ખેલ : પ્રકરણ-6 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-6

ભીડ પસાર થઈ ત્યારબાદ શ્રી ઉતાવળે ડગલે ઓફીસ તરફ જવા લાગી. હોસ્ટેલમાં એને કોઈ તકલીફ તો નહોતી પણ અર્જુનના કહેવા મુજબ એણીએ રૂમ રાખી હતી. એ રુમ રાખવા પાછળ પણ અર્જુનનું કોઈ પ્લાનિંગ હશે જ એટલું એને ખબર હતી પણ અર્જુનને કઈ પૂછ્યું નહોતું. અર્જુન પણ જાસૂસી પુસ્તકો વાંચી વાંચીને ઘડાયેલો હતો. તેર વર્ષથી એકવીસ વર્ષ સુધી પોતાની એકલતા દૂર કરવા એની પાસે પુસ્તકો જ હતા. અર્જુનના કબાટમાં બધી થ્રિલર સસ્પેન્સ નવલકથાઓ જ હોય. એ પછી શ્રી પોતાના જીવનમાં આવી પણ પોતે અંગ્રેજી લેખકોની નવલકથાઓ વાંચતો.

આખરે શ્રી ઓફીસ પહોંચી. તેણીએ નોધ્યું બધા આવી ગયા છે એટલે પોતે કઈક વધારે જ મોડી પડી છે. હાય હેલો કર્યા વગર જ તે પોતાની બેઠકે ગઈ. પર્સ મુકીને સૌથી પહેલા નાયકની ફાઈલ ઉથલાવી.

એના બધા ધંધામાં એ બધી બ્લેકમની સેટ કરવાની હતી. બ્લેકમની અલગ અલગ ધંધામાં સેટ કરવાની ગડમથલ તે કરવા લાગી. એ જ સમયે ઓફિસનો દરવાજો ખુલ્યો અને બલભદ્ર નાયક અંદર પ્રવેશ્યો. રાબેતા મુજબ જ તેના જાડા કાળા હોઠમાં સિગારેટ ભીડાવેલી હતી.

રોજની જેમ જ એના બિહામણા દેખાવ સાથે સિગારેટ પીતો પીતો એ અંદરની ચેમ્બરમાં દાખલ થયો. શ્રીએ આડી નજરે એને જોયો. પછી બારણા તરફ નજર કરી. ગાડી પાર્ક કરીને રજની પણ અંદર દાખલ થયો.

રજની દેસાઈ બને એટલો તૈયાર થઈને, સજી ધજીને આવ્યો હતો. કદાચ એને જીવનમાં પહેલા ક્યારેય ન પહેર્યું હોય તેવું સાતસો આઠસોની કિમતનું ડેનીમ જીન્સ અને બ્લેક રંગની હાલ્ફ સ્લીવ ટી-શર્ટ પહેરી હતી, આજે તેની ટી-શર્ટમાં ગ્લાસીસ પણ ભરાવેલ હતા, કદાચ રેબનના હોય તો નવાઈ નહિ કેમકે કોઈ સામાન્ય વ્યક્તિ પણ છોકરીને ઈમ્પ્રેશ કરવા એટલો ખર્ચો કરવા તૈયાર થઇ જાય છે જયારે રજની તો બલભદ્ર જેવા મોટા માણસનો ડ્રાઈવર હતો. માંગી લીધો હશે દસેક હજારનો ઉપાડ અને બની ગયો હશે એક જ દિવસે ફિલ્મી હીરો. તે મનમાં હસી.

માલીકની ગાડીની ચાવી આંગળીમાં ઘુમાવતો એ અર્જુનની ચેર ખાલી પડી હતી એ તરફ ગયો. ત્યાં જઈને એ બેઠો. જ્યારે એ ખુરસીમાં ગોઠવાયો, શ્રીને ખાતરી થઇ ગઈ પોતે વિચારી રહી હતી એ વાત સાચી હતી કેમકે ગયા વખતે આવ્યો ત્યારે સામાન્ય પાથી પાડીને વાળ રાખનાર રજની દેસાઈના માથાના વાળ વન સાઈડ કટ કરેલા હતા અને વાળનો આગળનો ગુછો જરાક ભૂરો લાગતો હતો, કદાચ ફેમનો ઉપયોગ કરી વાળ રંગાવ્યા હશે એમ લાગ્યું. તેની આવી ઘેલછા ઉપર શ્રી નીચું જોઇને હસી અને પછી જાત ઉપર કાબુ કરીને સ્વસ્થ થઇ.

એક જ દિવસમાં માણસ ચાહે તો પોતાનો બાહ્ય દેખાવ કેટલો બદલી શકે? એનું જીવંત ઉદાહરણ રજની દેસાઈ પૂરું પાડી રહ્યો હતો. એના કપડામાંથી મોઘા સ્ટ્રોબેરી સેન્ટની એડોર આવતી હતી.

અર્જુનનો આવવાનો સમય થઈ ગયો હતો પણ એ હજુ આવ્યો નહોતો. શ્રીએ વિક્રમ તરફ નજર કરી એટલે એ સમજી ગયો કે જરૂર ચા લાવવાનું કહ્યું હશે. આમ તો એક ફોન ઉપર ચા આવી જતી પણ વિક્રમને એ ન ગમતું. કોઈ પણ બહાને બહાર જવાનું એ ચૂકતો નહિ, એ દિવસે પણ ફોન કરી ચા મંગાવી લેવાને બદલે એ પોતે જ બહાર ગયો.

બીજા બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. રજની દેસાઈ શ્રી તરફ જોઈ રહ્યો હતો એ બાબત શ્રીથી છાની નહોતી. છોકરીની અંદર એક એવી સેન્સ હોય છે કે પોતાની આજુબાજુ કોણ એને જોઈ રહ્યું છે એની જાણ છોકરીને થયા વગર રહે જ નહીં.!! અને આમે એકલી કોઈના સાથ સહકાર વિના મોટી થયેલ છોકરી તો સારી રીતે જાણી ગઈ હોય છે કે લોકોની નજર એને કઈ રીતે જોઈ રહી છે? આગળ ઉભેલી વ્યક્તિ છાતી દેખે છે કે પાછળ ઉભેલી વ્યક્તિ કમર તે સ્ત્રીની ચાર આંખો સમજી લે છે.

શ્રીએ જાણે ફાઈલમાં જોઈને કંટાળી હોય એવો ડોળ કરતા ઊંચી નજર કરી અને રજની સામે જોયું. રજની જાણે એ સમયની રાહ જોતો હોય એમ એની સામે જોઈ હસ્યો. શ્રીએ પણ એને સ્માઈલ આપી. છોકરીના હોઠ જાણે સમયને સમજતા હોય છે જ્યારે કોઈની જરૂર હોય ત્યારે એની તરફ સ્મિત ફરકાવવાનું એ ચુકતા જ નથી, અને કદાચ એ સમય એવો હતો જયારે શ્રીને રજની દેસાઈની જરૂર હતી.

બસ એટલું જ જોઈતું હોય એમ રજની ઉભો થઇ શ્રી તરફ ગયો. શ્રીનું એ સ્મિત કામ કરી ગયું હતું.

"મેડમ, તમને ક્યાંક જોયા છે." અભણ રજનીએ એ જ જૂની ટેક્નિક અપનાવી, ભલે એ સાવ ઓછું ભણેલ હતો પણ એણે ઘણી હિન્દી ફિલ્મો મુંબઈના સિનેમા ઘરોમાં જોઈ હતી, અરે ડી.ડી.એલ. તો મરાઠામાં એણે ત્રણ વાર જોઈ હતી. બસ એને એ ખબર ન હતી કે હવે એ સ્ટાઈલ ચવાઈ ગઈ હતી. ઓવર યુઝ થઇ ચુકી હતી.

"વેલ, જોઈ હશે." એટલું કહી એ પોતાનું કામ કરવા લાગી.

રજની પોતે ભોઠો પડ્યો હોય એવું લાગ્યું પણ હવે એ ભોંઠપ બહાર દેખાવા દેવાય એમ નહોતી એટલે જાતે જ એક ચેર ખેંચી એ શ્રીની બાજુમાં ગોઠવાયો.

"મારુ નામ રજની, રજની દેસાઈ." એના ચહેરા પરથી જરાય એમ લાગી નહોતું રહ્યું કે એ વગર પૂછ્યે જ પોતાનો પરિચય આપી રહ્યો હોય, તેના અવાજ પરથી એમ લાગી રહ્યું હતું જાણે કોઈ હસીના તેનો ઈન્ટરવ્યું લેવા માટે સામે ઉભી હોય અને એ પોતાનો એક મોટા બીઝનેસમેન તરીકે પરિચય આપી રહ્યો હોય.

"અને મારું શ્રી... પૂરું નામ જયશ્રી જ છે." હસીને એ બોલી. શ્રીએ પોતાને જયશ્રી તરીકે ઘણા સમય પછી કોઈને પરિચિત કરી હતી, બાકી તો એ બધાને શ્રી તરીકે જ પરિચય આપતી.

"કેટલા સમયથી અહીં નોકરી કરો છો?"

"લગભગ એક વર્ષ થઈ ગયું. અને હા મી. રજની તમે મને તું કહેશો તો મને ગમશે."

રજનીને જાણે સિગ્નલ મળી ગઈ હોય એમ અંદરથી ખળભળી ઉઠ્યો. તેના પેટમાં પતંગિયા ઉડતા હોય તેવું સંવેદન થયું અને જાણે શ્રી તેની થઇ ગઈ હોય તેમ તેના એકએક અંગ ઉપર તેની નજર ફરી વળી. એકાએક એને કોઈએ એક લાખનો ચેક સાઈન કરી આપ્યો હોય એમ એને લાગ્યું. એ આનંદ એક લાખના ચેક કરતા વધુ હોય તો ના ન કહી શકાય. એ કઈક બોલવા જતો હતો પણ ત્યાં જ વિક્રમ ચા લઈ આવ્યો. વિક્રમ નજીક આવીને ખેલ બગાડે એ પોસાય એમ ન હોય એમ રજની ઉભો થયો, વિક્રમ પાસે જઈને ચાના બે કપ ઉઠાવી એ ફરી શ્રી જોડે ગોઠવાયો.

"થેંક્યું." ચાનો કપ લેતા શ્રી એ ફરી કહ્યું, "અને હા તું કહેશો તો મને ગમશે એટલે એમ કે મને મારા કરતાં મોટી ઉંમરના લોકો માન આપે તો મને શરમ આવે."

"અરે પણ મારી ઉંમર તો હજુ વીસ જ છે." રજની બોલ્યા વગર રહી શક્યો નહિ.

ત્રીસેક વર્ષના રજનીની પોતે વીસ વર્ષનો છે એવું કહેવાની ઘેલછા જ શ્રીને હસાવી ગઈ. એ જાણી ગઈ કે તિર બરાબર વાગ્યું છે.

"સો ક્યૂટ, છતાં પણ મને તું જ કહેશો, પ્લીઝ."

"ઓકે મને પણ તું કહેશો ને?" રજનીએ વિનંતી કરી, કોણ જાણે કેમ પણ કેટલાક પુરુષો સ્ત્રી દાક્ષીણય તરત સ્વીકારી લેતા હોય છે.

"અરે હા કેમ નહિ? મારે આમ પણ ફ્રેન્ડ્સ બહુ ઓછા છે." શ્રી એ પોતાના અવાજને ફૂલની પાંખડીઓ જેટલો કોમળ બનાવ્યો અને ચહેરા પર એનાથીય વધુ નજાકતતા લાવી. એ વાક્યથી તો રજની સાવ ઘેલો થઈ ગયો હોય એવું લાગ્યું. જો અર્જુન સામે બેઠો હોત તો એના હાવભાવ જોઈ એ ખડખડાટ હસી પડોત. એક સુંદર છોકરી શુ નથી કરી શકતી?

"તો.... હવે ફ્રેન્ડ્સ?" રજનીએ ખચકાતા ખચકાતા કહ્યું, અને હાથ લંબાવ્યો. ગુંડા સાથે રહીને ખુદ ઢોર જેવો બની ગયેલો હતો છતાં એનો હાથ ધ્રૂજતો હતો.

શ્રી થોડીવાર અબોલ રહી એટલે રજનીનો ચહેરો ઉતરી ગયો. થોડીવારે ચાનો કપ ખાલી કરી એ બોલી, "હા ફ્રેન્ડ્સ." અને હાથ મિલાવ્યા. તેના સ્પર્શ માત્રથી તેના રોમરોમમાં રોમાંચ ફેલાયો.

રજની તો સાંજ સુધી ત્યાં જ બેસી રહેવા માંગતો હતો પણ શ્રીને ખબર હતી કે અંદરથી ગમે ત્યારે પેલો ખલનાયક બહાર આવશે અને સ્ટાફના લોકો પણ જોશે એટલે તરત કહ્યું.

"મી. રજની, સાંજે ડિનર ઉપર મળીએ તો કેમ? મારે થોડું કામ કરવું પડશે." શ્રીએ બહુ ચાલાકીથી સામેવાળાને ખોટું ન લાગે એ રીતે કહ્યું.

"હ.... હા હા કેમ નહિ, તમે કામ કરો તમારું અને હા સાંજે ડિનર ઉપર મળીએ." કહી તેણે શ્રીનો મોબાઈલ ઉઠાવી પોતાનો નંબર ડાયલ કર્યો. પછી પોતાનો મોબાઈલ નીકાળીને શ્રીનો આવેલો લાસ્ટ મિસડ કોલ જોઈ એનો નંબર સેવ કરી લીધો.

"સાંજે મળીએ..." કહી એ ઉભો થઈ ગયો.

શ્રીએ એક હળવું સ્મિત આપી હકારમાં હા કહી અને પોતાનું કામ કરવા લાગી.
રજની પોતાનો મોબાઈલ ખિસ્સામાં સરકાવી ચાવી ઉઠાવી દરવાજા બહાર નીકળી ગયો. કારણ હવે તેને અર્જુનની ખાલી ખુરશીમાં બેસવાની જરૂર ન હતી. તે જે કામે આવતો અને બેસતો તે કામ આજે પાર પડ્યું હતું.

થોડીવાર પછી બલભદ્ર નાયક પણ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો. શ્રીને હજુ સમજાતું નહોતું કે અર્જુન હજુ કેમ આવ્યો નહોતો. પણ એની પાછળનું પણ એક કારણ હતું.

*

લગભગ એકાદ કલાક પછી અર્જુન આવ્યો. એ આવીને સીધો જ ચેમ્બરમાં ગયો. એ વધુ લેટ પડ્યો એ માટે અંદર ખુલાસો કરવા કારણ રજૂ કરવા જવું પડે તેમ હતું.

રાજીવ દિક્ષિતની ચેમ્બરમાંથી બહાર આવી એ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. શ્રી એને પૂછવા માંગતી હતી પણ બપોરની રિશેષ સુધી એ પૂછી શકાય એમ નહોતું.

*

બપોરે એકને ટકોરે રિશેષ પડી ત્યારે જ શ્રીને હાશકારો થયો. પણ બધા બહાર ન નિકળે તે પહેલા ઉતાવળ કરાય તેમ ન હતી. જે નજીક રહેતા હતા એ બધા ઘરે જ જમવા જતા એક અર્જુન જ દૂર રહેતો એટલે એ હોટેલમાં જમતો. શ્રી એને કંપની આપતી.

સૌ પ્રથમ રાજીવ દિક્ષિત નીકળ્યા એ પછી વિક્રમ કાવ્યા અને બાકીના બધા નીકળ્યા. કોઈને વહેમ ન જાય તે માટે અર્જુન પણ એ બધાની સાથે બહાર નીકળ્યો.

શ્રી ઝડપથી ઉભી થઇ. ફેન બંધ કર્યો. કીથી ઓફિસનો ગ્લાસ ડોર બંધ કર્યો અને નાગજીની દુકાન તરફ ગઈ. તે દુકાને પહોંચી ત્યારે અર્જુન ઓર્ડર આપીને ખૂણામાં ટેબલ પર બેઠો હતો. શ્રી તેની બાજુમાં ગોઠવાઈ.

"એટલો લેટ કેમ?"

"તને કહ્યું તો ખરા તારે બસ દોસ્તી કરવાની છે બીજું બધું મેં નક્કી કરેલું છે." અર્જુને આજુબાજુ નજર કરી, નજીકના બધા ટેબલ ખાલી હતા એટલે વાત આગળ વધારી.

"જો બલભદ્ર નાયક આવવાનો હતો એ મને ખબર હતી, શનિવારે એ લોકોની વાત મેં સાંભળી હતી."

“હમમ.” શ્રી એને ધ્યાનથી સાંભળી રહી.

"એટલે હું લેટ આવ્યો. જો હું ત્યાં હોવ તો રજની તારી જોડે વાત ન કરી શકોત."

“ઓકે પણ તું મને એકએક વાત કેમ કહે છે? બધું એક સાથે મને સમજાવી દેતો હોય તો?”

“આ કઈ રમત નથી શ્રી, આગળ શું કરવું તે મારે આયોજન કરવું પડે. આઈ હેવ ટુ થીંક ઈચ એન્ડ એવરી પોસીબીલીટી. પછી જ કઈક નિર્ણય લઇ શકાય. બધી જ શક્યતાઓ વિચાર્યા વગર અને ધીરજ રાખ્યા વગર આ ખેલમાં પાસા સવળા ન પડે.”

શ્રીને તેમાંથી બધું તો સમજાયું નહિ પણ અર્જુન કેમ લેટ આવ્યો તે સમજાયું એટલે ફરી પ્રશ્ન કર્યો, “પણ તે મને હોસ્ટેલમાંથી રૂમ કેમ રખાવી?” .

પણ અર્જુન જવાબ આપે તે પહેલા ગોવિંદ આવીને ઓર્ડર મુજબ ડિશ મૂકી ગયો. અર્જુને ખાવાનું શરુ કર્યું પણ શ્રીને જવાબ મેળવવાની ઉતાવળ થઇ આવી.

“તે મને જવાબ ન આપ્યો અર્જુન?” તે કઈક નારાજગીથી બોલી અને વડાપાઉં ઉઠાવ્યું.

“તે બધું સમય આવ્યે તને સમજાઈ જશે. ડોન્ટ યુ ટ્રસ્ટ મી?” અર્જુને પૂછ્યું અને ચશ્માં પાછળની તેની નિર્દોષ કઈક ઉદાસ આંખોથી તે શ્રી સામે જોવા લાગ્યો.

“અરે તું તો યાર આમ ઉદાસ થઇ જાય છે.” શ્રી તરત હસીને બોલી.

“કારણ મારું તારા સિવાય કોઈ નથી શ્રી અને તું જ સવાલો કરે ત્યારે મારી હિમત શું રહેવાની?”

“અરે ઠીક છે પણ....” શ્રીએ ઓફિસમાં રજની સાથે જે વાત થઈ એ બધું અર્જુનને કહી સંભળાવ્યું.

“ધેટસ વોટ આઈ વોન્ટ શ્રી... આઈ ટેલ યુ હવે આપણે આ વડાપાઉં ખાઈને જીવવાનું નથી. આપણું ઘર ગાડી અને સુખી જીવન હશે.”

“અને પછી તું બધાની જેમ હસતો જીવનનો આનંદ ઉઠાવતો અર્જુન બનીને જીવીશ...” શ્રીની આંખમાં ભીનાશ આવી ગઈ. તે હમેશા અર્જુનની આંખમાં જોતી ત્યારે તેને કઈક અકળાવી નાખે તેવું દુઃખ તેમાં દેખાતું. તે હમેશા અર્જુનને હસતો બધાની જેમ જીવતો દેખવા માંગતી હતી. મીનીટો સુધી બંને એકબીજાને જોતા રહ્યા.

બે પ્રેમીઓ સુખી જીવન માટે એક ખેલ ખેલી રહ્યા હતા, જીવ સાટોસાટનો ખેલ.!

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky