સપના અળવીતરાં - ૪૯ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૪૯

આમ જુઓ તો રાગિણી સૂઈ ગઈ હતી, પણ તેનુ શરીર હજુ પણ ખેંચાયેલુ હતુ. તેના ચહેરા પર એકસાથે અનેક ભાવ ની અવરજવર ચાલુ હતી. ઘડીકમાં એનો ચહેરો એકદમ ખેંચાઇ જતો તો ઘડીકમાં હોઠ એકદમ બીડાઇ જતા. રાગિણી ના માથાને પોતાના ખભા પર ટેકવીને એ હાથ કેયૂરે રાગિણી ની ગરદનની પાછળ થી તેના બીજા ખભે રાખ્યો હતો. રાગિણી નો હાથ કેયૂર ના પગ પર હતો. થોડી થોડી વારે એ હાથની મુઠ્ઠી ભીંસાઇ જતી હતી. એક બે વાર તો રાગિણી ના લાંબા નખ પેન્ટના કપડાને પાર કરી કેયૂર ના સાથળ સુધી પણ પહોંચી ગયા! કેયૂરે હળવેથી રાગિણી ની હથેળી નીચે પોતાની હથેળી સરકાવી. એ સાથે જ તેણે અનુભવ્યું કે રાગિણી ના ધબકારા ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે. અને ધીમે ધીમે એ ઝડપ વધી રહી છે...

રાગિણી ની આ કશ્મકશ કેયૂર ની સમજથી બહાર હતી. તે રાગિણી ની મદદ કરવા ઇચ્છતો હતો, પણ કઈ રીતે... તે સમજાતું નહોતું. નવસારી ક્રોસ થઈ ગયુ હતું. બસ, હવે સુરત વધારે દૂર નહોતુ. અચાનક રાગિણી ના શરીરમા એક ઝાટકો આવ્યો, તેની આંખ ખૂલી ગઇ અને તેણે નટુ કાકાનો ખભો થપથપાવવા માંડ્યો. નટુકાકા એ તરતજ ગાડી સાઈડ પર ઉભી રાખી, એ સાથેજ રાગિણી એ દરવાજો ખોલી નાંખ્યો અને ત્યાં બેઠા બેઠા જ મોઢું બહાર કાઢી વોમિટ કરી દીધી. વોમિટ ના ઉબકા સાથે જાણે તેના પાંસળા પણ ખેંચાતા હોય એવું લાગ્યું. એક... બે... ત્રણ... ઉબકા શમતા જ નહોતા અને દરેક ઉબકે વોમિટ નો ઢગલો થઇ જતો હતો. તેણે સવારથી કંઇ ખાધુ નહોતુ. બસ, કેયૂર સાથે એક ગ્લાસ ઓરેન્જ જ્યુસ પીધુ હતું. પણ... વોમિટ રોકાવાનુ નામ નહોતી લેતી!

અંતે વોમિટ બંધ થઇ... નબળાઈને કારણે તેનુ શરીર જાણેકે ઢગલો થઇ ગયુ! ખાસ્સી અડધી કલાક એમાંજ જતી રહી. તે ફરી ગાડીમાં સરખી બેઠી અને નટુકાકા ને ગાડી ચલાવવાનો ઇશારો કર્યો.

રાગિણી ની આ હાલત જોઈને કેયૂર ની સાથે સાથે શિંદે સર પણ ગભરાઈ ગયા. એકમાત્ર નટુકાકા સ્વસ્થ હતા. તેમણે પોકેટમાંથી લવિંગ કાઢી રાગિણી ને મોં માં રાખવા આપ્યા. રાગિણી એ પણ તેમની વાત માની લીધી. અત્યારે તે કોઈ દલીલબાજીમા સમય બગાડવા નહોતી ઇચ્છતી.

લવિંગ નો કીમિયો કામ કરી ગયો. રાગિણી ના ઉછાળા બેસી ગયા અને ગાડી પૂરપાટ ઝડપે દોડવા માંડી.

***

સુલ્તાનાબાદ પોલીસ સ્ટેશન... નાનું છતા જરૂરી બધીજ સુવિધાઓ થી સજ્જ...ડુમસ બીચ તેનીજ હદમાં આવતો હતો. એકસાથે બે ગાડી અહીં પહોંચી હતી. કામરેજમાં એન્ટર થતાં જ રાગિણી એ સમીરા ને કોલ કરી દીધો હતો. સમીરા ની સાથે વિશાલ ના પેરેન્ટ્સ પણ આવ્યા હતા. દરેકના ચહેરા પર અધિરાઇ હતી. સ્ટેશન ઇન ચાર્જ ઇન્સ્પેક્ટર પટેલે ઉભા થઇ તેમનુ સ્વાગત કર્યું. સબઇન્સ્પેક્ટર શિંદેએ પૂર્વભુમિકા પહેલેથી જ તૈયાર કરી દીધી હતી એટલે સીધાજ મુદ્દાની વાત પર આવી ગયા.

"સો, શિંદે, એક્ઝેક્ટલી વાત શું છે? તમે આમ સ્પેશિયલ પરમિશન સાથે આ કેસમા જોઇન થયા છો.. ધેર મસ્ટ બી સમથીંગ સ્પેશિયલ. "

અને શિંદેએ ટુંકમાં બધી વિગતો જણાવી દીધી. સાથે રાગિણી ની સ્કેચબુક પણ દેખાડી. થોડી વાર માટે તો ઇં. પટેલ વિચારમાં પડી ગયા. તેમની નજર સ્કેચબુક પર સ્થિર હતી અને કપાળે ત્રણ સળ ઉપસી આવી. પૂરી બે મિનિટ વિચાર્યા પછી પોતાના જ લમણે ટકોરા મારી શિંદે સામે જોયું.

"ડુ યુ રીયલી થિંક ધીઝ ઇઝ પોસિબલ? "

"વ્હોટ ડુ આઇ થિંક સિમ્પ્લી ડઝન્ટ મેટર. ઈનફેક્ટ મારે પણ એ જ ચેક કરવું છે. અને એટલે જ આઇ એમ હીયર. "

એ બંનેની વાતચીતમાં જે સમય પસાર થયો, એ પણ રાગિણી માટે અસહ્ય હતો. કારણકે ગાડીમાં જે ઝોકું ખાધું, એટલીવારમાં એણે એવું કંઈક જોયું હતું કે...

"સર, પ્લીઝ. તમે મારા સપના પર ભરોસો કરો કે ના કરો, એ તમારી ઉપર આધાર રાખે છે, પણ મહેરબાની કરી અત્યારે આ બધી ચર્ચા માં સમય ન વેડફો. એક એક મિનિટ અગત્યની છે. ઈટ ઈઝ ઓલરેડી નીયર ટુ ટ્વેન્ટી અવર્સ... પ્લીઝ... "

રાગિણી એ બહાવરી નજરે શિંદે અને પટેલ સામે જોયું પછી કંઇક સૂઝ્યુ હોય એમ પટેલ ના હાથમાંથી સ્કેચબુક ખેંચી લીધી અને ટેબલ પર પડેલી પેન લઇ ઝડપથી કંઇક દોરવા માંડી. તેના હાથ એકદમ ઝડપથી ફરતા હતા. ત્યા હાજર દરેકની નજર એ સ્કેચબુક પર ચોંટેલી હતી. રાગિણી હજુ આખરી ઓપ આપતી હતી ત્યાં જ કોન્સ્ટેબલ પરમાર બોલ્યો,

"અરે સાહેબ, આ તો... આ તો... પેલો જ કૂવો... ગયા વર્ષે એક છોકરો ડૂબી ગયો હતો તે... "

હવે પટેલે પણ ધ્યાનથી એ સ્કેચનું નિરીક્ષણ કર્યું. એક જર્જરીત કૂવો હતો. તેની બાજુમાં એક મોટો પથ્થર હતો. અને પથ્થર ની સાઈડમાં અડધો દરવાજો દેખાતો હતો...એ પણ ખસ્તા હાલતમાં...

"આ તો પેલી નાનુભા ની હવેલી નઈ? "

"હા સાહેબ. એ જ છે. "

કોન્સ્ટેબલ પરમારને પણ ઈં. પટેલ જેવોજ અણસાર આવ્યો હતો એટલે ઈં. પટેલ ના પ્રશ્ન માં તેણે તરતજ હામી ભરી દીધી.

"મેડમ, તમે આની પહેલા આ જગ્યાએ ક્યારેય ગયા છો?
"
ઈં. પટેલે આંખ ઝીણી કરીને પૂછ્યું. એટલે સમીરા એકદમ રઘવાઇ થઈ ગઈ.

"સર, રાગિણી સુરતમાં જ પહેલીવાર આવી છે, તો તેણે આ નાનુભા ની હવેલી જોઈ હોય તે અશક્ય છે. એન્ડ આઇ રિક્વેસ્ટ યુ, પ્લીઝ, તમારે જે કંઇ જાણવુ હોય તે રસ્તા માં પૂછી લેજો, પણ અત્યારે પ્લીઝ ડોન્ટ વેસ્ટ ટાઇમ... મારો વરૂણ... "

સમીરા ની આંખ છલકાઈ ગઈ.

"ઓકે. લેટ્સ મુવ. પરમાર, જીપ કાઢો. "

ઈં. પટેલ, કોન્સ્ટેબલ પરમાર અને કોન્સ્ટેબલ તમાકુવાળા પોલીસજીપમાં અગ્રેસર થયા અને બંને ગાડી તેમની પાછળ ચાલી. ધૂળિયા રસ્તે આખો કાફલો નાનુભા ની હવેલી તરફ રવાના થયો. જેમ જેમ હવેલી નજીક આવતી ગઈ, રાગિણી ને હથેળી માં એક અજીબ સંવેદનાનો અનુભવ થવા માંડ્યો. એકદમ વિચિત્ર સંવેદન... રાગિણી ને કશું સમજાતું નહોતું. એક તરફ મનમાં ઉચાટ હતો કે ક્યાંક મોડું ન થઇ જાય, તો બીજી તરફ પેટમાં લોચા વળવાના ચાલુ થઇ ગયા હતા. વોમિટીંગ બંધ કરવાની દવા પણ અસર નહોતી કરી રહી. એમાં પાછો આ હથેળી માં થતો ધમધમાટ... તેણે પગ પર કોણી ટેકવી હથેળી પર માથુ ટેકવ્યુ...

.... અને જાણે એક વિસ્ફોટ થયો! હથેળી ના સંવેદનો સીધા તેના આજ્ઞાચક્રમાં પ્રવેશી ગયા... તેની આંખો સામે એકદમ ઝળહળતો પ્રકાશ છવાઇ ગયો... આંખ અંજાઇ ગઇ... ધીમે ધીમે આંખ ટેવાઇ એ સાથે જ તેણે પોતાની જાતને એક વિશાળ રૂમમાં જોઈ. તેની નજર સામે હતો વરૂણ... એક ખૂણામાં લપાઇને બેસેલો... હાથ પગ બાંધેલા, આંસુથી ખરડાયેલો ચહેરો ... તે કદાચ કંઇક બોલતો હતો પણ રાગિણી ને સંભળાતુ નહોતુ...

એ સાથે જ રાગિણી એ ત્યાં મોટાપાયે હલચલ અનુભવી. તેને કશું સંભળાતુ નહોતુ. પ્રકાશનો અતિરેક તેની જોવાની ક્ષમતાને અડધી કરી દેતો હતો, છતાં જેટલુ દેખાયું એના પરથી એટલી તો ધરપત થઈ કે વરૂણ હજુ સલામત હતો!

અચાનક એક ઉબકો આવ્યો અને ચાલુ ગાડીએજ બારીમાંથી મોં બહાર કરી રાગિણી એ વોમિટ કરી લીધી. ગાડી થોડી ખરડાઇ ગઇ, પણ એની પરવા કરવાના હોંશ કોને હતા! થોડું હળવું થયું એટલે નબળાઇને કારણે રાગિણી એ ફરી લમણે હાથ મૂક્યો અને ફરી આંખ સામે પ્રકાશ છવાઇ ગયો...

ગાડી થોડે આગળ ચાલી એટલે અચાનક રાગિણી મોટેથી ચીસ પાડી ઉઠી...

"સ્ટોપ ધ કાર... સ્ટોપ... "

નટુકાકા એ એકદમ શોર્ટ બ્રેક મારી. કેયૂર અને શિંદે અચરજથી રાગિણી સામે જોઇ રહ્યા. રાગિણી ની આંખ બંધ હતી, આંસુ અવિરત વહી રહ્યા હતા, અને તેણે બારીની બહાર કશું દેખાડતી હોય એ રીતે આંગળી ચીંધેલી હતી. બધાએ એ બાજુ જોયુ તો ત્યાથી રેતી ઉડાડતું કોઈ દોડતું આવી રહ્યું હોય એવું લાગ્યું...