Prologue…..
આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા માંગતા હતા ! એ બધું વેઠી લીધા પછી આજે મારા સુખના દિવસનો સૂરજ ઉગવાનો છે ! કેટલો મોહક છે એ સૂરજ !
જયશ્રી એના મનમાં ભૂતકાળના દુઃખોને ભૂલીને આવનાર સુખોને ભેટી પડવા જઇ રહી હતી..... અર્જુન..... અર્જુન એના જીવનમાં આવ્યો ત્યારથી જ એ ખુશ હતી. જીવન એટલે શું ? સુખ કોને ખેવવાય ? પ્રેમ એટલે શું ? કોઈ પોતાનું હોય જે પોતાની પસંદ નાપસંદ જાણતું હોય ત્યારે કેવો આનંદ મળે એ માત્ર એક અર્જુન જ એને સમજાવી શક્યો હતો ! એ અર્જુનને ભેટી લેવા જઈ રહી હતી!
શુ શુ કરવું પડ્યું હતું એને આ મુકામ સુધી પહોંચવા માટે ? અરે ખુદ માલીક જેવા, પિતા તુલ્ય એડવોકેટને પણ તકલીફ આપવી પડી હતી ! પણ હું શું કરું ? ક્યાં સુધી હું એ બોઝલ જિંદગી જીવું? મને ઘર પરિવારમાંથી ક્યાં કઈ મળ્યું હતું ? હું અનાથ જેવી જ હતી....! મારી પાસે બીજા રસ્તા પણ ક્યાં હતા ?
અર્જુને મારા માટે કેટલું રિસ્ક લીધું ? કરોડો રૂપિયા મારા માટે એણે ઉઠાવ્યા હતા ! કેટલો ભોળો હતો એ ?
ફરી એક વાર એના હોઠ મલકી ઉઠ્યા. અર્જુનના કારણે જ ! અર્જુન હતો જ એવો જ્યારથી એ જયશ્રીને મળ્યો હતો ત્યારનો એ એને એક એક નાની નાની વાતે ખુશ કરવા મથતો હતો ! અર્જુનને પણ બીજું કોણ હતું ? એય એકલો શ્રી જેમ જ !
જયશ્રીની ટેક્સી વડોદરા તરફ જઈ રહી હતી.... સાથે હતો આનંદ, અપાર ખુશી, અર્જુન સાથે જીવવાનો આનંદ, બસ પોતે અને અર્જુન જ હોય એવી જિંદગી હવે જીવવાની છે એ સપના જોઈ રહી હતી. આ તુચ્છ દુનિયા અને બિહામણા માણસોથી દૂર પોતે અર્જુન અને એ બંનેની દુનિયા ! પ્રેમની દુનિયા, વિશ્વાસની દુનિયા, હજારો સપનાઓની દુનિયા !
બસ બસ બસ આ ગાડી હવે વધારે ઝડપી ચાલે તો સારું મારો અર્જુન મારી રાહ જોતો હશે, મને જોઈને જ એ ઝૂમી ઉઠશે ! નીકળી પડીશું ક્યાંક દૂર, બંધનમાં તો અમે ક્યારનાય બંધાઈ જ ગયા છીએ બસ હવે સાત ફેરા લેવાના બાકી છે, ને પછી શ્રી અર્જુનનો સંસાર, કરોડો રૂપિયા અને સુખી જીવન, પ્રેમ અર્જુનનો પ્રેમ, એની લાગણીઓ, અમારા સપના, અમે જ અમે..... ન કોઈ અમને સતાવશે ન કોઈ રંજાડશે !
***
ગાડી જ્યારે નદી કિનારે ઉભી રહી ત્યારે શ્રીના જીવનમાં હળવા મોજા નહિ પણ સુનામી આવી ગઈ હતી....! પોતે જેને મળવા જેને મળીને અહીંથી દૂર ક્યાંક જીવન જીવવા જવાની હતી, જેના ઉપર વિશ્વાસ કર્યો હતો એ અર્જુન પોતાના જીવનનો એક માત્ર પુરુષ એક માત્ર મિત્ર, પોતાની ફિકર કરનાર એક માત્ર માણસ, પોતાને હસાવનાર એક માત્ર વ્યક્તિ ત્યાં હતો જ નહીં !
ત્યાં હતી એક અકસ્માત થયેલી ગાડી ! એક ભાડે લીધેલી ગાડી.... શ્રી નજીક ગઈ.... ધ્રુજતા પગે નજીક ગઈ અને ચીસ પાડી ઉઠી ! કેમ કે ગાડીમાં કોઈ લાશ પણ નહોતી !
તો ક્યાં છે મારો અર્જુન ? તો ક્યાં છે એ પૈસા ? ક્યાં છે મારો વિશ્વાસુ અર્જુન ? મારો પ્રેમ ? તો શું એ અકસ્માતમાં.....???? ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું..... એની આંખો ભરાઈ આવી.... ધબકારા વધી ગયા..... અકસ્માતમાં તૂટેલી ગાડી અહીં ક્યાંથી આવી ? અહીં નદી કિનારે અકસ્માત થાય કઈ રીતે ? તો શું અર્જુને જ આ ગાડી અહીં મૂકી છે ? તો શું અર્જુને પૈસાની લાલચમાં મને છોડી દીધી ? કે પછી એ.... એ બધું ખાલી નાટક હતું ? મને ઉપયોગ કરવા માટે પ્રેમનું નાટક હતું?
હવે હવે તો મને એ લોકો પણ નહીં છોડે..... હું ક્યાં જાઉં ? શુ કરું ? હું મુંબઈ ન જઈ શકું ત્યાં તો મને એ લોકો તડપાવી તડપાવીને મારે એના કરતાં હું જાતે જ મરી જાઉં !
***
પ્રકરણ 1
મુંબઈ.....
મુંબઈની વહેલી સવાર એટલે અવનવા અવાજ, ન ગમતા ઘોઘાટ, રંગબેરંગી લોકો, હાથ પકડીને ચાલતા નવ પરિણીત કપલ, અડોઅડ ચાલતા પ્રેમી પંખીડાઓ, મોંઘી ગાડીઓ સામે તાકતા યુવાનો, જેન્ટલમેનના ખિસ્સા તરફ આશાભરી નજર માંડતા ધોળી દાઢી અને સુકાયેલા ચહેરાવાળા ભિખારીઓ, કમરે રૂમાલ બાંધીને ઉભા રેંકડી ઉપર બુમો પાડતા ફેરિયાઓ, જૂની મારુતિનો ઘર ઘર ઘર અવાજ, ક્યાંક મરસડીઝની ઝડપી ચાલ...!
એવી જ એક સવારે એસ.વી. રોડ પર સ્કૂલ વાન ખિલખિલાટ કરતા બાળકોને લઈ જઈ રહી હતી. રસ્તો સરકતા અજગર જેવો સાવ સીધો પથરાયેલો પડ્યો હતો. ઓફિસે જવા કેટલાય લોકો રસ્તા ઉપર વહેલી સવારે પડેલા ઠારમાં જૂતાના તળિયા ભીના કરતા દોડાદોડી કરતા હતા. શિયાળાની સવાર હતી. ગુલાબી ઠંડી હરતાં ફરતા લોકોના ગાલ ઉપર લાલાશ ઉપજાવતી હતી. કેટલાક અમીર માણસો જેમણે જીવનમાં ક્યારેય પરસેવો ન પાડ્યો હોય તેવા લોકો જોગીંગ પર નીકળી પરસેવો પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા પણ એમાંના મોટા ભાગના તો કપાળ પર પરસેવાના ચાર બિંદુ એકઠા થાય એ પહેલા જ હાંફીને ફૂટપાથ પર ઉભા રહી જતા હતા. અમુક તો કૂતરાની જેમ જીભ કાઢીને હાંફતા હતા. જાણે એમણે સ્વીકારી લીધું હોય કે જોગીંગ અને વોકિંગ મુર્ખાઓનું કામ છે આપણા જેવા મોટા માણસોએ ચર્ચા વિચારણામાં જ સમય વિતાવવો જોઈએ એમ એકબીજાને ન ઓળખવા છતાં ટોળે વળી આવનારી ચૂંટણીઓની ચર્ચા કરવા લાગ્યા હતા.
બીજી તરફ મહાનગરપાલિકાના ગરીબ સફાઈ કામદારો કચરાપેટીઓમાંથી કચરો ઉઠાવી કચરા-વાહીનીમાં ભરતા હતા. ક્યાંક ક્યાંક ચણા જોર ગરમની રેંકડી ઉપર, ક્યાંક આમળાના જ્યુસની લ્હાણી થતી હતી તો ક્યાંક સ્વેટર કે જર્સી વગરના ગરીબ માણસો ફૂટપાથ ઉપર બેઠા હતા. અમુક ચુસ્ત યુવાન છોકરા છોકરીઓ પણ જોગીંગ કરતા હતા. છોકરાઓ કેપરી અને જીમ બનીયન કે ટી-શર્ટમાં ઈયર ફોન લગાવી બુટ ખખડાવતા દોડતા હતા તો વળી છોકરીઓ નાઈટી કે અખો નાઈટ ડ્રેસ પહેરીને પોમેરીયન કે રોટ વેઈલર સાથે અંગ્રેજીમાં ‘ગુડ બોય’ ‘કમોન’ એવા શબ્દો બોલતી ધીમી ગતિએ દોડતી હતી. દોડતી છોકરીઓના આછા નાઈટ ડ્રેસમાં ઉછળતા અંગો જોવા જ ઘણા તો જોગીંગ કરી રહ્યા હતા. છાતીએ ભીડાવેલા પોમેરીયનને રૂપાળી છોકરીઓના સાનિધ્યમાં જોઇને કેટલાયના ગળેથી સ્વરપેટીમાંથી ઈર્ષાની આહ નીકળતી હતી.
ઠંડી એના જોર ઉપર હતી. એવી ભીડમાં ઠંડીને માણતી એક બાવીસેક વર્ષની યુવતી શાંત નદી જેમ ધીમી ચાલે જઇ રહી હતી. સ્કાય બ્લુ જીન્સ ઉપર બ્લેક લેધર જેકેટ ગજબનું કોંબાઈનેશન હતું. તદુપરાંત બ્લેક જેકેટ અને કાળા વાળ વચ્ચે એનો સફેદ ચહેરો ધ્યાન ખેંચી લેવા સમર્થ હતો. કાનમાં ચમકતી રિંગ. શિયાળાની ગુલાબી સવારની તાજગી એના ચહેરા ઉપર હતી કે પછી એના મનમાં ચાલતા વિચારોથી એ તરોતાજા હોઠ મલકતા હતા એ નક્કી કરી શકાય એમ નહોતું. હિરણ જેવી ચાલે એક પગ ઉપાડી બીજા પગના પંજા આગળ બરાબર મુકીને બીજો પગ ઉઠાવતી હતી પરિણામે શરીરમાં અદભુત લચક આવતી હતી.
એ ફૂટપાથ પર મુકેલા સ્ટીલના એક બાંકડા પાસેથી પસાર થઇ. કેટલાક સફેદ વાળ થઈ ગયેલા લોકોની વાહિયાત નજરથી બચવા તેણીએ ચાલ બદલીને ઝડપથી બાંકડો પસાર કર્યો. આ મુબઈના લોકો કેટલા ગંદા છે. તે મનોમન બબડી અને મોઢા ઉપર નેપકીન દબાવી પાછળ નજર કરી. હજુય એમાંથી એક તેને તાકી રહ્યો હતો. તુચ્છ નજર કરીને તેણીએ નજર ફેરવી આગળ રસ્તા ઉપર ધ્યાન આપ્યું. તે થોડીકવાર આજુબાજુના લોકોને બિલ્ડીંગોને જોતી ચાલતી રહી અને તેની નજર એક વેડિંગ બોર્ડ પર પડી.
આ રસ્તે તે રોજ ચાલતી પણ અહી નગરપાલિકાના કે પછી કોઈ પ્રાઈવેટ એજન્સીના એડ થાંભલા ઉપર રોજ જાહેરાતો બદલાતી. ક્યારેક નવા શેમ્પુની ક્યારેક નવી ફિલ્મની તો ક્યારેક કોઈ બીઝનેસમેનના દીકરા કે દીકરીના લગ્નની જાહેરાતના બોર્ડ અહી લાગતા. એ બોર્ડ ઉપર જાહેરાત લગાવવી કોઈ સમાન્ય માણસનું કામ ન હતું. અભિનેતા કે પછી કંપની માલિક કે મોટા ઉદ્યોગપતિ સિવાય કોઈનું તેવું ગજું ન હતું.
તેના પગ એ એડ જોવા અટક્યા. ‘સૌરભ વેડ્સ જાનકી – મારવાડી પરિવાર.’ તેણીએ છુટા છુટા શબ્દો વાંચ્યા. છોકરાની તસ્વીર ઉપર નજર કરી. તેને અર્જુન યાદ આવ્યો. પ્રેમાળ અને હેન્ડસમ અર્જુન! પોતાના લગન અર્જુન સાથે ક્યારે થશે એ વિચારતી ઘડીભર તે વર વધુના ચિત્રો જોઈ રહી. પછી એકાએક ઓફીસ જવાનું મોડું થશે એ યાદ આવતા એ ફરી ચાલવા લાગી.
"હાય જયશ્રી....." પાછળથી એક બીજી યુવતીનો લહેકા ભર્યો અવાજ આવ્યો એટલે સ્કાય બ્લુ જીન્સમાં શોભતા એના પગ ઉભા રહી ગયા. એ પાછળ ફરી અને સામે ઉભી યુવતીને જોઈ એના સુંદર હોઠ ઉપર થોડું વધારે સ્મિત ઉપજી આવ્યું. તે હસતી ત્યારે તેના માંસલ ગાલ ફુલાઈ જતા. સામેવાળી યુવતી પણ જાણે એની સામે રસ્તા ઉપર નહિ પણ ફેશન-શોના રેમ્પીંગ ઉપર હરીફાઈ કરી રહી હોય એવું મોહક સ્મિત ફરકાવી રહી હતી. એના કપડા પણ એના એ સ્મિત સાથે મેચ થતા હોય એવા જ ચમકદાર અને ઉજળા હતા. એક જ નજરે જોતા હ્રદયમાં ઉતરી જાય એવું એનું માધુર્ય હતું.
"નેન્સી..... ગુડ મોર્નિંગ."
"ક્યાં ખોવાઈ ગઈ છો? બે બુમ પાડી તને શ્રી..." નેન્સીએ પોતાનું સ્મિત જાળવી રાખતા તેની નજીક આવીને કહ્યું.
જયશ્રી રોજ સવારે એ જ રસ્તે ચાલતી ત્યારે ઘણીવાર નેન્સી તેને ત્યાં મળી જતી. જયશ્રી મહાવીર નગરમાં એસ.વી. રોડ તરફના છેડા ઉપર ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને તેને દેવીદાસ રોડ પર જવાનું હોતું. નેન્સી રામનગરમાં રહેતી. જયશ્રી અને નેન્સીની દોસ્તી એ રસ્તા ઉપર જ થઈ હતી. નેન્સી એને ખાસ શ્રી કહીને જ સંબોધતી.
"અરે યાર સાંભળ્યું નહિ, ટ્રાફિક અવાજ....."
"ખબર હતી એ જ કહીશ તું...” તે હસીને મીઠો ઠપકો આપતા બોલી, “બાય ધ વે લુકિંગ બ્યુટીફૂલ હા.."
"થેંક્યું નેની, એન્ડ યુ અલસો લુકિંગ બ્યુટીફૂલ..." જયશ્રી પણ નેન્સીને નેની જેવા ટૂંકા નામે સંબોધતી. પોતાના વખાણ સાંભળી દરેક સ્ત્રીની જેમ શ્રી ખુશ થઇ.
બંને સાથે મળી ચાલવા લાગ્યા. થોડીવાર રોજીંદી વાતો થઇ અને નેન્સી બીજા રસ્તે ફંટાઈ. નેન્સી એક પ્રાઇવેટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર હતી. શ્રીને હજુ ઘણું આગળ જવાનું હતું. તે એક પ્રાઇવેટ એડવોકેટની ઓફિસમાં પ્રેક્ટિસ કરતી હતી. એકાઉંટિંગમાં શ્રી એટલી ઝડપી અને ત્વરિત નિર્ણયશક્તિ ધરાવતી હતી કે માત્ર એક વર્ષના સમયમાં ઓફિસમાં સૌથી વધારે પગાર લેનાર એ બની ગઈ હતી. શ્રીના એકાઉંટિંગમાં ક્યારેય કોઈ ભૂલને જગ્યા હોય જ નહીં. શ્રીના બોસ એડવોકેટ રાજીવ દીક્ષિત પણ તેના દિવસમાં એકવાર તો વખાણ કરતા જ કરતા. પોતાના કામથી બોસને અને રૂપથી અર્જુનને જીતી લેનારી શ્રી જ હતી.
શ્રી જઇ રહી હતી. પણ એની નજર પસાર થતી ગાડીઓના વિન્ડો ગ્લાસ ઉપર જતી હતી. ઘડી ઘડી એ પોતાનું રૂપ નવા કપડામાં અને જેકેટમાં જોઈ લેતી હતી. અર્જુને આપેલા કપડાં....!
ગઈ કાલે પોતાને અર્જુન પાસેથી જે ભેટ મળી હતી એ પહેરીને અર્જુન સામે હાજર થવા માટે એ આખી રાત વિચારતી હતી. સવારે 6 ના એલાર્મની પહેલી જ રિંગ સાથે જાગીને એ તૈયાર થવા લાગી હતી. ઠંડી સવારે ગરમ સાવર લઈ એ સ્કાય બ્લુ જીન્સ ઉપર રેડ ટી-શર્ટ નાખીને આયના સામે ઉભી રહી ગઈ હતી. પોતાના પાતળા પગ ઉપર એ જીન્સ એ કેટલીયે વાર જોઈ રહી હતી. છાતી પરથી ઢળતી પાતળી કમર ઉપર જતી ટીશર્ટ એના આકારોને કેટલા મોહક બનાવતી હતી એ જોઈ ખુદ શ્રી શરમાઈ ગઈ હતી....!
ક્યાંય સુધી પોતાના ગુલાબી હોઠ, મોટી આંખો, અને લટ એ જોઈ રહી હતી. સ્મિત કરતા ફુલાતા ગાલ જોઈ એ આયના સામે હસી પડી હતી જેથી ગાલ વધુ ફૂલાઈ ગયા. અર્જુન ! અર્જુન કેટલો ખ્યાલ રાખે છે પોતાનો. એની પસંદ નાપસંદનો એને કેટલો ખ્યાલ હતો. બ્લેક લેધર જેકેટ પહેરીને તો એ ખીલેલા ફૂલ જેમ શોભી ઉઠી હતી. એના સફેદ ચહેરાને એ બ્લેક જેકેટ ઓર સુંદર બનાવતું હતું. કાનની મોટી રિંગ પણ મોહક જ હતી. શ્રીને ઘરેણા ઓપતા. તેના ભરાવદાર ગાલ હસતી વેળાએ વધારે ફુલાતા અને તેને વધારે ખુબસુરત બનાવતા. તેના શરીર ઉપર ગાલ સિવાય ક્યાય ખોટી ચરબી હતી નહી. તેના મરોડદાર ઘાટીલા અંગો ઉપર બધા જ કપડા ઓપતા. એ બધા કપડામાં જચતી પણ અર્જુને આપેલા કપડામાં તેને પોતાનું પ્રતિબિંબ કઈક વધારે જ સુંદર લાગ્યુ તેથી જ જલ્દી એ કપડામાં અર્જુન સામે જવા તે બેબાકળી બની હતી.
મા બાપને ગુમાવ્યા પછી કાકા કાકીનો ત્રાસ ભોગવીને એ ઘર છોડીને ભાગી હતી ત્યારથી તેના જીવનમાં ક્યાંય સુખ નહોતું. પછી તે મુબઈમાં આવી હતી. અચાનક અર્જુન મળી ગયો અને ફરી પોતાનું જીવન કોઈ વસંતમાં બાગ ખીલે એમ ખુશીઓથી આનંદથી ખીલી ઉઠ્યું હતું.
શ્રી એ વિચારોમાં ક્યારે એડવોકેટ રાજીવ દિક્ષિત એન્ડ એસોસીએટ્સ આગળ પહોંચી ગઈ એને ખ્યાલ પણ ન રહ્યો. નાગજી ભાટાની વડાપાઉંની કેન્ટીન જોઈ ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે મંજિલ આવી ગઈ છે.
તે વિચારોમાંથી બહાર આવી અને કેન્ટીનમાં ગઈ. બેંચો રોજની જેમ જ ગોઠવેલી હતી. લોકો ખીચો ખીચ બેઠા હતા. નાગજી ભાટાનો સ્વભાવ એટલે મીઠી ચા જાણે. દુર દુરથી વોકિંગ કરવા આવતા લોકો પોતાની સવારનો કીમતી સમય અહી જ વિતાવતા. તેમાય ગુજરાતીઓ ખાસ. નાગજી ખુદ ગુજરાતના સુઈગામ બોડરનો વતની હતો. જાતે તે ખેડું બ્રાહ્મણ હતો. આડત્રીસ ચાલીસ વર્ષનો નાગજી યુવાનની માફક કામ કરતો. નાસ્તામાં તેનો હાથ અદભુત હતો. ચણાના લોટની સાથે જાણે તેને કોઈ ગયા જન્મનો નાતો હોય તેમ એક એક આઈટમ ખાવા લોકો પડાપડી કરે તેવો સ્વાદ આવતો. માથામાં ટાલ, ખભે લાલ રૂમાલ અને ખાસ કરીને ખાખી સફારીમાં એ રહેતો. કંદોઈની માફક તેને પેટ વધેલું નહોતું એટલે તેની ઝડપ પણ ગજબ હતી.
શ્રી જઈને એક ટેબલ પર ગોઠવાઈ. તેમની દુકાન કમ રેસ્ટોરાં હમેશા સ્વચ્છ રહેતી. નાગજીનો છોકરો ગોવિંદ બીજી તરફ ચા બનાવતો રોજની જેમ જ તપેલામા ચા હલાવતો હતો. શ્રીને જોતા જ એ બોલ્યો, "કેમ દીદી એકલા? ક્યાં ગયા અર્જુન જી?"
"ગોવિંદ, તને ખબર તો છે કે સવારે અર્જુન લેટ આવે છે, અમે સાંજે જ જોડે આવીએ છીએ." એ હસીને બોલી. તેનો અવાજ ઘંટડીના રણકાર જેવો મીઠો હતો. તે જયારે આંખો મોટી કરીને બોલતી એ જોવાની ગોવિંદને મજા પડતી એટલે એ અલકમલકના સવાલો કરતો.
"એ બધું અમને યાદ ન હોય દીદી, અમારે મન તો સવાર અને સાંજ એક જ." કહી એ હસ્યો.
ગિવિંદનું એ રોજનું વાક્ય હતું એટલે શ્રી પછી ચૂપ જ રહી. વાત બદલી કહ્યું, "હવે ચા આપીશ?"
"ના રે ના આપવા માટે થોડી ઉકાળી છે....?" કહી એ ફરી હસ્યો. શ્યામ ચહેરા ઉપર વાળ વગરની ટાલમાં પણ એ છોકરાનું હાસ્ય એને નિર્દોષ બનાવતું હતું. ગોવિંદને પણ તેના બાપા જેમ તાલ હતી. જોકે પહેલા તેને લાંબા વાળ હતા પણ વાળ આખો દિવસ આયનામાં જોવામાં અને હોળાવવામાં એનું ધ્યાન કામ ઉપર ન રહેતું એટલે નાગજીએ કંટાળીને એક વાર અસ્ત્રો ફેરવી નાખ્યો હતો.
ગિવિંદ હતો જ એવો એ કાયમ હસતો જ રહેતો. બીજા ગ્રાહકો સાથે એ મજાક મસ્તી ઓછી કરતો પણ શ્રી અને અર્જુન સાથે તો એ મન ખોલીને બોલતો.
"લ્યો હવે તમારા જેવું કોણ થાય..." કહી એણે શ્રીનો હાથ પકડી ચાનો કપ હાથમાં પકડાવી દીધો.
તેણીએ ઘડિયાળમાં નજર કરી, સમય થઈ ગયો હતો એટલે તરત ચા પુરી કરી ગોવિંદને પૈસા ચૂકવી નીકળી પડી. આ દેવીદાસ રોડ પર નાગજીની દુકાનની સામે જ એડવોકેટ રાજીવ દિક્ષિતની ઓફીસ હતી. રોડની બંને તરફ એક નજર કરી રોડ ક્રોસ કર્યો. ઓફીસ પહોંચી દરવાજામાં દાખલ થઈ. વિક્રમ, આશિષ, નીલ, પૂજા અને કાવ્યા બધા આવી ગયા હતા. પણ શ્રીની નજર અર્જુનને શોધતી હતી. એ હજુ આવ્યો નહોતો.
અર્જુન અહીંથી દૂર રહેતો હતો. કશેક દુર છેક ગોરાઈ ક્રિક પાસે તે ગોરાઈ – 2’માં રહેતો હતો. તેમાં પણ એકલો રુમ રાખીને રહેતો એટલે એને આવવામાં રોજ મોડું થતું જ. સ્ત્રી વગરના ઘરમાં એ સમસ્યા તો હોય જ. સ્ત્રી હોય ત્યાં સવારથી સાંજ જે તે વસ્તુ મળી રહે હાથવગી બાકી તો ઠીક મારા ભાઈ. અર્જુનને પણ એવું જ હતું. સવારે એલાર્મ વાગે તો ઠીક, બાકી જો પાવર પૂરો થઈ જાય કે એલાર્મ તકિયા નીચે દબાઈ જાય તો કૂતરાને બોચિથી પકડ્યું હોય એમ એનો અવાજ દબાઈ જાય અને અર્જુન મોડો મોડો ઓફિસે પહોંચે. પણ વકીલ સાહેબ દયાળુ હતા એટલે એને લેટ આવવા છતાં કઈ કહેતા નહિ અને આમ પણ અર્જુનનું કામ શ્રી કરી લેતી.
શ્રી બધાને ગુડ મોર્નિંગ કહી પોતાના ટેબલે પહોંચી. દરેકના મોઢે પોતાની તારીફ સાંભળી એ ઠંડીમાં હુંફ અનુભવી રહી હતી. રોજની જેમ કપડાથી ટેબલ સાફ કર્યું, પર્સ ડ્રોરમાં મૂક્યું અને કોંપ્યુટર સ્ટાર્ટ કર્યું.
તેની નજર ઘડી ઘડી સામેના ખાલી ટેબલ તરફ જતી હતી જ્યાં અર્જુન એને આખો દિવસ દેખાયા કરતો. બધાએ વખાણ કર્યા પણ જેણે એ ભેંટ આપી એ માણસ વખાણ કરે ત્યારે જ બધું સાર્થક બને. નવા નવા પ્રેમમાં પડેલા પ્રેમીઓ વચ્ચે આ પ્રકારની રમત થતી જ હોય છે. ભેંટ આપવી, એને બિરદાવવી, આપેલી ભેંટ પહેરવી અને ફરી વખાણ સાંભળવા એ તો દરેક છોકરી દરેક સ્ત્રીનો હક છે. પણ હજુ એ આવ્યો નહોતો એટલે એ પરાણે પોતાનું કામ કરવા લાગી.
*
એકાદ કલાક પછી ઓફિસનો દરવાજો ખુલ્યો અને એક ચોવીસેક વર્ષનો યુવાન દાખલ થયો. પ્રોફેશનલ કપડાં. પર્પલ શર્ટ બ્લેક પેન્ટમાં ઇન કરેલું, ઉપર માપના બકલવાળો પટ્ટો, પગમાં સૂઝ... તદ્દન ઓફિસર જેવો દેખાતો એ યુવાન પ્રવેશ્યો ત્યારે શ્રી એને જોઈ રહી. સરળ હેર સ્ટાઇલ ઉપર નંબરના ચશ્માં એને ઓર સીધો અને સાદગી ભર્યો બનાવતા હતા...! પણ તે ઓફિસમાં સૌથી દેખાવડો હતો. જોકે તેના ચહેરા પર ભાગ્યે જ સ્મિત જોવા મળતું. તેના અંતરમાં એક આગ ક્યારેય હોલવાઈ ન હતી. એ સદંતર સળગતી રહેતી. તેનો ભૂતકાળ કરુણ હતો.
"આજે ફરી લેટ પડ્યો અર્જુન?" શ્રી બોલી.
"યસ, સોરી ફોર ધેટ." અર્જુને હસીને કહ્યું પણ તેનું સ્મિત કમને કરેલું હોય તેવું લાગતું. જોકે એ ઓફિસમાં હસીને વાત કરતો પણ તે સિવાય જયારે એકલો હોય ઘરે હોય ત્યારે તેના હોઠ ભાગ્યે જ મલકતાં.
"સર આવી ગયા?" પોતાના ટેબલ તરફ જતા તેણે પૂછ્યું. એડવોકેટ રાજીવ દિક્ષિતને બધા સર કહેતા.
"હા ચેમ્બરમાં જ છે."
"ઓકે, લુકિંગ ગોરજીયશ હા...."
"બસ બસ..... હવે ખાલી તે જ કહ્યું છે બીજા કોઈએ નહિ." શ્રી શરમાઈને બોલી.
"ઓ હેલો જૂઠી, અમે બધાએ એ જ કહ્યું હતું." પૂજા પોતાના જાડા હોઠ હલાવી ઉતાવળી થઈ બોલી. પૂજાને આમ તો બધા મોટી કહેતા કેમ કે એ શરીરથી તગડી હતી. પણ તેને એની કોઈ ફિકર નહોતી એ તો કહેતી ભાઈ ખાતે પીતે ઘરકે હે હમ.....!
"હા હા મેં પણ કહ્યું હતું." કાવ્યા પણ ફાઇલ ઉથલાવતી બોલી. કાવ્યાને દેખીએ તો કોનટ્રોવર્સી લાગે. પૂજા જાડી તગડી અને કાવ્યા સાવ સોટા જેવી...! એ બંને એક જ ટેબલ પર બેસતી.
"નહિ તો શું?" વિક્રમે આશિષ તરફ જોયું.
"સાચી વાત છે આ જયશ્રી જૂઠી જ છે." અશિષે પણ મોઢું ચડાવ્યું.
"હા યાર, આપણે બધા વખાણ કરીએ એની કોઈ કદર જ નથી બસ અર્જુન કહે તો જ એને ગમે...." નિલે કહ્યું અને ઉમેર્યું, "હુહ...."
આશિષ અને વિક્રમ સગા તો નહોતા પણ એક નજરે બંને એક જેવા જ લાગતા. બંનેની ઉંચાઈ અને વજન લગભગ સરખું જ હતું. માપસરના ટૂંકા વાળ દબાવીને ઓળાવેલ. બંને સાવ સીધા જ દેખાય. નીલ થોડો તેવો જ હતો. રહેતો પ્રોફેશનલ છતાં દેખાવમાં સારો.
"અરે સોરી બાબા, નીલ, આશિષ, પૂજા...." શ્રી એટલું કહી અટકી ગઈ.
"ઇટ્સ ઓકે બેબી..... વી કેન અન્ડરસ્ટેન્ડ યોર ફીલિંગ્સ....." કાવ્યાએ ફરી એની નાની આંખો શ્રી તરફ માંડી હસીને કહ્યું.
શ્રી રાજી રાજી થઈ ગઈ. બધા એને હસાવવા કેટલું કરતા હતા? અંતરનો આનંદ એના હોઠ ઉપર ફરી વળ્યો. અર્જુન એ સ્મિત જોઈ રહ્યો. આ રીતે તેમના વચ્ચે કામની નકામી બાળકો જેવી વાતો થયા કરતી પણ અર્જુનનું ધ્યાન ઘણા દિવસોથી ક્યાંક બીજે જ હતું. એ ગરીબીથી તંગ આવી ગયો હતો. તેને એક જ દિવસમાં ભૂતકાળના બધા જ દુખો ભૂલી જવાય તેટલું કમાઈ લેવાનો એક રસ્તો જડ્યો હતો. પણ એ રસ્તો ક્યાં લઇ જશે તેની કલ્પના સુદ્ધાં તેને ન હતી. ક્રાઈમ નેવર પેઝ એ વાક્ય તેણે આ વખતે ધ્યાનમાં લીધું જ નહોતું.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky