ખેલ : પ્રકરણ 31 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ 31

સાંજે આદિત્યનો ફોન આવ્યો ત્યાં સુધી અર્જુન હોશમાં આવ્યો નહી. શ્રી એક સેકંડ પણ તેનાથી દુર ખસી નહોતી. સાંજે સાત વાગ્યે ટ્રીસ આખરે રૂમ બહાર ગઈ અને આદિત્યને ફોન કર્યો.

“સર અર્જુનને આજે રાત સુધી હોશ આવે અને એ કાઈ બોલે તેવું લાગતું નથી.”

“શીટ! ઠીક છે અમે અહી કઈક બીજી ગોઠવણ કરીએ તું અને બાકીના લોકો શ્રી અને અર્જુનનું ધ્યાન રાખજો.”

“ઓકે સર.” ટ્રીસે ફોન મુક્યો અને બહારની ચેરમાં જઈને ગોઠવાઈ.

*

શ્રીની આંખમાંથી આંસુ પડવાની તૈયારી હતી. તે હોશમાં આવતો નહોતો. શ્રીથી હવે સહન થાય તેમ ન હતું. તે ઉભી થઇ અને અર્જુન પાસે ગઈ. તેના કપાળ ઉપર ચુંબન કર્યું અને તેની આંખમાંથી આંસુ સરી તેના ચહેરા ઉપર પડ્યું. શ્રીના હાથ ઉપર એકાએક કઈક સ્પર્શ થયો. તેણીએ જબકીને જોયું તો અર્જુનની આંગળી તેના હાથ ઉપર હતી. તેણીએ તેના ચહેરા સામે જોયું અર્જુને આંખ ખોલી દીધી હતી.

“અર્જુન..... અર્જુન તે ડુસકા ભરતી બોલી અને તેના બંને હાથ અર્જુનના ગાલ ઉપર મુક્યા.

“શ્રી તું અહી?”

“તું હોસ્પિટલમાં છે અર્જુન અને અમે બધા જાણીએ છીએ કે તને રાજીવ દિક્ષિતે ઉઠાવ્યો હતો.”

રૂમમાંથી અવાજ સાંભળી ટ્રીસ પણ અંદર ધસી આવી. શું થયું તે બધું સમજાવતા ખાસ્સી અરધી કલાક થઇ પછી અર્જુનને પરિસ્થિતિનું ભાન પડ્યું. ખાસ્સી મીનીટો શ્રી રડી. ટ્રીસ તેને ઘણા સવાલો કરવા માંગતી હતી પણ શ્રીને તે રોકી શકે તેમ ન હતી. એજન્ટ હોવું અને માણસ હોવું એ બંને અલગ વાત છે તે ટ્રીસને પહેલીવાર સમજાયું.

આખરે બંને સ્વસ્થ થયા એટલે ટ્રીસે પૂછ્યું, “અર્જુન તને કઈ રીતે ઉઠાવ્યો? અને બધા પૈસા ક્યાં છે? માત્ર આટલા રૂપિયા માટે ડી.એસ.પી. સુધીના લોકો કેમ તમારી પાછળ પડ્યા હતા?”

“એમાં માત્ર પૈસા નહોતા...” અર્જુનને બોલવામાં તકલીફ પડતી હતી પણ ટ્રીસે તેને શ્રી સાથે શું થયું અને તે કઈ રીતે મળ્યો હવે શું થવાનું છે તે બધું સમજાવ્યા પછી આખીયે વાત કહેવી જરૂરી હતી એટલે એ બોલ્યો.

“એટલે?”

“એટલે એમ કે તેમાં માત્ર પાંચ દસ કરોડ રૂપિયા નહોતા.” આગળની બધી વાત એ લોકો જાણતા હતા એટલે અર્જુને કથાનો એ ભાગ કહેવાનું શરુ કર્યું જે કોઈ જાણતું નહોતું.

“રજની શ્રી સાથે ઘરમાં ગયો એટલે હું પૈસા લઈને ગાડી સાથે ભાગ્યો. મેં પ્લાન મુજબ પૈસા મુબઈ આસપાસ ભીમંડી તરફ જતા રસ્તે એક ફાર્મ હાઉસ ભાડે લીધું હતું. તેનો માલિક વિદેશ રહેતો હતો એટલે એ બંધ હતું. એ ફાર્મ હાઉસ મને આમ તો મળોત નહીં પણ રાજીવ દિક્ષિત સાથે હું ઘણીવાર તેના ભીમંડીવાળા ફાર્મ હાઉસ પર ગયો હતો એટલે મને એરિયો અને એ બંધ ફાર્મ હાઉસ મારા આયોજનમાં બરાબર યોગ્ય લાગ્યા હતા.”

“એટલે તે બધા પૈસા એ ફાર્મ હાઉસ ઉપર રાખ્યા છે?”

“હા બધા જ પૈસા મેં ફાર્મ હાઉસ ઉપર રાખ્યા કારણ કે એટલા પૈસા લઈને હું આઉટ ઓફ સ્ટેટ જઈ ન શકું. મારે એ માટે કોઈ બીજો પ્લાન કરવો પડે તેમ હતો જે માટે સમય જોઈએ અને આમ પણ શ્રીને મારે થોડા દિવસ જ્યાં સુધી એ બધા પૈસામાંથી થોડાક લઈને હું ગુજરાતમાં ક્યાંક સેટલ ન થઇ જાઉં ત્યાં સુધી અહી જ રાખવી પડે તેમ હતી.”

“પછી હું થોડાક પૈસા લઈને ગુજરાત ગયો. શ્રી પાસે મેં વડોદરા વિષે સાંભળ્યું હતું એટલે હું એક જૂની ગાડી ખરીદીને ગુજરાત ગયો. વડોદરામાં હું એક હોટેલમાં ઉતર્યો હતો. હું ત્યાં એક મકાન રાખી શ્રીને અહીંથી લઈ જવાનું વિચારતો હતો પણ એ જ દિવસે શ્રીએ કહ્યું કે મારા ખાલી ટેબલને જોઇને ડિટેકટીવને શંકા જાગી છે. હું ગભરાઈ ગયો કારણ કે જો શ્રીને એ લોકો સવાલો કરે તો તે કોઈ જવાબ આપી શકે તેવી સક્ષમ ન હતી એટલે મેં એને વડોદરા બોલાવી લીધી.”

“પછી શું થયું અર્જુન?” અર્જુન અટક્યો એટલે શ્રીએ પૂછ્યું. ટ્રીસ બધું સાંભળતી રહી.

“મેં શ્રીને નદી કિનારે બોલાવી જેથી એની પાછળ કોઈ આવે કદાચ રજની આવે તો ત્યાંથી અમે પકડાઈ ન જઈએ જો તેની પાછળ કોઈ આવે તો હું દુરથી તેને જોઇને શ્રીને ક્યાંક બીજે મળવા બોલાવું અને તેને કહી શકું કે તારો પીછો થાય છે.”

“તો પછી તું આટલી સાવધાની રાખીને પકડાયો કઈ રીતે?”

“એ થોડી લાંબી વાત છે પણ ટૂંકમાં કહું છું. મને ખબર ન હતી કે રાજીવ દિક્ષિતે મારાથી મોટો માસ્ટર પ્લાન બનાવ્યો છે. એણે પૈસા લઈને હું ભાગ્યો ત્યારે મારી પાછળ માણસો મુક્યા હતા. પણ એની એક ચૂક એ થઇ કે રજનીને ઝડપી લેવા માટે એ માણસોએ મારો પીછો છોડવો પડ્યો. એ માણસોએ રજનીને ઉઠાવ્યો એ દરમિયાન મેં બધા પૈસા ફાર્મ હાઉસ પર સેફ કરી દીધા હતા.”

“પછી?”

“પણ મારી ભૂલ એ હતી કે મને ખબર નહોતી કે રાજીવ દિક્ષિતે આવો કોઈ પ્લાન કર્યો હશે એટલે મેં બલભદ્રની ગાડીમાંથી રૂપિયા બીજી ગાડીમાં ભરી ગાડી રસ્તા ઉપર મૂકી દીધી. ફાર્મ હાઉસ ઉપર બધા રૂપિયાના થેલા મુકીને હું સૌ પ્રથમ ઘરે ગયો. કારણ કે મારો પ્લાન એવો હતો કે કોઈને અમારા ઉપર શક થવાનો ન હતો. એ જ મારી ભૂલ થઇ મારા ઘર ઉપર રાજીવ દિક્ષિતની વોચ હતી. ત્યાંથી હું જયારે વડોદરા ગયો અને ત્યાં રહ્યો એ સમયે રાજીવના માણસોએ ફરી મારો પીછો કર્યો હતો. મેં જયારે શ્રીને બોલાવી અને નદી કિનારે ગયો ત્યારે એ લોકોએ મને ગન પોઈન્ટ ઉપર ઉઠાવ્યો હતો. પછી મને બેહોશ કરીને ફાર્મ હાઉસ પર લઇ ગયા હતા. એ લોકોને પોલીસ સાથે કોઈ સાંઠગાંઠ હશે કે પછી કોઈ પૂછપરછ નહિ થઇ હોય તે ઈશ્વર જાણે પણ ગમે તેમ એ લોકોએ સ્ટેટ બોર્ડર પાર કરીને રાજીવ દિક્ષિતના ફાર્મ હાઉસ પર મને રાખ્યો.”

“પણ તો એ લોકોએ નદી કિનારેથી આપણને એકસાથે કેમ ન ઉઠાવ્યા?” શ્રીની પાપણો ઉપર હજુ પાણી હતુ. અજુને એક હાથ ઉઠાવી તેની આંખો લુછી.

“એ મને ખબર નથી શ્રી, પણ કદાચ એ લોકો જાણતા નહોતા કે હું તને મળવા નદી કિનારે આવ્યો છું. એની હાઉ એમણે એક બીજા માણસને તારી પાછળ લગાવ્યો જયારે તું વડોદરા ગઈ. કારણ તને બલભદ્રના માણસો પકડી લે એ પહેલા રાજીવ આપણને બંનેને જેર કરવા માંગતો હતો જેથી બધા પૈસા મેં ક્યાં રાખ્યા છે એ તેને કહી દઉં.” અર્જુને એટલું કહ્યું તેના ચહેરા ઉપર જે ચીરાઓ હતા તેમાં વાત કરવાને લીધે કાળી બળતરા ઉપડી તેની આંખોમાંથી પાણી ધસી આવ્યું.

“અર્જુન તું આરામ કર તારે બોલવાની જરૂર નથી વધારે.... બસ જ્યાં તે પૈસાની બેગ્સ મૂકી છે એ સરનામું આપ.” શ્રીએ તેને કહ્યું અને એક કાગળ પેન લઇ આવી.

અર્જુને તેને સરનામું લખાવ્યું અને ટ્રીસને કાગળ આપ્યું. ટ્રીસ તે કાગળ લઈ બહાર ગઈ. સૌપ્રથમ તે અર્જુનને થતી પીડા માટે કઈક ડોઝ આપવા માટે ડોક્ટરની કેબીન તરફ ધસી.....

*

જેમ જેમ રાત થતી હતી તેમ તેમ ઠંડી વધતી હતી. મુંબઈમાં ગુજરાત કરતા ઠંડી આમ તો ઓછી હોય પણ છતા ખુલ્લાં ફાર્મ હાઉસ ઉપર વાતો પવન શરીરમાં બેશક ધ્રુજારી લાવી દે. રુદ્રસિંહનું શરીર ધ્રુજતું જોઈ પૃથ્વીએ થોડા લાકડા સળગાવ્યા અને લાકડા ફરતા ચેર ગોઠવી બધા બેઠા. એ પછી મનુએ બધી વિગત આપી.

"અર્જુન કઈ બોલ્યો નથી તો સોદો કઈ રીતે કરવો? સમય પણ હવે ક્યાં રહ્યો જ છે?" પૃથ્વી ચિંતાતુર હતો.

"પૃથ્વી, અહીં આદિત્ય છે અને બીજા બધા પણ પોલીસ અફસર છે એક છોકરા ઉપર આધાર રાખવો જરૂરી નથી." રુદ્રસિંહે એને શાંત કરવા આશ્વાશન આપ્યું. પૃથ્વી થોડો ગુસ્સા અને જુસ્સામાં જલ્દી આવી જતો.

"સવાલ એનો નથી ચાચું, પણ મને લાગે છે ત્યાં સુધી અર્જુન પાસે કોઈ એવી માહિતી હોવી હોઈએ જે આપણે નથી જાણતા. અને પૈસા ક્યાં છે તે પણ અર્જુન વગર આપણને કઈ રીતે ખબર પડે?" મનુએ કહ્યું.

"તો હમણાં લગાવું ફટકાર રાજીવ દીક્ષિતને પોપટની જેમ બોલશે...." કહી ટોમ ઉભો થયો.

"ટોમ, બસ હવે એ મરી જશે અહીં જ. અને એવું કઇ નથી હવે બધું ઠીક થઈ જશે કુલ ડાઉન બેટા." રુદ્રસિંહે તેને રોક્યો. કમને તે ફરી બેઠો.

"ના રુદ્ર, મનુંની વાતમાં દમ છે કઈક તો હોવું જોઈએ." અદબ ગોઠવી ક્યારનાય શાંત બેઠા અદિત્ય મનુની તરફેણમાં બોલ્યા, “અર્જુન કઈ રીતે પકડાયો તે પણ આપણને ક્યાં ખબર છે? અને એ પૈસા ક્યાં રાખ્યા હશે તે આપણે કઈ રીતે જાણી શકીએ?”

"ભલે પૈસા વિષે આપણે નથી જાણતા પણ બંને ગુનેગારો આપણી સામે ખુલ્લા પડી ગયા છે. હવે શું રહસ્ય બાકી છે આદિ?" રુદ્રસિંહે પૂછ્યું અને બીજા બધાની નજર અદિત્યના ચહેરા ઉપર આપમેળે મંડાઈ ગઈ.

આદિત્યએ કોટ સરખો કર્યો, બધા તરફ એક નજર કહી, "શુ પાંચ કે દસ કરોડ રૂપિયા માટે કોઈ એટલું બધું કરે ખરા?"

"મતલબ?" લગભગ બધા એકસાથે બોલી ઉઠ્યા.

"મતલબ કે સ્ટેશન ઉપર હુમલો કરવો, મારો પીછો કરવો મારી સાથે વીસ લાખમાં સોદો કરવો અને એ પણ ખુદ ડી.એસ પી. ફોન ઉપર સોદો કરે ખરા? રેકોર્ડિંગનું જોખમ કોઈ ડી.એસ.પી. લે ખરા?" મનુએ આદિત્યની વાતની કડી મેળવી આપી.

"તો કદાચ વધારે પૈસા હશે?" રુદ્રસિંહે કહ્યું.

"પણ એટલા રૂપિયા કેશ કેમ? એ પણ ઘરે જ? મારા અંદાજે પચાસેક કરોડ રૂપિયા હોવા જોઈએ અથવા એનાથી પણ વધારે." અદિત્યએ કહ્યું.

"તો રજનીને પૂછી લઈએ." ટોમે કહ્યું.

"રજની જાણતો હોત તો એ એવી મૂર્ખાઈ કરોત જ નહીં, રાજીવ દીક્ષિત પણ નથી જ જાણતો એની પણ ખાતરી છે બસ મારી સેન્સ કહે છે કે મામલો કઈક અલગ છે હજુ, જે દેખાય એવું સ્પષ્ટ ચિત્ર નથી."

"મી. આદિત્ય ડોન્ટ વરી મેં બલભદ્રના ઘરના બધા ફોન ટેપ કરી લેવાની વ્યવસ્થા કરી છે." મનુએ કહ્યું, "જે કઈ પણ હશે તો માહિતી તરત મળી જશે."

"મને હતું જ કે આ છોકરો કઈક કરશે જીવનમાં." આદિત્યએ મનું સામે જોઈ કહ્યું ત્યાં અદિત્યનો ફોન રણક્યો.

"બોલ ટ્રીસ..." ટ્રીસનો નંબર જોઈ તેમણે તરત જ ફોન લીધો.

"સર હું ટ્રીસ, અર્જુન હોશમાં આવી ગયો છે અને એ બોલી પણ શકે છે."

"ધેટ્સ ગ્રેટ." તે ઉભા થઈને થોડેક આગળ ગયા, “તેણે શું કહ્યું ટ્રીસ?”

ટ્રીસે આખીયે વાત આદિત્યને કહી ત્યાં સુધી એ વચ્ચે વચ્ચે અમુક પ્રશ્નો કરતા સાંભળતા રહ્યા. મનુ, પૃથ્વી બધા એ લાંબી વાત શું હશે તે જાણવા આતુર થઇ ગયા. આદિત્ય વાત સાંભળવામાં જાણે ખોવાઈ ગયા હોય તેમ ગોળ ગોળ ચક્કર લગાવવા લાગ્યા.

“વેલ તું મને એ એડ્રેસ મોકલ.” આખરે ખાસ્સી લાંબી વાત પૂરી થઇ એટલે આદિત્યએ કહ્યું.

“હું મેસેજ છોડું છું સર...” કહી ટ્રીસે ફોન ડીસ્ક્નેકટ કર્યો. આદિત્ય આવીને ખુરશીમાં ગોઠવાયા એ સાથે જ રુદ્રસિહે પૂછ્યું.

“શું થયું આદિ?”

“અર્જુન બોલી શકે છે....” આદિત્યએ બધાને અર્જુનની વાત કહી. થોડી જ વારમાં મેસેજ આવ્યો. મેસેજ ખોલીને વાંચી લીધા પછી અદિત્ય ઉભા થયા.

"મનું ચાલ મારી સાથે."

"ક્યાં જવું છે આદિ.?" રુદ્રસિંહને સમજાયું નહીં.

"રુદ્ર તમે લોકો અહીં રહો, અર્જુને પૈસા જ્યાં રાખ્યા છે એની ડિટેઇલ્સ મળી ગઈ છે." કહી અદિત્યએ ઘડિયાળમાં જોયું અને મનુને સુચના આપી, “હજુ સોદો કરવાને સમય છે મનું કમોન ફાસ્ટ.”

મનુ પાછળથી ગાડી લઈ આવ્યો. બંને અંદર ગોઠવાયા અને રવાના થયા. બાકીના બધા ત્યાં જ રહ્યા.

*

રાજીવ દીક્ષિતના ફાર્મ હાઉસથી મુંબઈ તરફ જતા એક બીજા ફાર્મ હાઉસ આગળ ગાડી ઉભી રહી. આદિત્ય અને મનું અંદર દાખલ થયા. વર્ષોથી બંધ પડ્યું હોય એવું એ ફાર્મ હાઉસ હતું. મકાન પણ ખાસ્સું જુનું હતું. અર્જુને આપેલા વર્ણન મુજબ ટ્રીસે કહ્યું એ આ જ ફાર્મ હાઉસ હોવું જોઈએ તે સ્પસ્ટ દેખાતું હતું.

મકાન સુધી સાવધાનીથી પહોંચી આદિત્યએ દરવાજાનું લોક ગનથી તોડ્યું અને બંને અંદર દાખલ થયા. મનુએ મોબાઈલમાં ટોર્ચ ચાલુ કરી.

હોલ વટાવીને બે રૂમ હતા જેમાં એક રૂમના દરવાજા ઉપર જાળી લગાવેલી હતી એ તોડવું જરા મુશ્કેલ હતું પણ બાજુના રૂમના દરવાજા ઉપર જાળી નહોતી એનું લોક તોડવું જરા સહેલું પડશે એમ વિચારી એ લોક તોડ્યું. ટ્રીસના મેસેજમાં આપેલી વિગત જેમ જ રૂમમાં દાખલ થતાં જ બાજુના રૂમમાં જવા માટે એક અંદર પણ દરવાજો હતો. એના ઉપર પણ લોક તો હતું જ ! ફરી એક લોક તોડી દરવાજો ખોલ્યો અને આખરે એ જાળીવાળા રૂમમાં પહોંચ્યા. રૂમમાં મોટી મોટી ચારેક બેગ હતી અને એક સ્ટીલ બેગ હતી.

“ઓહ તેરી! આટલા બધા રૂપિયા....” મનુના મોમાંથી ઉદગાર નીકળી ગયો.

આદિત્યએ માથું હલાવ્યું. રૂમની લાઈટ્સ ઓન કરી. મનુએ બધી બેગ ખોલી જોઈ તો અંદર રૂપિયા હતા. અલગ અલગ નોટોથી ભરેલી ચાર મોટી બેગ.

"આ બેગમાં તો અર્જુને ધાર્યા કરતાં ઘણા વધારે રૂપિયા છે સર." બેગ્સ ફરી બંધ કરતા મનુએ કહ્યું.

"એ જ વિચારું છું હું પણ મનું. આટલા રૂપિયા કેમ? કઈ સમજાતું નથી મને."

તેમનું ધ્યાન આવ્યા ત્યારથી જ પેલી સ્ટીલની બેગ ઉપર હતું. તેમણે સ્ટીલ બેગનું લોક તોડ્યું. અંદરથી કાગળ નીકળ્યા. અને બીજા રૂપિયા પણ નીકળ્યા. મનું અને આદિત્ય કાગળ જોવા લાગ્યા.

અદિત્યના હાથમાં જે કાગળ હતું એમાં મુંબઈના નામી અનામી ગુંડા મવાલીઓના નામનું લિસ્ટ હતું. મનુએ ખોલેલા બંને કાગળ કોરા હતા.

"આ બધા કોના નામ છે?" મનુંએ કાગળ ઉપર નજર ફેરવી પણ તેને સમજાયું નહી.

"એ સમજાતું નથી પણ એમાં એક બાબત છે."

"શુ?"

"આગળના ભાગે હિન્દૂ નામ છે પાછળના ભાગે મુસ્લિમ..."

"પણ એનો અર્થ શું?"

"કદાચ આ લિસ્ટ અહીંના ગુંડાઓનું હોય અને આ પૈસા બધા એમની વચ્ચે વહેંચી દેવાના હોય?"

"પણ આટલા પૈસા આટલા લોકોને બલભદ્ર શુ કામ આપે?"

"મનું કઈક તો દાળમાં કાળું હોય જ મને નથી લાગતું આ રૂપિયા ભરેલી બેગ બલભદ્રની હોય. કદાચ આ બધા પૈસા કોઈ બીજી વ્યક્તિના હોય એટલે જ બલભદ્ર એડી ચોંટીનું જોર લગાવતો હોય પૈસા પાછા મેળવી લેવા."

"તો ડી.એસ.પી. એમાં શું કામ પડે?"

"પ્રમોશન માટે....."

"એક મિનિટ તમે જ કહ્યું હતુંને કે આ લોકોની પહોંચ ઉપર સુધી હશે, કોઈ નેતાનો હાથ હશે બલભદ્ર ઉપર... તો ક્યાંક એવું તો નથી આ બેગ ભરીને રૂપિયા કોઈ નેતાના જ હોય? અને ડી.એસ.પી. એટલા માટે જ બલભદ્રને સાથ આપતો હોય? ઇઝન્ટ ઇટ પોસીબલ?"

આદિત્યએ બેગ ઉપર નજર કરી અને પેલા લિસ્ટ ઉપર નજર કરી પછી કહ્યું, "પણ મનું આ પૈસા નેતાના હોય તો પછી આ લિસ્ટ કેમ? આ બધા નામ કેમ?"

"તમે ભૂલો છો પણ મુંબઈમાં અત્યારે ઇલેક્શન છે." મનુએ કહ્યું.

"હમમ.....” તેમણે કોટના ખિસ્સામાં હાથ નાખ્યા અને કઈક વિચાર્યું પછી ઉમેર્યું, “મનું એક કામ કર, મુંબઈમાં આપણા એજન્ટને ફોન કર આ લિસ્ટમાં જે નામ છે એ બધા એને કહી સંભળાવ. આ બધા કોઈ કાર્યકર્તા છે કે પછી ગુંડા છે ખાતરી કરી જો."

મનુએ માથું હલાવ્યું અને ટોર્ચ બંધ કરીને નવાબનો નંબર જોડ્યો. ખાસ્સીવાર રીંગ વાગી પછી સામેથી અવાજ આવ્યો. નવાબ આમ તો એજન્ટ ન હતો પણ મનુ સાથે એને દોસ્તી હતી એટલે ક્યારેક તેના થ્રુ અમુક કામ થતા.

“ઇતની રાત કો?”

“નવાબ ધ્યાનથી સાંભળ હું તને જે નામ કહું તેમાંથી કોઈને તું ઓળખે છે કે નહિ તે કહે.”

“ઓકે બોલ....”

મનુએ નામ બોલવા શરુ કર્યા. આદિત્ય બંનેની વાત સાંભળતા કઈક યોજના વિચારતા હતા.

“અરે મનુ આ બધા નામ તો અહીના લોકલ ગુંડાઓના છે. આ બધા કોઈ માફિયાના માણસો નથી પોતાના બાવડાના જોર ઉપર કમાવાવાળા છે.”

“આઈ સી....”

“પણ હતું શું?” સામેથી બગાસાં ખાતો નવાબનો અવાજ આવ્યો.

“તારે અત્યારે સુવાની જરૂર છે હું જરૂર પડ્યે તને ફોન કરીશ. ગુડ નાઈટ” કહી મનુએ ફોન રાખ્યો અને તરત આદિત્યને કહ્યું.

"સર, આ લિસ્ટ ગુંડાઓનું જ છે."

"મનું તું કલ્પના નહિ કરી શકે આ અર્જુને શુ કર્યું છે." આદિત્યના ચહેરા ઉપર એકાએક ચમક આવી. તે ક્યારનાય આ વાતનો તાળો મેળવતા હતા.

"હું કઈ સમજ્યો નહિ."

"મનું, આ પૈસા, આ લિસ્ટ જેમાં અર્ધા નામ હિન્દૂ છે અર્ધા મુસ્લિમ, નજીક ઇલેક્શન, ચૂંટણી જીતવા માટે હિન્દૂ અને મુસ્લિમ ગુંડાઓને પૈસા વેરી દંગા કરાવવાનું પ્લાનિંગ હતું. પણ અર્જુનએ પૈસા લઈ ભાગી છૂટ્યો."

"હા પણ એની ખાતરી શુ?"

"ખાતરી એ છે કે રૂપિયા ચોરાઈ જતા બલભદ્ર તરત જ ડિટેકટિવ પાસે ગયો, પછી કોબ્રા પાસે ગયો અને છેલ્લે ડી.એસ.પી. પાસે..... પૈસા શોધી લેવા માટે એણે એડી ચોટીનું જોર લગાવ્યુ, સોદો કરવા એ તરત જ તૈયાર થયા છે, અને અતિ મહત્વનું આ લિસ્ટ છે મનું. જે સાબિત કરે છે કે આ બધા પૈસા ઇલેક્શન પહેલા દંગા કરાવી જીતી લેવાનું પ્લાનિંગ થતું હતું."

"તો મતલબ અર્જુને હજારો માણસોનો જીવ બચાવ્યો છે!" મનું પણ ઉત્સાહમાં આવી ગયો.

"યસ, પણ આ બધું સાબિત ન કરી શકાય. જે પણ નેતા હશે એના હાથ તો ચોખ્ખા જ રહેશે."

"એ બધું તમે અત્યારે મુકો, હાલતો આ પૈસા લઈ લેવા જરૂરી છે." કહી મનું બહાર જઈ ગાડી અંદર લઈ આવ્યો, એક એક કરી બધી બેગ ગાડીમાં ગોઠવી, મકાનના દરવાજા આડા કરી બંને રાજીવ દીક્ષિતના ફાર્મ હાઉસ તરફ નીકળ્યા.

રસ્તામાં જ મનુએ ભાગવતને ફોન જોડ્યો.

“હેલો મી. ભાગવત.” ફોન ઉઠાવતા જ મનુએ હસીને બોલ્યો.

“મી. મનુ હું તમારા ફોનની જ રાહ જોતો હતો.” સામેથી ભાગવતે પણ એવી જ રીતે હસીને જવાબ આપ્યો.

“વેલ, હું એક એડ્રેસ તમને મોકલુ છું. સોદો ત્યાં થશે પણ એકલા.”

“સ્યોર.” ભાગવતે કહ્યું અને મનુએ ફોન રાખ્યો. ગાડી ચલાવતા આદિત્ય તરફ જોયું બંનેએ હળવું સ્મિત વેર્યું. મનુએ ગાડીને બ્રેક કરીને એક મેસેજ ટાઈપ કર્યો અને ભાગવતને સેન્ડ કરી દીધો.

***

ક્રમશ:

વિકી ત્રિવેદીની ટૂંકી વાર્તાઓ અને લેખ વાંચવા માટે અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky