સપના અળવીતરાં - ૫૦ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૫૦

સપના અળવીતરાં ૫૦

નટુકાકા એ શોર્ટ બ્રેક મારી એટલે ચરરર્... અવાજ સાથે ગાડી ઉભી રહી. સમીરા એ રીઅરવ્યુ મિરરમાં આ જોયું એટલે તેણે પણ બ્રેક મારી દીધી. ઈં. પટેલે જોયું કે એ બંને ગાડી ઉભી રહી ગઇ છે, તો જરા કન્ફ્યુઝ થઇ ગયા. નાનુભા ની હવેલી તો હજુ એકાદ કીલોમીટર દૂર હતી, તો પછી...??? તેમણે પણ કો. પરમાર ને જીપ રોકવા ઇશારો કર્યો. જેવી પરમારે બ્રેક મારી કે તરતજ ઈં. પટેલ સમીરા ની ગાડી તરફ ગયા. પણ તે સમીરા સુધી પહોંચે એ પહેલા સમીરા રાગિણી સુધી પહોંચી ગઇ. તે પણ વિસ્મયથી રાગિણી એ કરેલ દિશાસૂચન તરફ જોવા માંડી. તેની પાછળ બાકી બધાની નજર પણ ત્યાં સ્થિર થઇ. સૂર્ય નો પ્રકાશ સીધો આંખમાં જતો હોવાથી બરાબર દેખાતુ નહોતુ, પણ એક કાળું ટપકું ખૂબ ઝડપથી નજીક આવી રહ્યું હતું અને એક નિશ્ચિત આકાર ધારણ કરી રહ્યું હતું. ધીમે ધીમે બધાની આંખ ટેવાઇ ગઇ. અને એ ટપકાં એ પણ એક માણસનો આકાર ધરી લીધો હતો. તેની આગળ કંઇક ઠેલણગાડી જેવું હોય એમ લાગ્યું... એની પાછળ હજુય ધૂળની ડમરી ઉડતી હતી. કદાચ, કોઈ એની પાછળ પડ્યું હતું.

ઈં. પટેલે તરતજ એ બાજુ પોલીસ જીપ લેવડાવી. એમની પાછળ બીજી બંને ગાડી પણ ચાલવા માંડી. હવે અંતર ઘણું ઓછું થઇ ગયું હતું અને તે વ્યક્તિ સ્પષ્ટ દેખાતી હતી.

"વિશાલ!!! "

સમીરા એ હર્ષાવેશમાં જોરથી બૂમ પાડી. વિશાલ શ્વાસભેર દોડી રહ્યો હતો. તેણે મજબૂતી થી કચરો ભેગો કરવાની ઠેલણગાડી પકડી રાખી હતી. એમાં કંઇ મોટુ બોક્ષ જેવું દેખાતું હતું. એની પાછળ આઠ દસ માણસનું ટોળું દોડતું હતું. પણ જેવી જીપ નજીક પહોંચી કે તરત એ ટોળું વિખેરાઇ ગયું. નજર સામે પોલીસ જીપ જોઈ વિશાલે હાથ ઊંચો કરી એમનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી. એ સાથે જ પાછળ ફરીને જોયું તો પીછો કરતી ટોળકી ગાયબ થઇ ગઇ હતી. તેને હા'શ થઇ અને દોડતા દોડતા ફસડાઈ પડ્યો. તેનો શ્વાસ છાતીમાં સમાતો નહોતો. એવું લાગતુ હતું જાણે તેણે ઘણું લાંબુ અંતર આવી રીતે કાપ્યું હશે.

ઈં. પટેલ સૌથી પહેલા વિશાલ પાસે પહોંચી ગયા. પણ એ વિશાલ ને ટેકો આપી ઉભો કરે ત્યાં તો સમીરા પણ દોડતી પહોંચી ગઇ. ઈં. પટેલ ને ક્રોસ કરી તે વિશાલ ને ભેટી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડી. એટલી વારમાં બાકી બધા પણ ત્યાં પહોંચી ગયા. બધાની આંખોમાં પ્રશ્નાર્થ હતો, પણ વિશાલ ને બોલવાના હોંશ નહોતા. નટુકાકા ગાડીમાંથી પાણીની બોટલ લઇને આવ્યા હતા, તે વિશાલને આપી. થોડીવારે વિશાલનો શ્વાસ થોડો નોર્મલ થયો એટલે તેણે પાણીનો ઘુંટ ભર્યો. પાણી ગળા નીચે ઉતરે એ પહેલા એકસાથે બે દિશામાંથી બે સવાલ તેની તરફ તકાયા.

"આર યુ ઓકે? "

ઈં. પટેલે પૂછ્યું પણ સમીરા ના પ્રશ્ન હેઠળ એ સવાલ દબાઇ ગયો. સમીરા માત્ર બે જ શબ્દો બોલી હતી...

"વિશાલ... વરૂણ??? "

અને વિશાલે એ કચરાગાડીમાં રહેલા બોક્ષ તરફ આંગળી ચીંધી. સમીરા એ ત્યા જોયુ અને એનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. એમાં મોટા બોક્ષની ઉપર મધ્યમ અને એની ઉપર નાનુ બોક્ષ ગોઠવેલા હતા... બિલકુલ એમજ જેવુ રાગિણી ની સ્કેચબુકમાં હતું. ધડકતા હૈયે અને ધ્રુજતા હાથે તેણે ઉપરનું બોક્ષ ખોલ્યું અને તેની રાડ પડી ગઇ...

"વરૂણ.... "

ગોરા ગાલ પર જામેલા ધૂળના થર અને એની ઉપર સુકાઇ ગયેલા આંસુના રેલા... પાંપણની ધારે આંસુ સૂકાઈને બાજેલી ખરખર... અને ચહેરા પર સ્મિત... સમીરા વધુ કંઇ સમજે એ પહેલાં એ સ્મિતમાં વંકાયેલા હોઠ વચ્ચેથી શબ્દ સર્યો,

"મમ્મા... "

અને સમીરા એ અધિરાઇથી એ બોક્ષનું પૂંઠુ ફાડવા માંડ્યું. વરૂણ તેમાં પલાંઠીભેર બેઠો હતો તે પણ કૂદકો મારી ઉભો થઇ ગયો. સમીરા તેને તેડીને નીચે બેસી પડી. તેની આંખમાંથી આંસુ સૂકાતા નહોતા. બધાંજ સ્તબ્ધ બની આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સમીરા એ સાઈડમાં ઉભેલી રાગિણી તરફ જોઇ આંખોથીજ આભાર માન્યો.

"આર યુ ઓકે? "

ઈં. પટેલે ફરી પૂછ્યું અને વિશાલે જોરથી હકારમાં માથું હલાવ્યું. હજુ તે બોલવાની સ્થિતિમાં નહોતો, પણ ધીરે ધીરે તેના શ્વાસ નોર્મલ થઈ રહ્યા હતા.

"સો, મિ. વિશાલ, તમે આવી રીતે ક્યાંથી....??? અને તમારો પીછો કોણ કરતુ હતુ? તમે ઓળખો છો એમને? કોઇ પર શંકા? "

વિશાલે એક હાથ છાતી પર દબાવ્યો અને બીજા હાથમાં રહેલી બોટલમાંથી વધુ એક ઘુંટ પાણી પીધું. સમીરા હજુપણ રાગિણી સામે જ જોઇ રહી હતી... આભાર, સંકોચ, ક્ષોભ...કેટલીય લાગણીઓ એકસાથે ઉમટી હતી! રાગિણી કેયૂર નો હાથ પકડીને ઉભી હતી. તેના ચહેરા પર સંતોષ ભર્યું સ્મિત હતું. સતત વોમિટીંગના કારણે તેને ખૂબ નબળાઇ આવી ગઇ હતી. અચાનક કેયૂરે રાગિણી ના હાથની પકડ ઢીલી પડતી અનુભવી. તેણે તરત રાગિણી તરફ જોયું, તો રાગિણી તેનું બેલેન્સ ગુમાવી રહી હતી. કેયૂરે તેને ઝીલી લીધી. નટુકાકા અને વિશાલ ના મમ્મી તરતજ કેયૂર ની મદદે આવ્યા. તેમણે રાગિણી ને ગાડી ની પાછલી સીટમાં સુવડાવી દીધી. રાગિણી બેહોશ થઈ ગઈ હતી...

***
ખડીંગ.....

સન્નાટાને ચીરતો ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો અને એના પર દાદાની ત્રાડ હાવી થઇ ગઇ. એકસાથે બે ગાળ દાદાના મોઢેથી નીકળી ગઇ. બધા સ્તબ્ધ થઈ ગયા. તેમણે કદાચ પહેલી વાર દાદાના મોઢે અપશબ્દો સાંભળ્યા હતા!

"ફુલ પ્રૂફ પ્લાન હતો. પેલી ....... સમીરા ના કારણે ગાબડું પડી ગયું... "

વરૂણ પણ દાદાનું આ રૂપ જોઈ મનોમન ગભરાઈ ગયો હતો, પણ ચહેરા પર દેખાવા નહોતો દેતો.

"કેટલુ પરફેક્ટ વિચાર્યું હતું... મારા માણસો સમીરા ના છોકરાને કીડનેપ કરે... વરૂણ એને બચાવીને ફરી સમીરા ની લાઇફ માં એન્ટ્રી મારે... સમીરા થ્રુ રાગિણી સુધી પહોંચે... અને એકવાર રાગિણી કંટ્રોલમાં આવે એટલે મેકવાન પણ ઓટોમેટિક કંટ્રોલમાં... પણ.. સમીરા...."

દાદા ના અવાજ માં ભારોભાર ખુન્નસ ભરેલુ હતું. એમાંય જે રીતે દાંત ભીંચીને સમીરાનું નામ બોલતા હતા, જો સમીરા નજર સામે હોત તો કદાચ દાદાએ એનું ગળું દબાવી દીધું હોત!

"એક તો પહેલાં મુંબઈ થી ગાયબ થઈ ગઈ. માંડ માંડ ભાળ મળી, તો પણ છેલ્લી ઘડીએ વિશાલ કાંડ કરી ગયો. અને પોલીસ.... ત્યા પહોંચી કેવી રીતે? "

***

"સર, ત્યાં... પેલી બાજુ મોટી હવેલી ના ભોંયરામાં... "

થોડી હાંફ ઓછી થઇ એટલે વિશાલે બોલવાનું શરૂ કર્યું. હજુ પણ તેનો અવાજ ભારે જણાતો હતો. ત્રુટક ત્રુટક તેણે જે જણાવ્યું એ પરથી ઈં. પટેલ ને ખ્યાલ આવી ગયો કે તે નાનુભા ની હવેલી વિશે જ કહી રહ્યો છે. એ હવેલી વર્ષોથી બંધ પડી હતી અને હવેતો પડી કા પડશે જેવી હાલત હતી. ઈં. પટેલ વિશાલ ને સાથે લઇ ઘટનાસ્થળ તરફ રવાના થયા, તો બીજી બાજુ રાગિણી બેહોશ થઇ જતા બાકી બધા સુરત શહેર તરફ રવાના થયા. કેયૂર ની ચિંતા વધી રહી હતી. તે ઝડપથી કોઈ સારા ડોક્ટર પાસે રાગિણી ને લઇ જવા ઈચ્છતો હતો, પણ સુરત તેની માટે અજાણ્યું હતું.

"ડોન્ટ વરી. આપણે મારા ઘરે જઇએ. હું ડોક્ટર ને કોલ કરી દઉં છું. એ ઘરે આવીને ચેક અપ કરી જશે. "

વિશાલ ના પપ્પા - નવિનભાઇએ ધરપત આપી અને બંને ગાડી વિશાલ ના ઘર તરફ ઉપડી. નટુકાકા થી કેયૂર નો અજંપો અછતો નહોતો... તે પોતે પણ રાગિણી માટે ચિંતિત હતા. બનતી ઝડપે વિશાલના ઘરે પહોંચી રાગિણી ને ગેસ્ટરૂમમાં સુવડાવી. એટલી વારમાં ડોક્ટર પણ આવી ગયા. તેમણે રાગિણી ને તપાસી. તેનુ બીપી અત્યારે એકદમ ઘટી ગયું હતું. ડોક્ટરે એક ઇંજેક્શન આપ્યું અને ઘરેજ ગ્લુકોઝ ની બોટલ ચડાવવાની વ્યવસ્થા કરી આપી.

ડોક્ટરે વાતવાતમાં નવિન ભાઇ પાસે રાગિણી વિશે માહિતી મેળવી લીધી હતી. બધુ સેટ થયા પછી તેમણે કેયૂર નો ખભો થાબડ્યો.

"કોન્ગ્રેટ્સ યંગમેન. શી ઈઝ એક્ષ્પેક્ટીંગ. "

રાગિણી નો હાથ પકડી તેની બાજુમાં બેસી રહેલો કેયૂર એકદમ ઉભો થઇ ગયો.

"યુ મીન... શી ઈઝ... રીયલી... "

કેયૂર ના ચહેરા પર ચિંતા નુ સ્થાન ખુશીએ લઇ લીધુ હતું. શું બોલવુ... કેવી રીતે રિએક્ટ કરવુ... તેને કશું સમજાતું નહોતું. આનંદ નો અતિરેક કોને કહેવાય તે આજે પહેલી વાર અનુભવ્યું. તેણે રાગિણી નો હાથ ચૂમી લીધો. રાગિણી હજુ બેહોશ જ હતી. તે મનોમન રાગિણી ને આ ખુશખબર આપવા માટે ની યુનિક રીત વિચારવા માંડ્યો.

***

"હા, સર. અહિયા જ. હું વરૂણ ને બીચ પર લઇ ગયો હતો. ચાલતા ચાલતા થોડા દૂર નીકળી ગયા. દીવાદાંડી બાજુ છેક છેડે... ત્યા નાનો એવો જંગલ જેવો એરિયા છે. વરૂણ ને ત્યાં રમવુ બહુ ગમે છે. અચાનક મારા માથે પાછળથી વાર થયો અને મને આંખે અંધારા આવી ગયા. મેં જોયું તો કેટલાક લોકો વરૂણ ને ઉપાડી જતા હતા... હું તેમની પાછળ પડ્યો, તેમની સાથે થોડી હાથાપાઇ થઈ... પછી એ લોકોએ મને પણ બંધક બનાવી દીધો. "

વિશાલ ની વાત સાંભળતા સાંભળતા ઈં. પટેલ નાનુભા ની હવેલી સુધી પહોંચી ગયા હતા.પણ તેમના આશ્ચર્ય વચ્ચે ત્યા કોઈ નહોતું... કોઇના અહી હોવાની કોઈ નિશાની પણ નહોતી... ઈં. પટેલ વિશાલ સાથે દરવાજે ઉભા રહ્યા અને બંને કોન્સ્ટેબલ ને હવેલીની તલાશી લેવા મોકલ્યા..

"હા, તો મિ. વિશાલ, પછી શું થયું? "