નાજુક પરિસ્થિતિ
હવે અમે મામા ના ઘરે પહોંચી ગયા હતા. અમે બધી બહેનો વાતો એ વળગી હતી. અમે બધા વાતો માં ને રમવામાં એટલા મશગૂલ હતાં કે, અમને ક્યારે જમવાનો સમય થઈ ગયો હતો એનું પણ ધ્યાન નહોતું. બહેન આવી હોય એટલે મામા ના ઘરે ખૂબ પકવાન બન્યા જ હોય. ત્યારનો જમાનો જ કંઈક અનેરો જ હતો.
મામી એ અમારા બધાની પ્રિય વાનગી ગુલાબજાંબુ બનાવ્યા જ હોય. અમે બધા જમતા જઈએ ને વાતો કરતા જઈએ સિવાય કે, અનેરી. હા, અનેરી જમતી વખતે હંમેશા મૌન વ્રત રાખતી. એટલે હંમેશા બોલબોલ કરતી અનેરી જમતી વખતે સાવ શાંત હોય. અમે બધી બહેનો એની મસ્તી પણ કરતાં કે, તું જ બોલતી નથી. તું રહી ગઈ. અમે બધા તો વાતો કરીએ છીએ. પણ હંમેશા બોલબોલ કરતી અનેરી એમ થોડી શાંત રહે? જમવાનું પૂરું થાય એટલે એ બધું પૂરું વ્યાજ સહિત વસુલતી.
ભોજન નો કાર્યક્રમ પૂરો થયા પછી અમને બધા બાળકોને મારા મામી સુવડાવી દેતા. ને બધા સુઈ જતા સિવાય મારા. મને આમ પણ પહેલેથી જ ઊંઘ ઓછી આવતી. એટલે બધા સુઈ જાય પણ હું જાગતી. મને પહેલેથી જ વાંચવાનો શોખ. એટલે હું વાર્તાની ચોપડી કે મેગેઝીન વગેરે ...કંઈ ને કંઈ વાંચ્યા કરું.
સાંજ પડે એટલે અમારો દરિયાકિનારે જવાનો રોજનો કાર્યક્રમ ફિક્સ જ હોય. મીઠાપુર નો દરિયો એટલે ખૂબ જ સરસ દરિયો. ખૂબ જ સારી રીતે વિકસિત એવો દરિયાકિનારો. અમે બધી બહેનો દરિયાકિનારે ચાલીને જતી. રસ્તામાં નાળીયેરી ના ખૂબ ઝાડ આવતા જાય ને એમાં પાછી નીતિ અમારા બધાથી મોટી એટલે થોડું મોટાપણું કરે અને અમને બધા ને નાળિયેરીમાં ભૂત થાય છે એવું કહી ને ડરાવે. અને અમે બધા ઉંમરમાં નાના એટલે એની વાત સાચી માની લઈએ. પછી મનમાં તો ડર જ લાગતો હોય પણ ચેહરા પર બિલકુલ દેખાવા ના દઈએ.
આજે પણ નીતિ અમને એવી જ વાતો કરતી દરિયાકિનારે લઈ ગઈ. અમે બધી બહેનોમાં દેવિકા થોડી બહાદુર. અને હોશિયાર પણ ખરી. એટલે એ નીતિ ની વાત માને નહીં ને અમને બધા ને હિંમત આપે. હું થોડી બીકણ એટલે મને ભૂત ની વાતો થી બહુ જ ડર લાગે. પણ મારી બહેન નિશિતા પણ થોડી હિંમત આપે. એ પણ બહુ ડરે નહીં. પણ દેવિકા જેટલી હિંમત તો એનામાં પણ નહીં. અમે બધી બહેનોમાં દેવિકા ખૂબ બહાદુર. સમીર અમારો ભાઈ ખરો. પણ એ ઉંમરમાં અમારા બધાથી નાનો. એટલે વધુ બોલે નહીં. સમીર અમારી જોડે આવતો ખરો. પણ એ અમારી બધી બહેનો વચ્ચે બોર થતો. એને આવવું ન હોય પણ મામા અને મામી એને અમારી જોડે અમારા રક્ષણ માટે મોકલતા. જેથી એમને ચિંતા ન રહે. એ આવવાની ના પાડે એટલે તરત જ મામા મામી એને એની ફરજ યાદ અપાવતા અને સમજાવતાં કે, "બેટા, બધી બહેનોની રક્ષા કરવાની તારી ફરજ છે." અને સમીર અમારી જોડે આવતો અને એ પોતાની ફરજ પણ ખૂબ જ સારી રીતે નિભાવતો. હા, કયારેક અમે બધી બહેનો એને ખૂબ કંટાળો પણ અપાવતી પણ છતાં ય એ એની ફરજ ચૂકતો નહીં. અને અમે બધી બહેનો પણ અમારા બધા વચ્ચે એ એકનો એક ભાઈ હોવાનો ખૂબ ફાયદો ઉઠાવતા. પણ બાળપણની એ મજા જ અનેરી હોય છે.
*****
ઉનાળુ વેકેશન હવે પૂરું થવામાં હતું. આજે દેવિકા ને લેવા મારા ડોકટર મામા આવવાના હતા. અને બે દિવસ પછી મને, નિશિતા અને મારી મમ્મી ને લેવા મારા પપ્પા આવવાના હતા. આજે અમે બધા મારા ડૉકટર મામા ની રાહ જોઈ રહ્યા હતા. આવતી કાલથી દેવિકા ની સ્કૂલ ચાલુ થવાની હતી. એના પપ્પા એટલે કે મારા મામા નો ફોન આવી ગયો હતો. એ ઘરે થી નીકળ્યા ત્યારે એમનો ફોન આવી ગયો હતો. દ્વારકાથી મીઠાપુર લગભગ 20 કિમી નો રસ્તો એટલે પહોંચતા લગભગ અડધી કલાક જેવો સમય લાગે. મામા હંમેશા બાઇક પર જ દેવિકા ને લેવા આવતા.
એક કલાક થવા આવી હતી પણ મારા મામા હજુ પહોંચ્યા નહોતા. અમને બધા ને ખૂબ ચિંતા થઈ રહી હતી.
*****
એવામાં ટેલીફોન ની ઘંટડી વાગી. મારા મામા એ ફોન ઉપાડ્યો. હોસ્પિટલમાં થી ફોન હતો. એમણે કહ્યું, "તમારા ભાઈનો દ્વારકા મીઠાપુર હાઇવે પર અકસ્માત થયો છે. એમના વોલેટમાંથી આ નંબર મળ્યો છે એટલે તમને ફોન કર્યો છે. જેટલું બને એટલું જલ્દી મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં આવી જાવ."
આ સાંભળીને મારા મામા તો એકદમ જ સજ્જડ થઈ ગયા હતા. મામી એ પૂછ્યું, "શું થયું?" મારા મામા કંઈ જ બોલી ન શક્યા. મામી એ તરત ફોન હાથમાં લીધો. અને સામે છેડે જે વ્યક્તિ વાત કરી રહી હતી એણે મારા મામી ને સાચી સ્થિતિ થી વાકેફ કર્યા.
એમણે તરત જ દેવિકા ની મમ્મી ને અને મારા પપ્પાને ફોન કરીને તરત જ બોલાવી લીધા અને પરિસ્થિતિ થી વાકેફ કર્યા. દેવિકા તો ખૂબ જ રડવા લાગી હતી. અમે બધાં પણ નાના એટલે ખૂબ ડરી ગયા હતા. મારા મામી અને મારા પપ્પા બંને બસ માં બેસી ગયા હતા. અને અમે બધાં દોડતા હોસ્પિટલમાં પહોંચ્યા.
મારા મામાને જે માણસે ફોન કર્યો હતો એને મળ્યાં અને પૂછ્યું, "ભાઈ, આ બધું કેવી રીતે બન્યું?" એ માણસ સદભાગ્યે મારા ડૉક્ટર મામા નો પેશન્ટ હતો. ભૂતકાળમાં ક્યારેક આપણે સારા કર્મો કર્યા હોય તો કુદરત પણ આપણને મદદ કરે જ છે. આ માણસ કે, જેણે મારા મામાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું એ જાણે કુદરત રૂપે અમારા જીવન માં આવ્યો હતો. મારા મામા ડૉક્ટર ને મળવા ગયા અને એમને પૂછ્યું, "ડૉકટર સાહેબ, આ બધું કેવી રીતે બન્યું? મારા ભાઈ ને સારું તો થઈ જશેને?"
ડોકટરે જવાબ આપી કહી દીધું હતું કે, સ્થિતિ ખૂબ જ નાજુક છે. ઘણું બધું લોહી વહી ગયું છે. માથાના ભાગમાં ઈજા થઈ છે પણ ઓપરેશન કરવું પડશે. જીવનું જોખમ છે. પણ જો ઓપરેશન સફળ થશે તો વાંધો નહીં આવે. જો તમે સંમતિપત્રક પર સહી કરી આપો તો અમે ઓપરેશન શરૂ કરીએ. અને મારા મામા એ સંમતિપત્રક પર સહી કરી આપી. અને ડૉક્ટર ઓ એ મારા મામાનું ઓપરેશન ચાલુ કર્યું.
શું મારા મામાનું ઓપરેશન સફળ થશે? શું મારા મામા મામી જીવનની આ કઠોર અગ્નિપરીક્ષા ને પાર કરશે? શું એ એમાંથી હેમખેમ પાર ઉતરશે?
******