સોમવારની સવારે શ્રી વહેલી ઓફિસે પહોંચી ગઈ હોત. વહેલી પહોચી ગઈ હોત એનું કારણ એ હતું કે પોતે હોસ્ટેલ છોડીને નજીકમાં જ એક રુમ રાખી લીધી હતી. રૂમ મેળવવામાં એને ખાસ કોઈ તકલીફ નહોતી પડી. આમ તો શહેરોમાં આસાનીથી ઘર ભાડે નથી મળતા પેલી કહેવત છે ને કે મુંબઈમાં રોટલો આપનાર મળી રહે છે પણ ઓટલો આપનાર નથી મળતું પણ હોસ્ટેલના દીદી એ જ વિસ્તારમાં રહેતા હતા એટલે એમની ઓળખાણને લીધે હંસરાજ મેહતાની ખાલી ઓરડી તેને મળી રહી.
પણ એ દિવસે એને મોડું પહોચવું સમય આધીન હોય તેમ તેના રસ્તામાં આંદોલન કારીઓની ભીડ એને નડી હતી. હજારો ગુસ્સાથી ભરાયેલા રોષ ઠાલવવા સુત્રાચાર કરતા લોકો રસ્તા પર આવેલ હતા. આમેય મુંબઈની સડકો પર એટલી ભીડ હોય કે તમને રસ્તો ઓળંગી આમથી તેમ જતા દસથી પંદર મિનીટ જેટલો સમય લાગી જાય. રસતો પસાર કરતા આંદોલન કારીઓના ટોળાએ એનો અડધોએક કલાક જેટલો સમય બગાડી નાખ્યો હતો.
ગુસ્સાથી ભરેલ આત્માઓમાં મહિલાઓ પુરુષો અને કેટલાક તો બાળકો પણ હતા જેઓ હજુ યુવાનીના ઉંબરે પણ નહોતા પહોચ્યા, કેટલાકની મૂછના તો દોરા પણ હજુ નહોતા ફૂટેલા. કોલેજ સ્ટુડેન્ટસ અને ઓફિસોમાં કામ કરતા લોકો. બધાની આંખોમાં ગુસ્સો હતો, બધાની બોડી લેન્ગવેજ પરથી એમ લાગી રહ્યું હતું કે જરૂર તેઓ હિંસક પગલું ભરતા પણ ખચકાશે નહી.
તેઓ ન જાણે કઈ ચીજનો વિરોધ કરવા નીકળ્યા હતા - તેમની રેલીનો અવાજ કાન ફાડી નાખે તેવો હતો - કારણ ગમે તે હોય પણ એટલું તો નક્કી હતું કે એ લોકો એક સામાન્ય હેતુથી ભેગા થયેલ હતા - ન્યાય મેળવવાના હેતુથી, કમસેકમ એમને થયું હશે કે કોઈ ચીજમાં કોઈ બાબતમાં એમના પર અન્યાય કરવામાં આવ્યો હશે.
શ્રીને એવા આંદોલનમાં કોઈ રસ ન હતો. કદાચ એ લોકો પર કોઈ એક અન્યાય થયો હશે એટલે એ લોકો રસ્તા પર નીકળ્યા હશે પણ ગરીબ અને એકલવાયું જીવન જીવનાર શ્રી જેવી અનેક છોકરીઓ પર અનેક અન્યાય થતા રહે છે અને દરેક અન્યાય સામે લડવા જો તેઓ રસ્તા પર આવે તો એમને વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ રોડ પર જ વિતાવવા પડે તેમ હતું. શ્રીને એ પ્રોસેસમાં ખાસ કોઈ રસ ન હતો પણ તેણીએ તેનો રસ્તો બ્લોક કરી પસાર થઇ રહેલ ભીડની હાથમાં પોસ્ટરો જોયા હતા. પોસ્ટરમાં એણીએ વાંચ્યું કે લોકો કોઈ મીનીસ્ટરનો વિરોધ કરવા ભેગા થયા હતા, કોઈ મીનીસ્ટરના છોકરાએ એક યુવતીનો રેપ કર્યો હતો અને એ મીનીસ્ટર રાજીનામું આપે એની માંગ સાથે લોકો રસ્તા પર નીકળેલ હતા.
શ્રીને ચુપચાપ એ લોકો પસાર થઇ રહે ત્યાં સુધી રાહ જોવી પડી હતી, શ્રી શું કોઇ પણ સામાન્ય વ્યક્તિએ ગમે તેવા મહત્વના કામે જઈ રહ્યો હોય તો પણ એ વખતે ચુપચાપ ઉભા રહેવું પડે છે કેમકે શ્રી જાણતી હતી કે ન્યાય માંગવા નીકળેલ એ લોકો કોઈના પર અન્યાય કરતા વાર કરે તેમ ન હતા. બાકી મુબઈમાં રોજના કેટલાય રેપ, લુંટ અને મર્ડર થતા હોય છે બધાની માટે ન્યાય માંગવા ક્યા કોઈ ભીડ જમા થાય છે? આ તો બસ રાજકીય રમત રમાઈ રહી હશે, બાકી કોઈ પણ સભામાં કે આંદોલનમાં ભેગા થયેલ અડધા ભારતીયોને તો ક્યા ખબર જ હોય છે કે તેઓ શા માટે ભેગા થયા છે? બિચારા અડધા તો માત્ર એક કલાકમાં દિવસભરની મજુરી જેટલા ત્રણસો રૂપિયા મળી રહે તે માટે ત્યાં જતા હોય છે. કઈક વિચિત્ર રીતે શ્રી એ લોકો ઉપર દેશની સ્થિતિ ઉપર હસી.
*
અર્જુન પોતાની બેંકમાં ગયો. સવારે ખાસ ભીડ નહોતી. તેણે પાસબુકમાં એન્ટ્રી કરાવી અને કેટલા રૂપિયા હતા તે જોયું. એસી હજાર રૂપિયા ચેકથી ઉપાડી એણે બેગમાં પૈસાના બંડલ મુક્યા અને બેંક બહાર નીકળ્યો.
તે સીધો જ જુના વિહિકલની લે વેચ કરતા સાદિકને ત્યાં ગયો. સાદિકનો હિસાબ રાજીવ દિક્ષિતને ચાલતો હતો એટલે તેની સાથે ઓળખાણ હતી.
“સલામ માલેઇકુમ અર્જુનભાઈ....” સાદિકે તેને જોતા જ સલામ કરી.
અર્જુને હસીને હાથ મિલાવ્યા.
“કેમ આજે આ તરફ ભંગારખાનામાં?” સાદિક તેની વિશાળ ત્રણ દુકાનોની વખારને પણ ભંગારખાનું કહેતો અને બીજાની લારીને પણ રોજી કહેતો એવો મીઠડો વેપારી હતો.
“મારે એક એકટીવા લેવું છે.” અર્જુને દુકાનમાં બે ત્રણ એકટીવા તરફ નજર નાખી.
“એ એકેય તમારા કામના નથી.” સાદિક ઉભો થયો અને અર્જુનને તેની પાછળ આવવા કહ્યું. અર્જુન તેની પાછળ ગયો. બાજુનું સટર ખોલીને સાદિકે એક રેડ એકટીવા તરફ આંગળી કરી, “નવી નક્કોર છે, કરોડપતિની છોકરીએ લાવ્યું અને બીજા જ મહીને નવું મોડેલ આવ્યું એટલે એ ઉઠાવી લાવી. આ એકટીવા ઘરમાં પડ્યું રહ્યું આખરે એના બાપે ધૂળ ખાતી એકટીવા મને સોપી મેં વેપારી જેમ સસ્તામાં લઇ લીધું.”
અર્જુને એકટીવા જોયું હવે તેને સમજાયું કે કેમ પેલી જુના જેવી એકટીવા મારા કામની નથી એવું કહ્યું.
“આમાં કાઈ તકલીફ તો નથી ને સાદિકભાઈ? ક્યાંક અટકીને ઉભું રહે તો...”
“એ શું બોલ્યા અર્જુનભાઈ....” જરાક ઠપકાથી સાદિકે તેની સામે નજર ફેરવી, “તો તો પેલી દુકાનમાં પડી એ જ આપી દોતને. દેખો મિયા જેવો માણસ આવે તેવો વેપાર કરાય. તમને જે આપવા જેવું હોય એ જ આપીએ.”
“તમે નારાજ ન થાઓ મને વિશ્વાસ છે એટલે જ તો તમારી જોડે આટલા સુધી આવ્યો પણ આ તો ટકોર કરવી ઠીક.”
“આવો તમે ટેબલ ઉપર....” સાદિક એને ફરી પેલી દુકાને લઇ ગયો. છોકરાને બુમ મારી, “સબીરીયા પહેલે ચાય લેકે આ ઓર ફિર રેડ ગાડી સાફ કર...”
“દેખો અર્જુનભાઈ ગાડી ટનાટન છે, બીજો કોઈ હોત તો ચાલીસ હજારથી એક રૂપિયો ઓછો ન લોત પણ તમે સીધા નોકરિયાત માણસ એટલે ત્રીસમા ડન.”
અર્જુને કઈ વધારે વાત કરવાની ન હતી કારણ કે સાદિકના એકેય શબ્દમાં અતિશયોક્તિ નહોતી. તેણે બેગમાંથી ત્રીસ હાજર ગણીને ટેબલ ઉપર મુક્યા. એજ સમયે છોકરો ચા લઈને આવ્યો.
“તમે ચા પીઓ અર્જુનભાઈ એટલી વારમાં આમારો આ સીબીરીયો તેને દુલ્હન જેવી ચકાચક ચમકાવી દેશે.” અસલ વેપારીની ભાષામાં દાઢી ખંજવાળી સાદિકે અર્જુન સામે કપ ધર્યો.
અર્જુને ચા પીધી. થોડીક આડાઅવળી વાતો થઇ અને પછી છોકરો તૈયાર કરેલી એકટીવા બહાર લઇ આવ્યો.
“નજીકમાં પંપ સુધી જાય એટલું તેલ છે અંદર પણ ભૂલતા નહી નહિતર તમે લબડી પડશો પછી સાદિકને ગાળ ન દેતા...” જતા જતા સાદીકે મજાક કરી. અર્જુને હસીને સેલ માર્યો અને પોતાના ઘરે જ લેડીઝ કપડા વેચતી એક બાઈના ઘર તરફ એકટીવા હંકારી. તેને ત્યાંથી બે દુપટ્ટા લેવાના હતા. બંને એક જેવા...!
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky