અગ્નિપરીક્ષા - ૫ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિપરીક્ષા - ૫

અગ્નિપરીક્ષા-૫ વિધાતા ના લેખ

નીતિ એ હવે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો. બધાં ખૂબ જ ખુશ હતા. નીતિ અને મનસ્વી ની તો ખુશી સમાઈ જ નહોતી રહી. પણ આ ખુશી વધુ સમય રહી ન શકી. અચાનક નીતિ ના બાળક ની તબિયત અસ્વસ્થ થવા લાગી હતી. એ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યું હતું. મનસ્વી એ આ જોયું. પોતે ડૉક્ટર હતા એટલે અમુક વસ્તુ એ જાણી જ ગયા હતા પણ વાત જયારે પોતાના બાળકની હોય ત્યારે એ પિતા જ રહે છે. એણે તરત જ ડૉક્ટર ને જાણ કરી. ડૉક્ટર તરત બાળક ને તપાસવા લાગ્યા. પણ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. મીઠાપુર જેવા નાના ગામમાં બીજી સુવિધા ઓ નહોતી માટે ડૉકટર એ તરત બાળક ને જામનગર લઈ જવાની સલાહ આપી.
*****
નીતિ નો પરિવાર અને મારા મામા નો પરિવાર બંને તાત્કાલિક બાળક ને લઈને આવી પહોંચ્યા હતા. મારા મામા એ મારા પપ્પા ને પણ જાણ કરી દીધી હતી. મારા પપ્પા પોતે પણ ડૉક્ટર હતા એટલે એમણે સારા પીડિયાટ્રિક ડૉક્ટર ને ત્યાં દાખલ કરવા જણાવ્યું. મારા જીજાજી મનસ્વી પોતે પણ જામનગર ની જ આયુર્વેદિક યુનિવર્સિટી માં ભણ્યાં હતાં એટલે એ પણ જામનગર ના સારા ડૉક્ટર ને ઓળખતાં હતા. ડૉ. સ્વપ્નિલ મહેતા જામનગર ના જાણીતા પીડિયાટ્રિક ડૉક્ટર હતા. એમને ત્યાં નીતિ ના બાળક ને દાખલ કર્યું હતું. ડૉક્ટર બાળકને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યાં હતા, પરંતુ વિધાતા ના લેખ ક્યાં ક્યારેય કોઈને સમજાયા જ છે. અનેક પ્રયત્નો કર્યા છતાં પણ બાળક બચી ન શક્યું. હા, બાળક મૃત્યુ પામ્યું હતું.
*****
બધાં ની આંખ માં આંસુ હતા. નીતિ અને મનસ્વી તો ચોધાર આંસુએ રડી જ રહ્યા હતા. પણ જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે કુદરત પરિવાર ના કોઈ એક સદસ્ય ને તો એ જરૂર હિંમત આપવા સક્ષમ બનાવે જ છે. કુદરતના પ્રયોજનો આપણા હિત માં જ હોય છે પણ ત્યારે એ આપણે એ સમજી શકતા નથી. નીતિ ના ઘરમાં પણ કુદરતે એ હિંમત એની સાસુને આપી હતી.
એની સાસુ એ પોતાના પુત્ર અને પુત્રવધૂ બંને ને હિંમત આપી સમજાવ્યું, "જો બેટા, તમે બંને બિલકુલ ચિંતા ન કરો. જે બનવાનું હતું એ તો બની જ ગયું છે. જે જતું રહ્યું છે એ ફરી પાછું નહીં આવે. ઈશ્વર ની ઈચ્છા હશે તો ફરી તમારા આંગણે એક બાળક ખીલશે."
નીતિ ની સાસુની વાત સાંભળી ને બધામાં થોડી હિંમત નો સંચાર થયો. ધીમે ધીમે બધા નીતિ ને હિંમત આપવા લાગ્યાં. પરંતુ નીતિ હજુ પણ એ આઘાત માંથી બહાર આવી નહોતી કે, એનું બાળક હવે આ દુનિયામાં રહ્યું નથી. એ તો સૌને વિદાય આપી ને ચાલી ગયું હતું. મનસ્વી એ નીતિ નો હાથ પકડ્યો. નીતિ એ એની સામે જોયું. બંનેની નજર મળી અને બંને એકબીજાને ભેટીને રડવા લાગ્યા. કોઈ એ એમને ડીસ્ટર્બ ના કર્યા. બધા એ એ બંને ને આંસુ વહાવી લેવા દીધા.
હવે બંને શાંત થઈ ગયા હતા. કારણ કે, એ બંને એ હવે સત્ય સ્વીકારી લીધું હતું.
*****
આ ઘટનાને લગભગ છ માસ જેટલો સમય થઈ ગયો હતો. છ માસ પછી નીતિ આજે ફરીથી ગર્ભવતી બની હતી. સમય ખૂબ તેજ ગતિથી વહી રહ્યો હતો. બધા બહુ જ ખુશ હતા. નીતિ પણ ખુશ હતી પણ એને જૂની ઘટના વારંવાર યાદ આવી જતી અને એને મનમાં એક પ્રકારનો ડર બેસી ગયો હતો કે, ઈતિહાસ નું પુનરાવર્તન તો નહીં થાય ને? બીજી બાજુ મારા મામી ને પણ ડર પેસી ગયો હતો કે, નીતિ નું પહેલું આવનાર બાળક તો દીકરો હતું પણ હવે બીજીવાર જો દીકરી આવશે તો શું એની સાસુ એને સહજ સ્વીકાર કરશે કે એને પુત્રી ને જન્મ આપવા બદલ મહેણાં મારશે?"
પણ કલ્પના એક વસ્તુ હોય છે અને સત્ય બીજું. આ માત્ર નીતિ અને મારા મામી ની કલ્પના જ હતી.
*****
નીતિ નો ડિલિવરી નો સમય થઈ ગયો હતો. નીતિ એ આ વખતે એક સુંદર પુત્રી ને જન્મ આપ્યો હતો. નીતિ અને મનસ્વી બંને ખૂબ જ ખુશ હતા.. બંનેની ખુશી સમાઈ નહોતી રહી.
*****
શું નીતિ ની આવનાર દીકરી એના જીવનમાં બહાર લાવશે? કે પછી મારા મામી ની કલ્પના સાચી પડશે? શું નીતિ નો પરિવાર પુત્રીનો સહર્ષ સ્વીકાર કરશે કે પછી પુત્રી ને જન્મ આપવા બદલ કોસશે? શું નીતિ ને એક ઓર અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડશે?