અર્જુન ચહેરા ઉપર સ્મિત રેલાવી ચાલ્યો જતો હતો. એને પોતાને જ જાણે સમજાઈ નહોતું રહ્યું કે એ કેમ હસી રહ્યો હતો હા કદાચ એ રડી રહ્યો હોય ત્યારે કોઈએ એને પૂછ્યું હોય કે કેમ રડે છે? તો એનો એક જ જવાબ હોય અને એની જાણ અર્જુનને બરાબર રહેતી. પણ હસવા માટેનું કારણ શોધવા એને ફાફા મારવા પડે તેમ હતું. ખાસ્સું ચાલી લીધા પછી લોહી ગરમ થયું, ઠંડી ઓછી લાગવા લાગી એટલે સ્વેટર ઉતારી હાથમાં લઈ લીધું. પુરા સાતસો રૂપિયા આપી તિબેટીયન રેફ્યુજી લોકો ગરમ કપડા વેચવા આવે એમની પાસેથી લીધું હતું એટલે એ સ્વેટરને એક કોટ જેટલું માન આપવામાં કોઈ વાંધો એને લાગ્યો નહિ. જેન્ટલમેનના શૂટના કોટ જેમ સ્વેટર એક હાથ વાળીને એના ઉપર ટીંગાળી એ ચાલવા લાગ્યો.
રસ્તા ઉપર એક ખૂણામાં હનુમાનનું નાનકડું મંદિર દેખાયું. આપણા દેશમાં રસ્તા પર ચાલતી વખતે અડધાએક કિલોમીટર બાદ એવું નાનકડું એક મંદિર ન દેખાય તો નવાઈ થવી જોઈએ. અર્જુને વિચાર્યું રોડ પર ચાલતી વખતે ભારતમાં છીએ કે વિદેશમાં એ જાણવાનો એક સહેલો રસ્તો હોય તો તે છે નજર રસ્તાની બંને તરફ કરવી અને એકાદ કીલોમીટરના પટ્ટામાં બે ત્રણ નાના મોટા મંદિરો દેખાઈ જાય તો સમજી લેવું કે તમે ભારત જેવા ધર્મ પ્રધાન દેશમાં જ છો. હજુ તમારું વિદેશમાં મહાલવાનું સપનું પૂરું નથી થયું. એ પોતાના વિચાર પર તર્ક ઉપર જ હસ્યો.
અર્જુને એક નજર મંદિર તરફ કરી. આઠ બાય બારની જગ્યામાં ઓટલો બનાવી એ મંદિર બાંધેલુ હતું. હનુમાન મંદિર ઠેર ઠેર જોવા મળે એના સામાન્ય કારણમાનું એક કારણ અહી પણ જોવા મળી રહ્યું હતું એને બનાવવા કોઈ લાંબી મૂડીની જરૂર ન પડે. એકાદ માધ્યમ વર્ગીય ભકત પણ પોતાને પરવડે તેટલા બજેટમાં એકાદ મંદિર બનાવી નાખે, બસ મ્યુંન્સીપાલટીના રોડની બાજુમાં ખાલી પડેલી જગ્યા જોઈએ. મંદિરના ઓટલા ફરતે કોઈ સ્ટીલ ફર્નીચરવાળા ભક્તે સ્ટીલની રીલીંગ કરેલી હતી અને એક નાનકડો દરવાજો પણ લગાવી દીધેલ હતો. પુજારી બાપાએ ત્યાં મૂર્તિ રૂપે રહેલ નસીબદાર પથ્થર પર વાટકીમાંનું મોટા ભાગનું સિંદુર ચડાવી દીધું હતું અને વાટકીમાં વધેલ સીન્દુરનું એક લાંબુ તિલક પોતાના કપાળ પર તાણ્યું હતું, સવારથી આવતા બીજા ભક્તોના કપાળ પર એવા જ લાંબા તિલક તાણવા એમની રાહ જોઈ ઓટલા ઉપર બેઠા હતા. પણ અર્જુને ક્યારેય આવા ટીલા ટપકામાં વિશ્વાસ જ ક્યાં નહોતો. એને એવું કોઈ લાંબુ ટીલું કરાવવાની ઈચ્છા ન હતી.
અર્જુનને એ દ્રશ્ય જોઈ હસવું આવી ગયું. આ પૂજારી બાપા પણ કેવા અજ્ઞાની છે? જો એનામાં શક્તિ હોત તો આ દુનિયામાં કોઈ મા વગરનું હોત? પોતે કિસ્મત અને વિધિની લખાયેલા લેખમાં છેક જ માનતો નહોતો. કર્મોમાં માનતો નહોતો.
એને તિલક નહોતું ખેચાવવું છતાં એ અટકી ગયો. મંદિરની બાજુમાં એક બે લારીવાળા નાના બાળકોના ગરમ કપડા વેચતા હતા, એક બે સ્ટીલના મુવેબલ સ્ટોલ ઉપર ગરમા ગરમ નાસ્તો વેચાતો હતો અને મંદિરની ચારેય તરફ કરેલા ઓટલા ઉપર એક ભિખારી બેઠો હતો જેણે અર્જુનનું ધ્યાન ખેચ્યું. ઠંડી ઉડાડવા એ ભિખારી બીડી ફૂંકી રહ્યો હતો, ઓઢવા એકેય વસ્ત્ર નહોતું, કડકડતી ઠંડીમાં એ ધ્રૂજતો હતો, પણ જાણે એનું શરીર એ ઠંડીમાં ટેવાઈ ગયું હોય એમ એના ચહેરા પર એની કોઈ અસર નહોતી દેખાઈ રહી એ પોતાની મસ્તીમાં બીડીની ફૂંકો લીધે જતો હતો.
માનવ શરીર આખરે અમુક મર્યાદાઓ ધરાવે છે ગમે તેટલા ટેવાયેલ હોવા છતાં એના વૃદ્ધ શરીરમાં એટલી શક્તિ ન હતી કે એ પોતાના શરીરને ધ્રુજતું અટકાવી શકે!
અર્જુનને થયું આ ભિખારીને મારુ સ્વેટર આપી દઉં તો કેમ?.
એ ઉભો રહ્યો, હાથમાં રહેલું સ્વેટર બીજા હાથમાં લઈ એ ભિખારી નજીક ગયો, સ્વેટરવાળો હાથ લાંબો કરી કહ્યું, "યે લો ચાચા."
ભિખારીની દાઢીના લાંબા અર્ધા સફેદ થઈ ગયેલા વાળ જોતા એ સંબોધન વ્યાજબી જ હતું. પેલો ભિખારી બે એક ઘડી એની સામે જોઈ રહ્યો, પછી પોતાના હાથમાં બીડી નહિ પણ મોધી સિગારેટ હોય અને એને વેડફવા ન માંગતો હોય એમ છેલ્લી ફૂંક જરાક લાંબી ખેચી અને બીડીનું ઠૂંઠું ફેંકીને એ બોલ્યો, "બહોત તકલીફ હે તેરે જીવનમે બચ્ચે.....!"
એનો તરડાયેલો અવાજ ગંભીર લાગ્યો. તેને થયું એ ભિખારી ચાચાનું વાક્ય આ જ હશે, દરેક દાનીને એ આ જ વાક્ય સંભળાવતો હશે. એટલે જરાક એનાથી હસી જવાયું.
"નહિં.... નહિ..... બચ્ચે યે સચ હે, તું જેસા દિખતા હે વેસા સુખી નહિ હે, ઓર આગે ભી બહુત સમસ્યાએ હે તેરે જીવનમે...." બોલતી વખતે એ આધેડ વયના ભીખારીના ચહેરા પરની કરચલીઓ વધી ગઈ, કદાચ એનામાં કેટલીક કરચલીઓ ચિંતા અને વિષાદની હતી.
અર્જુન ચિડાઈ ગયો એક તો દાન કર્યું, દયા કરી અને ઉપરથી આવી દુવા.. એ ભિખારી વધુ કઈ બોલે અને ડરાવે એ પહેલાં અર્જુનને ત્યાંથી નીકળી જવું હિતાવહ લાગ્યું.
"જી શુક્રિયા...." ભિખારી સામે જોયા વગર જ એણે કહ્યું અને ચાલતી પકડી, કદાચ જો અર્જુને તે ભીખારીના ચહેરા પર ધ્યાન આપ્યું હોત તો એને એમ ન લાગત કે વધુ કાઈ મેળવવાની આશામાં એ માણસ એને માત્ર ડરાવી રહ્યો હતો, એના ચહેરા પર તરી આવેલ વિષાદ જોતા તો એમ લાગી રહ્યું હતું જાણે અર્જુનનું ભવિષ્ય એક જેવું એની આંખ સામે દેખાઈ રહ્યું હતું.
ચાલતા ચાલતા બે વાર ચહેરા ઉપર હાથ ફેરવી લીધો, આ ભિખારીઓને એટલે જ કોઈ કઈ આપતું નથી.... એક નિસાસો નાખી એ ફરી પોતાના વિચારોમાં વ્યસ્ત થઈ ગયો.
રાજીવ દીક્ષિતે બતાવેલી પેલી ફાઇલ, છેલ્લા બે મહિનાથી એ ફાઇલ અર્જુનના ધ્યાનમાં આવી હતી. બલભદ્ર નાયકના બ્લેક મની...!! ડ્રાઇવરને પપેટ બનાવીને ઉઠાવી શકાય. આઈ હેવ ટુ મેક હીમ પપેટ ઓફ માય હેંડ એન્ડ ટુ ડુ સો આઈ નીડ અ સ્ટ્રોંગ થ્રેડ એઝ અ સ્ટ્રીંગ. પણ એ જાણતો હતો કે એ થ્રેડ શોધવા એને બહુ મહેનત કરવી પડે તેમ ન હતી. અર્જુને નક્કી કરી લીધું હતું કે હવે એકવાર તો એ પપેટ-શો કરીને જ જંપશે. જીવનમાં કઈક ખેલ ખેલ્યા વગર કાઈ મળવાનું નથી તે બહુ નાની ઉમરે સમજી ગયો હતો.
શ્રી એમાં મહત્વનું કામ કરી શકશે. શું શ્રી નામના થ્રેડને એ પપેટ-શોમાં સ્ટ્રીંગ બનાવવી વાજબી છે? કેમ નહી? શ્રી અને એ બંને એકબીજાને ચાહતા હતા અને એક બીજા માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા અને વળી એ બધું શ્રી માટે જ તો એ કરી રહ્યો છે ને? પણ સાવધાની રાખવી પડશે નહિતર શ્રીને પણ જોખમ છે. મને ભલે ગમે તે થાય પણ શ્રીને કઈ થવું જોઈએ નહીં. એનું મન એને કોઈ એક નિર્ણય પર પહોચતા રોકી રહ્યું હતું તો એ પોતાના મનને કોઈ બીજો નિર્ણય લેવા દબાણ કરી રહ્યો હતો.
ઠંડી હવાની લહેરખી આવીને મો ઉપર અથડાઈ ત્યારે એને સમજાયું કે સામે ઘૂઘવતો દરિયો આવી ગયો હતો.
કેટલાય લોકો પાવડી ઉપર, ફ્રન્ટ ઉપર વોક કરતા દેખાયા, ઊંચી બિલ્ડીંગો અહીં પુરી થતી હતી એટલે સૂર્ય હવે દેખાતો હતો, શિયાળાની સવારે સૂર્ય દેખાય એ પણ એક નસીબ જ છે.!
થોડીવારમાં પોતે બીચ ઉપર પહોંચી ગયો. સુસવાટા મારતો ઠંડો પવન આવીને ગરમ થયેલા લોહીને એક જ મિનિટમાં ઠંડુ કરી લેવા લાગ્યો ત્યારે શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ.
બે હાથની અદબ વાળી છાતીનું રક્ષણ કરતો હોય એમ એ પોતાની રોજની બેઠક ઉપર જઈ શ્રીની રાહ જોવા લાગ્યો. તેની નજર આસપાસનું અવલોકન કરવા લાગી. બીચથી થોડેક આગળ અવનવી મોંઘી ગાડીઓ અને બાઇક પાર્ક કરેલા હતા. કેટલાય બાળકો, યુવાનો અને વૃદ્ધ ત્યાં ફરતા હતા. નાના નાના બાળકો રમત રમતા હતા. ત્યાં એકાદ બાળક એની મા જોડે જીદ કરતું નજરે ચડ્યું, સાડીનો છેડો પકડી એ કાલાવાલા કરતું હતું. મા પણ એટલા જ પ્રેમથી બાળક સામે જોઈ હસી રહી હતી.
"મા....." થીજી ગયેલા હોઠમાંથી એક સિસ્કાર સરી પડ્યો. એના કાળજામાં કોઈએ ધગધગતું સીસું રેડી દીધું હોય એમ એને લાગ્યું એની છાતીમાં થઈને તેજાબ વહી ગયો હોય એમ એક લીશોટો પડી ગયો.. મા??? મા કેવી હોય? શુ હોય? કવિઓ અને લેખકોએ મા વિશે ઘણું લખ્યું હતું પણ શું એ બધું સાચું હતું? મારા માટે તો નહીં જ ને? મા પ્રત્યે ધૃણા અને અપાર નફરત હતી પણ એ છતાં માની મમતા કોને ન જોઈએ? પેલા બાળક અને માનું દ્રશ્ય જોઈ એ રડી પડ્યો હોત પણ ઠંડીમાં એના આંસુ થીજી ગયા.
એણે નજર ફેરવી બીજી તરફ કરી, ત્યાં સામે મીઠું હસતી શ્રી ઉભી હતી, પોતાને જોઈ રહી હતી. ઠંડીમાં ધ્રુજતા અર્જુનને જોઈ એ હસી પડી.
"પાગલ છો કે શું?" જેકેટના ખિસ્સામાંથી હાથ નીકાળી બે ડગલાં આગળ આવી એ બોલી.
"સ્વેટર ક્યાં ગયું?"
"એ તો ભીખારીને આપી દીધું."
"ભલે સારું કર્યું લે..." એની જોડે ગોઠવાતા શ્રી કટાક્ષમાં બોલી.
અર્જુન હાથ ઘસવા લાગ્યો, એ ચૂપ રહ્યો, કદાચ પેલું દ્રશ્ય એને ફરી ભૂતકાળની યાદોમાં લઈ ગયું હતું.
એકાએક શ્રીના ચહેરાનો ભાવ બદલાઈ ગયો, "તે મને કાલે એ કામ કેમ સોંપ્યું? એ નરાધમ રજનીને સ્માઈલ આપવા કેમ કહ્યું?"
"જો શ્રી બલભદ્રની ફાઇલ તે જોઈ છે?" અર્જુને સીધી જ વાત શરૂ કરી.
"હા, કાલે જ જોઈ."
"મેં બે મહિના પહેલા જોઈ હતી અને એના પછી વારંવાર મેં એ જોઈ છે."
"તો તું પણ એ જ વિચારે છે જે હું વિચારું છું?" શ્રીની આંખો આદત મુજબ મોટી થઇ ગઈ.
"હા, આ જિંદગીમાં ક્યારેય સુખી થઈ શકાય એમ નથી, બસ એક જ રસ્તો છે."
"તું બે મહિનાથી આ બધું વિચારતો હતો અને મને કહ્યું પણ નહીં?" શ્રીના અવાજમાં ઠપકો હતો સાથોસાથ એક ભય પણ હતો.
"હા બે મહિનાથી વિચારતો હતો પણ મને કોઇ રસ્તો ન મળે ત્યાં સુધી તને એ કહેવું મને બેહૂદુ લાગ્યું...” અર્જુને તેની સામે ચહેરો ફેરવીને ઉમેર્યું, “ઈચ્છા દરેકના જીવનમાં થાય પણ સફળ પ્લાન દરેકને ન મળે."
તેની આંખોમાં ઉદાસી જોઈ શ્રી ચૂપ રહી એટલે ફરી અર્જુને જ કહ્યું.
"મેં ઘણું વિચાર્યું છતાં મને કોઈ રસ્તો સુજયો નહિ, પણ જ્યારે રજની ઓફિસે આવ્યો અને મેં એના ઉપર ધ્યાન આપ્યું ત્યારે મને બધા રસ્તા આપમેળે મળી ગયા." એટલું કહેતા એના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું.
"રજની જ્યારે પહેલીવાર ઓફિસે આવ્યો ત્યારે એ સરની ચેમ્બરમાં ગયો હતો તને યાદ છે?" એકાએક તેનો અવાજ બદલાયો.
"હા યાદ છે." શ્રી અદબવાળીને બોલી.
"પણ એના પછી જેટલી વાર એ આવ્યો એટલી વાર મારી જોડે બહાર જ બેસી રહ્યો, એટલે કે એ તને જોવા જ બહાર બેસતો હતો." અર્જુને પ્રસ્તાવના પુરી કરી.
શ્રીએ પણ તેના જેવા જ ઉત્સાહમાં માથું હલાવ્યું અને સામે ચા વેચતા કીટલીવાળા પાસે ગઈ. ત્યાં અમુક લોકો સવારે ટેમ્પરરી સ્ટોલ માંડતા. એ ચાના બે કપ લઇ આવી.
“તે આજે એક વાર જ ચા લીધી હશે, પહેલા આ પી લે...”
અર્જુને કપ લીધો. શ્રી ફરી તેની બાજુમાં ગોઠવાઈ. અર્જુન તેને તાકી રહ્યો. આ રીતે તે મારા ઉદાસ ચહેરાને જોઇને રજે રજ અનુમાન કઈ રીતે કરી શકતી હશે.
“કેમ કે હું તને ચાહું છું અર્જુન તારા સિવાય મારું કોઈ નથી. સવારે જાગીને રાતે ઊંઘતા સુધી મને તારા જ વિચાર હોય છે. તને રજે રજ ઓળખું છું.” જાણે અર્જુનના મનની વાત તે ટેલેપથીથી જાણી ગઈ હોય તેમ બોલી.
તેનો એટલો ઊંડો પ્રેમ જોઈ અર્જુન વધુ ઉત્સાહમાં આવ્યો.
“હવે આગળનું સમજાવીશ કે મને જોઈ રહીશ?”
"આગળનું પ્રકરણ એમ છે કે તારે બસ રજની સાથે દોસ્તી કરવાની છે."
"અર્જુન?" શ્રી ગુસ્સામાં બોલી ઉઠી અને એને જોઈ રહી.
"હા તે બરાબર સાંભળ્યું છે, મેં એ જ કહ્યું છે અને એ મેં જ કહ્યું છે એમાં કઈ ચોંકાવનારું નથી."
"પણ...."
"પણ શુ? એ કોઈ દૂધે ધોયેલો માણસ છે?" અર્જુને ઉશ્કેરાઈને કહ્યું.
"અર્જુન...." શ્રી કઈક બોલવા જતી હતી પણ એ અર્જુનનો ચહેરો જોઈ કઈ બોલી શકી નહીં. એ જાણતી હતી કે દુનિયા કેવી છે, અર્જુન ઉપર શુ વીતી હતી એ બધું એ જાણતી હતી. એને ખબર હતી કે જેને સગી મા છોડીને ચાલી ગઈ હોય, ઘર ઘરની ઠોકર, કડવા ગંદા શબ્દો ખાઈ સાંભળીને મોટો થયેલો અર્જુન દુનિયાને નફરત કરે તેમાં કઈ ચોકાવનારું ન હતું. તે તો માનવ સહજ ભાવ હતો.
શ્રીએ પોતાનો હાથ ઉઠાવ્યો અર્જુનની પીઠ ઉપર મૂકી પ્રેમથી એ બોલી, "તું જેમ કહીશ તેમ હું કરીશ તું નારાજ નહી થા. બોલ એનાથી દોસ્તી કરી લેવાનીને? એ તો આમ પણ મારી સાથે દોસ્તી કરવા માંગે છે અને કરવા ન માંગતો હોય તોય છોકરી માટે એ કરી જ લે. આજે દુનિયામાં કોણ એવો વ્યક્તિ જે છોકરીમાં ગમે તે હદ સુધી જવા તૈયાર નથી?"
અર્જુન હજુ એમ જ ઉદાસ હતો એટલે એ ફરી બોલી, "બધા તારી જેમ થોડી સુંદર છોકરીઓને નજર અંદાજ કરે?" કહી એ હસી.
"બસ એટલું જ કરવાનું છે, તારે એને તારી સાથે દોસ્તી કરવાની બાકી બધું મેં નક્કી કરેલું જ છે." એટલું કહી અર્જુને શ્રીનો હાથ પકડી ફરી ઉમેર્યું, "ટૂંક સમયમાં હું તને અહીંથી દૂર લઈ જઈશ, આ આપણું વાહિયાત જીવન, મારી ગંદી ચાલી, તારું હોસ્ટેલ, અને ભયાનક ભૂતકાળને ભૂલી લેવા, સુખી જીવન જીવવા અહીંથી દૂર લઈ જઈશ તને. જ્યાં માત્ર તું અને હું હોઈશું અને દુનિયાના કોઈ જ બંધન નહિ હોય.. દુનીયાની કોઈ તકલીફ આપણા રસ્તમાં નહી આવી શકે આપણે ક્યારેય આંસુઓથી ખુદને બહેલાવવા નહિ પડે, જીવનમાં જરૂરી દરેક ચીજ માટે મન મનાવવું નહિ પડે."
શ્રી તેના એકએક શબ્દને સાંભળી રહી. અર્જુને બીચ પર પાર્ક થયેલ મોઘીદાટ ગાડીઓ તરફ નજર કરતા ઉમેર્યું.
“આપણી પાસે પણ આવી જ ભવ્ય ગાડી હશે અને આપણા બાળકોને લઈને આવા જ કોઈ બીચ ફરવા જઈશું જ્યાં બાળકો આપણા જેમ નિરાધાર નહિ પણ પોતાના મમ્મી પપ્પા સાથે દુનિયાનું દરેક સુખ માણશે.”
શ્રી અર્જુનના એક એક શબ્દોમાં એનો પ્રેમ જોઈ રહી. અર્જુનની આંખો ગાડીઓ ઉપર હતી પણ શ્રી તેની આંખોમાં જોઈ રહી. તેણીએ હળવેથી તેના ગાલ પર હાથ મુક્યો અને તેનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો.
“હા, અર્જુન બસ મારી આંખો પણ આજ સપના જોતા ક્યારેય ધરાતી જ નથી.” કહેતા શ્રીએ અર્જુનની ગરદન ફરતે પોતાનો હાથ વીંટાળી દીધો.
પાસેથી પસાર થતા લોકો આ ખુબસુરત જોડીને કઈક કુતુહલથી ગળે વળગેલા જોઈ રહ્યા પણ કોઈને ખબર ન હતી કે આ ખુબસુરત બંને ચહેરા પાછળ એક ભયાનક નસીબ છે!
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky