Khel - 28 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-28

ઇન્સ્પેકટર મનુંએ મી. અદિત્યના કહેવા મુજબ પ્લાનિંગ કરી લીધું હતું. મનું જાણતો હતો કે એનો પીછો થાય છે. પોતે ક્યાં જાય છે શું કરે છે એ બધું બલભદ્રના માણસો નજરમાં રાખતા હતા. જ્યારથી શ્રીને ભગાડી હતી ત્યારથી મનુનો પીછો થતો હતો. તેને હવે બસ બલભદ્રના માણસોને વિશ્વાસમાં લેવાના હતા.

સ્ટેશનથી નીકળી મનું જીપમાં બેઠો અને રોજની જેમ આજુ બાજુ નજર કર્યા વગર જ હોટેલ એસેન્ટ તરફ રવાના થઈ ગયો. રિયર વ્યુ મિરરમાં નજર કરી જોયું તો એનો પીછો કરનાર માણસોની એક રેડ ગાડી એની પાછળ આવતી હતી. તેણે બંને માણસોને જોયા હતા. પૃથ્વીએ કહ્યા મુજબ સ્ટેશન પર હુમલો થયો ત્યારે એક ગાડી સ્ટેશન બહાર હતી એ આ જ ગાડી હશે તે પણ મનુ સમજી ગયો હતો. ડી.એસ.પી. અને બલભદ્રથી શ્રીને ઉઠાવી લેવાનું કામ બન્યું નહિ એટલે એ લોકોએ મારા ઉપર વોચ ગોઠવી છે જેથી હું શું કરું છું ક્યાં જાઉં છું એ નોધીને શ્રીનો પતો લગાવી શકે. મનુ બરાબર સમજી ગયો હતો કે આ લોકો મારો પીછો એક મિનીટ પણ છોડવાના નથી કારણ એ લોકો જાણે છે કે હું ક્યારેક તો શ્રીને જ્યાં રાખી હશે ત્યાં જઈશ.

પણ તે છતાં પોતાનો પીછો થાય છે એની જાણ ન હોય એવો ડોળ કરતો તે હોટેલ એસેન્ટ સુધી ગાડી હંકારી ગયો. એસેન્ટ હોટેલ આગળ પહોંચી ગાડી પાર્ક કરી.

હોટેલના આગળના ભાગમાં ફૂલોથી સજાવેલ ટેબલ હતા. ટેબલ ઉપર ખાસ્સા માણસો બેઠા હતા. મનુએ બધા ઉપર નજર કરી. એમાં ખૂણા ઉપરના ટેબલ ઉપર એક આધેડ વ્યક્તિ લેપટોપ સાથે બેઠી હતી. એ જ માણસને મળવાનું હતું પણ તે છતાં તેણે કોઈને શોધતો હોય તેમ ચારેય તરફ નજર કરી અને પોતાની ગાડી તરફ પણ જોયું. પેલી રેડ ગાડી પાર્ક કરીને બે વ્યક્તિ નજીક આવી ગયા હતા એટલે મનુ એ આધેડ વ્યક્તિ પાસે ગયો.

"ઇન્સ્પેકટર મનું, વેલકમ." પેલી વ્યક્તિએ કહ્યું.

"મી. વાલજી, સોરી હું જરા લેટ પડ્યો, રસ્તામાં ગાડીને પંક્ચર થઈ ગયું હતું." હેન્ડશેક કરતા મનુએ નમ્રતાથી હસીને કહ્યું.

મનુ ખુરશીમાં ગોઠવાયો. તેણે પોલીસ નજર કરીને જોઈ લીધું. પેલી રેડ ગાડીમાંથી બે વ્યક્તિ ઉતરીને મનુ જે ટેબલ પાસે ગયો એની બાજુના ટેબલ ઉપર જઇ ગોઠવાઈ ગઈ હતી. મનુએ ગાડીમાં પંક્ચર પડવાની જે તદ્દન ખોટી વાત કહી એ પેલા બંનેએ સાંભળી.

"ઇટ્સ ઓકે, તમે બેસો ઇન્સ્પેકટર." વાલજીએ મનુને બેસવા કહ્યું અને કોફી ઓર્ડર કરી.

વેઈટર કોફી આપીને પેલા બે જોડે ઓર્ડર લેવા ગયો પેલા બંને એ ચા ઓર્ડર કરી અને મનુની વાત સાંભળવા લાગ્યા.

"મી. વાલજી પાંચ લાખથી એક રૂપિયો પણ હું ઓછો નહિ લઉં."

"મી. મનું આપણી ડિલ થઈ હતી, ત્રણ લાખમાં સોદો પાક્કો થયો હતો."

"મારી નોકરીનો સવાલ છે વાલજીભાઈ, તમારી દારૂની આખી ટ્રક પકડાઈ છે જે મેં આગળ રિપોર્ટ નથી કરી. જેવું રિસ્ક એવા રૂપિયા તો થાય જ."

"તમે બોલીને ફરી રહ્યા છો ઇન્સ્પેકટર યાદ રાખજો." વાલજીએ ચિડાઈને કહ્યું.

"કુલ ડાઉન મી. વાલજી, એક બેઇમાન પોલીસ ઓફિસર જોડે તમે પ્રોમિસ વગેરેની આશા રાખો એ તમારી જ ભૂલ છે ને?" મનુએ લુચ્ચા પોલીસ અધિકારીની ભાષામાં કહ્યું.

"ખેર જવાદો એ બધું, તમારા એકાઉન્ટમાં પૈસા હું હમણાં જ ટ્રાન્સફર કરું છું મને મારી ટ્રક અને દારૂ જોઈએ."

"મારા ખાતામાં? નહિ વાલજીભાઈ મારુ એકાઉન્ટ ચેક થાય તો ભાંડો ફૂટી જાય તમને હું મારા મિત્રનું એકાઉન્ટ આપું છું." મનુએ ખિસ્સામાંથી એક પરચી નીકાળી વાલજીને આપી.

"અને હા તમને ખાલી ટ્રક મળશે, બોટલ તો મારે ફોડવી જ પડશે."

"ઇન્સ્પેકટર ! આ તમે ઠીક નથી કરતા, સમજી લેજો." વાલજી ભડક્યા.

"ઠીક તો આ દારૂનો ધંધો પણ ક્યાં છે વાલજીભાઈ...? ખેર છતાં ટ્રક મળશે એ પણ નફો જ છે તમારા માટે."મનુના વાક્યમાં તેના અવાજમાં લુચ્ચાઈ દેખાતી હતી.

ઘડીભર વાલજી મનું સામે મોટી આંખો બતાવી જોઈ રહ્યા પછી લેપટોપ ખોલી પેલી પરચીમાંથી એકાઉન્ટ નંબર ઉપર પાંચ લાખ ટ્રાન્સફર કરી મનું સામે સ્ક્રીન ફેરવી, "જોઈ લો આ રહ્યા તમારા પાંચ લાખ હવે મને રાત્રે મારુ ટ્રક જોઈએ, નહિતર સારું નહિ થાય."

"મને પૈસા મળી જાય પછી હું ફરતો નથી. વરદીને હું વેચી શકું પણ પૈસાને નહિ." બાકી કોફી પૂરી કરી કપ મૂકી, હસીને મનુએ ઉભા થઇ ફરી હેન્ડ સેક કર્યા, "થેન્ક્સ ફોર કોફી મી. વાલજી."

વાલજીએ મન મારીને શેકહેન્ડ કર્યા અને મનુએ વિદાય લીધી. પેલા બંને પીછો કરનાર માણસો ત્યાં જ બેસી રહ્યા. થોડીવાર પછી વાલજી કોફીનું બિલ ચૂકવી નીકળ્યા એટલે તરત જ પેલા બેમાંથી એકે ફોન નીકાળી લગાવ્યો.

"હેલો શેઠ જી હું રામ."

"શુ ખબર છે? ઇન્સ્પેકટર પેલી છોકરીને ક્યાં રાખી છે કઈ પતો મળ્યો કે નહીં?"

"ના શેઠ જી કોઈ પતો નથી મળ્યો હજુ...."

"નકામા માણસો જ ભર્યા છે મેં ઉડાવો મારા પૈસા તમે બધા પણ જો અર્જુન કે શ્રી નહિ મળે તો (ગાળ) બધાને ગોળીએ દઈશ હું..." સામેથી બલભદ્રનો રોષ ભરેલો અવાજ આવ્યો.

"શેઠ જી વાત તો સાંભળો, બસ થોડા રૂપિયા વધારે બગાડી લો છોકરી મળી જશે." રામે કહ્યું.

"કઈ રીતે? હવે કેટલા રૂપિયા વધારે વેરી નાખું હું?" સામેથી બલભદ્રના અવાજમાં વધુને વધુ ઉગ્રતા વધતી હતી અને સાથોસાથ શબ્દે શબ્દે કાન ફાડી નાખે તેવી ગાળો વરસતી હતી. જોકે મવાલીઓને ગાળનું કશું મનદુઃખ હોતું નથી.

"શેઠ જી ઠંડા પડો, આ ઇન્સ્પેકટર મનું કોઈ વફાદાર માણસ નથી બેઇમાન છે."

"એટલે?" બલભદ્રએ થોડા ઠંડા અવાજે પૂછ્યું.

"એટલે એમ કે મેં અને કર્ણીકે હમણાં જ મનુને ડિલ કરતા જોયો છે, એક દારૂની ટ્રક પકડાઈ જેનો રિપોર્ટ આગળ આપ્યા વગર જ મનુએ ટ્રક માલીક સાથે પાંચ લાખમાં સોદો કર્યો છે."

"શુ? ખબર પાક્કી છે?"

"હા મેં મારી નજરે જોયું છે શેઠ જી."

"પણ એ બેઇમાન હોય તો છોકરીને ગાયબ શુ કામ કરે?"

"શેઠ જી છોકરી માટે સ્ટેશન ઉપર આપણે હુમલો કર્યો એટલે એને ખબર પડી કે આ છોકરીમાં કઈક રહસ્ય હશે જ એટલે એણે છોકરીને ગાયબ કરી જેથી એ પૈસા કમાઈ શકે, જરા સમજો શેઠ જી આ માણસ પૈસાનો લાલચી છે આપણું કામ દસ વીસ લાખમાં થઈ જશે."

"પણ એની જોડે સોદો કોણ કરશે?"

"શેઠ જી આજ સાંજ સુધી કદાચ ખુદ ઇન્સ્પેકટર જ ફોન કરે ભાગવત સાહેબને... જો એ નહિ કરે તો આપણે કરીશું આજે રાત્રે...."

"ઠીક છે, રામ આજથી ગાડી તારી..." બલભદ્રએ ખુશ થઈને રામને ગાડી સોંપી દીધી.

ફોન કટ કરી રામ ઉછળી પડ્યો, "કર્ણીક આજથી ગાડી આપણી..."

કર્ણીકે રામને તાળી આપી અને વેઇટરને એક મોટી ટીપ આપી બંને નીકળ્યા.

*

આદિત્યની ગાડી મુંબઈ પહોંચી ગઈ. ટોમના ફ્લેટ આગળ ગાડી રોકી ત્યારે રાતના બારેક થયા હશે. મુંબઈની ગળીઓમાં આદિત્ય કે રુદ્રસિહ ફર્યા ન હતા તેમ ન હતું પણ ઘણા વર્ષો પછી આજે મુબઈ ખાસ્સું બદલાયેલું લાગ્યું. ત્યારે આટલી બધી ગાડીઓ રોડ ઉપર દોડતી ન હતી. આટલી મોટી બિલ્ડીંગો ત્યારે પણ હતી જ છતાં તેમાં આજે જે લાઈટો ઝગારા મારે છે તેવી ઝળાહળા, પ્રકાશ પૂંજ રેલાવતી ગગન ચુંબી ઈમારતો ન હતી. આદિત્ય અને રુદ્રસિહે બદલાયેલ મુબઈની એક ઝલક પામી લેવા ચકોર નજર ફેરવી.

"અનુજ, કશ્યપ તમે શ્રીને ફ્લેટમાં લઈ જાઓ અને સાવધ રહેજો અમે રાજીવ દીક્ષિતની ખબર નીકાળીને આવીએ છીએ." ગાડીમાંથી ઉતર્યા વગર જ આદિત્યએ કહ્યું.

"યસ સર." કહી અનુજ અને કશ્યપ બંને શ્રી સાથે નીચે ઉતર્યા.

"મી. આદિત્ય...." આદિત્ય ફરી ગાડી સ્ટાર્ટ કરી નીકળી પડે એ પહેલાં શ્રીએ ડ્રાઈવર વિન્ડો પાસે જઈને કહ્યું, "અર્જુન જેવો મળે એવી મને જાણ કરજો....."

આદિત્યએ જોયું તેની આંખમાં પાણી હતું, એમાં અપાર પ્રેમ દેખાતો હતો. તેના અવાજમાં અપાર પીડા હતી.

"ડોન્ટ વરી બેટા, અર્જુનને બસ એકાદ કલાકમાં તારી સામે લઈ આવીશું, પ્રોમિસ." અદિત્યએ તેના માથા પર હાથ ફેરવ્યો અને એક્સીલેટર દબાવ્યું.

શ્રી ક્યાય સુધી ગાડીને અંધારામાં ઓગળતા જોઈ રહી. અનુજ અને કશ્યપ તેનો ચહેરો જોઇને કશું બોલી શક્યા નહિ. આમ પણ ટ્રીસનો ફ્લેટ સામે જ હતો કોઈ ઉતાવળ હતી નહિ.

*

છ વાગ્યે ઓફિસેથી રાજીવ દિક્ષિત નીકળ્યો એટલે તરત ટોમ એની પાછળ નીકળ્યો હતો. વિક્રમે તેની સામે જોયું હતું પણ બધા કરતા અર્ધો કલાક વહેલો કેમ નીકળે છે? એવો સવાલ પહેલા દિવસે કોઈએ કર્યો નહિ. તેણે ભાડે લીધેલું 220 સ્ટાર્ટ કર્યું અને હેલમેટ ચડાવી. રાજીવની ગાડી દેવીદાસ રોડ ઉપર સીધી ગઈ હતી અને પછી નવાગામ તરફ કોલોની રોડ ઉપર ટર્ન લીધો. ટોમે બાઈક એની પાછળ લીધું.

રાજીવ દિક્ષિત પોતાની ગાડી લઈને સીધો જ દેવકી નગર પોતાના મકાને ગયો. ટોમે દેવકી નગરથી થોડેક દુર બાઈક રોક્યું અને હેલમેટ ઉતારી. હવે તેને માત્ર મકાન કયું છે એ જ જોવાનું હતું. તેમાં બાઈકની જરૂર ન હતી. તેણે બાઈક પાર્ક કર્યું અને ચાલતો જ દેવકી નગરમાં દાખલ થયો.

“અરે અંકલજી....” એક કાકાને બુમ મારી એણે ઉભા રાખ્યા.

“ક્યા બાત હે બેટા?” પેલા કાકાએ પૂછ્યું.

“યહાં પે રાજીવ દિક્ષિત.....”

“વો સામને બડા સા મકાન દીખ રહા હે ના વહી....” તેને વચ્ચે જ અટકાવી કાકા ઈશારામાં જવાબ આપી ચાલવા લાગ્યા.

‘મુબઈમાં લોકો જોડે ટાઈમ નથી....’ કાકાની પીઠ ઉપર એક નજર કરી એ બબડ્યો અને રાજીવ દિક્ષિતના ઘરને બરાબર જોઈ લઈ બાઈક પાસે પાછો ફર્યો. બાઈકને ટેકો લઈ એ ઉભો રહ્યો. ઘડિયાળમાં જોયું તો હજુ સાતમાં પંદર મિનીટ બાકી હતી. તેને અંદાજ હતો જ કે એજન્ટ એન્ડ ટીમ મોડી આવશે કારણ તેઓ ગુજરાતથી આવવાના હતા એટલે તેણે બાઈક સ્ટાર્ટ કર્યું હેલમેટ પહેરી અને રેસ્ટોરાં તરફ લીધું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED