કયાં હશે કેયૂર? રાગિણીના મગજમાં હડકંપ મચી ગયો હતો. તેના કપાળમાં પડેલી સળમાં ઉત્તરોત્તર વધારો થવા માંડ્યો.
"આર યુ શ્યોર, પાપા? આઇ મીન તમે બરાબર ચેક કર્યુ? "
"હા બેટા. પછીજ કોલ કર્યો. ઓકે, લીસન. યુ ડોન્ટ બી સ્ટ્રેસ્ડ. હું એરપોર્ટ ઓથોરીટી સાથે વાત કરૂં છું. "
"હા, પાપા. જસ્ટ કીપ મી અપડેટ. પ્લીઝ. "
"હા, બચ્ચા. ડોન્ટ વરી. સુન હી વીલ બી વીથ અસ. જસ્ટ રીલેક્ષ. ટેક કેર. "
કેદારભાઈએ કોલ કટ કરી દીધો. તેમણે આજુબાજુ નજર કરી. ત્યાં એક પોલીસમેન દેખાયો એટલે તેની પાસે જઈને આખી વાત કહી મદદ માંગી. એ પોલીસ મેન મિ. વિક્ટર કેદારભાઈને પોતાની ઓફિસમાં લઇ ગયો. ફરી બધી વિગતો જાણી એક પેપરમાં નોંધી લીધી. તેણે કેદારભાઈને ધરપત આપી અને ફોન ઉપાડી એક નંબર ડાયલ કર્યો. થોડી વાતચીત પછી કોલ કટ કરી ફરી કેદારભાઈ સામે જોયું.
"આર યુ શ્યોર અબાઉટ ધ પર્સન નેમ એન્ડ ફ્લાઇટ નંબર? "
કેદારભાઈએ તરતજ કેયૂરે વોટ્સએપમાં મોકલેલ તેની અને રાગિણીની ટિકિટ બતાવી.
"બટ, અવર રેકોર્ડ સેય્ઝ ધેટ ધીઝ ટિકિટ ઇઝ કેન્સલ્ડ બાય મિ. કેયૂરસ એજન્ટ. "
"એક્ચ્યુઅલી, રાગિણીસ ટિકિટ ઈઝ કેન્સલ્ડ એન્ડ કેયૂરસ પ્લાન ડીડ નોટ ચેન્જ. હી લેફ્ટ ટુ એરપોર્ટ બટ ડીડન્ટ અરાઇવ. "
"બટ અવર રેકોર્ડ સેય્ઝ હી હેડ નાઇધર ચેક ઇન નોર બોર્ડીંગ... ઓકે. ગીવ અ મિસીંગ કમ્પ્લેન એન્ડ વી વીલ ફાઇન્ડ હીમ. "
***
કેદારભાઈએ તો કહ્યું ફિકર ન કરવાનું, પણ એ કેવી રીતે શક્ય બને? રાગિણીના મનમાં જે ઉચાટ હતો, તેનો અંદાજ કોઈને કેવી રીતે આવી શકે? પણ રાગિણીનું મગજ આ કપરા સમયે બેવડી ગતિએ દોડવા માંડ્યું. કદાચ તેના મગજે શરીરને આદેશ આપી દીધો હતો કે આ કપરા સમયમાં જરાય નબળા નથી પડવાનુ. કેદારભાઈ નો કોલ કટ થયો એટલે રાગિણીએ પહેલુ કામ કર્યું આદિત્યને કોલ કરવાનું. તેણે આદિત્ય ને બધી વાત કરી. ઘડીકતો એ પણ મુંઝાઇ ગયો, પણ પછી રાગિણીને હિંમત બંધાવી તેણે કેકેને કોલ કર્યો.
કેદારભાઈ હજુ એરપોર્ટ પર જ હતા, એટલે કેકે અને કોકિલાબેનને આદિ પાસેથી જ સમાચાર મળ્યા. કોકિલાબેન અત્યંત ચિંતાતુર થઇ ગયા. તેમનું બીપી એકદમજ વધી ગયુ અને... નર્સે તરતજ ડોક્ટરને બોલાવ્યા અને કોકિલાબેનની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી.
કેકે... આ ખબર સાંભળી કેકે અંદર સુધી ખળભળી ગયો. તેની અંદર જાણે એક જુવાળ ઉત્પન્ન થયો. તેનુ કરમાઇ ગયેલુ, છિન્નભિન્ન અસ્તિત્વ જાણે ફરી આળસ મરડી બેઠું થયુ... કેદારભાઈ હોસ્પિટલ પહોંચે એ પહેલાં તેણે પોતાના ડિસ્ચાર્જ પેપર તૈયાર કરાવી લીધા હતા!
કેકેમાં આવેલ પરિવર્તન જોઇ કોકિલાબેને પણ પોતાની જાત પર કંટ્રોલ મેળવી લીધો. થોડું મનોબળ અને થોડો દવાનો પ્રભાવ... કેદારભાઈ આવે ત્યાં સુધીમાં તો એ બંને સામાન પેક કરીને તૈયાર હતા.
કેદારભાઈ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આખા રસ્તે એજ વિચારતા હતા કે કેયૂર વિશે કેવી રીતે જણાવવુ અને એની અસર શું થઇ શકે? પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમને કેકેના ચહેરા પર એજ જૂનુ તેજ દેખાયુ. કેકે ઇઝ બેક. અને એ કહી રહ્યો હતો,
"ડેડ, સિંગાપોરની નેક્સ્ટ ફ્લાઇટમાં ટિકિટ બુક થઇ ગઇ છે. આપણે અડધા કલાકમાં નીકળવાનુ છે. "
***
"ગુડ જોબ, ઈગલ. વેલ ડન. "
લાલચોળ આંખો અને તેની ફરતે ઈગલનું મહોરું... એ આંખોમાં એટલી ધાર હતી કે... સામેવાળાને નજરથી જ ઉભેઉભો ચીરી નાંખે. દાદા સાથે આ તેની પ્રથમ મુલાકાત હતી. અને મુલાકાતનું કારણ હતુ તેની સફળતા...દાદાએ સોંપેલા કામની સફળતા. વરૂણ પછી આ બીજી ગેંગ હતી, જેને દાદાએ પોતાના પ્લાનમાં શામેલ કરી હતી... મેકવાન સુધી પહોંચવા માટે.
"વ્હેર ઇઝ માય પાર્સલ? "
ઈગલે દરવાજા તરફ ડોક ફેરવી અસ્સલ ઈગલ જેવોજ અવાજ કર્યો અને બે માણસ - વાઘ અને સિંહના મહોરા પહેરેલા - એક સ્ટ્રેચર સાથે રૂમમાં પ્રવેશ્યા. સ્ટ્રેચર પર કોઇ વ્યક્તિ સૂતેલી હતી. તેના હાથ પગ બાંધેલા હતા અને મોઢે કાળા કપડાની કાણાંવાળી થેલી પહેરાવેલી હતી. દાદાની અધિરાઇ વધતી જતી હતી.
"શો મી ધ ફેસ. "
ઈગલે તેની લાલચોળ આંખો વાઘના મહોરા તરફ ફેરવી એટલે તેણે એ કાળી થેલી દૂર કરી દીધી અને બોલ્યો,
"હી વોન્ટ બી અવેક ફોર નેક્સ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ. "
વાઘ પાછો પોતાની જગ્યાએ જતો રહ્યો એટલે ઈગલે ટેબલ પર બે વાર હાથ પછાડી ફરી એક વિચિત્ર અવાજ કર્યો. વાઘ કંઇક બોલવા ગયો, પણ દાદાએ હાથના ઇશારે તેને રોકી પોતાની પાસે રહેલ બ્લેક સુટકેસ ઈગલ પાસે સરકાવી. ઈગલે સુટકેસ ખોલી એટલે દાદા બોલ્યા,
"જોઇ લે.. જોઇ લે... તું પણ શું યાદ કરીશ. નક્કી કર્યા કરતા ઝાઝા જ છે. આ ભાયડાને ભુલીશ નઇ કોઈ દિ... "
ઈગલ અને પેલા વાઘ - સિંહ આશ્ચર્યથી દાદા સામે જોઇ રહ્યા. અત્યારસુધી સ્પષ્ટ ઇંગ્લિશમાં બોલનાર આ માણસ અચાનક કઇ ભાષામાં બોલવા માંડ્યો, તે એ લોકોને સમજાયું નહી. પણ દાદાને એની ક્યાં પડી હતી! એ તો મોજમાં અસ્સલ કાઠિયાવાડી બોલી પર ઉતરી આવ્યા હતા. હવે તેમને પોતાની મંઝિલ નજીક દેખાતી હતી.
વરૂણ સાથે બનાવેલ પ્લાનનો ધબડકો થયા પછી પણ દાદાએ રાગિણી પર નજર રખાવી હતી. એટલે જ્યારે રાગિણી અને કેયૂરના સિંગાપોર જવાના સમાચાર મળ્યા તો તેમણે ત્યાંની લોકલ ગેંગ ઈગલને કોન્ટ્રાકટ આપ્યો કેયૂરને ઉઠાવવાનો. ભૂતકાળના અનુભવે દાદા જાણતા હતા કે એ રાગિણીને ડાયરેક્ટ કોઈ નુકશાન પહોંચાડી નહિ શકે, ન તો રાગિણી સામેથી એમની મદદ કરશે. રાગિણીને મજબૂર કરવામાં આવે, અને તે તેની મરજીથી મદદ કરે તો જ... એટલેજ તો.. પહેલા સમીરા... અને હવે કેયૂર... પરંતુ કેયૂર પણ બિઝનેસની દુનિયામાં મોટું માથું હતો. કે. કે. ક્રિએશન્સ ના સિક્કા પડતા હતા અને કેદારભાઈની પહોંચ ઘણે ઉપર સુધી હતી. ભારતમાં તેને હાથ પણ લગાડે અને દાદાનુ નામ બહાર આવે તો કંઈ કેટલીય ઉથલપાથલ થઈ જાય! એટલે જ દાદાએ આ મોકાનો ફાયદો લીધો.
કેયૂર સિંગાપોરથી ગાયબ થયો હતો અને ઈગલ ગેંગે ખૂબજ સફાઇથી તેનું કામ કર્યું હતું. કેયૂર હોટેલની કેબમાં એરપોર્ટ જવા રવાના થયો, પણ રસ્તામાં ગાડી બગડી ગઇ. કટોકટ સમયને કારણે તે હોટેલથી બીજી ગાડી આવે એની રાહ જોવાને બદલે ટેક્ષીમાં જતો રહ્યો. કેયૂર ગાડીમાં અધ્ધરજીવે બેઠો હતો. તે વારેઘડીએ ઘડિયાળમાં નજર કરી લેતો. તેની આ અધિરાઇ જોઈ ડ્રાઇવરે સ્પીડ વધારી અને કેયૂરને ઉદ્દેશીને બોલ્યો,
"સર, પ્લીઝ બી રીલેક્ષ્ડ. આઇ વીલ ડ્રોપ યુ ઓન ટાઇમ. ડોન્ટ વરી. "
કેયૂરને પોતાના ઉચાટ પર હસવું આવ્યુ. તે એક નાનકડા સ્મિત સાથે સીટને ટેકો દઇને બેઠો કે તેને વાંસામાં કીડી ચટકી હોય એવું લાગ્યું. તેણે ફરી ટટ્ટાર થઇ વાંસામાં હાથ ફેરવ્યો, પણ કંઇ લાગ્યું નહી. ધીમે ધીમે તેની આંખ ભારે થવા માંડી અને ક્યારે અંધારપટ છવાઈ ગયો તેની સૂધ પણ ન રહી.
બસ, કામ થઇ ગયું. બેહોશ કેયૂરને ભારત પરત લાવવો દાદા માટે ડાબા હાથનો ખેલ હતો. અને અત્યારે એ કેયૂર નજર સામે હતો... ના, કેયૂર નહિ, રાગિણી નો પતિ... રાગિણીને મજબૂર કરવાની ચાવી... બસ, હવે રાહ જોવાની છે રાગિણીની. જોવાનું છે કે એ કેયૂર સુધી પહોંચી શકે એમ છે કે નહિ... જોવાનું છે કે એને એની શક્તિનો સાચો અહેસાસ થયો છે કે નહી... જોવાનું છે કે એ ખરેખર દાદાને મદદ કરી શકે એમ છે કે નહી...