અગ્નિપરીક્ષા - ૧૩ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિપરીક્ષા - ૧૩

અગ્નિપરીક્ષા-૧૩ કુદરત ની ઈચ્છા

સમીર અને સૂરીલી ના લગ્ન લેવાઈ ચુક્યા હતા. નીતિ અને મનસ્વી બીજી પુત્રી ના જન્મ થી ખૂબ જ ખુશ હતા. અનેરી અને નીરવ પણ પુત્ર હિમાંશુ ના જન્મ થી ખૂબ ખુશ હતા. પણ નીરવ નો બિઝનેસ હજુ બરાબર ચાલી રહ્યો નહોતો. હા ખોટ નહોતી જઈ રહી પણ જરૂર જેટલી કમાણી પણ નહોતી થઈ રહી. ઉપરથી પુત્ર નો જન્મ એટલે ખર્ચ તો વધવાનો જ હતો. નીરવ ના ગુસ્સાવાળા સ્વભાવ ને કારણે જ એ ખોટ માં જઈ રહ્યો હતો. અનેરી આ જાણતી હતી માટે એ બને તેટલા એને સમજાવવાનો પ્રયત્ન કરતી જેથી એનો મગજ શાંત રહે.
*****
દેવિકા સમીર ના લગ્ન પત્યા પછી ફરી બરોડા ભણવા માટે હોસ્ટેલમાં આવી. આ એનું છેલ્લું વર્ષ હતું. દેવિકા ક્યારેક અનેરી ને ઘરે મળવા અમદાવાદ જતી. મારું પણ બી. એસ. સી. પૂરું થઈ ગયું હતું અને હવે મને એમ. એસ. સી. માં એડમિશન વિદ્યાનગરમાં મળ્યું હતું.
*****
સમય વીતતો ચાલ્યો. દેવિકા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગઈ. હવે એ વૈદ્ય ડૉ. દેવિકા બની ગઈ હતી. મારે એમ. એસ. સી. નું ફાઈનલ વર્ષ હતું. જેમાં અમારે છેલ્લા છ મહિના ટ્રેઇનિંગ લેવાની હોય છે. મારી એ ટ્રેઇનિંગ અમદાવાદ માં હતી. એટલે હું ત્યાં અમદાવાદમાં હોસ્ટેલમાં રહેવા લાગી. મારી બહેન નિશિતા ને પણ સ્કૂલ પૂરી થઈ ગઈ હતી અને એને ફાર્મસી માં રાજકોટ માં એડમિશન મળ્યું હતું. એ રાજકોટ ભણવા ગઈ. હું અમદાવાદમાં ક્યારેક અનેરી ને મળવા જતી. દેવિકા ને હવે એમ. ડી. ની તૈયારી કરવાની હતી માટે એ જામનગર કલાસ કરવા આવી હતી. કારણ કે, જામનગર માં જ આયુર્વેદ યુનિવર્સિટી હોવાથી કલાસ પણ જામનગર માં જ થતાં. આ બાજુ સમીર અને સૂરીલી પોતાના લગ્નજીવનમાં ગોઠવાઈ રહ્યા હતા.
*****
અનેરી નો પુત્ર હિમાંશુ હવે એક વર્ષ નો થઈ ગયો હતો. અનેરી અને નીરવ એ પુત્ર નો પહેલો બર્થડે ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. એટલે અમે બધી બહેનો આજે ફરી મળવાની હતી. હવે તો અમે બધા મોટા થઈ ગયા હતા. બધા બાળપણ ની વાતો યાદ કરતાં કરતાં મજા કરી રહ્યા હતા. પાર્ટી પત્યા પછી બધાં ઘરે જવા રવાના થયા.
*****
પાર્ટી પત્યા પછી બધા મહેમાન હવે જતાં રહ્યા હતા. અનેરી અને નીરવ હવે એકલા પડ્યાં. બધાં મહેમાન જતા રહ્યાં પછી નીરવ એ અનેરી ને કહ્યું, "આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? તું હંમેશા ખોટા ખર્ચા જ કર્યા કરે છે. આપણને એટલો ખર્ચો પરવડતો નથી.
અનેરી એ કહ્યું, "ખર્ચો મેં મારી માટે તો કર્યો નહોતો. આપણા દીકરા માટે કર્યો છે ને? અને આપણે ક્યાં એવા ગરીબ છીએ કે, આપણને એક પાર્ટી નો ખર્ચો ના પોષાય?"
"એમ વાત નથી. વાત ખોટા ખર્ચા ની છે. હું કંઈ કહેતો નથી એટલે તું ખર્ચ પર ખર્ચ કર્યા કરે છે." નીરવ એ ગુસ્સામાં કહ્યું.
"હું પણ કમાઉ છું ને ટ્યૂશન કરી ને. મારો બધો બોજ તો તમારી પર નથી નાખી દીધો ને પછી તમને શું તકલીફ છે?" હવે અનેરી પણ બરાબર ની વિફરી હતી. એ બોલી, "તમારે તો દીકરાના જન્મદિવસ ના દિવસે પણ મારી જોડે ઝઘડો જ કરવો છે." આટલું કહી અનેરી રસોડામાં વાસણ કરવા ચાલી ગઈ. અને નીરવ પણ ત્યાં થી પગ પછાડતો ગુસ્સામાં પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. પોતાના માતા પિતાને આ રીતે ઝગડો કરતાં જોઈ નાનકડો હિમાંશુ રડી રહ્યો હતો. પણ બંને એટલા ગુસ્સામાં હતા કે, એ નાનકડા બાળક તરફ કોઈ નું ધ્યાન ન ગયું. અને એ રડતાં રડતાં ત્યાં જ સુઈ ગયો.
*****
એક વર્ષ બીજું વીતી ગયું. મારુ એમ. એસ. સી. પૂરું થઈ ગયું. દેવિકા એ પી.જી. ની એન્ટ્રન્સ પરીક્ષા આપી પણ એડમિશન માટે માત્ર એક જ માર્ક ખૂટયો એને. એને એડમિશન ના મળ્યું એથી એ ખૂબ દુઃખી હતી. પણ એના માતા પિતા એ એને સમજાવી કે, નસીબ થી વધુ ક્યારેય કોઈ ને કાંઈ મળતું નથી. એ હવે ફરી દ્વારકા આવી ગઈ. અને ત્યાંનાં જાણીતા ડૉક્ટર ડૉ.અંતરિક્ષ કોટેચા ના ક્લિનિક માં તેમની સાથે પ્રેક્ટિસ માં બેસવા લાગી. અંતરિક્ષ અંકલ નો સ્વભાવ ખૂબ સારો હતો.
*****
સમય આમ જ વીતી રહ્યો હતો. સમીર અને સૂરીલી ના જીવનમાં હવે પુત્રી ધન્યા નું આગમન થયું હતું. બંને ખૂબ ખુશ હતા. મારા મામા મામી પણ ખૂબ ખુશ હતા. મારા મામા ધન્યા સાથે રમી રહ્યા હતા ત્યાં જ એમના ફોનની રિંગ વાગી. મારા મામા એ ફોન ઉપાડ્યો. સામે છેડેથી રડવાનો અવાજ સંભળાયો. મારા મામા તરત અવાજ ઓળખી ગયા. એમને તરત સમજાયું કે, ફોન પર અનેરી રડી રહી હતી. મામા એ પૂછ્યું, "શું થયું અનેરી? કેમ રડે છે તું?" મારા મામા ને ચિંતા થવા લાગી. મામા ની વાત સાંભળીને મારા મામી પણ ત્યાં દોડી આવ્યા. એમણે મારા મામા ના હાથમાંથી ફોનનું રીસીવર ખેંચી લીધું. અને કાને માંડ્યું. એમણે પણ અનેરી નો રડવાનો અવાજ જ સાંભળ્યો. એમણે પૂછયું, "શું થયું અનેરી? કેમ રડે છે તું? બધું બરાબર છે ને?"
પણ સામે છેડેથી ફોન કપાઈ ગયો. અનેરી એ કશું જ કહ્યા વિના ફોન મૂકી દીધો એટલે મારા મામા મામી ને વધુ ચિંતા થવા લાગી. શું થયું હશે અનેરી જોડે? શા માટે એ રડી રહી હતી? શું એક ઓર અગ્નિપરીક્ષા આવી રહી હતી એના જીવનમાં? શું હશે કુદરત ની ઈચ્છા?
*****