ખેલ : પ્રકરણ-8 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-8

સવારે તૈયાર થઇ ઓફિસે પહોંચેલી શ્રીને મનમાં હજુ ભય હતો. અર્જુનનું શુ થશે એ ભય એને અંદરથી કોરી ખાતો હતો છતાં બહાર એ દેખાય નહિ એવો પ્રયાસ કરતી ફાઈલમાં નજર નાખીને કશું જ નથી થયું એવો ડોળ કરતી હતી.

ઘણી કોશિશ છતાં સામેના ટેબલ ઉપર અર્જુનની ખાલી ચેર પ્રશ્નો ઉભા કરતી હતી. શુ મારુ જીવન આ રીતે અર્જુન વિનાનું થઈ જશે...?? સ્થિર પાણીમાં પથ્થર પડતા જેમ સઘળું પાણી ખળભળી ઉઠે એમ એ સવાલ તેના મન અને દિલને હચમચાવી ગયો.

"શુ થયું શ્રી?" વિક્રમેં આવીને ટેબલ ઉપર ચાનો કપ મુક્યો ત્યારે એ ઝબકી ગઈ.

"કઈ નહિ." ફાઇલમાંથી નજર ઊંચી કરતા એ બોલી.

"કઈક તો છે જ, જરૂર છે." વિક્રમે કહ્યું.

પોતે કઈક છુપાવે છે એ જાણ સામેવાળી વ્યક્તિને કાચી સેકંડમાં થઈ ગઈ છે એ જાણી હસી લેવાનો પ્રયત્ન કરતા એ શું બોલવું એ વિચારવા લાગી. થોડીવાર કઈ સુજ્યું નહિ એટલે ફાઈલમાં કઈક અગત્યનું કામ હોય એમ કપ ઉઠાવી ફરી ફાઈલના આંકડાઓ ઉપર નજર કરી.

તે વિચારતી રહી હવે શું કહેવું? કઈ રીતે સ્વસ્થ દેખાવું? ત્યાં જ એની સહાય કરવા પૂજા આવી ચડી.

"લાગે છે આજે શ્રીમાન અર્જુન નથી આવ્યા એટલે મૂડ નથી."

જાણે ખરા સમયે ભગવાને આવીને મદદ કરી હોય એવી ચમક શ્રીના ચહેરા ઉપર આવી ગઈ. સાથે સાથે પોતાની જાત ઉપર ગુસ્સો પણ આવ્યો. મને એટલુય બહાનું ન સુજ્યું? ખેર પૂજાએ જ યાદ અપાવ્યું. પૂજાની કૃપા પહેલી વખત ફળી હતી.

"વિક્રમ એક સ્ત્રીને સ્ત્રી જ સમજી શકે." એણીએ તેની સામે જોઇને સ્માઈલ આપી.

ટૂંકું હતું છતાં એનું એ વાક્ય સમજી વિચારીને બોલાયેલ હતું. એના વાક્યમાં વિક્રમ માટે એક સંદેશ હતો કે તું એ બાબત ન સમજી શક્યો જે પૂજા સમજી ગઈ. બીજું એ કે એ વાક્ય પૂજાના વખાણ માટે પણ પૂરતું હતું.

"થેંક્યું શ્રી..." પૂજાએ ચાનો મોટો ઘૂંટડો લઈને તેના ટેબલ તરફ સરકી ગઈ, “મારે આજે કામ છે યુ કીપ ઈટ અપ...”

"આ બધું અમને ન સમજાય, અમે સિંગલ માણસ." વિક્રમ પણ ચેરમાંથી ઉભો થઇ ગયો.

સામાન્ય દિવસ હોત તો શ્રી વિક્રમને બેસવાનું કહોત પણ આજે એ નહોતી ઇચ્છતી કે કોઈ એની જોડે વધારે વાત કરે અને પોતે પકડાઈ જાય એટલે વિક્રમને જવા દીધો.

પૂજા અને વિક્રમ પોતાની બેઠક ઉપર ગયા, શ્રી એ ફરી સ્વસ્થ થઈ કામ કરવાનું શરૂ કર્યું પણ એનું મન લાગ્યું નહિ. એકાએક અર્જુનના ટેબલ ઉપર છાપું દેખાયું. આમ તો એ ક્યારેય સમાચાર વાંચતી નહી કેમ કે આજ કાલના છાપાઓમાં સમાચારનું દ્રશ્ય કઈક જુદું જ બતાવવામાં આવે છે, નેતાએ છીંક ખાધી એના સમાચાર પહેલા પાને હોય છે અને દવા વગર મરતા, બેરોજગારીની સમસ્યા છાપાના એક ખૂણામાં નાના અક્ષરે લખેલું હોય. છતાં શ્રીને સમય વિતાવવા એ છાપું લેવું પડે તેમ લાગ્યું.

કદાચ છાપાના સમાચાર વાંચી મન બીજી તરફ વળી જાય, વિચારો અને ભય દબાઈ જાય એ વિચારે ચેરમાંથી ઉભા થઇને અર્જુનના ટેબલ ઉપરથી છાપું ઉપાડી લીધું. ઉભા રહી પહેલા પાના ઉપર નજર નાખી બે એક હેડલાઈન વાંચી પણ અશક્તિ જેવું લાગ્યું, એને બેસવાની સખત જરૂર લાગી, ફરી જઈને ખુરશીમાં ગોઠવાઈ છાપાનું પાનું ફેરવ્યું.

ખૂણામાં એક નાની હેડલાઈન હતી, 'દિલ્હી માફિયા જાવેદના ઘરે ચોરી કરતા અજાણ્યા શખ્સોને ઘટના સ્થળે જ ઠાર કર્યા, માફિયા જાવેદ અને એના ચાર માણસો અફઝલ, કબીર, ટાઈગર અને શિવા ફરાર....'

સમાચાર વાંચી તેનું હૃદય બે એક ધબકારા ચુકી ગયું. આ બલભદ્ર પણ માફીયો જ છે, અર્જુનનું શુ થશે...? સવારની ઠંડી અને ભયને લીધે એક ધ્રુજારી શરીરમાંથી પસાર થઈ ગઈ.

તે ખુરશીમાં ન બેસી હોત તો કદાચ ચક્કર આવી જમીન ઉપર પડી ગઈ હોત. ઘડીભર એને થઈ આવ્યું અર્જુનને રોકી લઉં, પણ બીજી પળે થયું ના હિંમત વગર કઈ ન મળે. કમબખ્ત આ છાપું પણ વધારે ડરાવે છે. છાપાની ઘડી કરી ટેબલ ઉપર મૂકી દીધું.

*

આમ લગભગ ત્રણેક દિવસ ચાલ્યું. અર્જુને બધા પ્લાન કરી લીધા હતા. દરમિયાન શ્રી રજની સાથે વધારે હળીમળી ગઈ હતી. હવે તેનો ભય પણ થોડો ઓસર્યો હતો. રજની કોઈ ગજબ ઉન્માદમાં દારુ પાયેલા હાથી જેમ શ્રીને જોઇને જ પાગલ થઈ જતો. શ્રી પણ હસીને વાતો કરતી. ક્યારેક ક્યાંક ગાર્ડનમાં ફરવા જતા. છતાં તેને હજુ એમ થતું હતું કે આ હજુ જલ્દી છે કમસેકમ એક બે મહિના તો આવી રીતે તેને ફસાવવો પડે તો જ પ્લાન સફળ રહેશે પણ અર્જુનનું ગણિત જુદું હતું. તેના ખ્યાલ મુજબ નવો નવો પ્રેમમાં પડેલો માણસ ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. એમાં પણ જયારે પ્રેમની જગ્યાએ ભૂખ્યા વરુની વાસના હોય ત્યારે એ વરુ કાઈ વિચારવા નથી દેતું!

*

ચોથા દિવસે સાંજે પાંચેક વાગ્યે અર્જુનનો મેસેજ આવ્યો, 'એવરીથિંગ ઇઝ ઓકે, ડોન્ટ વરી.'

સાંજ સુધી વિચારોથી ઘેરાયેલી શ્રીને રાહત થઈ. વળતો ફોન કરવાનું વિચાર્યું પણ યાદ આવ્યું કે અર્જુને ના કહી હતી. પ્લાન મુજબ સમય થઇ ગયો હતો. હવે થોડા જ સમયમાં ખેલ શરૂ થવાનો હતો. ટેબલ ઉપર મુકેલી એક્ટિવાની ચાવી જોતા એકાએક યાદ આવ્યું કે પોતે આજે પહેલીવાર એક્ટિવા લઈ આવી છતાં કોઈના ધ્યાનમાં આવ્યું નથી એટલે પ્લાન સફળ જ છે. એકવાર ફરી શ્રીના મનમાં આશા જાગી.

ફરી એકવાર એના ચહેરા ઉપર સ્વસ્થતા દેખાઈ ત્યાં અંદરની ચેમ્બરમાંથી બેલની રિંગ વાગી. તે ઉભી થઇ અને અંદર ગઈ ત્યારે રાજીવ દીક્ષિત પોતાનો કોટ પહેરતા નજરે ચડ્યા. એ જોઈ શ્રી સમજી ગઈ કે જરૂર આજે સર ઓફિસેથી વહેલા ક્યાંક જવાના હશે.

"જી સર."

"શ્રી, બેટા મારે કામ છે વહેલું જવું પડશે આજે."

"જી સર." શ્રી ક્યારેય રાજીવ દીક્ષિતને વધારાના સવાલ કરતી નહિ ટૂંકમાં હા કે ના જ કહેતી.

રાજીવ દીક્ષિત એની નજીક આવ્યા, "લે આ ચાવી, સાંજે બધું બંધ કરીને તું આ ચાવી લઈ જજે."

ઘડીભર તેને થયું કે રાજીવ દીક્ષિતે કેટલો વિશ્વાસ છે મારા ઉપર, આભાર કહી દેવાનું મન થઈ આવ્યું પણ એ મૂંગી રહી.

"મારી જોડે બીજી ચાવી છે, સવારે વહેલા નહિ આવવું પડે તારે." શ્રીને મૂંગી જોઈ રાજીવ દીક્ષિતે બીજું જ ધારી લીધું એટલે સ્પષ્ટતા કરી દીધી.

નો સર, હું એવું કંઈ નથી વિચારતી.... પોતાના ઉપર વિશ્વાસ કરનાર રાજીવ દીક્ષિતને કહી દેવા તેના મનમાં વાક્ય આવ્યું પણ શબ્દો હોઠ ઉપર જ રહી ગયા અને રાજીવ દીક્ષિત ચાવી તેના હાથમાં મૂકી ચેમ્બર બહાર નીકળી ગયા.

*

છ વાગ્યે બધા પોત પોતાના કામ આટોપી ધીમે ધીમે એક એક નીકળવા લાગ્યા. પહેલા પૂજા, પછી કાવ્યા એ પછી વિક્રમ ધીરે ધીરે ઓફીસ ખાલી થઈ ગઈ. શ્રીએ ઓફીસને લોક કરી ચાવી પર્સમાં મૂકી દીધી. માથું સખત ભારી થઈ ગયું હતું. રોડની બંને તરફ એક નજર કરી, રોડ ક્રોસ કરી એ ગોવિંદના કેન્ટીન ઉપર ગઈ.

તેને જોતા જ ગોવિંદ બોલ્યો, "કા હમણાંથી દેખાતા નથી?"

"ઓફિસમાં કામ વધારે હોય છે ગોવિંદ." શ્રીએ પણ ગોવિંદના સ્વભાવિક સવાલનો ગોખેલો જવાબ આપી દીધો.

હમણાંથી તે ગોવિંદના કેન્ટીનમાં જતી નહોતી એટલે એને ખબર જ હતી કે જતા વેંત જ ગોવિંદ સવાલ કરશે. તે માટે જવાબ ગોખીને જ રાખ્યો હતો. ઓફિસથી રોડ સુધી આવતા ગોવિંદ શું સવાલ કરશે અને એના શું જવાબ આપવા એ બધું નક્કી કરી રાખ્યું હતું. સવારે પૂજાએ બચાવી લીધી હતી નહિતર વિક્રમને શું જવાબ આપવો એ એને સુજ્યો નહોતું એટલે આ વખતે પહેલેથી તકેદારી લીધી હતી.

"ઠીક હે, ઠીક હે, બેઠીયે બેઠીયે..." ગોવિંદ એની અદામાં બેન્ચ તરફ હાથનો ઈશારો કરીને કામે લાગ્યો.

શ્રી જઈને બેન્ચ ઉપર ગોઠવાઈ, પર્સ બાજુમાં મૂક્યું, કાંડા ઘડિયાળમાં નજર કરી હજુ અંધારું થયું નહોતું, એને ખબર હતી કે થોડીક પળોમાં અંધારું થશે એના પછી જ બધુ કરી શકાશે.

"ક્યાં ગયા અર્જુન જી, કેમ ન આવ્યા?" ગોવિંદે કપમાં ચા રેડી ઉમેર્યું, "આજે તો સાંજ છે એટલે મારો સવાલ વ્યાજબી જ છે."

"હા સવાલ તો વ્યાજબી છે પણ એ તો રજા ઉપર છે." હાથમાંથી કપ લેતા શ્રીએ ફરી એક ગોખેલો જવાબ આપયો.

"તમારું કાઈ સમજાતું જ નથી."

“એ બધું તને નહિ સમજાય ગોવિંદ...” હસીને એ બોલી અને ગોવિંદ ખભા ઉછાળી પોતાના કામે લાગ્યો.

શ્રીએ ગરમ ચા પીતા જોમ આવ્યું હોય એમ ફોન નીકાળી અર્જુનને ફોન લગાવ્યો. બીજી જ રીંગે અર્જુને ફોન ઉઠાવી લીધો. સામેથી અવાજ આવ્યો.

"બોલ શ્રી."

"અર્જુન, રેડી છું."

"ઓકે." સામેથી અર્જુનનું ઓકે સાંભળી ફોન કાપી ફરી પર્સમાં મૂકી દીધો.

ટૂંકી વાત આયોજન મુજબની જ હતી. કહેવું તો ઘણું હતું કે તારું ધ્યાન રાખજે, તારા સિવાય મારું કોઈ નથી, પણ એવું કહીને એ અર્જુનની હિમત તોડવા માંગતી નહોતી.

માણસ કોઈ પણ હોય, ગમે એટલા મજબુત માણસને પ્રેમના બે શબ્દો તોડી નાખે છે એ શ્રી જાણતી હતી એટલે કઈ બોલી નહિ. એકાએક ફરી કઈક યાદ આવ્યું હોય એમ પર્સમાંથી ફોન નીકાળી, લાસ્ટમાં ડાયલ કરેલો અર્જુનનો નંબર ડીલીટ કરી દીધો.

ફરી મોબાઈલ પર્સમાં મુક્યો. એ દિવસ જાણે ફોન સાથેની રમતનો હોય એવું લાગયું. ચા પુરી કરી કેન્ટીન બહાર નજર કરી. થોડું અંધારું થઈ ગયું હતું. બસ હવે બધું નજીક છે. ખેલની શરૂઆત થઈ ગઈ હતી, સફળતા લઈ જવાની હતી હજારો અધૂરા સપના પુરા કરી શકાય એવા મુકામ સુધી અને નિષ્ફળતા મળે તો હંમેશા માટે અર્જુનને ખોવાનો.

તેણીએ ફરી ઘડિયાળમાં નજર કરી એક કલાક વીતી ગયો હતો, પણ હજુ રાત્રીના દસ સુધી સમય ગાળવાનો હતો.

વિચારો ખંખેરી લેવા શ્રીએ માથું ધુણાવી નાખ્યું અને ઉભી થઇ. ગોવિંદને પૈસા ચૂકવી કેન્ટીન બહાર નીકળી ફરી રોડ ક્રોસ કરી ઓફીસ પહોંચી. આગળ પાર્ક કરેલ એક્ટિવાની ડીકીમાં પર્સ મુક્યું. ડીકી બંધ કરતા પહેલા અંદરથી ફોન નીકાળી જીન્સના પોકેટમાં મુક્યો. ડીકી બંધ કરી કી ઇગ્નીશનમાં ભરાવી અને બીચ તરફ નીકળી પડી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky