ખેલ : પ્રકરણ-2 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-2

રાજીવ દીક્ષિત એક ખ્યાતનામ વકીલ હતા. શહેરના મોટા મોટા ઉધોગપતિઓ એની સલાહ લેવા આવતા. સાથે સાથે બ્લેક મનીવાળા માફિયાઓ પણ એની જોડે જ સલાહ લેવા આવતા. મુંબઈના માફિયાઓમાં એક નામ બલભદ્ર નાયકનું હતું. બલભદ્ર નાયક માત્ર નામ પૂરતો જ નાયક હતો બાકી તો એના કર્મ ખલનાયકને શરમાવી નાખે એવા હતા. જે જે કાનમાં તેના નામના અક્ષરો પડ્યા હતા એ કાન તેનું નામ ભાગ્યે જ બીજીવાર સાંભળવા ઇચ્છતા.

બલભદ્ર કમાતો ઘણું પણ બધું અનૈતિક રીતે છતાં તે વાપરવામાં ક્યારેય પાછો ન પડતો. તે અવારનવાર રાજીવ દીક્ષિતની ઓફિસે આવતો. એના બ્લેકમની વ્હાઇટ કરવા માટેના આઈડિયા લેતો અને અઢળક રૂપિયા વેરીને જતો. આખી ઓફિસને ચા, પાણી અને નાસ્તો એના પૈસાથી કરાવતો.

એ દિવસે પણ બધા પોત પોતાના કામમાં હતા. શ્રી કામ કરતા કરતા અર્જુન તરફ જોઈ લેતી હતી પણ અર્જુન લેટ આવ્યો હતો એટલે એ પોતાના કામમાં વ્યસ્ત હતો. નીલ, આશિષ, પૂજા, કાવ્યા અને વિક્રમ પણ પોતાના કામમાં ઉતરેલા હતા ત્યારે જ બલભદ્ર નાયક ઓફિસમાં દાખલ થયો.

બધાની નજર એ ભરાવદાર, અડીખમ, બિહામણા માણસ ઉપર સ્થિર થઈ ગઈ. લાંબા વાળ, પાછળ ચોટલી બાંધેલી, નીચે ધોતી, ઉપર પહેરણ અને એના ઉપર કાળો કોટ, ડોકમાં જાડી સોનાની ચેન જુલતી હતી....! હાથમાં મોંઘા હીરા જડેલી વિટીઓ, ગોળ બિહામણો ચહેરો, મોટી અને ઘાતકી આંખો, આંખો ઉપરના ભાગે અને ગાલ ઉપર એની કાળી ચામડીમાં દારૂના ઇન્ફેક્શનને લીધે થયેલા ડાઘ, મોટી મૂછો અને જાડી દાઢીવાળો બલભદ્ર કોઈ ફિલ્મી વિલનના કિરદારમાં ફિટ થઈ જાય એવો હતો. તે યુ.પી.નો હતો. તેની જાત તો કોઈને ખબર ન હતી પણ લોકોમાં તે બલભદ્ર નાયક તરીકે ઓળખાતો.

બલભદ્રની પાછળ એનો ડ્રાઇવર રજની દેસાઈ પણ આવ્યો. રજની એક યુવાન છોકરો હતો. દેખાવ પરથી કોઈ કહે નહિ કે એ બલભદ્રનો ડ્રાઇવર હશે. છ ફૂટની હાઈટવાળો રજની દેસાઈ બલભદ્ર કરતા એકાદ મુઠી ઊંચો હતો. રંગમાં બંને અલગ હતા, પહેરવેશમાં પણ જાજો ફેર હતો, એક ધોતીવાળો અને એક જીન્સવાળો, પણ છતાંય બંને ભેગા હતા એટલે સ્વભાવ બંનેનો એક જેવો હશે એ કોઈ પણ માણસ સમજી શકે.

બલભદ્ર નાયક એના જાડા, કાળા હોઠમાંથી સિગારેટનો ધુમાડો કાઢતો દાખલ થયો ત્યારે અંદરની ચેમ્બરમાં બેઠા રાજીવ દીક્ષિતને ઘડીભર તો થયું કે આ નલાયકને બોચિથી પકડીને દરવાજે લટકતું બોર્ડ વંચાવી દઉં કે અહીં ધુમ્રપાનની મનાઈ છે પણ બીજી જ પળે એને પોતાનો વિચાર બેહૂદો લાગ્યો. થયું આવા માથાભારી ગુંડાથી કોણ દુશ્મની વહોરે...?? એમ પણ એ મૂર્ખ મને લાખો રૂપિયા આપે છે, એના જેવો બીજો કસ્ટમર મને ક્યાં મળશે....? તે મનોમન મલક્યા.

બલભદ્ર બધાની સામે આંખો ઉલાળતો ચાલ્યો, બધાએ એને વળતી સ્માઈલ આપી કોઈએ પરાણે આપી કોઈએ ઈચ્છાથી. એ અંદરની ચેમ્બરમાં દાખલ થયો ત્યારે રાજીવ દીક્ષિત પોતાના ઉંમરને લીધે સફેદ થઈ ગયેલા વાળમાં હાથ ફેરવતા હતા. જાણે માથા ઉપર બધો ગુસ્સો હોય અને એને ખંખેરી લેતા હોય એમ એ ફિલ્મી ઢબે બોલ્યા, "વેલકમ, નાયક સાહેબ, વેલકમ....."

"શુ વકીલ સાહેબ, શુ ચાલે છે બોલો?" પોતાનું ભારેખમ શરીર ખુરશીમાં પટકતા, બિહામણો ચહેરો વકીલ સામે માંડી એ બોલ્યો. નવો નિશાળીયો હોય તો એવા ગુંડાની ફાઇલ લેતા પણ ડરે છતાં રાજીવ દીક્ષિત તો ઉંમરના અનુભવી હતા એટલે એની ફાઇલ લીધી હતી. કોઈ ભૂલ થાય તો એ અભણને ફોસલાવતા પણ એમને આવડતું.

"બસ, દયા છે ઉપરવાળાની."

"તો હવે અમારા ઉપર દયા કરો સાહેબ, હવે જોખમ વધારે સંઘરવું મુશ્કેલ છે, એટ એટલા રૂપિયા ક્યાં રાખવા?" ફરી એની જાડી પાંપણો ઊલાળી એ બોલ્યો.

રજની દેસાઈ બહાર અર્જુનના ટેબલ ઉપર એની જોડે બેઠો હતો. નાયક બહાર ન આવે ત્યાં સુધી સમય વિતાવવા એ અર્જુનના કોમ્પ્યુટરમાં જોઈ રહ્યો. ખાસ નજર તો શ્રી ઉપર હતી. કદાચ શ્રી માટે જ એ બહાર બેઠો હતો નહિતર એ એના માલીકને એક મિનિટ પણ એકલો મૂકે એમ નહોતો.

"તમે શું કામ ચિંતા કરો છો? કોઈ દિવસ તમને વાંધો આવ્યો છે?" રાજીવ દીક્ષિતે એને ફોસલાવતા કહ્યું.

બંનેની વાતચીત બહાર અર્જુનના કાને સંભળાતી હતી. અર્જુનનું ટેબલ રાજીવ દીક્ષિતની ચેમ્બરના બારણાં જોડે જ હતું. અને રાજીવ દીક્ષિતે બારણું ઉઘાડું જ રાખ્યું હતું.

આ પ્રકારની વાતચીત અર્જુને ઘણીવાર સાંભળી હતી. બલભદ્ર અવારનવાર અહીં આવતો અને બસ આ જ વિષય ઉપર વાત કરતો. રજની દેસાઈ એના ટેબલ જોડે બેસતો અને શ્રીને જોયા કરતો. ઘણીવાર શ્રી એને કહેતી પણ ખરા આ રજની મારી સામે જોયા કરે છે તને ગુસ્સો નથી આવતો અર્જુન? ત્યારે અર્જુન કહેતો સમય આવશે ત્યારે બધું થશે, ગુસ્સો કરીને આપણે એનું કઈ ઉખાડી શકીએ એમ નથી.

અર્જુન પોતાનું કામ કરતો હતો પણ એના મનમાં કઈક અલગ જ ગણિત શરુ થયું. શ્રીને પણ એના દેખાવ ઉપરથી આજે અર્જુન જાણે હથિયાર ઉઠાવી લેવાનો હોય એમ લાગ્યું. પણ એ ખોટી હતી. એ બીજા જ કોઈ હથિયાર વિશે વિચારી રહ્યો હતો.

અર્જુને બોટલમાંથી પાણી પીધું અને પોતાનો ફોન ઉઠાવ્યો. અંગ્રેજીમાં કશુંક મેસેજ ટાઈપ કર્યો. કોઈ અનસેવ્ડ નંબર પર તેણે મેસેજ સેન્ડ કર્યો. રજની સામે સ્મિત વેરીને ફરી તે પોતાનું કામ કરવા લાગ્યો.

રજનીએ ફરી શ્રી સામે જોયું. થોડીવારે શ્રીએ તેની સામે જોયું. રજનીને થયું શ્રી એની તરફ જોઈ સ્માઈલ આપે છે. કેટલાય દિવસોથી તે આવતો અને શ્રી માટે તે અર્જુનના ટેબલ પાસે ખુરશી ખેંચીને બેસતો પણ પોતાને સ્માઈલ આપવાનું તો દુર પણ શ્રી તેની સામે ભૂલમાંય જોતી નહિ એટલે ઘડીભર તો તેને લાગ્યું કદાચ મને ભ્રમ થયો છે.

રજની કાઈ દેખાવડો ન હતો. બેશક તે ઘઉંવર્ણો હતો પણ ફેસિયલ સેપ્સ દેખાવડા ન હતા. તેમાય અર્જુન પાસે બેઠો હોય એટલે તેનું કશુય ઉપજે નહિ. એટલે જ તેને થયું કે શ્રીએ અર્જુનને સ્મિત વેર્યું હશે.

એ સ્માઈલ પોતાને જ આપી છે એની ખાતરી કરવા માટે રજનીએ અર્જુન તરફ જોયું, પણ એ પોતાના કામમાં વ્યસ્ત હતો, ઘડીક કોમ્પ્યુટરમાં કઈક કરતો હતો અને ઘડીક મોબાઈલમાં અંગ્રેજીમાં કઈક લખતો હતો જે પ્રાઇમરી ફેઈલ રજનીને સમજાયું નહીં. એના માટે અંગ્રેજીનાં કાળા અક્ષર ભેંસ બરાબર હતા. છતાં એના ચહેરા ઉપર એક હાસ્ય ફરી વળ્યું કેમ કે એક સુંદર છોકરીએ પોતાને સ્માઈલ આપી હતી. અને એ નક્કી હતું કે એ સ્માઈલ પોતાને જ મળી હતી. સાચે જ એક સ્ત્રી ગમેતેવા માણસને ફસાવી શકે છે. ખબર નહિ લોકોને શું થતું હશે પણ રૂપાળી છોકરી દાણો ફેકે તો ગમે તેવાની વિચાર શક્તિને કાટ લાગી જાય છે. રજનીને પણ તેમ જ થયું.

મીનીટો સુધી રજની બીજી વાર શ્રી ઊંચી નજર કરી પોતાની સામે દેખે અને પોતે સામે હળવું સ્મિત ફરકાવે એની રાહ જોઈ રહ્યો પણ શ્રીએ બીજીવાર એની સામે જોયું જ નહીં.

થોડીવાર પછી બલભદ્ર નાયક બહાર નીકળ્યો અને રજીનીની પીઠ ઉપર હાથ મુક્યો ત્યારે જ એ ભાનમાં આવ્યો કે બોસ બહાર આવી ગયા છે. છોકરી હોય જ છે એવી ગમે તેને વિચારોમાં ડૂબાવી નાખે. એમાં પણ શ્રીને દેખનાર કોઈ પુરુષ ભાગ્યે જ એની જોડે સપના ન દેખે. લગભગ એવો કોઈ સંસ્કારી પુરુષ મુંબઈમાં તો નહીં જ હોય. કદાચ હશે તો પણ નાયક જેવા ગુંડાના ડ્રાઇવર રજની દેસાઈમાં એ સંસ્કાર હોય એવું એની નજર ઉપરથી લાગતું નહોતું.

બલભદ્ર નાયક બહાર આવ્યો એટલે રજનીએ પરાણે ગાડીની ચાવી ઉઠાવી નીકળી જવું પડ્યું એનો ખેદ એના ચહેરા ઉપર અર્જુનને સ્પષ્ટ દેખાયો.

એ બંને નીકળ્યા ત્યારે જ બધાએ હાશકારો અનુભવ્યો. પણ શ્રી કઈક નારાજ દેખાતી હતી. અર્જુને તેની તરફ નજર કરી. શ્રી કઈક નારાજ નજરે તેની સામે જોઈ રહી. સુંદર છોકરીની આ બીજી ખાસિયત હોય છે, જ્યારે નારાજ થાય ત્યારે એનો ચહેરો ચાડી ખાઈ જાય. પણ એ ઠંડુ યુદ્ધ વધારે ચાલે એ પહેલાં જ રાજીવ દીક્ષિતના ટેબલ ઉપરની બેલ વાગી.

એ બેલ બુલાવો હતો. જ્યારે કોઈ કામ પડે ત્યારે એ બેલ વાગતી. શ્રી સમજી ગઈ કે અંદરથી પોતાને કોઈ કામ માટે બોલાવી છે. એ ચહેરો સ્વસ્થ કરી અંદર ગઈ.

"જી સર." રાજીવ દિક્ષિતના ટેબલ આગળ ઉભા રહેતા એ બોલી.

"શ્રી, બેટા આ નાયકની ફાઇલ મૂકી દે." ટેબલ ઉપર એક ફાઇલ પછાડતા રાજીવ દીક્ષિત કઈક કંટાળેલા હોય તેમ લાગ્યું.

"જી સર." શ્રીએ ફાઇલ ઉઠાવી. ફાઈલ જે રીતે પછાડી એ જોઈ તે સમજી ગઈ હતી કે સર હવે આ ગુંડાથી કંટાળ્યા છે.

"તું આ ફાઇલનો અભ્યાસ કરી લેજે. કદાચ તને કોઈ આઈડિયા મળી જાય."

“જી સર...”

પોતાને એક અલગ જ કામ સોંપ્યું એ જાણી શ્રીનો ચહેરો ચમક્યો.

"પણ સર....." એ બોલવા જતી હતી કે સર તમને આવડે એટલું મને નથી આવડતું પણ એને અટકાવી એ બોલ્યા.

"દેખ બેટા, મને આવડે છે પણ તારું મગજ વધારે દોડે છે. આમ પણ મારી ઉંમર થઈ છે હવે. આ સરકાર રોજ કાયદા બદલે છે. હવે બ્લેકમની વ્હાઇટ કરવું અઘરું છે. અમારી ઉંમરમાં અમે આવા ખેલ ઘણા ખેલ્યા પણ હવે આ બધું કામ તમારા જુવાનીયાઓનું છે." હસીને રાજીવ દીક્ષિત ટેબલ ઉપરથી પાણીનો ગ્લાસ લઈ એક ઘૂંટડે પી ગયા.

"થેંક્યું સો મચ સર મને આ માટે તમે લાયક સમજી, હું કોઈને કોઈ રસ્તો નીકાળી લઈશ."

"મને પણ આશા છે કે હવે રસ્તો સાફ છે."

"એટલે?"

"એટલે એમ કે તારા જેવી હોશિયાર શ્રી છે પછી શું ચિંતા...?"

"થેંક્યું અગેઇન સર...."

"થેંક્યું તો મારે કહેવું જોઈએ કે તારા અને અર્જુન જેવા માણસો મળ્યા નહિતર આજકાલ તો બધું શીખ્યા પછી જુવાનીયા ઘરની ઓફીસ ખોલીને બેસી જાય છે."

એ શબ્દો બોલ્યા ત્યારે શ્રીએ અચાનક ધ્યાનમાં લીધું કે સર જાણે એક જ દિવસમાં વૃદ્ધ થઈ ગયા હતા.. એમના ચહેરાની ચમક આછી થઈ ગઈ હોય, મજબૂત શરીર નબળું પડી ગયું હોય અને એ સખત ચહેરો આજે ફિક્કો લાગતો હોય.. એવો ભાષ થયો.

“હું કાઈ ડોશો નથી થઇ ગયો..” શ્રી જે રીતે જોઈ રહી હતી તે જોઇને રાજીવે કંટાળો ખંખેરી સ્મિત વેર્યું.

“જી સર..”

શ્રી વધારે કઈ બોલ્યા વગર ફાઇલ લઈને બહાર નીકળી ગઈ. પોતાના ટેબલ ઉપર ફાઇલ મૂકી, ખુરશીમાં ગોઠવાઈ ફાઇલના પાના ઉથલાવ્યા અને ચોકીને જોઈ રહી. આઠ કરોડ રૂપિયા કેશ (રોકડ), એ પણ બ્લેક મની..!

તેને ખબર હતી કે આ નારાઘમ ગુંડાના બ્લેકમની રાજીવ દિક્ષિત વ્હાઈટ કરે છે પણ આટલા બધા પૈસા હશે એની કલ્પના પણ નહોતી. રાજીવ સર ઘણીવાર આ ફાઈલ લેવા મુકવા પોતાને કહેતા ખરા, પણ ક્યારેય પોતે એના ઉપર ધ્યાન નહોતું આપ્યું. આટલા બધા પૈસાના આંકડા જોઈ શ્રી ઘડીભર વિચારમાં પડી ગઈ.

ફાઈલ મુકીને એણીએ વિચાર ખંખેર્યા અને બીજી જ પળે અર્જુને કરેલો મેસેજ ફરી એકવાર પોતે જોઈ લીધો.

“ગીવ હીમ અ સ્માઈલ.....” અંગ્રેજીમાં લખેલું હતું. એ મેસેજ ફરી એકવાર પોતે જોઈ લીધો. એના પછી પણ એક મેસેજ આવ્યો હતો, “ડુ નોટ રીપીટ...”

અર્જુન ક્યારેય આવો મેસેજ કરે નહી. કામ વગરનું અર્થ વગરનું ક્યારેય અર્જુન કરે નહી અને કરવાનું કહે પણ નહી. છતાં આજે પોતાને અર્જુને જે કહ્યું એ જોઈ નવાઈ સાથે નારાજગી થઇ. અર્જુને આવું કામ કરવાનું પોતાને કેમ કહ્યું હશે? એ પ્રશ્ન એના મનમાં ગુંજવા લાગ્યો. એનું શું આયોજન હશે? અર્જુન તો મને દિલોજાનથી ચાહે છે તો પછી એણે મને એવું કરવા કેમ કહ્યું? કેમ રજનીને સ્માઈલ આપવા કહ્યું? અને બીજી વાર એની સામે જોવાનું નહી એવું કેમ કહ્યું..???

અર્જુન સામે જોયું. તે પોતાનું કામ કરતો હતો. હાલને હાલ એને પૂછી લઉં? ના, ના, અહી બધાની વચ્ચે એવું ન પુછાય. અર્જુન સાવ અર્થ વગરનું કામ તો મને ન જ આપે. કઈક તો હશે જ..... ધેર મસ્ટ બી એ સિક્રેટ... આવતી કાલે રવિવાર છે આમ પણ મળવાના છીએ ત્યારે જ બધું પૂછીશ.

ચશ્માના કાચ આરપાર અર્જુનની આંખો દેખાતી હતી. કેટલો માસુમ લાગે છે? ગમે તેમ તેણીએ મન મનાવી લીધું તે છતાં બલભદ્રની ફાઈલ વિશે, તેના આઠ કરોડ વ્હાઈટ કરવાની કોઈ આબાદ સ્કીમ વિશે વિચારવાનું તેને સુજ્યું નહી. એ બસ સાંજ પડવાની રાહ જોઈ રહી.

***