Khel - 16 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-16

શાંત વાતાવરણ હતું. નદીમાં વહેતા પાણીનો આછેરો અવાજ અને ક્યાંક વ્રુક્ષોમાં બોલતા પક્ષીઓના અવાજ સિવાય કોઈ અવાજ હવે આવતો ન હતો. મુબઈ કરતા વડોદરામાં ઠંડી વધારે હતી. તેમાય નદી કિનારે તો ખુલ્લી હવામાં માણસ ધ્રુજવા લાગે તેવી ઠંડક હતી. તેમાં કમર ઉપર ગનની નળી અડી છે એ જાણી તેના પગમાં આછી ધ્રુજારી આવી ગઈ પણ તે હવે હિમત હારી શકે તેમ ન હતી. મન ઉપર ડર ઉપર કાબુ મેળવી એ સેકન્ડોમાં સ્વસ્થ થઇ ગઈ.

"જી બોસ, લઈ આવું છું." પેલા અજાણ્યા માણસે વાક્ય પૂરું કરી ફોન કટ કરવા બટન દબાવ્યું. તે હિન્દીમાં વાત કરતો હતો. શ્રીએ બંને હાથ જેકેટના પોકેટમાં ગોઠવ્યા.

"મુવ...." પેલાએ કહ્યું ત્યારે શ્રી જાણે એની જ રાહ જોતી હોય એમ તરત પલટી. ફરીને જોયું તો સામે એક છ ફૂટનો પાતળો માણસ હાથમાં ગન લઈને ઉભો હતો.

જાણે કઈ બન્યું જ ન હોય એમ શ્રી આરામથી ખિસ્સામાં હાથ નાખી ઉભી રહી. પેલા માણસે ગન જાણે માત્ર ડરાવવા માટે જ બતાવી હોય એમ પાછી જિન્સની ગરડલમાં ખોસી દીધી. એની પાસે ગન હતી એટલે એ કોણ હશે એ તો અંદાજ શ્રીને આવી જ ગયો હતો.

"કોણ છે તું?" શ્રી એ જરાય ગભરાયા વિના પૂછ્યું.

"હું કોણ છું એ મહત્વનું નથી, અત્યારે જો તારે જીવતા રહેવું હોય તો મારી સાથે ચાલ." રોડ ઉપર પાર્ક કરેલી ગાડીની સાઈડ લાઈટ ચમકતી હતી એ તરફ ઈશારો કરી તેણે ઉમેર્યું, "ચૂપચાપ મારી સાથે પેલી ગાડીએ પહોંચવાનું છું." ચહેરા ઉપર કોઈ ભાવ ન આવે એ રીતે બોલતો હતો એ માણસ. એ જોઈ શ્રી સમજી ગઈ કે આ માણસ પહેલીવાર આ કામ નથી કરતો, એનું કામ જ કઇક આ પ્રકારનું હશે.

શ્રી વિચારતી હતી ત્યાં ફરી પેલા માણસનો ફોન રણક્યો, અને એ મોકો શ્રી ચૂકવા નહોતી માંગતી. જેવો ફોન લેવા પેલાએ હાથ ખિસ્સામાં નાખ્યો કે શ્રીએ જેકેટના ખિસ્સામાં મુકેલ પેલું સ્ક્રુ ડ્રાઇવર એની ગરદનમાં ઉતારી દીધું. અણધાર્યા હુમલાથી પેલો કોઈ ડિફેન્સ સ્ટેપ લઈ શક્યો નહિ. એક મામુલી છોકરી આ રીતે ગન બતાવ્યા પછી હુમલો કરશે એવી એને કલ્પના પણ નઈ હોય.

સ્ક્રુ ડ્રાઇવર એની ગરદનમાં ઊંડા સુધી ઉતરી અને બહાર નીકળી ગયો હતો. દડદડ કરતું લોહી વહેવા લાગ્યું. બધું એક બે પળમાં બની ગયું હતું. પેલો એક હાથ ઘા ઉપર મૂકી બીજો હાથ ગન લેવા પાછળ કરતો હતો ત્યાં શ્રીએ એને લાત ઠોકી અને પેલો બેવડો વળીને જમીન ઉપર પટકાયો. શ્રીએ બધી તૈયારી કરી જ લીધી હોય એમ તરત પેલા ઉપર ઝાપટ મારી અને જીન્સમાં ખોસેલી ગન લઈ લીધી.

બે હાથથી ગન પકડી તે બરાડી, "બોલ કોણ છે તું? મને ક્યાં લઈ જવા આવ્યો હતો? તને કોણે મુક્યો?"

પેલો પડ્યો પડ્યો શ્રીને ગાળો દેવા લાગ્યો. એક મામુલી છોકરીએ પોતાને ખરાબ રીતે હરાવ્યો હતો એની શરમ અનુભવતો હોય કે ખુદ ઉપર ગુસ્સે થયો હોય એમ એ ઉભો થવા મથવા લાગ્યો.

શ્રીને લાગ્યું આ ખુન્ન્સે ભરાયેલો જો ઉભો થઇ ગયો તો મરણીયો બનીને મને મારી નાખશે. તેણે ગન બરાબર એના તરફ તાકી અને ઘોડો દબાવ્યો પણ દબાયો નહિ. તેણીએ આમ તેમ નજર કરી. ઘોર અંધારું હતું, પેલો ઉભો થાય તો અહીં એ બચી શકે એમ નહોતી, પહેલા તો કદાચ એ કિડનેપ જ કરોત પણ હવે તો એ અહીં જ એને મારી નાખશે એ વાત શ્રી જાણી ગઈ હોય એમ ગન જોવા લાગી. ઉપર સેફટી કેચ દેખાઈ, ફિલ્મોમાં જોયેલું એ મુજબ કેચ હટાવી ત્યાં પેલો ઉભો થઈ ગયો હતો, એના હાથમાં ખૂનવાળું પેલું સ્ક્રુ ડ્રાઇવર હતું, ગન બરાબર તાકેલી જ હતી પેલો દાંત ભીંસતો શ્રી નજીક આવતો હતો અને શ્રીએ બે ડગલા પાછળ ખસતા ફરી એકવાર ઘોડો દબાવી દીધો.

શાંત જગ્યાએ નદી કિનારે એક ધડાકો થયો, આજુબાજુના વૃક્ષોમાં સુતેલ પક્ષીઓ ઉડયા અને પેલો છ ફૂટનો માણસ પોતાની જ ગનની બુલેટ છાતીમાં ઉતરી જતા ઢગલો થઈને જમીન ઉપર પડ્યો.

ધ્રુજતા પગે શ્રી એની નજીક ગઈ. કોલરથી પકડી પેલાને સીધો કર્યો ત્યાં શ્રીની આંખો ફાટી ગઈ. આ મેં શુ કર્યું? ખૂન......? ખૂન કરી નાખ્યું મેં? હાથમાં રહેલી ગન ધ્રુજવા લાગી, શ્રી ધ્રુજવા લાગી. હાંફળી ફાફળી થઈ આમ તેમ જોવા લાગી.

હવે હું જેલમાં મરીશ. આ માણસ કોણ હશે? પોલીસ ગમે ત્યારે આવશે, મારા હાથમાં ગન, સામે લાશ. તેનું મગજ શુન પડી ગયું. હાથમાં રહેલી ગન સામે એ તાકી રહી, ઘડીક પેલી અજાણી વ્યક્તિની લાશ તરફ એની નજર જતી હતી. એકાએક મનમાં વિચાર આવ્યો? આ બધામાં મારો શુ દોષ? મેં એને શોખથી નથી માર્યો, આ... આ ગન મારી નથી, એણે જ મને બાનમાં લીધી હતી, હું હું નિર્દોષ છું. કિડનેપ કર્યા પછી એ માણસ મારી સાથે શુ કરત એ કોને ખબર? કદાચ મારુ ખૂન? કે પછી એનાથી કઈક ભયાનક..... કોઈ ફિલ્મમાં આવું દ્રશ્ય જોવું અને વાસ્તવિક જીવનમાં આવી ઘટના ઘટવી એમાં કેટલો ફેર હતો? હાથ પગ ધ્રુજવા લાગે, મન બહેર મારી જાય.

પણ મેં ક્યાં એને માર્યો છે? મેં માત્ર મારું રક્ષણ કર્યું છે. મેં એના ઉપર વાર કર્યો છે તો ગન બતાવી એક છોકરીને કિડનેપ કરવી એ વળી કયાની બહાદુરી છે?

એકાએક ફરી શ્રીને જુસ્સો આવ્યો. પાછળ નજર કરી નદી હતી, વહેતુ પાણી, આગળ લાશ, હાથમાં ગન. મનમાં પ્લાન ઘડાવા લાગ્યો.

તેણીએ ગન બાજુમાં મૂકી લાશ ઘસડીને નદી તરફ લઈ જવા લાગી. છેક વહેણ સુધી લાશ લઇ જઇ પછી ધક્કો મારી પાણીમાં લાશ ફેંકી દીધી. જોત જોતામાં લાશ ગાયબ થઈ ગઈ. પાણી વધારે હતું. કદાચ લાશ ડૂબી ગઈ હશે, કદાચ તણાઈ ગઈ હશે? જે થયું હોય તે હવે આ ગન અને સ્ક્રુ ડ્રાઇવર ફેંકી દઉં એટલે બધા સબૂત નાશ.

તરત પાછી ફરી શ્રીએ પેલી ગન અને સ્ક્રુ ડ્રાઇવર ઉઠાવી પાણીમાં ફેંકી દીધા. મારે હવે અહીંથી નીકળવું જોઈએ. કોઈ આવશે તો પકડાઈ જઈશ. તેના મનમાં તુફાનની વેગે વિચારો આવવા લાગ્યા અને બોડી એનું રીએક્શન પણ તેવી જ ઝડપે આપવા લાગી. ઝડપથી તે રોડ તરફ જવા લાગી. ફરી કઈક યાદ આવ્યું હોય એમ ઉભી રહી ગઈ. નિશાન... ખૂન... સ્ક્રુ ડ્રાઇવર નીકળતી વખતે એનું ખૂન જમીન ઉપર... ઝડપથી મનમાં વિચાર ફરી વળ્યા. તે પાછી ફરી.

મોબાઈલ નીકાળી ટોર્ચ લાઈટ કરી, પેલી લાશ થોડીવાર પહેલા જ્યાં હતી ત્યાં જોયું. ખાસ્સું એવું ખૂન ત્યાં જમીન ઉપર હતું. રેતી લાલ થઈ ગઈ હતી. પેલા માણસનો મોબાઈલ પણ ત્યાં પડ્યો હતો. મોબાઈલ ઉઠાવી પાણીમાં ફેંકી દીધો. એ તેની ભૂલ હતી. જો મોબાઈલ પોતાની પાસે રાખીને એ માણસ કોણ હશે તેની તપાસ કરી હોત તો આગળની પળોજણમાં તેને પડવાનું બનોત જ નહિ. પણ શ્રી કોઈ ગુનેગાર ન હતી. એક સામાન્ય છોકરીના હાથે ખૂન થાય ત્યારે તેની વિચાર શક્તિ કામ ન કરે તે સ્વભાવિક હતું.

તો આ લોહી છેક નદી સુધી હશે. શ્રી પગથી લોહી ઉપર રેતી નાખવા લાગી. જ્યાં જ્યાં લાશ ઘસડાઈ હતી ત્યાં બધે જ પગથી નિશાન નાબૂદ કરી દીધા.

“કમોન મુવ નાઉ....” અંદરથી એક અવાજ આવ્યો. તે ઝડપથી રોડ તરફ જવા લાગી. ફિલ્મોમાં છોકરીઓને ખૂન કરતા જોઈ હતી અને આજે પરિસ્થિતિમાં ઘણો ફેર હતો.

રોડ સુધી પહોંચી ત્યાં સુધીમાં કેટલાય વિચાર મનમાં આવીને વહી ગયા. અર્જુનનો પ્રેમ ક્યાંથી ક્યાં લઈ આવ્યો. કે પછી આ બધું મારુ નસીબ હતું? જન્મથી હું એકલી હતી એક અર્જુન મળ્યો એ પણ ખોટો.... ઝાકળ જેવો..... કાશ! એ ન મળ્યો હોત! મેં કોઈને પ્રેમ જ શુ કામ કર્યો? આમ પણ મારું કોણ હતું? મારે એકલા જ રહેવાનું હશે? મારા નસીબમાં કુદરતે જ એકલા રહેવું લખ્યું હતું તો પછી મારા પ્રયત્નો શુ કામ આવે? તેના મનમાં તુફાન મચ્યું.

કેટલીયે વાર રોડ ઉપર એ ચાલી, કેટલીયે ટેક્સી એની પાસેથી પસાર થઈ ગઈ. આખરે રોડ બે રસ્તામાં વહેંચાતો હતો ત્યાં આવી એ ઉભી રહી ગઈ. સામે હોટેલોના બોર્ડ વંચાતા હતા. કઈ હોટેલ સારી હશે? હું ક્યાં રોકાવ?

બે ત્રણ બોર્ડ વાંચી એ એક હોટેલમાં ગઈ. કાઉન્ટર ઉપર પહોંચી ત્યાં બેઠેલો રિસેપ્સનિસ્ટ રોજનો પ્રશ્ન પૂછવા ઉભો થયો.

"જી મેડમ, આપની શુ સેવા કરી શકું?"

આ હોટેલના લોકો પણ કેવા મશીન જેવા હોય છે? બસ એકના એક વાક્યો ગોખીને બોલે છે. કોઈની તબિયત કે હાલ પણ ક્યારેક પૂછી લેતા હોય તો?

"જી મેડમ....." પેલો ફરી બોલ્યો ત્યારે શ્રીને થયું જેના ઉપર વિશ્વાસ કર્યો એ અર્જુન મારા હાલ જાણવા નથી માંગતો તો આ અજાણ્યો માણસ મને શું કામ પૂછે?

"રૂમ મળશે?"

પેલાએ શ્રી તરફ જોયું. ઉપરથી નીચે સુધી એના ઉપર નજર કરી.

"જી મેડમ બીજું કોણ છે?" આમ તેમ નજર કરી રિસેપ્સનિસ્ટ ફરી બોલ્યો.

"હું એકલી જ છું."

કોઈ છોકરી આ સમયે હોટેલમાં રુમ લેવા આવે ખરી? એ પણ એકલી? કોઈ ધંધાવાળી હશે. લાવ એને એના કામની હોટેલમાં મૂકી દઉં, શ્રી વિશે કલ્પના કરી એણે કહ્યું, "મેડમ, અહીં તો તમને રૂમ નહિ મળે."

શ્રી એની વાત પરથી કઈ સમજી નહિ. એને એવો કોઈ અનુભવ નહોતો થયો. એને લાગ્યું જરૂર અહીં જગ્યા નહિ હોય. હોટેલના બધા રૂમ બુક હશે.

"થેંક્યું." કહી એ ફરી દરવાજા તરફ જવા લાગી ત્યાં રિસેપ્સનિસ્ટનો અવાજ સંભળાયો.

"એક મિનિટ મેડમ, તમને હોટેલ સ્ટોનમાં રૂમ મળી જશે, તમને જે જોઈએ એ બધું જ."

રાતના સમયે હોટેલ મળી જશે એ જાણી શ્રીને રિસેપ્સનિસ્ટનું પાછળનું વાક્ય ધ્યાનમાં આવ્યું જ નહીં. તે બે ડગલા નજીક આવીને બોલી.

"જી એ ક્યાં છે?" આતુરતાથી શ્રીએ પૂછ્યું ત્યારે પેલાંનો વહેમ પાક્કો થઈ ગયો હોય એમ કોરા કાગળ ઉપર સરનામું લખીને આપી દીધું.

"થેંક્યું સો મચ...." સરનામાવાળી કાપલી લઈ શ્રી બહાર નીકળી ગઈ. હોટેલ આગળ જ ટેક્સી પડી હતી. ડ્રાઇવર બધા ગ્રાહકોની રાહ જોતા જ બેઠા હોય એમ એક યુવાન આગળ આવી બોલ્યો, "મેડમ ક્યાં જવું છે?"

શ્રી એ પેલી સરનામાવાળી કાપલી એના હાથમાં આપી, "અહીં."

સરનામું વાંચી ઘડીભર ડ્રાઇવર તેને તાકી રહ્યો. આમ તો મુંબઈની સડકો ઉપર ઘણાં લોકો શ્રીની સુંદરતાને જોયા કરતા પણ આ રીતે કોઈ તાકી રહે એ જરાક નવાઈ ભર્યું લાગ્યું.

"શુ થયું ભાઈ સાબ?" શ્રી એ ચપટી વગાડી પૂછ્યું.

"ક... કઈ નહિ મેડમ, ચલો." કહી પેલો પોતાની ટેક્સી તરફ એને દોરી ગયો. શ્રી ટેક્સીમાં બેઠી એટલે પેલાએ મોકો જોઈ કહ્યું, "મેડમ સો રૂપિયા ભાડું લાગશે."

શ્રી કઈ બોલી નહિ એટલે પેલો મુક સંમતિ સમજી ગયો હોય એમ ટેક્સી દોડાવવા લાવ્યો. લગભગ દસેક મિનિટ પછી ટેક્સી હોટેલ સ્ટોન આગળ ઉભી રહી. શ્રીએ સોની નોટ ડ્રાઇવરની બાજુવાળી સીટ ઉપર ફેંકી અને ઉતરી ગઈ. ઘડીભર તો થયું કે આટલા અંતરમાં સો રૂપિયા? ખેર જવાદે હમણાં સમય સારો નથી. અજાણી જોઈને ભાડું બમણું લીધું હશે.

તે હોટેલમાં ગઈ. ફરી કાઉન્ટર ઉપર એ જ ગોખેલા વાક્યો સાંભળી એના જવાબ આપી બીજા માળે એક રૂમ મળી. રૂમમાં જતા જ તે બેડ ઉપર આડી થઈ ગઈ. આખા દિવસના થાકના લીધે શરીર જાણે જકડાઈ ગયું હતું. ક્યાં ઓફિસનું કામ અને ક્યાં આ હાલ? તેનાથી અનિચ્છાએ જ હસી લેવાયું, પોતાના કિસ્મત ઉપર.

આ શહેર કેવું હશે? હું ક્યાં રહીશ? મને કોઈ નોકરી મળશે ખરા? આ પૈસા કેટલા દિવસ ચાલશે? એકાએક પૈસા યાદ આવતા વધેલા પૈસા નીકાળી ગણ્યા, વધારે દિવસ ચાલે એટલા પૈસા નથી, હવે શું કરીશ? પણ આ શહેર ક્યાં મોટું છે? અહીં તો બધું સસ્તું જ છે ને, આ હોટેલમાં રાત રોકાવાના ખાલી પાંચસો રૂપિયા જ છે. આ ક્યાં મુંબઈ છે અહીં તો બધું સસ્તું છે સિવાય કે પેલા ટેક્સી ડ્રાઇવરનું ભાડુ.

શ્રી એ આંખો બંધ કરી, અને વિચારોમાં જ એની આંખ મળી ગઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED