khel - 32 - Last part books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ 32 - છેલ્લો ભાગ

પૃથ્વી સહિત દરેકને બધું સમજાવી દઈ મનુએ બધી ગોઠવણ કરી લીધી. ફોન ઉપર થયેલી વાત ચીત મુજબ જ્યારે ડી.એસ.પી. ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો ત્યારે મનું એકલો જ બહાર હાજર હતો બીજા બધા અંદર ગોઠવાઈ ગયા હતા.

ભાગવતે બેઠક લીધી એટલે મનુએ સીધી જ પોઇન્ટની વાત કરી.

"મી. ભાગવત મને ખબર છે તમારે એ છોકરી કેમ જોઈએ છે, તમને અર્જુન મળ્યો નથી એટલે છોકરી ઉપર તરાપ મારી છે."

"મી. મનું તમારા એકાઉન્ટમાં દસ લાખ આવી ગયા છે, બાકીના પૈસા છોકરી મને સોંપ્યા પછી મળી જશે પછી તમે છુટ્ટા.."

"પણ હું માત્ર વિસ લાખમાં શુ કામ હાથ માંડું ભાગવત સાહેબ? મારી પાસે તો ચાર બેગ ભરીને પૈસા છે. તે પણ કેશ!” મનુએ કઈક મગરૂબી અદામાં કહ્યું, “અને હા એક સ્ટીલની બેગ પણ હતી."

"વોટ?" ભાગવતને જાણે ઝટકો લાવ્યો હોય એમ ખળભળી ઉઠ્યો.

"હા મી. ભાગવત શ્રી, પૈસા અને અર્જુન બધું અમારી પાસે છે."

"તો હવે તમે શું ઈચ્છો છો?"

"હું ધારું તો રેકોર્ડિંગ બતાવી શકું તમારા ફોન અને સોદાની વાતનું."

"તું મને બ્લેક મેઈલ કરે છે? એન્કાઉન્ટરમાં ઉડાવી દઈશ ખબર પણ નહીં પડે તને સમજ્યો..." ડી.એસ પી. બરાબર ઉશ્કેરાયો.

"પણ હું એવું નહિ કરું. મૂળ તો આપણે પોલીસ પોલીસ ભાઈ ભાઈ ખરા ને?" મનુએ હસીને કહ્યું અને બંને હાથ માથા પાછળ બાંધી ખુરશીમાં લંબાવ્યું.

"તો શું ઈચ્છો છો તમે?" ફરી ડી.એસ.પી. થોડો ઠંડો પડ્યો.

"એન્કાઉન્ટર..." મનુએ ખંધુ હસીને કહ્યું, "હું એન્કાઉન્ટર ઈચ્છું છું."

"કોનું એન્કાઉન્ટર?"

"બલભદ્ર નાયક, કોબ્રા અને ડિટેકટિવ ધનંજયનું જે દંગા કરાવવા માંગતા હતા."

"પણ એ કઈ રીતે શક્ય છે? તો તો મિનિસ્ટર કે. શાસ્ત્રી મારી નોકરી અને જીવ બધું લઇ લે..."

"મી. ભાગવત તમારા ડરવાનું કારણ વ્યાજબી નથી. દેખો કે. શાસ્ત્રી ઇલેક્શન જીતવાનો જ નથી તો પછી તમારી નોકરી કે જીવને શુ ફેર પડે? એક પણ રૂપિયો ગુંડાઓ સુધી પહોંચ્યો નથી. હવે કઈ એ લોકો માસિયાત તો થતા નથી કે પૈસા વગર જ દંગા કરે અને કે. શાસ્ત્રી ઇલેક્શન જીતી જાય?" મનુએ કે. શાસ્ત્રીનો તેમાં હાથ છે એ જાણી લીધું પણ એણે વાત એમ જ કરી જાણે પહેલેથી જ તે શાસ્ત્રી વિષે જાણતો હોય.

ભાગવત ઘડીભર વિચારે ચડી ગયો. આ ઇન્સપેટરે શ્રીને ભગાડી, અર્જુનને શોધી લીધો અને પૈસા પણ શોધી લીધા તેમજ મિનિસ્ટરનો ભાંડો પણ ફોડી દીધો છે. એની વાત માનવી જ પડશે નહિતર હું પણ જેલમાં જ હોઈશ.

"તમારી વાતમાં દમ છે પણ મને શું ખાતરી કે એ બધાના એન્કાઉન્ટર કરી લીધા પછી મારી પોલ નહિ ખુલે?"

"ભાગવત સાહેબ હું ધારોત તો તમને જેલના સળિયા બતાવી શકોત પણ મેં એવું કર્યું નથી કેમ કે મેં સોદો તમારી સાથે કર્યો હતો બલભદ્ર સાથે નહિ. હું ખાતરી આપું છું કે એ લોકોનું એન્કાઉન્ટર કર્યા પછી તમને કોઈ વાંધો નહિ આવે."

"ઠીક છે... હું એ બધાને અહીં બોલાવી લઉં છું, સ્ટેશનથી પોલીસ બોલાવી લઉં છું."

“ધેટ્સ ગ્રેટ....” મનુએ કહ્યું અને ભાગવતના ગંભીર ડરેલા ચહેરા સામે જોઈ રહ્યો. ભાગવતે ફોન નીકાળ્યો અને નંબર ડાયલ કરવા લાગ્યો...

*

થોડી જ વારમાં પોલીસની ગાડી આવી ગઈ. ઇન્સ્પેકટર ગૌસ્વામી અને એની ટિમને ડી.એસ.પી.એ ગાડી ફળીએ આવેલા મોલમાં સંતાડી દઈ બધાને ગોઠવાઈ જવાનો ઓર્ડર આપ્યો.

એ પછી બલભદ્ર નાયક, કોબ્રા અને ધનંજય પણ પોતાના માણસો સાથે આવી ગયા. લગભગ ચારેક માણસો સાથે એ આવ્યા હતા.

બલભદ્ર, ધનંજય અને કોબ્રા ડી.એસ.પી. અને મનું સાથે ગોઠવાયા એના માણસો આજુ બાજુ ઉભા રહ્યા. તેમાં એ બંને પણ હતા જે મનુનો પીછો કરતા હતા એ મનુએ ધ્યાનમાં લીધું. મનુએ ગૌસ્વામીને ઈશારો કર્યો. એ જ સમયે ઇન્સ્પેકટર ગૈસ્વામી અને એની ટિમ માણસો ઉપર તૂટી પડી.

કોબ્રા કે બલભદ્ર કોઈ એક્શન લે એ પહેલાં ભાગવતે અને મનુએ રીવ્લ્વોલના નાળચા બંનેના લમણે ભરાવી દીધા. ધનંજય ટેબલ ઉપર હાથ મુકીને એમ જ બેસી રહ્યો. એકાદ મીનીટમાં આ બધું બન્યું. લગભગ બધા માણસો સાવધ નહોતા એટલે ઇન્સ્પેકટર ગૌસ્વામી અને એની ટીમનો એક પણ માણસ ઘવાયો નહિ. નાયકના બધા માણસો ઢળી પડ્યા.

"મી. ભાગવત જે મુજબ સોદો થયો છે એ મુજબ હવે તમારે કરવાનું છે." કહી મનું ઉભો થયો.

"સ્ટેન્ડ અપ..." ડી.એસ.પી. ભાગવતે ત્રણેયને ગનના ઈશારે ઉભા કરી દીધા.

કોબ્રા અને બકભદ્ર નાયક ભાગવતને ગાળો દેતા ઉભા થયા.

"હરામી હું તને છોડીશ નહિ..." દાંત ભીંસીને બકભદ્ર બોલ્યો.

"અત્યારે તો તમે અહીંથી ભાગી જાઓ એ જ બરાબર છે." ડી.એસ.પી.એ ત્રણેયને ભાગવા કહ્યું અને એ સાથે ત્રણેય ગેટ તરફ ભાગ્યા.

થોડેક આગળ સુધી ગયા ત્યાં પાછળથી ભાગવતની ગનની બુલેટથી ત્રણેય ઢળી પડ્યા.

ડી.એસ.પી.એ પાછળ ફરી જોયું, "મી. મનું તમારું કામ થઈ ગયું."

પણ ભાગવતે વાક્ય પૂરું કર્યું ત્યાં ગૌસ્વામીના ગનની બુલેટ આવી ભાગવતના ગનવાળા હાથમાં ઉતરી ગઈ.

"આ શું છે હરામી ગૌસ્વામી?" ભાગવતે હાથ દબાવી બેસી પડતા ચીસ પાડી.

"મેં કહ્યું હતુંને તમને કોઈ તકલીફ નહિ રહે એન્કાઉન્ટર પછી?" મનું ચારેક ડગલાં આગળ આવીને બોલ્યો.

ભાગવતે મનું સામે જોયું અને જોરથી બરાડ્યો, "ગદ્દાર...."

"ગદ્દાર હું કે તું? હજારો નિર્દોષ માણસો દંગામાં મરવાના હતા..." મનુએ ટ્રિગર દબાવી અને એ સાથે જ ભાગવતના માથામાંથી લોહી ઉછળતું દેખાયું અને ભાગવત જમીન ઉપર ફસડાઈ પડ્યો.

ઇન્સ્પેકટર ગૌસ્વામી મનું નજીક આવ્યો અને સેલ્યુટ કરી. "વેલ ડન મી. મનું છેક શ્રી તમારી જેલમાંથી ભાગી અને તમે જાણ કરી ત્યારથી હું ભાગવત ઉપર નજર રાખતો હતો તમારા કહ્યા મુજબ એ બલભદ્રને મળતો હતો, આખરે મને મોકો મળી ગયો આજે."

"યુ અલસો વેલ ડન મી. ગૌસ્વામી તમારા જેવા પ્રામાણિક ઇન્સ્પેકટર મને થોડી જ તપાસ કરતા મળી ગયા એના લીધે જ આ બધું સફળ થયું..." મનુએ હેન્ડ સેક કર્યું.

એ પછી રાજીવ દીક્ષિત, ચંદુ અને શકીલને ઇન્સ્પેકટર ગૌસ્વામી જીવતા જ લઈ ગયો. એ બધાને બલભદ્ર અને કોબ્રાના સાગરીત બતાવી દેવાનું નક્કી થયું હતું. એક પણ નિર્દોષ માણસને કે પોલીસ ઓફિસરને ગુમાવ્યા વગર જ માત્ર પાંચેક મિનીટમાં પહેલી જ વાર કોઈ મિશન પાર પડ્યું હતું તેની રાહત બધાને હતી. મનુએ ઝડપથી બધાને બહાર બોલાવ્યા અને આગળનું આયોજન કરવા લાગ્યા.

*

બીજા દિવસે સવારે પૃથ્વી અને રુદ્રસિંહ પૈસા લઈને વડોદરા રવાના થયા. રજની દેસાઈને પણ ગુજરાત સુધી લીફ્ટ આપી દેવા સાથે જ લીધો. મનું અને આદિત્ય હોસ્પિટલમાં શ્રી પાસે ગયા. ટોમ પણ ટ્રીસ ખાતર પૃથ્વી જોડે ગયો નહિ.

હોસ્પિટલ જઈ બધા અર્જુનને મળ્યા. નર્સ ઇન્જેક્શન લગાવી ગઈ એ પછી આદિત્યએ અર્જુનને હજારો જીવ બચાવી લેવા ખાતર સાબાસી આપી. શ્રી પણ મનમાં અર્જુન ઉપર ગર્વ લેતી રહી.

"મી. આદિત્ય એ બધા પૈસાનું હવે શું કરશો?" અર્જુને પૂછ્યું.

"પૈસાનું....."

આદિત્ય બોલે એ પહેલા જ શ્રી બોલી પડી, "અર્જુન આટલી મુસીબત પછી તું મને ફરી મળ્યો એ જ ઘણું છે હવે આપણે એ રૂપિયા નથી જોઈતા....." અર્જુનનો હાથ પકડી એ એની આંખોમાં જોઈ રહી.

"વેલ પૈસા તો સારી જગ્યાએ જ જશે, મારી ટિમ હજુ બની નથી, ઘણા સાધનો લાવવા છે, મારી સ્કૂલમાં હજુ બીજા ઘણા બાળકોને ટ્રેઈન કરવાના છે એ માટે ફંડ છે આ બધું....."

અર્જુન એ બધુ જાણતો નહોતો પણ શ્રી બધું જાણતી હતી. આદિત્ય તરફ ફરી શ્રીએ કહ્યું, "બેસ્ટ ઓફ લક સર."

અદિત્યએ હસીને આભાર કહ્યો ત્યાં રુદ્રસિંહ બોલ્યા, "શ્રી બેટા તમે થોડો સમય દૂર રહ્યા એમાં હજારોના જીવ બચ્યા અને મને મારો મિત્ર વર્ષો પછી મળ્યો, બંનેનો તહેદિલથી આભાર..."

"થેંક્યું તો મારે પણ કહેવું જોઈએ તમને બંનેને..." અંતે ટોમ આગળ આવ્યો પછી ટ્રીસ સામે જોઈ કહ્યું, "મારી મુલાકાત એક પરી જોડે કરાવી છે તમે જ."

ટ્રીસ નીચું જોઈને જરા હસી અને પછી શ્રીને અર્જુનનું ધ્યાન રાખવા કહી બધાએ વિદાય લીધી.

*

એ પછીના દિવસના ન્યુઝ પેપરમાં ફ્રન્ટ પેજ ઉપર ઇન્સ્પેકટર ગૌસ્વામી અને ડી.એસ.પી. ભાગવતનો ફોટો છપાયો હતો. એક બહાદુર ડી.એસ.પી. ભાગવતે શહેરના માફિયા કોબ્રા અને બલભદ્ર નાયક તેમજ સરકારી માહિતી ચોરનાર અને વેચનાર ડિટેકટિવ ધનંજયની એક ખાનગી મિટિંગની જાણ લીધી. મિટિંગ રાજીવ દીક્ષિત નામના એક ખ્યાતનામ વકીલના ફાર્મ હાઉસ થઈ હતી. ડી.એસ.પી. ભાગવતને માહિતી મળતાની સાથે ગૌસ્વામીને તાબડતોડ ફાર્મ હાઉસ ઉપર પહોંચવા કહી પોતે બહાદુરીપૂર્વક ખાનગી મિટિંગની જગ્યાએ એકલા પહોંચી જઇ કોબ્રા અને બલભદ્ર સામે મુઠભેડ કરી.

ઇન્સ્પેકટર ગૌસ્વામી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી ડી.એસ.પી. ભાગવતને ગોળીઓ વાગી ગઈ હતી. ગૌસ્વામીએ પહોંચીને ઘેરાવો કર્યો અને બાકીના લોકોને માર્યા. જેમાં રાજીવ દીક્ષિત અને બીજા ત્રણ માણસોએ સરેન્ડર કર્યું બાકીના લોકોએ ગોળીબાર કર્યો જે બધા પોલીસની ગોળીનો શિકાર બન્યા. ડી એસ.પી. ભાગવત ગંભીર રીતે ઘવાયા હતા જેથી હોસ્પિટલ જતા પહેલા જ એમનું મૃત્યુ થયું.

વીર શાહિદ ડી.એસ.પી. ભાગવત હવે નથી રહ્યા એનો અફસોસ છે છતાં શહેરમાં દંગા ફેલાવવા માટે થયેલી ખાનગી મિટિંગ ઉપર તૂટી પડ્યા અને બહાદુરીપૂર્વક ખુદ એકલા લડ્યા એનો ગર્વ હમેશા રહેશે. શહીદ ભાગવત સાહેબ દરેક પોલીસ અફસર માટે બહાદુરીની મિશાલ બની રહેશે.

ઇન્સ્પેકટર ગૌસ્વામી અને ટિમને પણ અભિનંદન....

શ્રી એ છાપું વાળીને બાજુ પર મુક્યુ અને હસી. તો દરેક માણસ જેના વખાણ થાય છે એ મહાન હોતા નથી પણ મહાન બનાવી દેવા પડે છે એવા સંજોગો ઉભા થઇ જાય છે. વફાદાર ઇન્સ્પેકટર મનું, પૃથ્વી, મી. રુદ્રસિંહ, મી. આદિત્ય, ટોમ, કે ટ્રીસ કોઈ માટે એક શબ્દ પણ લખાયો નથી અને બેઇમાન ભાગવત માટે આખું કવર પેજ લખાયું છે.!

તેને મનોમન થયું મી. આદિત્ય, મનું પૃથ્વી કે રુદ્રસિંહ દરેક કોઈ પણ ક્રેડિટ લીધા વગર જ કેટલું કરી ગયા.

*

દસેક દિવસ પછી અર્જુનને હોસ્પિટલથી રજા આપવામાં આવી. ડોક્ટરનું બિલ આદિત્યએ એડવાન્સમાં જ ચૂકવી દીધું હતું.

શ્રી અર્જુનને ઘરે લઈ ગઈ એ પછી એની રાત દિવસ સેવા કરી. મુંબઈ ઇલેક્શન પણ શાંતિથી પૂર્ણ થઈ ગયા. કે. શસ્ત્રી ઘણી બહુમતીથી હારી ગયા અને પાર્ટી છોડીને હવે ચૂંટણી નહિ લડું એવી જાહેરાત છાપામાં આપી દીધી. એકવાર રાજકારણમાંથી જે ઉતરી જાય તેના ઉપર પછી કેટલા કેસ મંડાય છે અને બાકીનું જીવન જેલમાં વીતે છે તે શ્રી નહોતી જાણતી પણ એજન્ટસની ટીમ એ જાણતી હતી.

*

લગભગ ત્રણેક મહિના પછી અર્જુન બરાબર ચાલવા લાગ્યો હતો. શ્રીએ તે ખુશીમાં રુદ્રસિંહને ફોન કર્યો.

“સર હું તમને ચાચું કહીશ તો ચાલશે ને?”

“અરે કેમ નહિ દીકરા..” રુદ્રસિહનો હસતો નરમ અવાજ આવ્યો.

“અર્જુન હવે ચાલવા લાગ્યો છે ચાચુ..” તે આનંદમાં ઉછળીને બોલી, “આજથી હું તેને બહાર ચાલવા લઇ જવાની છું.”

“ધેટ્સ ગ્રેટ, પણ બેટા સાચવજે...”

“તેની તમે જરાય ચિંતા નહી કરતા અને હા ઘરે તેમજ બધા એજન્ટ્સને હું મિસ કરું છું એવા ખબર આપજો.” કહી તેણીએ ફોન મુક્યો. અને તેના રૂમમાં તૈયાર થવા ગઈ.

એક બ્લેક ડ્રેસ તેણીએ કાઢ્યો અને ચેન્જ કાર્યું. કપડા બદલી તે આયનામાં જોઈ રહી. એકાએક આયનામાં કોઈ પાછળ આવીને ઉભું રહ્યું તેનું પ્રતિબિંબ પડ્યું. અર્જુનનો ચહેરો જોઈ તે હસી તેના ગાલ ફુલાયા.

“અર્જુન આપણે આજે બહાર જમવા જવાનું છે એ પણ ચાલતા.” તે ફરીને બોલી.

“લેટ્સ ગો..” અર્જુને હસીને કહ્યું અને બંને નીકળ્યા.

*

શ્રી અર્જુનને છેક ગાર્ડન સુધી ચક્કર લગાવવા લઈ ગઈ. અર્જુનના હાથની પણ કસરત કરાવવાનું શરૂ કર્યું હતું. પછી એક હોટેલમાં બંને જમ્યા. બીલ ચૂકવી બેઉ બહાર નીકળ્યા ત્યારે અર્જુનને થોડો પગમાં દુખાવો થવા લાગ્યો.

“શ્રી હવે ટેક્સી કરવી પડશે..” તેણે એક ટેક્સી રોકી.

બંને ઘરે પરત ફર્યા અને દરવાજો ખોલ્યો એ સાથે જ દરવાજામાં એક ટપાલ ઉપર શ્રીની નજર પડી. શ્રીએ ટપાલ લઈને ફાડી જોયું તો અંદર એક ચેક હતો. પચાસ લાખ રૂપિયાની રકમ લખેલો ચેક. ચેક સાથે એક ચિઠ્ઠી હતી. તેણીએ ઝડપથી ચિઠ્ઠી ખોલી.

હજારો જીવ જાણ્યે અજાણ્યે બચાવી લેવા માટે એક ગિફ્ટ. હવે જેવા જીવનના સપના તમે જોયા હતા તેવું જીવી શકશો. હું પણ તમારી જેમ અનાથ છું. અને હા જરૂર પડશે ત્યારે તમને નાના મોટા કામ આપતો રહીશ.

લી. એજન્ટ એ. એન્ડ ટીમ.

શ્રી નાચી ઉઠી.

“શું થયું છે શ્રી?” તેને નાની સ્કુલ જતી બાળકીની માફક ગોળગોળ ફુદરડી ફરતા જોઈ અર્જુનને નવાઈ થઇ. તે તેની નજીક ગયો.

“અરે! અર્જુન આ જોતો ખરા.... આ ચેકમાં પચાસ લાખની રકમ ભરેલી છે... મી. આદિત્યએ આપણને આ પૈસા આપ્યા છે. આઈ કાંટ બીલીવ ઈટ...”

“સાચે શ્રી?” અર્જુનના ચહેરા ઉપર ચમક આવી. તેણે હાથ લંબાવ્યો. શ્રીએ તેને ચેક બતાવ્યો. અર્જુને બરાબર રકમ જોઈ. એ અર્જુનને ભેટી પડી.

“બસ હવે લગનનો ખર્ચ ગમે એટલો આવે આપણે તાજમાં જ રાખીશું. કહી અર્જુનના માથા પર એક ચુંબન લગાવી દીધુ.

અર્જુન તેને જોતો રહ્યો. ક્યાય સુધી જોતો રહ્યો. તેની લટના વાળ તેના સુંદર ચહેરા ઉપર પ્રેમભરી આંખો ઉપર ગુલાબી હોઠ ઉપર હવાને લીધે અથડાતા રહ્યા...!

*** સમાપ્ત ***

આ જ સિરીજ "એજન્ટ આ સિરીજ" નો ભાગ 3 "શિકાર" અહી માતૃભારતી પર આવશે.....

વિકી ત્રિવેદીની ટૂંકી વાર્તાઓ અને લેખ વાંચવા માટે અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED