સપના અળવીતરાં - ૪૫

"કેવું લાગે છે? "

મેરેજ રજીસ્ટ્રાર ની ઓફિસમાં સહી કર્યા પછી, પરસ્પર હાર પહેરાવ્યા પછી, ઓફિશીયલ પતિ પત્ની બન્યા પછી, રાગિણી ના કલીગ્સ, ડો. બાટલીવાલા, રોશન આંટી અને આદિત્ય થી છુટા પડ્યા પછી, એજ દરિયાદેવની હાજરીમાં હાથમાં હાથ લઈ કેયૂરે કરેલા પ્રશ્ન ના ઉત્તરમાં રાગિણી મીઠું શરમાઇ ગઇ. તેણે કેયૂર ના જમણા ખભે માથું ટેકવ્યુ અને જમણો હાથ કેયૂર ની છાતી પર રાખી તેની ધડકનોને અનુભવતી ક્યાય સુધી એમજ ઉભી રહી એટલે કેયૂરે તેની હડપચી પકડી તેનો ચહેરો સીધો કર્યો, આંખમાં આંખ પરોવી ફરી એ જ સવાલ પૂછ્યો, 

"કેવું લાગે છે? "

ફરી રાગિણી એ નજર નીચે ઢાળી દીધી. એક નવોઢાને શોભે એવી શરમની સુરખી તેના ચહેરા પર છવાયેલી હતી. તેના ગાલ પર છેક કાન સુધી લાલિમા ફેલાયેલી હતી. ઝુકેલી નજર અને મરકતા હોઠે તેણે જવાબ આપ્યો, 

"ખૂબ સરસ... લાગે છે સ્વર્ગ મારી જિંદગીમાં ઉતરી આવ્યુ છે. "

બોલતા બોલતા લાગણીનો એટલો ઊછાળ આવ્યો કે મનોમન તેણે કેયૂર ને ભેટી પડવાની કલ્પના કરી લીધી! પણ, બાહ્ય વર્તનમાં તો બસ કેયૂર નો હાથ પોતાની બંને હથેળીઓ વચ્ચે દબાવી તે બોલી, 

"બસ, હવે જિંદગી પાસેથી બીજું કશું જ નથી જોઈતું. આ પળ... આ ક્ષણ અહીં જ રોકાઈ જાય... અને આપણુ આ સુખ સ્થિર થઇ જાય... બસ, આનાથી વધારે કંઈ જ નહી... "

કેયૂરે બીજા હાથે રાગિણી ના માથે હળવી ટપલી મારતા કહ્યું, 

"એવું તે કાંઈ ચાલતું હશે? કંઇ નથી જોઇતું... બોલો... લ્યો... અને મારે આપવું હોય તો?... "

કેયૂરે તેને ખેંચીને છાતી સરસી ચાંપી દીધી. તેની કમર ફરતે હાથ વીંટાળી મજબૂત પક્કડ બનાવી અને ધીમેથી એના કાનમાં કહ્યું, 

"અરે ગાંડી, મારે તો તને ખૂબ સુખ આપવું છે. દુઃખની ઝાંય પણ તારા સુધી ન પહોંચે... તું બસ ખુશીઓના સાગરમાં હિલોળા લે... "

અને રાગિણી એ પણ સંકોચ છોડી પોતાના બંને હાથ કેયૂર ફરતા વીંટાળી લીધા. પરસ્પર બથ ભરી બંને ક્યાંય સુધી એમજ ઉભા રહ્યા. આ સમાધિ હજુ લાંબી ચાલત, પણ કેયૂર નો મોબાઇલ રણક્યો અને રંગમાં ભંગ પડ્યો. 

અચાનક બંનેને અહેસાસ થયો કે અંધારૂ ઘણુ થઈ ગયુ છે. કેયૂરે જોયું તો કેદારભાઈ નો કોલ હતો. 

"હલો, ડેડ. "

"હલ્લો, માય બોય. "

કેદારભાઈ ના અવાજમાં ઉત્સાહ વર્તાતો હતો.

"હાઉ આર યુ, માય સન? અને રાગિણી કેમ છે? "

"મસ્ત, ડેડ. અમે બંને મજામાં છીએ. ડેડ, હું ઘરે જઈને વિડીયો કોલ કરૂ. "

"ઓકે ડિયર. વી ઓલ આર વેઇટિંગ ફોર યોર કોલ. "

"ઓકે, ડેડ. બાય ફોર નાઉ. સી યુ સુન. "

કોલ કટ કરી તેણે રાગિણી સામે જોયું. 

"જઈશું? "

રાગિણી એ બસ મસ્તક નમાવી મંજુરી આપી. એક હાથે તે ખાસ આજના પ્રસંગ માટે પહેરેલી સાડીનો પવનમાં ફરફરતો છેડો સંભાળવાની કોશિશ કરી રહી હતી તો બીજો હાથ કેયૂર ના હાથમાં જકડાયેલો હતો. આમજ હાથમાં હાથ રાખી બંને ગાડી સુધી પહોંચ્યા, પણ કેયૂરે હાથ ન છોડ્યો. રાગિણી મીઠું હસી બોલી, 

"હવે તો હાથ છોડવો પડશે... સાહેબજી... "

"ઉંહુ... એમ કાંઈ છોડવા માટે થોડો પકડ્યો છે? "

"અરે, પણ! ગાડીમાં કેવી રીતે બેસશો? "

"હમ્... એક શરતે... ગાડીમાં બેસીને પાછો હાથ મારા હાથમાં જોઈએ... " 

"અચ્છા... તો ગીયર કેવી રીતે બદલશો? "

"ધત્ તેરી કી... લાગે છે હવે બાઇક જ વાપરવું પડશે... "

"ધત્... "

બંને ખૂબ આનંદ મા હતા. આમજ મસ્તી મજાક કરતા ઘરે પહોંચ્યા એટલે કેયૂરે પહેલુ કામ કેદારભાઈ ને વિડિયો કોલ કરવાનુ કર્યું. 

"હાય ડેડ.. હાય મોમ... "

કેદારભાઈ અને કોકિલાબેનના ચહેરા હસુહસુ થતા હતા. છતા કોકિલાબેનના ચહેરા પર એક વસવસો દેખાઇ આવતો હતો... સગ્ગા દિકરાના લગનમાં ગેરહાજર રહેવાનો! કેટકેટલા સપના સેવ્યા હતા... બંને દિકરાઓને પરણાવવાના... જાન જોડવાના... પણ, સંજોગો સામે લાચાર હતા... અહિં કૌશલ ને છોડીને જઇ શકાય એમ નહોતુ, તો કેયૂર પણ એકલો મૂંઝાતો હતો. પોતે કેટલા સમયથી કૌશલ સાથે અમેરિકા આવી ગયા હતાં અને ત્યા કેયૂર એકલો હતો. તેને સંભાળવા માટે એક સ્ત્રી પાત્રની જરૂર હતી. એમણે જ સૂચન કર્યું હતું... કેયૂર અને રાગિણી ના કોર્ટ મેરેજ નુ... અને થોડી સમજાવટ પછી બધા માની પણ ગયા.. કૌશલે પણ ઘણો સાથ આપ્યો કેદારભાઈ અને કેયૂર ને સમજાવવામાં... 

કેયૂર તો માનતો જ નહોતો. એક જ વાત, કૌશલ સાજો થઇ ઘરે પરત ફરે પછી જ લગ્ન કરશે... જો કૌશલે જીદ ન કરી હોત, તો કદાચ... 

"હેય, મોમ, કેમ કાંઇ બોલતા નથી? "

કેયૂર નો સવાલ સાંભળી કેદારભાઈ સ્ક્રીન માંથી બહાર નીકળી ગયા. હવે આખી સ્ક્રીન પર કોકિલાબેનનો ચહેરો દેખાતો હતો. કેદારભાઈ મોબાઈલ કોકિલાબેન સામે ધરી થોડા પાછળ ખસ્યા કે જેથી કોકિલાબેન ના હાથની મૂવમેન્ટ આરામથી સ્ક્રીન પર જોઈ શકાય. કોકિલાબેને હાથના ઇશારા વડે વાતચીત ની શરૂઆત કરી. શરૂઆતમાં બે મિનિટ તો કેયૂર અને રાગિણી બંને સ્ક્રીન સામે રહ્યા, પણ પછી માત્ર ને માત્ર રાગિણી હતી... કોકિલાબેન સાંભળી શકતા હતા, પણ રાગિણી ને શું સૂઝ્યુ તે એ પણ કોકિલાબેન ની જેમ ઈશારાઓમાં જ વાત કરવા માંડી. કેદારભાઈ સંતોષ પૂર્વક સાસુ વહુને વાતો કરતા જોઈ રહ્યા. 

થોડી વાર થઇ એટલે કેદારભાઈ એ મોટેથી કહ્યું, 

"સૂઇ જા બેટા, કેયૂર... આ સાસુ વહુ ની વાતો તો આખી રાત ચાલશે તોય પૂરી નહી થાય. આપણે કાલે વાત કરી લઇશું.. "

અને બધા ખડખડાટ હસી પડ્યા. 

"વેરી ટ્રુ, ડેડ... "

કોલ હજુ ચાલુ જ હતો ત્યાં એક નર્સ દરવાજો નોક કરી અંદર આવી. કેદારભાઈ સામે જોઈ તેણે કહ્યું, 

"એક્સક્યુઝ મી સર. ડો. જોનાથન વોન્ટ્સ ટુ મીટ યુ... રાઇટ નાઉ. "

"યા, આઇ એમ કમિંગ. "

નર્સ ના ગયા પછી કેયૂરે તરતજ પૂછ્યું,

"શું થયું ડેડ? એનીથીંગ સિરીયસ? "

"ડોન્ટ નો, બેટા. હમણાં મળુ એટલે ખબર. "

"પ્લીઝ કોલ મી બેક ડેડ. જે પણ વાત થાય તે મને જણાવજો. "

"ડોન્ટ બોધર, ડીયર. હું છું ને અહીં, સંભાળી લઇશ. "

"પ્લીઝ ડેડ, આઇ ઇન્સિસ્ટ, તમે ડો. જોનાથન ને મળીને આવો, પછી મને કોલ કરશો... ભલે ઘડિયાળ માં ગમે એટલા વાગ્યા હોય... મારાથી સવાર સુધી રાહ નહી જોઈ શકાય... "

"ઓકે. બટ, આઇ નીડ ટુ ગો નાઉ. યુ પીપલ કેન કેરી ઓન વીથ યોર મધર... "

કેદારભાઈ નો હાસ્ય ફેલાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. વાતાવરણ અચાનક બોઝિલ બની ગયું. અને કોકિલાબેને કોલ કટ કરી નાંખ્યો. 


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Anisha Patel 1 અઠવાડિયા પહેલા

Verified icon

parash dhulia 2 અઠવાડિયા પહેલા

Verified icon

Purab Panchal 2 અઠવાડિયા પહેલા

Verified icon

Makwana Yogesh 1 માસ પહેલા

Verified icon

Sonal Jadeja 1 માસ પહેલા