Sapna advitanra - 51 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૫૧

"હા, તો મિ. વિશાલ, પછી શું થયું? "

ઇં. પટેલે પૂછતાં વિશાલ યાદ કરીને ઝીણામાં ઝીણી વિગતો કહેવા માંડ્યો.

"માથા પર વારંવારના પ્રહારને કારણે હું બેહોશ થઈ ગયો હતો. જ્યારે હોંશમાં આવ્યો ત્યારે અંધારું ઘણું થઇ ગયુ હતું. કશું સ્પષ્ટ દેખાતું નહોતું. છેક ઉપર છત પાસે એક નાનકડી બારી હતી, તેમાંથી આછો પ્રકાશ આવતો હતો. ધીરે ધીરે આંખ ટેવાઇ ગઇ અને ઝાંખું ઝાંખું દેખાયુ. એક મોટો રૂમ હતો, આખો કબાડીથી ભરેલો... છત પાસે બારી જોઈ એટલે વિચાર્યુ કે આ ભોંયરું જ હોવું જોઈએ. પણ રૂમમાં મારી સિવાય બીજું કોઈ જ નહોતુ. વરૂણ પણ નહી અને કીડનેપર પણ નહી. મારા હાથપગ મુશ્કેટાટ બાંધેલા હતા. જેમતેમ કરી હું એ બંધનમાંથી છુટ્યો અને રૂમની બહાર નીકળ્યો. મેં જોયું કે થોડેક જ આગળ એક દરવાજા પાસે ચોકીપહેરો હતો. એટલે મને લાગ્યું કે નક્કી વરૂણ ત્યાંજ હશે. "

ઇં. પટેલ જીણી આંખે અને સરવા કાને વિશાલ ની કેફિયત સાંભળી રહ્યા હતા. એકધારુ આટલું બોલ્યા પછી વિશાલે ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલવાનુ શરૂ કર્યું.

"એ લોકોનું ધ્યાન મારી તરફ નહોતું. એમનું ટાર્ગેટ વરૂણ જ હતો. મારી પાસે ત્યારે બે રસ્તા હતા. ચૂપચાપ ત્યાંથી સરકી જાઉં ને બહારથી મદદ બોલાવી ફરી વરૂણને બચાવવા જાઉં. પણ હું કયા એરિયામાં છુ એનાથી અજાણ હતો. વળી, મદદ બોલાવીને પાછો આવું ત્યા સુધીમાં મોડું થઇ ગયુ તો! એટલે મેં એકલે હાથે જ વરૂણ ને બચાવવાનું નક્કી કર્યું. પછી તો છુટ્ટા હાથની મારામારી થઇ. એમની પાસે હથિયાર હોવા છતાં વાપર્યા નહિ એટલે મને બહુ નવાઈ લાગી, પણ, એ વાત મારી માટે ફાયદાકારક સાબિત થઈ. "

"સર, અંદર કોઈ નથી. કોઈના હોવાની નિશાની પણ નથી, કે બંધક બનાવ્યાના નિશાન પણ નથી. "

કો. પરમાર ના અવાજથી વિશાલની વાતમાં વિક્ષેપ પડ્યો. ઇં. પટેલે જીપમાં બેસવાનો ઇશારો કર્યો એટલે ચારેય જણા જીપમાં ગોઠવાયા. જીપ પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ અને વિશાલે વાત આગળ ચલાવી.

"એ લોકો ચાર જણ હતા. એ કોઠો ભેદી હું રૂમમાં ગયો. ત્યાં વરૂણ ને બંધક બનાવેલો હતો. રડી રડીને તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. એ ચારેયને ખૂબ મુશ્કેલીથી ચીત્ત કર્યા. વરૂણને પણ મારી જેમજ મુશ્કેટાટ બાંધ્યો હતો. મેં તેને બંધનમુક્ત કર્યો, પણ તેને હાથે પગે લોહી જામી ગયુ હતુ... બીચારો કેવી રીતે દોડી શકે? અને હું પણ એને તેડીને વધારે લાંબુ દોડી શકું એમ નહોતો... ત્યાંજ મેં બાજુમાં એ ઠેલણગાડી જોઇ. અને રૂમમાં કબાડીનો તો પાર નહોતો... એટલે મેં આ રીતે બોક્ષ પર બોક્ષ ગોઠવી તેને એમાં છુપાડી દીધો. રખેને બાકીના લોકોનું ધ્યાન જાય, તો પહેલા વરૂણ ને ચેક કરવા જાય, અને એટલો સમય મને ભાગવા માટે વધુ મળે! "

વિશાલ એકધારું બોલ્યે જતો હતો અને ઇં. પટેલ તથા બંને કોન્સ્ટેબલ ધ્યાનથી તેની વાત સાંભળી રહ્યા હતા.

"અને થયું પણ એવું જ. અમને પૂરીને ચાર જણનો ચોકીપહેરો રાખી બાકીના બધા બેફિકર થઈ ગયા હતા. ગીતોનો અવાજ છેક ભોંયરા સુધી સંભળાતો હતો. શક્ય એટલી ચુપકીદી સાથે હું મેઇનગેટ સુધી તો પહોંચી ગયો, પણ નસીબ બે ડગલા આગળ તે મારી પાછળ પાછળ ભોંયરામાંથી એક માણસ લંગડાતો લંગડાતો ઉપર આવ્યો. તેણે બાકી બધાને એલર્ટ કર્યા હશે, તે એ બધા મારી પાછળ પડ્યા. મેં મારી પૂરી તાકાત લગાવી એ ગાડીને ઠેલતા ઠેલતા દોડવાનું શરૂ કર્યું. કેટલું દોડ્યો ખબર નથી, પણ રસ્તામાં તમારો ભેટો થયો અને કમાલની વાત તો એ કે તમને જોઇને એ બધા એકદમ છુમંતર થઇ ગયા! "

વિશાલની કેફિયત સાંભળવામાં પોલીસ સ્ટેશન આવી ગયુ એટલે બધા અંદર ગયા. હવે ઇં. પટેલે ઉલટતપાસ શરૂ કરી.

"કોણ હોઈ શકે એ લોકો? તમને કોઇના પર ડાઉટ? "

"વેલ, આઇ ડોન્ટ નો. બટ એટલુ ચોક્કસ કહીશ કે એમના નિશાના પર વરૂણ હતો, હું નહી. "

"એમના નિશાના પર કે તમારા નિશાના પર! મિ. વિશાલ? "

અચાનક ઇં. પટેલ ના અવાજમાં કડપ ભળ્યો અને વિશાલ ચમકી ગયો.

"વ્હોટ? આ.. આ તમે શું બોલી રહ્યા છો, સર? "

"યસ, મિ. વિશાલ. તમે બરાબર જ સાંભળ્યુ. ત્યા હવેલીએ કોઈની હાજરીના કોઈ નિશાન મળ્યા નથી., કે નથી કોઈને બંધક બનાવવાના કોઈ સગડ... અને માઈન્ડ વેલ, શિંદે હેઝ ટોલ્ડ મી એવરીથીંગ અબાઉટ યોર રીલેશનશીપ વીથ સમીરા."

"શું કહ્યું છે? "

વિશાલ હજુ આ નવા આઘાતમાંથી બહાર નહોતો આવી શક્યો.

"એ જ કે સમીરા તારી સાથે તારા ઘરમાં રહે છે, પણ તમારી વચ્ચે કોઈ રીલેશનશીપ નથી... યુ બોથ આર નાઇધર મેરીડ, નોર ઈન લીવ ઈન... તો, મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ, સમીરા સાથે સેટ થવામાં વરૂણ નડતો હતો, એટલે યુ, મિ. વિશાલ, યુ પ્લેઇડ ધીઝ ડર્ટી ગેમ. વરૂણ સાથે દોસ્તી વધારી, તેને એકલા ફરવા લઇ જવું અને પછી... પછી અચાનક એને ગાયબ કરી દેવો. સિમ્પલ. સમીરા બિચારી થોડા દિવસ રડશે, ત્યારે એને સધિયારો આપવો, અને ધીમે ધીમે... "

" શટ અપ... જસ્ટ શટ અપ... "

વિશાલ બરાડી ઉઠ્યો.

"પેલા લોકો ગાયબ થઇ ગયા છે અને તમે એમને પકડવાને બદલે મારી પર દોષારોપણ કરવામાં સમય બગાડી રહ્યા છો, ઓફિસર. અને રહી વાત મારી અને સમીરા વચ્ચેના રીલેશનની, ધેન ઇટ્સ નન ઓફ યોર બીઝનેસ.. "

આ સાથે જ ઇં. પટેલે ટેબલ પર જોરથી હથેળી પછાડી.

"એવરીથીંગ ઇઝ ઓફ માય બીઝનેસ, મિ. વિશાલ. "

ઇં. પટેલ દાંત ભીંસીને બોલ્યા. એમનો કડપ જોઇ વિશાલ એકદમ ઢીલો પડી ગયો.

"ઓકે. લેટ મી મેક યુ ક્લીઅર અબાઉટ એવરીથીંગ. હું અને સમીરા ફ્રેન્ડ છીએ. વેરી ક્લોઝ ફ્રેન્ડ. અમારી પહેલી મુલાકાત મારા કઝીન ના મેરેજમાં થયેલી. સમીરાની સિસ્ટર વોઝ ધ બ્રાઇડ. હસી મજાકમાં અમે એકબીજાને પસંદ પણ કરવા માંડ્યા હતા. પણ, એક એક્સિડન્ટ ને કારણે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. ઇન્ફેક્ટેડ બ્લડ ચડાવવાને કારણે... આઇ બીકેમ એચ. આઇ. વી. પોઝીટીવ... "

વિશાલથી એક ડુસકું ભરાઇ ગયુ.

" પ્લીઝ સર, આ વાત મારી ફેમિલીમાં કોઈને ખબર નથી. હું બધું છોડી મુંબઈ શીફ્ટ થઈ ગયો, કે જેથી કોઈને કંઈ ખબર ન પડે. સમીરા સાથે પણ વાતચીત બંધ કરી દીધી. ઘણા લાંબા સમય સુધી અમારી વચ્ચે કોઇ કોન્ટેક્ટ નહોતો. પણ, એક દિવસ સવારે ગાર્ડનમાં મોર્નીંગ વોક માટે ગયો, તો અચાનક સમીરા નો ભેટો થઇ ગયો. ત્યારે તેની હાલત બહુજ ખરાબ હતી. તે કોઇથી પીછો છોડાવી ભાગી રહી હતી, અને તેના હાથમાં હતું એક નવજાત બાળક... આ વરૂણ, માત્ર છ દિવસનો વરૂણ! તે ખૂબ જ ગભરાયેલી હતી. હું તરત તેને મારા ઘરે લઇ ગયો. ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી. તે થોડી નોર્મલ થઇ, તો મેં એની આવી હાલત વિશે પૂછ્યું, પણ એણે જાણે મોઢું સીવી લીધું હતું. વારંવાર પૂછવા છતાં એણે માત્ર એટલું જ કહ્યું હતું કે આ મારો દિકરો વરૂણ છે, અને એ જ મારા જીવનનું સત્ય છે. માત્ર આટલા સત્ય સાથે જો આપી શકે તો તારા ઘરમાં જગ્યા આપ... "

"સમીરાને તમારી તબિયત વિશે માહિતી હતી? "

"ના, સર. શરૂઆતમાં તો નહોતી, પણ જ્યારે મેં એની મક્કમતા જોઈ ત્યારે માત્ર સેફ્ટી માટે તેને મારા બધા રીપોર્ટ બતાવી દીધા હતા. પણ, એનાથી અમારી ફ્રેન્ડશીપ માં કોઈ ફરક ન પડ્યો. ઉલટાનું વરૂણને કારણે અમારી વચ્ચે નું બોન્ડિંગ વધુ મજબુત બન્યું. અમે ત્રણેય પરસ્પરનો માનસિક સધિયારો છીએ. અમને એકબીજા વગર ચાલતુ નથી, છતાં અમારા સંબંધમાં કોઇ સ્વાર્થ નથી. "

"હંમ્... "

ઇં. પટેલ વિચારમાં પડી ગયા. ત્યાં જ એમનો મોબાઈલ રણકી ઉઠ્યો. શિંદે નો કોલ હતો. તેમણે કોલ રીસિવ કર્યો. શિંદેએ વરૂણ પાસેથી જે માહિતી મેળવી હતી, તે જણાવી. એ બધી વાતો વિશાલે આપેલ માહિતી સાથે મેળ ખાતી જ હતી, એટલે હવે વિશાલ પર વધુ શક કરવો યોગ્ય ન લાગતા ઇં. પટેલે ફરી વાત કરવાનો ટોન બદલ્યો.

"ઓકે, મિ. વિશાલ. આઇ થિંક આઇ કેન ટ્રસ્ટ યુ. તો પછી આ અપહરણ પાછળ કોણ હોઈ શકે? "

"સર, મે બી રીલેટેડ ટુ હ્યુમન ટ્રાફિકીંગ.... "

"ઓર, મે બી રીલેટેડ ટુ સમીરાઝ પાસ્ટ... "

ઇં. પટેલનું મગજ એકસો એંસીની સ્પીડે દોડવા માંડ્યું હતું.

"વ્હોટ ડુ યુ નો અબાઉટ હર પાસ્ટ? "

"સોરી સર. જ્યાસુધી બધુ નોર્મલ હતુ, ત્યાં સુધી બધુ નોર્મલ જ હતુ. અને એક મોટા બ્રેક પછી જ્યારે ફરી મળ્યા ત્યારે એ સમયગાળા વિશે સમીરાએ કશું જ જણાવ્યું નથી. ઇનફેક્ટ હું એને એકપણ સવાલ નહિ કરુ, એ શરતે જ એ મારી સાથે રહેવા તૈયાર થઇ હતી. "

"ઓકે ધેન, તો હવે સમીરા જ કંઇક કહી શકશે... "

ઇં. પટેલે ફરી શિંદેને કોલ લગાડ્યો.

***

"પોલીસ ત્યાં પહોંચી કેવી રીતે? "

દાદાના અવાજમાં એટલો કડપ હતો કે નવાસવા જોડાયેલા બે પંટરના તો પેન્ટ પણ ભીના થઇ ગયા!

"દાદા, મને તો રાગિણીમાંજ કંઈક ગડબડ લાગે છે. રીમેમ્બર, મેં પેલા ફોટોગ્રાફ મોકલેલા તેની ડ્રોઇંગબુકના, એવોજ કાંઈક સિનારીયો થયો છે. "

બોબી બોલતા તો બોલી ગયો, પણ પછી દાદાની લાલચોળ આંખ જોઈ સ્હેજ કંપી ગયો... ક્યાક બધો ગુસ્સો પોતાની પર ન આવી જાય... પણ દાદાને વિચારમાં પડેલા જોઈ તેને થોડીક શાંતિ થઇ. ફરી હિંમત ભેગી કરી તે બોલ્યો,

"ડોન્ટ વરી, દાદા. બેટર લક નેક્સ્ટ ટાઇમ. આમપણ આપણા માણસોએ કોઈ સગડ નથી છોડ્યા... એટલે પોલીસ ત્યાં પહોંચીને પણ કશું નહી કરી શકે. નેક્સ્ટ ટાઇમ આનાથી પણ વધારે સારો પ્લાન તૈયાર કરીશું. "

ફરી દાદાની આંખોમાં ખુન્નસ ઉતરી આવ્યુ, એટલે બોબીએ આગળ બોલવાનુ ટાળી ચૂપ રહેવામાં જ સેફ્ટી જોઈ.

દાદાના મગજમાં અત્યારે મિસ્ટર અને મિસિસ મેકવાન, રાગિણી, સમીરા, વિશાલ બધા એકસાથે અટ્ટહાસ્ય કરી રહ્યા હતા અને દાદાએ ખુન્નસમાં આવી છત પર એક ગોળી ચલાવી દીધી...

***

રાગિણી ભાનમાં આવી ત્યારે આખા રૂમમાં અંધારુ હતુ. બસ એક નાનકડું ટીમટીમીયું ચાલુ હતુ. એનો પ્રકાશ એટલો આછો હતો કે આંખ ટેવાઇ ગયા પછી પણ કોઈ વસ્તુ કળવી મુશ્કેલ હતી. તે ધીમેથી બેઠી થઈ એટલે તેણે કેયૂરને પોતાની બાજુમાં બેઠેલો જોયો.

"હવે કેવું લાગે છે? "

"મચ બેટર. "

રાગિણી થાકેલા અવાજે બોલી. ત્યા તેના ગાલે એક ગમતો સ્પર્શ થયો. સોફ્ટ અને સુગંધિત... અંધારામાં પણ તેનો શ્વેત શુભ્ર રંગ સ્પષ્ટ જોઈ શકાતો હતો... તેનું ફેવરિટ વ્હાઇટ ટ્યુલિપ... તે એકદમ ખુશ થઇ ગઇ. તે એને હાથમાં લેવા ગઇ, તો કેયૂરે ટ્યુલિપવાળો હાથ પાછો ખેંચી લીધો.

"ઉંહુ... આમ સાવ મફતમાં? "

અને રાગિણીના ચહેરા પર એક તોફાની સ્મિત રમી ગયુ. તેનો થાકોડો ઓગળવા માંડ્યો અને સ્ફૂર્તિનો સંચાર થવા માંડ્યો.

"ઓહ, એવું? "

રાગિણી પોતાનો ચહેરો કેયૂર ના ચહેરાની લગોલગ લઇ ગઇ અને જેવી તે કીસ કરવા ગઇ કે કેયૂરે વચ્ચે એ ટ્યુલિપ રાખી દીધું. રાગિણી અને કેયૂર ના હોઠ એકસાથે એ ટ્યુલિપ પર ચંપાઇ ગયા. કેયૂરની આ હરકત રાગિણીની સમજમાં ન આવી. તેણે ફૂલ હાથમાં લઇ કેયૂર સામે છણકો કર્યો,

"સાવ આવું? આમ ફૂલ વચ્ચે લાવી દેવાનું? "

કેયૂર હસીને બોલ્યો,

"અરે ગાંડી, આ ફૂલ તો હવે કાયમ આપણી વચ્ચે જ રહેવાનું. "

રાગિણી હજુય કેયૂરનો ઇશારો સમજી નહી, એટલે કેયૂરે રાગિણી નો ફૂલવાળો હાથ પકડી ફૂલ તેના કપાળે અડાડ્યુ અને ધીરે ધીરે ફૂલને સરકાવતો રાગિણીના પેટ સુધી લઇ ગયો અને કાનમાં કહ્યું,

"કોન્ગ્રેચ્યુલેશન... "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED