ગયો હતો તે સોનમ પાછળ! સોનમ સાથે સંસાર સજાવવાના કેટલાય સપના આંખોમાં ભરી લીધા હતા... પણ... પણ એ એક વાત ખટકતી હતી તેના મનમાં... એ એક્સિડન્ટ...

ઉંહુ.... તેણે માથું ધુણાવી વધારાના વિચારો ખંખેરી નાંખ્યા. પૂરો ભરોસો હતો તેને પોતાના પ્રેમ પર. અને એટલેજ ખાતરી હતી કે તેની આ એબ સોનમ જતી કરશે... સો ટકા... અને એ બંનેનો પ્રેમ લગ્નમાં પરિવર્તિત થશે. આજે તો કહી જ દઈશ... બસ મન મક્કમ કરીને તે ગયો સોનમ પાસે.

સોનમ પણ બહુ સરસ મૂડમાં હતી. એ સોનમની નજીક ગયો. પ્રેમથી એના જમણા ગાલે હથેળી મૂકી નજરનું તારામૈત્રક રચ્યું. ત્યાં ખુશીની રેખાઓ જોઇ બોલવા માટે હોઠ ફફડાવ્યા,.... ત્યાંજ અવાજ રૂંધાઇ ગયો. પોતાની સ્પર્શેન્દ્રિય પર ભરોસો ન બેઠો હોય એમ નજર નીચે કરી. સોનમે જમણો હાથ તો ગાલે, તેના હાથની ઉપર રાખ્યો હતો, પણ ડાબા હાથે તેનો બીજો હાથ પકડી પેટ પર લઇ ગઇ હતી...

કમનીય કમર સાથે જોડાયેલ સપાટ પેટ પર હથેળી અડતાંજ જાણે કરંટ લાગ્યો હોય એમ તેણે હાથ પાછો ખેંચી લીધો... આ શું?... આ કેવી રીતે શક્ય બને? બસ, તેની દ્રષ્ટિ બદલાઇ ગઇ. પ્રેમનું સ્થાન ગુસ્સાએ લઇ લીધું. ક્રોધના અતિરેકમાં એક ભૂંડી ગાળ સાથે એક થપ્પડ જડી દીધી સોનમના ગાલે... વીંટી અંદરની તરફ રાખીને... એકજ થપ્પડમાં તેનો ગાલ ચિરાઇ ગયો, અને હોઠ પણ!

સોનમ અવાક્ થઈ ગઈ. વિસ્ફારિત નેત્રે તાકી રહી તેની તરફ... કંઇ સમજે એ પહેલા તો ફરી એક ગાળ સાથે તેના વાળ ખેંચી, ઢસડીને પલંગ પર ફંગોળી... અને ચડી બેઠો એની પર...

"બોલ, કોણ? "

સોનમની ચિબુક પર પ્રેશર આપ્યું એટલે તેની સુરાહીદાર ગરદન વધુ ખુલ્લી થઈ. ગોરી ત્વચા પર અત્યારે સોળ ઉઠી આવ્યા હતા...

"તું... "

સોનમ મહામહેનતે બોલી એટલે ફરી એક થપ્પડ રસીદ કરી દીધી. નાજુક સોનમ હવે વધુ પ્રતિકાર કરવા સક્ષમ નહોતી. એણે શરીર ઢીલું મૂકી દીધું. એ પણ સોનમ ઉપરથી ખસી ગયો અને પલંગ પર તેની બાજુમાંજ બેસી પડ્યો. તેણે સોનમનો હાથ પોતાના હાથમાં લીધો અને હળવેથી દબાવ્યો. સોનમનાં જીવમાં જીવ આવ્યો હોય એમ તેણે બેઠા થવાની કોશિશ કરી, ત્યાં તેણે ફરી પૂછ્યું,

"કોણ? "

તેનો અવાજ કંઇક વધુ પડતો જ મોટો થઇ ગયો હતો. સોનમ માંડ માંડ બેઠી થઈ અને ફરી એજ જવાબ આપ્યો,

"તું... "

હવે તેના જડબા તંગ થઈ ગયા, દાંત ભીંસાઇ ગયા. એ સાથે જ હથેળી પર પણ ભીંસ વધતી ગઇ અને એ ઊંધી રાખેલી વીંટી સોનમની અનામિકા આંગળીની નીચે ખૂંપી ગઇ. સોનમથી રાડ પડાઇ ગઇ, છતાં તેના મોં એથી એકજ જવાબ નીકળતો હતો...

"તું... "

ફરી તેણે ઝાટકો મારી સોનમનો હાથ છોડ્યો, એ સાથે જ સોનમ પલંગ પરથી નીચે ગબડી પડી. સોનમ પીડાભરી આંખે તેની સામે જોઈ રહી. તે બંને હાથ પેટ પર વીંટાળી ત્યાંજ ટુંટીયું વળી ગઇ હતી. સોનમની આવી દશા જોઈ તેણે ગાદલા પર જોરથી હાથ પછાડ્યો અને બરાડ્યો...

"બેવકૂફ સમજે છે મને? આજે તને એ જ કહેવા આવ્યો હતો. બે વરસ પહેલા એક એક્સિડન્ટમાં... અને ડોક્ટરે કહી દીધું છે કે હું ક્યારેય બાપ નહિ બની શકું. સમજે છે આનો મતલબ? બોલ... બો.. ઓ.. લ... "

ફરી એક ગર્જના અને તે ઉભો થઇ સોનમ પાસે ગયો. હવે સોનમની આંખમાં ભય સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેણે ગળચી પકડી સોનમને ઉભી કરી. ફરી હાથ ઉગામ્યો અને સોનમ ભયભીત નજરે પોતેજ ભેટમાં આપેલી એ કાતિલ વીંટી સામે જોઇ રહી. આ વીંટીની એક ખાસિયત હતી. આમ તો દેખાવમાં સામાન્ય જ લાગે, પણ એમાં એક કળ દબાવે એટલે એકદમ બારીક બ્લેડની ધાર બહાર આવી જતી. બસ, પછી એ વીંટી એક ઘાતક હથિયાર બની જતી. આજે એ જ વીંટી તેની પીડાનું કારણ બની રહી હતી...!!

સોનમ સમજી ગઇ હતી કે હવે તેનું જૂઠ પકડાઇ ગયું છે, એટલે તેણે બે હાથ જોડી માફી માંગવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં એ કાળમુખો પંજો તેની ગરદન ફરતે વીંટળાઈ વળ્યો હતો.

"આજે તને સચ્ચાઈ જણાવવાનો હતો, અને પૂછવાનો હતો કે પરણીશ મારી સાથે? "

એનો અસ્સલ કાઠિયાવાડી મિજાજ બહાર આવી ચૂક્યો હતો. તેના હાથની ભીંસ વધતી જતી હતી, અને એ ધારદાર વીંટી કોમળ ચામડીને વીંધી રહી હતી...

"બોલ, આવું કેમ કર્યું? કોણ હતો એ? "

એના અવાજમાં ભળેલી ભીનાશ જોઇ તેને થોડીક આશા બંધાઈ અને તૂટક શબ્દોમાં એક નામ બોલી,

"ડ... ડે.. વિ... ડ... "

બસ, આ હતા સોનમના છેલ્લા શબ્દો... હજુ પણ દાદા... ના, દાનિશના કાનમાં ગુંજતા હતા... એ પીડા, એ ખુન્નસ અત્યારે પણ એની આંખમાં ઉતરી આવ્યા હતા. તેની લાલચોળ આંખ સામે ડેવિડનો ચહેરો તરવરી ઊઠ્યો. એ પણ આમજ તરફડ્યો હતો... મરતા પહેલા... આમજ કરગર્યો હતો...

સોનમને ગાયબ કર્યા પછી તેણે ડેવિડમાં આવેલ પરિવર્તન નોંધ્યુ. તેના બેફિકરા સ્વભાવમાં પ્રવેશેલ સોનમની ચિંતાએ આખી કહાની પ્રસ્તુત કરી દીધી. તેનું દિલ તૂટી ગયું. જીવથીય વિશેષ વ્હાલી પ્રેમિકા અને સગા ભાઇ કરતાંય અદકો દોસ્ત... બંનેએ સાથે મળીને તેના વિશ્વાસનું ખૂન કર્યું હતું, અને હવે તે બદલાની આગમાં બળતો હતો... બસ, એક દિવસ મોકો મળી ગયો. એક થર્ડ પાર્ટીના હીરાની ડિલિવરી લેવાની હતી. તે બહાનુ કાઢી ત્યાંથી સરકી ગયો. તેનો પ્લાન હતો એ હીરા તફડાવીને ડેવિડને સકંજામાં લેવાનો. જો ડેવિડ હીરાની ડિલિવરી લઈ લે, પણ એના માલિક સુધી પહોંચાડી ન શકે, તો એણે જીવથી હાથ ધોવા પડે... અને ટાઢે પાણીએ ખસ નીકળે... એટલેજ હીરાની ડિલિવરીના આગલા દિવસે તે ત્યાંથી જતો રહ્યો, અને લાગ જોઈને શીપમાંજ ખાસ બનાવેલ સિક્રેટ રૂમમાં છુપાઇ રહ્યો. પણ તે પોતાના પ્લાનને અંજામ આપે એ પહેલાં જ અફડાતફડી મચી ગઈ. એ મેકવાન હીરાની પોટલી આંચકીને દોડ્યો. એ તો પકડાયો, પણ હીરા ન પકડાયા! અને પછી પોલીસ સાથેની ઝપાઝપીમાં ડેવિડને ગોળી વાગી અને તે પાણીમાં પડી ગયો. આ જ મોકો હતો બદલો વાળવાનો... તે પાણીમાં પડેલા ડેવિડને બચાવીને પોતાના ગુપ્ત રૂમમાં લઇ આવ્યો.

એકદમ પરફેક્ટ પ્લાન હતો. શરૂઆતમાં તો ડેવિડને એવું જ લાગ્યું કે દાનિશે તેને બચાવી લીધો છે, પણ જ્યારે દાનિશે સોનમ સાથેના સંબંધ વિશે પૂછ્યું, ત્યારે ડેવિડ ડઘાઇ ગયો. એમાંય જ્યારે સોનમના મૃત્યુના સમાચાર સાંભળ્યા, એટલે તે એકદમ ભાંગી પડ્યો. દાનિશની વિકરાળ મુખમુદ્રા જોઈ તે પોતાનો કાળ પામી ગયો, અને બે હાથ જોડી કરગરી પડ્યો.

"ભાઇ, ભૂલ થઇ ગઇ, ભાઇ... "

પણ દાનિશના માથે કાળ સવાર હતો. તેણે અત્યંત બેરહેમીથી ડેવિડનું મસ્તક ધડથી અલગ કરી દીધુ... ડેવિડના લોહીથી લાલ થયેલો હાથ તેણે પોતાના ચહેરા પર ફેરવ્યો, અને એનો આખો ચહેરો રક્તરંજીત બની ગયો... ગળે ડૂમો બાજી ગયો... આજે તેનું સર્વસ્વ તેનાજ હાથે સમાપ્ત થઇ ગયુ હતું...!!

થોડીવાર એમજ શૂન્યમનસ્ક રહ્યા પછી જાણે હોંશ આવ્યો હોય એમ તે ફરી કામે લાગી ગયો. ડેવિડના શરીરના અનેક ટુકડા કરી બાથટબમાં ભર્યા, અને એ બાથટબ એસિડથી ભર્યુ. તેને ખ્યાલ હતો કે શીપની સફાઇ માટે જાનીભાઇ હંમેશા એસિડનો મોટો જથ્થો સ્ટોરરૂમમાં રાખતા. બસ, એજ અત્યારે કામ લાગી ગયુ.

ડેવિડનું આખું શરીર ઓગળી ગયું ત્યાં સુધી દાનિશ ત્યાં બાથરૂમમાં જ બેસી રહ્યો. અને પછી ફ્લશ... અને ડેવિડનું રહ્યુસહ્યુ અસ્તિત્વ પણ દરિયામાં ભળી ગયું. ફરી તે ચૂપચાપ એ શીપ છોડી જતો રહ્યો. અને પરત આવ્યો બીજા દિવસે. જાણે સખ્ખત આઘાત લાગ્યો હોય એમ ડેવિડને શોધવામાં આકાશ પાતાળ એક કરી નાંખ્યા. આખરે તેનો જીગરજાન ગાયબ થયો હતો! એટલે સુધી કે બધા એ બંનેને સગા ભાઇ જ સમજતા હતા..!!

ન ડેવિડનો પત્તો મળ્યો ન હીરાનો... અને મેકવાનની છોકરી પણ ઝાટકો આપી ભાગી ગઇ... પોલીસની હેરાનગતી વધતી જતી હતી, એટલે ડેવિડની યાદમાં પોતાનું અને ડેવિડનું નામ ભેગું કરી દાદાના નામથી મુંબઈમાં તેણે વધુ મોટી ગેંગ બનાવી અને ઈન્ટરનેશનલ લેવલે પોતાની હાજરી પુરાવી...

આજે ફરી મેકવાનની છોકરી હાથમાં આવશે.. કદાચ હીરાનો પત્તો મળી જશે... અને આ શીપ... ડેવિડની કેટલીય યાદો અહીં તાજી થઇ ગઇ, અને એટલેજ આજે તે ડેવિડની જેમજ મિ. વ્હાઈટ બની ડેવિડની એ ફેવરીટ ખુરશી પર બેઠો બેઠો રાહ જોઈ રહ્યો હતો એ સફળતાની, જે હવે હાથવેંતમાંજ લાગતી હતી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED