અગ્નિપરીક્ષા-૯ અફર નિર્ણય
અનેરી આવી રીતે અચાનક અનુરાધા ને ભેટી ને રડવા લાગી એટલે અનુરાધા એ પૂછ્યું, "શું થયું અનેરી? આમ તું અચાનક કેમ રડવા લાગી છે?" અનેરી કશું જ જવાબ આપવાની સ્થિતિ માં નહોતી. એ રડ્યા જ કરતી હતી. અનુરાધા એ એને રડી લેવા દીધી. એણે અનેરી ને શાંત પાડી. અનેરી શાંત પડી પછી બોલી, "નીરવ નો ફોન આવ્યો હતો..." અને પછી જે કંઈ પણ બન્યું હતું એની એણે અનુરાધા ને વિગતવાર વાત કરી.
અનુરાધા એ એને સમજાવી, "ઓહ, તો એમાં શું તું આટલી બધી ચિંતા કરે છે? ફરી એને ફોન જોડ અને વાત કર". અનેરી એ ફરી ફોન જોડ્યો પણ કોઈ ફોન ઉપાડતું નહોતું. એને હવે ચિંતા થવા લાગી કે, નીરવ ફોન કેમ નથી ઉપડતો? નીરવ કંઈ મુશ્કેલી માં તો નહીં હોય ને?"
એ હજુ વિચારી જ રહી હતી ત્યાં જ એમના ઘરની ડોરબેલ રણકી. અનુરાધા એ દરવાજો ખોલ્યો. સામે છેડે નીરવ અને એનો મિત્ર રાજીવ ઉભા હતાં. નીરવ ને જોઈને અનેરી ના જીવમાં જીવ આવ્યો. પણ આ શું? નીરવ થોડો ઢીલો લાગી રહ્યો હતો. એ કશું જ બોલી શકવાની સ્થિતિ માં નહોતો. એ ચૂપ જ હતો. હવે એના મિત્ર રાજીવ એ મોં ખોલ્યું અને બોલ્યો, "ભાભી, હું બહુ મુશ્કેલી થી નીરવને અહીં લઈ આવ્યો છું. તમે ફોન માં જે અવાજ સાંભળ્યો એ મારો અવાજ હતો. અને હું તમને જે વાત કહેવા ઇચ્છતો હતો એ નીરવ તમને જણાવવા ઇચ્છતો નહોતો. એને ડર છે કે, સત્ય જાણ્યા પછી તમે એને છોડી દેશો તો. પરંતુ મેં એને સમજાવ્યો કે, અનેરી તારી લાઈફ પાર્ટનર બનવાની છે. માટે એને સત્ય જણાવવાની તારી ફરજ બને છે. અને જો અનેરી ખરા અર્થમાં તારી હમસફર હશે તો એ જરૂર તારી આ વાત ને સમજશે.
અનેરી ને હજુ પણ કંઈ સમજાઈ રહ્યું નહોતું કે, રાજીવ આ શું બોલી રહ્યો હતો. અનેરી એ નીરવ સામે જોયું અને પૂછ્યું, "શું વાત છે નીરવ? કેમ તમે અચાનક અહીં આવીને આવી વાતો કરો છો? શું બન્યું છે?"
હવે જવાબ આપવાનો વારો નીરવ નો હતો. પરંતુ નીરવ તો કશું જ બોલવાની સ્થિતિ માં જ નહોતો એટલે હવે રાજીવ એ જ સત્ય નો ખુલાસો કરતા કહ્યું, "ભાભી, નીરવ જે કંપની માં નોકરી કરતો હતો તે કંપની હવે ખોટમાં હોવાથી એમણે એમના બધા જ કર્મચારીઓ ને છૂટા કરી દીધા છે. નીરવ ની જોબ જતી રહી છે. એ બેરોજગાર થઈ ગયો છે."
આ સાંભળીને અનેરી તરત બોલી, "ઓહ, નીરવ તમે આટલી નાની વાતમાં ઉદાસ થઈ ગયા છો. નોકરી તો એક જતા બીજી મળશે. એમાં તમે ચિંતા શું કરો છો?"
હવે રાજીવ એ કહ્યું, "ભાભી, મેં પણ એને એ જ વાત સમજાવી પણ હવે એ નોકરી કરવા માંગતો જ નથી. કહે છે હું પોતાનો બિઝનેસ શરૂ કરીશ. જેથી મારે ફરી આવી પરિસ્થિતિ માંથી પસાર જ ન થવું પડે. પણ ઘણી વખત આપણે ધારીએ છીએ એટલું સહેલું પણ નથી હોતું. અને એ વાત ની પણ શું ખાતરી છે કે, એનો આ બિઝનેસ પણ ચાલશે જ?"
હવે અત્યાર સુધી ચુપચાપ ઉભેલા નીરવ એ પોતાનું મો ખોલ્યું અને બોલ્યો, "જો, અનેરી, હું બહુ મુશ્કેલી થી હિંમત કરીને અહીં સુધી આવ્યો છું પણ હવે હું નોકરી તો કરવા માંગતો જ નથી. અને બિઝનેસ જ શરૂ કરવા ઈચ્છું છું. આ મારો અફર નિર્ણય છે. હું નથી જાણતો હું સફળ થઈશ કે નિષ્ફળ, પણ એટલું જાણું છું કે, એ માટે હું ખૂબ મહેનત કરીશ. એવું પણ બને કે, હું ખૂબ ધન કમાઉ કે મને કશું જ ન મળે. હવે ફેસલો તારે કરવાનો છે કે, તું મને સાથ આપવા ઈચ્છે છે કે પછી સ્વતંત્ર થવા ઈચ્છે છે. હું તને પૈસા નું સુખ આપી શકીશ કે નહીં તે હું અત્યારે નથી જાણતો. તું જે પણ નિર્ણય લઈશ એ મને સ્વીકાર્ય હશે.
અનેરી એ થોડીવાર વિચાર કર્યો અને પછી બોલી, "નીરવ, હું હંમેશા સુખદુઃખ માં તમારી સાથે છું. તમે જે પણ નિર્ણય લીધો છે એ સમજી વિચારીને જ લીધો હોય. લગ્ન પછી આપણે બંને મહેનત કરીશું. હું પણ આર્થિક રીતે તમારી મદદ કરીશ. આમ પણ હવે લગ્ન માં હવે બહુ સમય રહ્યો નથી. મારુ ભણવાનું પણ પૂરું થવામાં છે. છ મહિના પછી આપણા લગ્ન છે.
*****
શું નીરવ નો નિર્ણય યોગ્ય સાબિત થશે? શું અનેરી ખરા અર્થમાં નીરવની જીવનસંગીની બને શકશે કે પછી એ બંને ને કોઈ અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડશે?
*****