ટોમ બીજા દિવસે રાજીવ દીક્ષિતનો ઇન્ટરવ્યૂ પાસ કરી અર્જુનના ટેબલ ઉપર એની જગ્યાએ એનું કામ કરવા લાગ્યો હતો. તે તદ્દન બદલાઈ ગયો હતો. જીન્સ અને ટી શર્ટની જગ્યાએ દરજીએ સીવેલા આછો ગુલાબી શર્ટ અને બ્લેક પેન્ટ, પગમાં સ્પોર્ટ્સને બદલે પ્રોફેશનલ સૂઝ, વિખેરાયેલા વાળને બદલે વ્યસ્વ્થીત હોળેલા વાળમાં તે નખશીખ નોકરિયાત લાગતો હતો.
ઓફિસમાં બધા જોડે પરિચય ઓળખાણ આપી લઈ એણે દરેક વ્યક્તિ વિશે એક અંદાજ બાંધ્યો. છેક બપોર સુધી એને જે કામ કરવું હતું એ કામ કરવાનો મોકો મળ્યો નહિ. શ્રીએ કહ્યું હતું એ મુજબ બપોરે લંચમાં બધા ઓફીસ છોડતા એ સિવાય બધા ઓફિસમાં જ રહેતા.
ટોમ બપોરના લંચ સુધી, બધા બહાર જાય એની રાહ જોતો પોતાનું નવું કામ કરતો રહ્યો. લંચ ટાઈમે એક એક કરતાં બધા બહાર નીકળ્યા ત્યારે ટોમને પોતાનું કામ કરી લેવાનો મોકો મળ્યો.
ઓફીસ ખાલી થતા જ તેણે પોતાની બેગ ખોલી શ્રીએ આપેલી ઓફિસની ચાવી અને અમુક સામાન નીકાળી લીધો. કોઈ આવે એની પહેલા જ મેઈન સ્વીચ બંધ કરી લીધી.
ટોમ હવે બધું બરાબર છે ઓફીસ ખાલી છે અને રાજીવ દીક્ષિતને લાઈવ ફૂટેજ પણ નહિ મળે. મનોમન એ બોલ્યો. તે કાઈ પણ કામ કરતો એ પહેલા મનમાં એ બોલતો.
રાજીવ દીક્ષિતની ચેમ્બરનું લોક ખોલી તે અંદર દાખલ થયો અને લેપટોપમાંથી સી.સી.ટીવી.ના છેલ્લા મહિનાનું ફૂટેજ બેક અપ લઈ લીધું. જો કોમ્પ્યુટર હોત તો મેઈન સ્વીચ બંધ કર્યા પછી બેકઅપ લઈ શકાઓત નહિ પણ શ્રીએ ઓફિસની એક એક નાનામાં નાની બાબત યાદ કરીને લીસ્ટ આપ્યું હતું અને એ બધી વિગત મી. અદિત્યએ ટોમને આપી હતી.
શ્રીએ કહ્યા મુજબ બધા ઓફિસમાં લંચ ટાઈમ પૂરો થયા પછી જ આવતા અને ત્યાં સુધી ટોમે પોતાનું કામ કરી લીધું. પોતાનો સામાન ફરી બેગમાં ગોઠવી લઈ બહાર નીકળી રાજીવની ચેમ્બરનું લોક વાસ્યું, મેઈન સ્વીચ ઓન કરી દીધી. મેઈન ડોર પાસે મુકેલી મેઈન ડોરની કી લઈને બહાર નીકળ્યો. બહાર નીકળી ડોર લોક કર્યો અને સામેની દુકાને ગયો.
ઓફિસથી દુકાને જતા પહેલા તેણે નામ યાદ કરી લીધા. છોકરાનું નામ ગોવિંદ અને કાકાનું નામ નાગજી.
“દોસ્ત એક વડાપાઉં મળશે?” તેણે ગોવિંદ પાસે જઈને કહ્યું.
“કેમ નહિ સાહેબ?” ગોવિંદ હસીને બોલ્યો, “વકીલ સાહેબને ત્યાં નવા આવ્યા છો?”
“હા આજે જ આવ્યો છું...” તેણે બેંચ ઉપર બેઠક લીધી.
“ચાલો અમારે તો એક ઓર કસ્ટમર વધી ગયું...” વડાપાઉંની ડીશ તેની આગળ મુકીને ગોવિંદ હસ્યો.
“અરે મને તળેલા મરચા જોઇશે ભાઈ.... જો ના હોય તો મારે જોઇશે ગમે તેમ.”
એ વાત ઉપર ગોવિંદ કઈક ગંભીર બની તેની સામે જોઈ રહ્યો પછી મરચા લઈ આવ્યો.
“કેમ શું થયું? મરચા માંગ્યા એમાં મરચા લાગ્યા?”
“ના સાહેબ, પણ અર્જુન ભાઈ પણ આમ જ મરચા માંગતા. આવા જ શબ્દો બોલતા અને સેમ લહેકો....” અર્ધા અંગ્રેજી અર્ધા ગુજરાતીમાં ગોવિંદ બોલ્યો.
“કોણ અર્જુન?”
“તમારી પહેલા અહી બે લવ બર્ડ હતા. અર્જુન અને શ્રી. બંને શું માણસ હતા...” ગોવિંદ હવે ઉત્સાહમાં આવીને બોલવા લાગ્યો. ટોમે જે ધાર્યું હતું તે જ થયું. શ્રી પાસેથી મેળવેલી બધી વિગતો ચીપી ચીપીને તેણે વાપરી હતી. અર્જુન મરચા ખાતો એ વાત ઉપર જ આ છોકરા પાસેથી કઈક જાણવા મળશે તે ઈરાદે જ તેણે મરચા માંગ્યા હતા.
“શું વાત કરે છે? લવ બર્ડ? પછી ક્યાં ગયા?”
“એ તો ખબર નથી સાહેબ....” એટલું કહીને ગોવિંદ જુકીને એના કાન પાસે હોઠ લાવીને ધીમેથી બોલ્યો, “પણ કહે છે અહીના ગુંડા એ લોકોની પાછળ પડ્યા છે.”
“સાચે?” ટોમે નાના બાળકની અદામાં પૂછ્યું અને આંખો મોટી કરી.
“હા, ચાલો સાહેબ કસ્ટમર આવે છે...” કહી એ કાઉન્ટર પર ચાલ્યો ગયો. ટોમે માથું હલાવ્યું. તેની આંખમાંથી પાણી આવ્યું. તેણે કદી આમ આટલા બધા મરચા ખાધા ન હતા.
*
ગોવિંદને પૈસા ચૂકવી એ ફરી ઓફિસે પહોંચ્યો. હજુ લંચ ટાઈમને સમય હતો. બેગમાંથી ફરી પોતાનો સામાન નીકાળી ફૂટેજ મી. આદિત્યના ઇ-મેઇલ ઉપર મોકલી દીધું.
*
અદિત્યને ઇ-મેઇલ મળતા જ તે ફૂટેજ જોવા લાગ્યા. પૃથ્વી, શ્રી અને રુદ્રસિંહ પણ ફૂટેજ ધ્યાનથી જોવા લાગ્યા. પાછળના લગભગ એક મહિનાનું ફૂટેજ હતું.
શરૂઆતના દસેક દિવસમાં કઈ અજુગતું નહોતું, પણ એ પછીના દિવસોમાં અર્જુન લેટ આવતો છતાં એને રાજીવ દીક્ષિત કઈ કહેતા નહિ એ સ્પષ્ટ દેખાતું હતું. શ્રી વારંવાર અર્જુનને જોયા કરતી એ દ્રશ્ય પણ ફુટેજમાં કેદ હતું.
એના પછીના ફુટેજમાં એ હતું જે શ્રી જાણતી નહોતી. ફૂટેજ અંત સુધી જોઈ લીધા પછી પણ ક્યાંક સુધી એ શાંતિ છવાઈ રહી. આખરે શ્રીએ પૂછ્યું, "આ ફૂટેજમાં કઈ છે જ નહીં, દરેક વ્યક્તિ વિક્રમ, કાવ્યા, પૂજા બધા જ નોર્મલ બીહેવ કરે છે અમારા ગયા પછી કોઈના ચહેરા ઉપર કઈ ખાસ ભાવ દેખાતા નથી."
"ભાવ ન દેખાય તો શું પ્લાન તો દેખાય છે ને?" પૃથ્વીએ કહ્યું.
“એટલે?” શ્રીને કાઈ સમજાયું નહિ કારણ એ તેનો વિષય ન હતો પણ આદિત્ય, રુદ્રસિહ અને પૃથ્વીની આંખમાં કેમેરામાં દેખાતા દેખીતા દ્રશ્યો પાછળની મુક વિધિ પકડાઈ ગઈ હતી.
"શ્રી લગભગ બધી જ ફાઈલો નિકાળવાનું અને મુકવાનું કામ રાજીવ દીક્ષિત પોતાની જાતે જ કરે છે સિવાય કે એક ફાઇલ, અને મારો અંદાજ સાચો છે તો એ ફાઇલ બલભદ્ર નાયકની છે."
"એનો શુ અર્થ?" શ્રીએ પૂછયુ.
"એનો અર્થ એ છે કે રાજીવ દીક્ષિત બલભદ્ર નાયકની ફાઇલ વારંવાર તમારા ધ્યાનમાં લાવવા માંગતા હતા." પૃથ્વીએ તરત જ જવાબ આપયો.
"પણ કેમ? અને એની શુ ખાતરી? એ તો શક્ય છે કે એ સમયે હું કે અર્જુન એમની ચેમ્બરમાં હાજર હોઈએ તો રાજીવ દીક્ષિત અમને એ ફાઇલ મુકવા કે લાવવાનું કહે."
"શ્રી હજુ એટલા અનુભવ થયા પછી પણ ભોળા રહેવું ઠીક નથી, કોઈ દિવસ બીજી ફાઇલ લેવા મુકવા કેમ નથી કહ્યું? કોઈ કારણ તો હોય જ ને?"
"અને જે દિવસે રજની દેસાઈ અર્જુન પાસે બેઠો હતો, અર્જુન તને મેસેજ કરતો હતો ત્યારે રાજીવ દીક્ષિત પોતાના લેપટોપમાં નજર રાખીને બેઠા હતા મતલબ કે એ સી.સી. ટીવીમાં તમારા બંને ઉપર નજર રાખતા હતા, તમે શું કરો છો એ બધું એ જોતાં હતા...." અદિત્યએ બીજો એક ખુલાસો કર્યો.
"એટલે સર રાજીવ દીક્ષિતે એ ફાઇલ, એ બ્લેકમની અમારા ધ્યાનમાં લાવી, જેથી અમે આ પ્લાન કરીએ? પણ અમે જ કેમ?"
"કેમ કે તું અને અર્જુન અલગ હતા, બંને એકલા હતા, તમે એવું કઈક કરશો એની ખાતરી હતી રાજીવ દીક્ષિતને."
"તો અર્જુન રાજીવ દીક્ષિત પાસે હશે?"
"હા ચોક્કસ એની પાસે જ છે અને આજે રાત્રે અર્જુન મળી પણ જશે." અદિત્ય ઉભા થયા, ટેબલના ખાનામાંથી ગન લીધી.
"આદિ.... અમે પણ સાથે આવીશું." રુદ્રસિંહે આદિત્યનો હાથ પકડી કહ્યું ત્યારે એમની આંખોમાં કોઈ અદભુત ભાવ દેખાયા.
"કેમ બુઢ્ઢો થઈ ગયો એટલે?" અદિત્યએ હસીને કહ્યું.
‘ના આદિ, હું હવે તને એકલો નહિ મુકું..... એકવાર ભૂલ કરી એ ફરી નહિ થવા દઉં...’ શબ્દો રુદ્રસિંહના હોઠ સુધી આવ્યા પણ અવાજ બની આદિત્યને સંભળાય એ પહેલાં પોતાનું વાક્ય બદલી લીધું, "મારે મુંબઈ જોવું છે એટલે."
"ઓકે ચલો ત્યારે.... પૃથ્વી તું લેબમાં જા, શ્રીનું પૂરું ધ્યાન રાખવાનો ઓર્ડર આપી આવ આપણે અત્યારે જ નીકળીશું."
"ના સર, હું તમારી સાથે આવીશ પ્લીઝ મને ના નહિ કહેતા...." શ્રી વિનંતી કરવા લાગી "અર્જુનની શુ હાલત હશે કોને ખબર?"
"ઓકે પૃથ્વી તો બીજા બે માણસો સાથે લેવા પડશે શ્રી માટે. તમે લોકો તૈયાર થઈ ગાડીમાં ગોઠવાઈ જાઓ ત્યાં સુધી હું બે માણસોને તૈયાર કરી મનુંને એનું કામ આપી દઉં.”
"ઓકે, લેટ્સ પ્લે...." કહી પૃથ્વી, શ્રી અને રુદ્રસિંહ પોતાની તૈયારી કરવા લાગ્યા.
*
અદિત્યએ બે માણસો પસંદ કરી એમને બધું સમજાવી લીધું પછી ટોમને એક મેસેજ કર્યો : આજે જ પકડવાનો છે એને... સાંજે એડ્રેસ લઈ લેજે....
ટોમને મેસેજ કરી લીધા પછી મનુંને ફોન લગાવ્યો.
"ઇન્સ્પેકટર મનું હિયર....." સામેથી અવાજ આવ્યો.
"જો મનુ બધું ક્લિયર થઈ ગયું છે, કરણનો નાનો ભાઈ મળી ગયો છે, એ મળશે એટલે ગાંધીજી પણ મળી જશે હવે ગાંધીજીનો સોદો કરવાનો છે જેની જવાબદારી તારી છે." અદિત્યએ કોડવર્ડમાં એક જ વાક્યમાં બધી વિગતો મનુને આપી તેમજ શુ કરવાનું છે એ પણ મનુને કહ્યું.
"ઓકે, ગોટ ઇટ સર...." કહી મનુએ ફોન મૂકી દીધો.
દરેકે પોતાની ગન ચેક કરી લીધા પછી આદિત્યની લોન્ગ ગાડી મુંબઈ તરફ રવાના થઈ ગઈ. સાંજના સાડા ચાર થયા હશે, સૂરજ આથમવાની તૈયારી હતી, હાઇવે ઉપર ખાસ ટ્રાફિક હતું નહીં. સડસડાટ કરતી ગાડી આથમતા સૂરજની દિશામાં દોડવા લાગી....
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky