ખેલ : પ્રકરણ-3 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-3

રવિવારની સવારે લાલચાલીના સસ્તા મકાનોની હારમાં ચહલપહલ શરૂ થઈ. મુંબઈમાં સૂરજ કરતા મોડા ઉઠવું એ પણ ભાગ્યે જ ચાન્સ મળે તેવી બાબત છે! રોજ કરતા મોડા ઉઠીને જાણે એક દિવસ માટે આઝાદી મળી હોય એવી નિરાંત બધાને હતી. ગરીબ અને મધ્યમવર્ગના લોકો એ ચાલીમાં રહેતા. ચાલીમાં એક મકાનમાં ભાડુઆત તરીકે અર્જુન પણ રહેતો.

એક રુમ અને રસોડાનું મકાન. રૂમમાં એક છ બાય ત્રણની શેટી, રૂમની મધ્યમાં કઈ નવું કહી શકાય એવી એક ટીપોઈ, મકાન માલીકે જ ઘરમાં એક ખૂણામાં મુકેલ લાકડાનું કબાટ, જેમાં અર્જુનના કપડાં અને પુસ્તકો રહેતા. તેને પુસ્તકો વાંચવાનો શોખ પણ હતો અને પુસ્તકો સિવાય તેને કોઈ મિત્રો પણ ન હતા. કબાટ ઉપર એક જુનું ટીવી. ફર્નીચરમાં કહો તો એ કબાટ સિવાય ક્યાય લાકડું દેખાય તો એક બાજુની ભીંત ઉપરની બારીમાં જ.

રૂમમાં એકદમ શાંતિ હતી. એક વાર એલાર્મ વાગીને બંધ થઇ ગયું. લગભગ બીજી વખત એલાર્મ રણકયું ત્યારે બંધ આંખે જ અર્જુનના હાથે એ તકિયા નીચે દબાઈને શાંત થઈ ગયું. અને ફરી એ નાનકડી રૂમમાં એક શાંતિ છવાઈ ગઈ.

ઊંઘેલા અર્જુનના ચહેરા ઉપર હતી માત્ર નિર્દોષતા. ઈશ્વરે પણ કેવા ક્રમ ગોઠવ્યા છે? માણસ જાગતો હોય ત્યારે એના ચહેરા ઉપર જૂઠ હોય, કઈક છુપાવ્યાના ભાવ હોય પણ ઊંઘયો હોય ત્યારે કોઈ પણ માણસ નિર્દોષ લાગે. એના ચહેરા ઉપર કોઈ છુપા ભાવ હોતા જ નથી. અર્જુનના ચહેરા ઉપર ઊંઘમાં એ જ નિર્દોષતા હતી જે એના બાળપણમાં હતી, જાગ્યા પછી એ માસુમિયત ક્યાં ગાયબ થઇ જતી એ કળવું મુશ્કેલ હતું. કદાચ એનું કારણ હતું એણે વેઠેલા કહી ન શકાય એટલા દુ:ખ અને ગણી ન શકાય એટલી તકલીફો.

અર્જુન પણ બીજા બધાની જેમ રવિવાર માણવા લાગ્યો. એ મોડા સુધી ઊંઘી રહેવા માંગતો હતો. એલાર્મના અવાજથી અર્ધી ઊંઘ ઊડી ગઈ હતી છતાં એ આંખો બંધ કરીને સુઈ રહ્યો. પણ ત્રીજી જ પળે એને યાદ આવ્યું આજે તો શ્રીને મળવાનું છે. એ ગુલાબી સુંદરીના મળવાના વિચારથી એ જાગી ગયો. ઓઢવાનું મોઢા ઉપરથી હટાવી ઠંડી હવા આંખોને સ્પર્શવા દીધી, અને થોડી જ વારમાં એ ઠંડી હવા એની રહી સહી ઊંઘ અને આળસ ઉડાવી ગઈ.

પથારીમાંથી ઉભા થઇ, બાજુની ભીંત ઉપર જે બારી હતી ત્યાં જઈ એ ખોલી. એકાએક બહાર રોકાયેલી ઠંડી હવા અને સૂરજના કિરણો અંદર ધસી આવ્યા. ઠંડી હવા અને ગરમ કિરણો વચ્ચે જાણે યુદ્ધ શરૂ થયું હોય એમ અર્જુન બારીમાંથી ફ્લોર ઉપર પડતા કિરણોને જોઈ રહ્યો. પણ એને આજે કઈક વિષેશ કામ કરવાનું હતું એટલે એને એ દ્રશ્ય છોડીને કામે લાગવું જ પડ્યું.

તેણે એક ડોલમાં બાથરૂમના નળથી પાણી ભર્યું. બાથરૂમની બારીમાં મુકેલી લાકડાની પાતળી સોટી લઇ તેના બંને છેડા ડોલ ઉપર ગોઠવ્યા. ખાટલા નીચેથી ઇલેક્ટ્રિક વોટર હીટર લઈને તેનો પ્લગ ભીડાવી ડોલમાં સરીયો ડૂબે તેમ લાકડાની સોટી ઉપર ગોઠવ્યો અને સ્વીચ ઓન કરી.

પાણી ગરમ થાય ત્યાં સુધી તેણે બાથરૂમ બહાર જઈને બ્રશ કર્યું અને ચા બનાવી.

*

ગરમ પાણીથી સ્નાન લઈને તૈયાર થયા પછી ચશ્માં શોધતો અર્જુન કબાટ ઉપર ચશ્મા ફંફોળવા લાગ્યો. ત્યાં એની નજર કબાટમાં જડેલા અરીસા ઉપર પડી.

કેટલો બદલાઈ ગયો હતો પોતે? શ્રી એના જીવનમાં આવી ત્યારથી એ કેટલો બદલાઈ ગયો હતો? શ્રી આવ્યા પહેલાનો અર્જુન અને પછીનો અર્જુન કેટલા ભિન્ન હતા. ક્યાં સીધો સાદો અર્જુન અને ક્યાં આ હાલનો અર્જુન. દુઃખમાં ડૂબેલો પોતે કેવું જીવન જીવતો હતો? તે અરીસામાં પોતાના ચહેરાને જોતો વિચારતો રહ્યો.

પોતે તેર વર્ષનો હતો ત્યારે મા અરુંધતી ઘર છોડીને ભાગી ગઈ હતી. દુનિયામાં કોઈ ભાગ્યે જ એવો બદનસીબ હોય જેની મા કોઈ પુરુષ સાથે ભાગી જાય એ પણ પાંત્રીસની ઉંમરે.

"શિવ શિવ શિવ...... બિચારા રાકેશને સપનામાં પણ ખ્યાલ નહિ હોય કે આવી નીકળશે...."

"ના, ના, ખબર હતી કે એ ભાગી જવાની છે પણ શું કરે બિચારો? કામ ધંધો કરીને છોકરાનું પેટ ભરે કે બૈરાં ઉપર નજર રાખવા ઘરે બેસી રહે?"

"મને તો આ રાકેશભાઈ અહીં રહેવા આવ્યા ત્યારની જ ખબર હતી કે આ બાઈના નેણ સરખા નથી..."

તેર વર્ષનો અર્જુન એ ઘરમાં ઉભો હતો, ટોળે વળેલા લોકો જાત ભાતની વાતો કરતા હતા.

"હવે આ બાળકનું શુ થશે?" કોઈએ કહ્યું.

અર્જુનના કાને એ અવાજ પડતા હતા પણ એની સ્થિર આંખો પંખે લટકતી બાપની લાશ ઉપર હતી. પત્ની તેર વર્ષના છોકરાને એકલો મૂકી ભાગી ગઈ, હવે લોકોને શુ મોઢું બતાવું? એ વિચાર માત્રથી જ અર્જુનના પિતાએ ગળે ફંદો લગાવી લીધો હતો. લોકોના અવાજ કટાક્ષ મહેણાં ટોણા સાંભળવાની હિંમત કોનામાં હોય? એને બિચારાને જીવવું હોય તોય લોકો જીવવા ન જ દે.

તેર વર્ષના બાળક માટે પોતાનો એક માત્ર સહારો હોય એવા વ્યક્તિને પંખે લટકતો જોવું એ એક હૃદય દ્રાવક દ્રશ્ય હતું. જીભ બહાર નીકળી ગયેલી અને આંખોના ડોળા તરી આવેલ પંખે લટકતી સગા બાપની લાશ જોઈ ભલભલાના છાતીના પાટિયા બેસી જાય પણ કદાચ અર્જુન એ વખતે બાળક હતો એટલું બધું સમજતો નહોતો એટલે એ જખમને જીરવી શક્યો હતો. પણ આ હૃદય ઉપર લાગેલા જખ્મો શરીર ઉપર લાગેલા જખ્મો કરતા અલગ હોય છે. સમય જતા શરીર ઉપર લાગેલા જખ્મો રુજાતા જાય છે પણ હૃદય ઉપર લાગેલા ઘાને રુજવવામાં સમય પણ ક્યાં સાથ આપે છે? એ તો સમયની સાથે સાથે ઊંડા થતા જ જાય છે. બસ માણસ શીખે છે તો સમયની સાથે એક ચીજ કે દુનિયામાં એ જખ્મો બાજુ જોનાર પોતાના સિવાય કોઈ નથી. અને એ પોતે પણ એ જખમોથી અજાણ્યો બની જીવતા શીખી જાય છે... અર્જુનની સાથે પણ કઈક એવું જ થયુ હતું. જયારે બાળપણમાં એણે પોતાના બાપને લટકતા જોયા ત્યારે જે વાત નહોતી સમજાઈ એ બધું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સમજાતું ગયું. અને એ જખમ ઊંડો જ થતો ગયો. બસ એ શીખ્યો હતો તો પોતાના એ જખમને દુનિયાથી છુપાવીને દુનિયા વચ્ચે જીવતા.

"કાયર હતો નહિતર આવડા છોકરા ઉપર માએ અન્યાય કર્યો પછી પોતે તો એને એકલો રઝળતો મૂકીને આમ જીવન ટૂંકાવી ન દેત..." એક વૃદ્ધ બોલ્યા.

અર્જુન પાસે ક્યાં કોઇ જવાબ હતા જ? એ માસૂમ તો માત્ર લટકતો મૃત દેહ જોઈ રડી લેવામાં વ્યસ્ત હતો. લોકો વ્યસ્ત હતા બોલવામાં. કોઈને બાળકની ખરા અર્થમાં ક્યાં ફિકર હતી.? મંજુ કાકી પહેલી સ્ત્રી હતી એ ટોળામાં જેણે આવીને પોતાની આંખો લૂછી હતી. બીજા બધા તો જાણે હજારો વર્ષ પછી બોલવાનો મોકો મળ્યો હોય એમ બોલતા હતા. દુનિયાનું પણ કેવું અજીબ છે લગન હોય કે મોત બસ એમને તમાશો કરવા જોઈએ છે. જો કોઈ વ્યક્તિ હિંમત કરીને આવો જખમ સહ્યા બાદ પણ જીવતો રહી જાય તો એને મેણા ટોણા સંભળાવીને મરવા માટે મજબુર કરી દે છે અને જો મરી જાય તો તેના માટે કાયર, ડરપોક તો ક્યારેક ક્યારેક બે બોલ હમદર્દીના પણ સંભળાવી જાય છે.

પોલીસ આવીને બોડી ઉતારી ગઈ ત્યારે મંજુ કાકી એને પોતાના ઘરે લઈ ગઈ હતી. અગ્નિસંસ્કાર વખતે પણ માત્ર દસેક માણસો આવ્યા હતા. લોકોના સંસ્કાર તો આપણે જાણીએ જ છીએ કે મોટા માણસને છીંક આવે તો પણ પચાસ માણસોનું ટોળું થઇ જાય અને સામાન્ય માણસ મરી જાય તો એનાથી ત્રીજા નંબરે રહેતા માણસનેય કોઈ ફેર નથી પડતો. એ બધું અર્જુનને ત્યારે સમજાયું ન હતું પણ જેમ સમજ આવી તેમ તે બધી જ ઘટનાઓનું પ્રુથકરણ તેના મનમાં થયા કરતું. તેથી જ તેના સુંદર ચહેરા ઉપર ક્યારેય સ્મિત દેખાતું નહિ. તેના મનમાં મા વિશે બાપ વિશે લોકોએ કરેલી વાતો વિશે ઉથલપાથલ થયા કરતી. એક પણ શબ્દ તે ભૂલ્યો ન હતો.

દરોગાએ જે સવાલો કર્યા હતા તે તેને ત્યારે સમજાયા નહોતા પણ મોટા થયા પછી એ શબ્દો સમજાયા હતા. દરોગા યાદવનું ઇન્વેસ્ટીગેશન એ તેના જીવનનું કરુણ અને દુનિયાને નફરત કરવા માટે એક જવાબદાર ઇન્વેસ્ટીગેશન હતું.

“તારી મા રૂપાળી હતી?” દરોગા મોઢામાં પાન ચાવતો ખુરશીમાં બેઠો બેઠો હિન્દીમાં સવાલો કરતો હતો. ફિલ્મોમાં બતાવે તદ્દન તે રીતે જ એક પછી એક ન પૂછવાના વાહિયાત સવાલો એણે પૂછ્યા હતા. મંજુએ ફફડતા ફફડતા તેના બદલે જવાબ આપ્યા હતા.

“હા સાહેબ... ગોરી અને રૂપાળી હતી પણ દેખાવે સીધી હતી.” મંજુએ કહ્યું હતું ત્યારે અર્જુનની આંખમાંથી આંસુ સરતા હતા પણ મોઢેથી એક પણ શબ્દ તે બોલતો ન હતો.

“અને આનો બાપ દેખાવડો ન’તો. રાઈટ?” એણે પિચકારી મારીને પૂછ્યું.

મંજુએ અર્જુન ન દેખે એ રીતે હકારમાં માથું હલાવ્યું હતું ત્યારે તેનું પણ હૃદય બળવો પોકારી ઉઠ્યું હતું. પણ એ જમાનામાં પોલીસ સામે બોલવું એટલે લેવાના દેવા થઇ પડે. એ જવાબ આપતી રહી.

“દિવસે તો સમજ્યા કામ હોય પણ સાલા (ગાળ) રાતેય બૈરાને ડોઝ ન આપી શકે તો જતું જ રહેને? આખરે શરીરની ભૂખ તો બિચારીને એનેય લાગે ને....?” હવાલદાર તરફ તેનું સડેલું ડાચું કરીને એણે કહ્યું હતું, “નામર્દ હોય તો શાદી જ ન કરાય...”

હવાલદારે ડોકું હલાવ્યું. મંજુ બંને હાથ મોઢા ઉપર દાબીને ઉભી રહી ગઈ હતી. તે એક સેકંડ પણ ત્યાં ઉભી રહી ન શકી હોત પણ અર્જુનના માસુમ ચહેરા સામે તેણીએ દિલ ઉપર પથ્થર મુકીને જવાબ આપ્યા હતા.

તેને એક એક દ્રશ્ય યાદ આવ્યા.

એ પછીનું પોતાનું જીવન કેવું ઘોર અંધકારમય હતું? ઓગણીસનો થયો ત્યારે તો એ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. જાડા ચશ્માં લગાવીને, પોતાના બેહાલ ડોળ જોઈને એરિયાના લોકો કહેતા.

"અલ્યા બાપડો આયો...."

કોઈ કહેતા, “બિચારોય છે....."

કોઈ તો હદ વટાવી નાખતું.... "મા ગઈ ફિર બાપ ગયા....."

કેટલી સ્વાર્થી દુનિયા? કેટલા મતલબી લોકો? કેટલા નિર્દય લોકો? પોતે કેમ આ દુનિયામાં આવ્યો જ હશે? દયા કરવાને બદલે આવી અભદ્ર ટીખળ? આવા શબ્દો? બે ચાર વાર બબલુ અને અમથું જેવા એરિયાના જુવાન છોકરાઓ સાથે બાથ ભીડયા પછી, બે ચાર વાર માર ખાધા પછી અંતે ઘર વેચીને એને જવું પડ્યું હતું. ઓરંગાબાદથી છેક મુબઈ આવીને તે વસ્યો ત્યારે તેના દિલો દિમાગમાં નફરતના બીજ રોપાઈ ગયા હતા.

કેટલા ભયાનક દિવસો હતા એ? લોકોના એ શબ્દો એ વર્તન જોઈ એના કોમળ હૃદયમાં નફરત ભરાઈ હતી, દુનિયા માટે ભારોભાર ધિક્કાર ઉપજયો હતો.

અહીં રહેવા આવ્યો ત્યારે ન કોઈથી બોલવું ન કોઈથી દોસ્તી. મૂંગા મૂંગા એ જીવન જીવતો. રખેને કોઈ જાણી જાય કે તેની મા એક વેશ્યાથી કમ ન હતી. ઘણીવાર તો તેને પોતાના અસ્તિત્વ ઉપર પણ પ્રશ્ન થતા. મારા પિતા શ્યામ હતા તો હું ગોરો કઈ રીતે જન્મ્યો? ક્યાંક હું કોઈનું પાપ તો નથી? એ માથા પછાડતો. રાડો પાડતો. ક્યારેક બીચ ઉપર જઈને કલાકો સુધી રડતો. અમુક સવાલ જીવનમાં મોત કરતા પણ ભયાનક હોય છે તેની ખાતરી તેને વીસનો થયો ત્યારે થઇ હતી. પોતાની મા વિશે તે કઈ જાણતો ન હતો. તેનું પિયર ક્યાં? તેના કોઈ મામા કે નાના કેમ નથી? બાપને કોઈ પરિવાર કેમ નથી? એ સવાલો વર્ષો પછી તેને થયા હતા. અરે પણ મારી મા કોની સાથે ભાગી? ક્યાં ગઈ? કેમ ગઈ? મારો બાપ ક્યાં કોઈ શરાબી હતો? ક્યાં તેને મારતો પીટતો? તો પણ એ ભાગી ગઈ. આખરે એ પોતાની સગી મા વિશે અનાયાસે જ દાંત ભીંસીને ન વિચારવા જેવું વિચારતો.

એ પછી શ્રી આવી અને પોતે બદલાયો.

આમ તો શ્રી પ્રત્યે, એના રૂપ પ્રત્યે એને કોઈ આકર્ષણ કે પ્રેમ નહોતો થયો પણ જ્યારે ખબર પડી કે શ્રી પોતે પણ પોતાની જેમ અનાથ છે ત્યારે અંતરમાં ઊંડે ભરેલી લાગણીઓ બહાર તણાઈ આવી હતી અને શ્રીનો પ્રેમ સ્વીકારી લીધો હતો. તે છતાય સ્ત્રી જાત વિશે તેની નફરત, દુનિયા માટે તેની નફરત કમ થઇ ન હતી.

શ્રી એના જીવનમાં આવી એ પછી જ એ બોલતો, હસતો અને મજાક કરતો થયો હતો.

ઉપરા ઉપર ડોરબેલ વાગી ત્યારે કાચમાં ભૂતકાળનું કારમું ભયાનક ફિલ્મ જોતો અર્જુન ઝબકી ગયો. આંખો લૂછી તરત દરવાજે જઇને દરવાજો ખોલ્યો પણ કોઈ દેખાયું નહિ.

દરવાજે છાપું અને દૂધની બોટલ પડી હતી. એ સમજી ગયો કે પડોશીએ એ બોટલ બહાર પડી જોઈને ડોરબેલ વગાડી હશે. તરત બોટલ અને છાપું ઉઠાવી એ અંદર ગયો.

“કૈસન હો અર્જુન ભૈયા...?” હજુ તે ફર્યો કે તરત બબલુનો અવાજ આવ્યો. બબલુ તેના પડોશમાં રહેતા હંજારીમલનો દીકરો હતો.

“બસ આનંદ હે બબલુ.... પઢાઈ કેશી ચલ રહી હે?” અર્જુન આમ તો કોઈ સાથે ભળતો નહિ પણ બબલુ સારો છોકરો હતો. તે સામેથી ગમે તે કામ કરી આપતો.

“બસ ભૈયા ચલ રહા હે જૈસન ઈસ્કુલ વાલે ચલા રહે હે....” તેણે હસીને કહ્યું, “બાકી હમ તો પાવભાજીકા લારી ડાલને વાલા હે... દસ બાર સંજય દત્તકી માફિક બાબાકો બોલા યે પઢાઈ અપને બસકી નહી હે લેકિન બુઢઢાં માને તો ના...”

“અભી ધ્યાન દે પઢાઈમેં બાદમે દેખા જાયેગા....” અર્જુને કહ્યું એ સાથે જ અવાજ આવી, “હરામખોર અર્જુનબાબુ કા વક્ત તો કમસ્કમ મત બિગાડા કર....” હંજારીમલના અવાજ પછી ખાંસીનો અવાજ આવ્યો એટલે બબલુએ કપાળે હથેળી પટકી અને ચાલ્યો ગયો.

અર્જુન હસતો હસતો અંદર આવ્યો અને એકાએક તેનું સ્મિત અદ્રશ્ય થઇ ગયું. રોજ તે બે વાર ચા બનાવતો પણ આજે ભૂતકાળના કડવા ઘુંટડા લીધા પછી તેણે દુધની બોટલ કિચનમાં મૂકી દીધી. દરવાજે તાળું દઈ ચાવી ખિસ્સામાં સરકાવી. અને ફરી ભવિષ્ય તરફ ચાલવા લાગ્યો. લોકો એની તરફ જોઈ લેતા હતા. જે લોકો એના ભૂતકાળ વિશે નહોતા જાણતા એ બધા તો એને જેન્ટલમેન જ સમજતા. કેમ કે એનો દેખાવ શ્રી આવ્યા પછી બદલાઈ ગયો હતો. પ્રોફેશનલ કપડાં, સરખા સારા વાળ, એના ઉપર એવા જ સારી ફ્રેમના ચશ્મા, પિતાજી તરફથી સરળતા, સાદગી અને વાત કરવાનો વિવેક તો મળ્યો હતો વારસામાં. મા તરફથી શું મળ્યું હતું એ તો એ પોતેય ક્યાં જાણતો હતો?

રસ્તામાં એને જોઈ લેવા એક નજર તો લગભગ બધા કરી જ લેતા. વોકિંગ ઉપર નીકળેલી જુવાન છોકરીઓમાં ભાગ્યે જ કોઈ હશે જે અર્જુનને જોઈને નજર અંદાજ કરે. પણ અર્જુન એના ધ્યાનમાં હતો. એના મનમાં હતા વિચારો.

આ ભૂતકાળના દુઃખ એકસામટા ભુલી જવાય એવો પ્લાન એના મનમાં હતો, પણ એ પ્લાન જીવ સાટોસાટનો હતો, એમાં જીવ પણ જઈ શકે. છતાં એ આ ખોલી છોડીને બંગલામાં જવા માંગતો હતો. શ્રી સાથે એક સુખી જીવન જીવવા માટે એ કોઈ પણ જોખમ લઈ લેવા તૈયાર હતો. એમ પણ પોતાના જીવનમાં એક શ્રી સિવાય હતું જ શુ? બસ એક શ્રી હતી પોતાના જેવી જ નિરાધાર, નિરાશ્રિત.. ઈશ્વર પણ ગજબના મેળ કરે છે, બે અનાથ ભેગા થતા હોય છે ઘણીવાર.

એ ક્યાય સુધી ચાલતો રહ્યો. ચાલતા લોકોને જોતો રહ્યો. આગળ જતા સીધો રસ્તો બે ફાટમાં વહેંચાતો હતો. એક રસ્તો હોલી મેગી ચર્ચ તરફ જતો હતો અને બીજો મંદિર તરફ. એ બંને તરફ તો અર્જુન ક્યારનાય બધા સંબંધો તોડી ચુક્યો હતો એટલે એ સીધા રસ્તે જ ગોરાઈ બીચ તરફ ચાલવા લાગ્યો. જ્યાં સામે દરિયો હતો, અને દરિયા કિનારે પોતાની રાહ જોતી શ્રી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky