સપના અળવીતરાં - ૪૪

કલબલ કલબલ કલબલ.... હોસ્પિટલનું નીરસ વાતાવરણ જાણે જીવંત થઈ ગયું. સૌથી વધારે અવાજ બિનીતાનો સંભળાતો હતો. ફેશન શો ની સફળતાનો કેફ હજુપણ તેની વાતોમાં વર્તાતો હતો. બધાની સામે આંખે દેખ્યો અહેવાલ એટલી મસ્તીથી રજૂ કરે જાણે ફેશન શો ની સક્સેસનું એકમાત્ર કારણ તે જ હોય! બાકી બધા પણ તેની આ માસુમિયતનો આનંદ ઉઠાવતા હતા. સહસા કેયૂરે તાળી પાડી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

"હે ગાય્ઝ, લીસન... આઉટસાઇડ ફૂડ ઈઝ નોટ અલાઉડ ઇન હોસ્પિટલ પ્રિમાઇસીસ... "

 "ઓ.... ઓ... "

બધાએ એક સાથે નિરાશા વ્યક્ત કરી. એમનો અવાજ શમ્યો એટલે ફરી કેયૂર નો અવાજ સંભળાયો. 

"બટ, બટ, બટ.... ધ ગુડ થીંગ ઇઝ... અહીંની કેન્ટીન નું ફૂડ બહુ જ સરસ છે. "

 "યે... એ... હ... "

બધા જાણે પ્રોફેશનલ મટી કોલેજ સ્ટુડન્ટ્સ બની ગયા હતા! કેદારભાઈ અને કોકિલાબેન તેમને જોઈ મલકતા હતા. આજ તો જરૂર હતી... થોડો હો - હલ્લો... થોડી ધમાલ મસ્તી... થોડી જીવંતતા નો અનુભવ... કદાચ કે.કે. પર અસર કરી જાય! એની જિજીવીષાને ઢંઢોળવી જરૂરી હતી... 

"બટ, બટ, બટ... "

કેયૂર જાણે બધાને રમાડી રહ્યો હોય એમ ફરી બોલ્યો, 

"કેન્ટીન ઇઝ ક્લોઝ્ડ નાઉ... "

 "ઓ... હ.... "

આખી ટીમ પણ કેયૂર ની મસ્તી માં આનંદ લેતી હોય એમ એકસાથે જુદા જુદા એક્સપ્રેશન આપતી રહી. 

"ઈટ વીલ બી ઓપન આફ્ટર હાફ એન અવર... ટીલ ધેટ... "

 "યે... એ.. એ... "

કેયૂર નો અવાજ બાકી બધાના અવાજમાં દબાઇ ગયો, એટલે જરાક પૌઝ લઇ તે ફરી બોલ્યો, 

"ટીલ ધેટ, આઇ હેવ અ સ્પેશ્યલ પ્લાન... "

હવે બધાજ આતુરતાથી કેયૂર સામે જોઇ રહ્યા. 

"રાગિણી... "

રાગિણી પોતાનુ નામ સાંભળી ચમકી. તે તો આવી ત્યારની કે. કે. ને જ ઓબ્ઝર્વ કરી રહી હતી. મનોમન તે કે. કે. સાથેની છેલ્લી મુલાકાત વાગોળતી હતી. ત્યારનો કે. કે. અને અત્યારનો કે. કે.! કેટલો ફરક છે બંનેમાં? બિમારીની અસર તો ત્યારે પણ વરતાતી હતી, પણ અત્યારે... ડો. જોનાથન ટ્રીટમેન્ટ મા કયા કાચા પડ્યા? સુધારો થવાને બદલે આ તો... 

રાગિણી પોતાના મન સાથેના દ્વન્દ્વ મા રત હતી ત્યા તેણે પોતાનુ નામ સાંભળ્યુ એટલે સ્હેજ ચમકી અને હોંકારો દીધો. હવે તેની નજર કે. કે. પરથી ખસીને કેયૂર પર સ્થિર થઈ ગઈ. કેયૂરના ચહેરા પર મીઠું સ્મિત હતુ. એક અલગ જ ચમક દેખાતી હતી. રૂમમાં જાણે પીનડ્રોપ સાઇલન્સ છવાઇ ગયુ. હવે કેયૂર શુ બોલશે, એ સાંભળવા બધાના કાન સરવા થઈ ગયા. 

"ડેડ, વીથ યોર પરમીશન... "

કેદારભાઈ એ સ્હેજ હકારમાં મસ્તક હલાવ્યુ. તે સમજી ગયા કેયૂર ના આગળના શબ્દો... 

કેયૂરે પોકેટમાંથી એક નાનકડી ડબ્બી કાઢી ને ડાબા હાથ ની હથેળી પર મૂકી. એ ડબ્બી લાલ વેલ્વેટ મઢેલી હાર્ટ શેઇપની હતી. એમાં એક બટન દબાવતા એ ખૂલી ગઇ, એ સાથે જ એમાંથી ધીમુ કર્ણમધુર સંગીત રેલાવા માંડ્યુ. એમાં બરાબર વચ્ચે એક મોટો ડાયમંડ ચમકી રહ્યો હતો. આ જોઈને બધાના ચહેરા પર ધીમે ધીમે આનંદ પ્રસરવા માંડ્યો. કદાચ, કેયૂર ના આગળના શબ્દો બોલાયા પહેલા જ સમજાય ગયા હતા. 

કેયૂરે સાચવીને એ હીરો બહાર કાઢ્યો. 

"ઓહ માય ગોશ! ધેટ્સ અ સોલીટેર રીંગ... વીથ સચ અ બીગ ડાયમંડ! "

બિનીતાનો કંટ્રોલ છૂટી ગયો. એ સોલીટેર ની ચમક બિનીતાની આંખોમાં પડઘાતી હતી. આ જોઇ મનન નો ચહેરો સ્હેજ ઝાંખો પડી ગયો. તેણે પોતાના પોકેટમાં રહેલ બોક્ષ પર એક અછડતો સ્પર્શ કરી લીધો, પણ તેની નજર બિનીતા પર સ્થિર થયેલી હતી. 

"રાગિણી, આ રીંગની શોભા વધારવાનું તને ગમશે? "

રાગિણી માટે આ તદ્દન અણધાર્યુ હતું. તે એકદમ સંકોચાઇ ગઇ. શું પ્રતિક્રિયા આપવી તે સમજાયુ નહીં. ત્યાં બધા એકસાથે બોલી પડ્યા...

"સે યસ... યસ... યસ... "

રાગિણી હજુપણ મુંઝવણમાં હતી. આ જોઈ બિનીતા એ હળવો ઠોસો મારી કાનમાં કહ્યું,

" તુ જાય છે કે હું જઉં? "

એક હલ્કી સ્મિત ની રેખા આવીને ઓઝલ થઇ ગઇ. તેણે વારાફરતી કેદારભાઈ અને કોકિલાબેન સામે જોયું. ત્યાં નર્યો આનંદ હતો. હવે તેની નજર કે. કે. ના ચહેરા પર સ્થિર થઈ. જાણે જામેલી લાગણીઓ ઓગળવા માંડી. અત્યાર સુધી સ્થિર રહેલા ચહેરા પર જાણે કેટલાય ભાવ આવીને વહી ગયા. તેણે આંખોના ઇશારે રાગિણી ને નજીક બોલાવી. રાગિણી એ તેના મોં પાસે કાન ધર્યો એટલે ક્ષીણ અવાજમાં એ શબ્દો સંભળાયા જેનાથી તે અંદરસુધી હલી ગઇ. 

"મારા પેરેન્ટ્સને તારા પેરેન્ટ્સ બનાવી દે... "

ઓહ, આટલી પીડામાં પણ મારી પીડા યાદ છે? આ.. આ તો મદદગાર... તેની વાતને કેમ ઠેલાય? રાગિણી ની જમણી આંખેથી એક આંસુ સરી કે. કે. ના ગાલ પર પડ્યું અને કોઇનીય જાણ બહાર કે. કે. ના આંસુ સાથે ભળી ગયું! 

રાગિણી એ હેતથી કે. કે. ના વાળ વગરના માથે હાથ ફેરવ્યો અને સંમતિ આપી દીધી. કે. કે. ના બેડ પાસે જ કેયૂરે રાગિણી ને રીંગ પહેરાવી અને બંને કેદારભાઈ ને પગે લાગ્યા. કેદારભાઈ એટલા ગદ્ ગદ્ થઈ ગયા કે કંઇ બોલી જ ન શક્યા. તેમણે બસ બંનેને છાતીસરસા ચાંપી દીધા. 

કોકિલાબેનના આનંદની કોઇ સીમા નહોતી. આજે કેટલા સમય પછી કોઈ સારો દિવસ ઉગ્યો હતો. તેનો આખો પરિવાર આનંદ માં હતો. તેમણે પણ બંનેને છાતીસરસા ચાંપી પોતાનો હરખ દર્શાવ્યો. બંધનમુક્ત થયા પછી રાગિણી ની હડપચી પર આંગળી ટેકવી તેના કપાળે ચૂમી ભરી પછી કેયૂર સામે જોઈ કેટલાક ઇશારા કર્યા. 

ઓહ, આ શું? રાગિણી નુ હૈયુ એક ધબકારો ચૂકી ગયું. આવા ઇશારા... આતો મૂકબધિર ની ભાષા... તો શું કેયૂર ના મમ્મી...!!! 

"રાગિણી, મોમ સેય્ઝ ધેટ... "

રાગિણી એ હાથ ઉંચો કરી કેયૂરને બોલતો અટકાવી દીધો. 

"મોમ એમનો આનંદ વ્યક્ત કરે છે. મારુ સુખ વાંછે છે અને પરિવારની ખુશી ઈચ્છે છે. "

"રાગિણી, હાઉ? "

બધાજ અચંબિત હતા. 

"આઇ નો ધીઝ લેન્ગ્વેજ... "

રાગિણી ના ચહેરા પર એક અલગ જ મુસ્કાન હતી. તેનું આવું રૂપ જોઇ કોકિલાબેન ફરી તેને ભેટી પડ્યા. એક અજબ હાશકારો અનુભવ્યો હતો તેમણે. 

"સો ફ્રેન્ડ્સ, લેટ્સ ગો ટુ ધ કેન્ટીન એન્ડ હેવ અ પાર્ટી... "

રાગિણી અને કેયૂર સહિત આખી પલટન રૂમમાંથી બહાર નીકળી ગઇ. કેદારભાઈ કોકિલાબેન ના ચહેરા પર છવાયેલો આનંદ જોઇ રાજી થયા. 

"કાશ, આદિ પણ રોકાઇ ગયો હોત! આઇ ટોલ્ડ હીમ કે કેયૂર આવે છે અને તે રાગિણી ને પ્રપોઝ કરવાનો છે. આવ્યો છું તો રોકાઇ જા. એક દિવસ ની તો વાત છે. પણ... "

કે. કે. એ સ્હેજ અવાજ કરી કેદારભાઈ નુ ધ્યાન ખેંચ્યું. કેદારભાઈ તેની નજીક ગયા એટલે તેણે ધીમેથી કહ્યું, 

"ટેલ ડો. જોનાથન ધેટ આઇ એમ રેડી... "

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Anisha Patel 2 માસ પહેલા

Verified icon

Megha Parag Mahajan 1 માસ પહેલા

Verified icon

પારૂલ ગાંધી 2 માસ પહેલા

Verified icon

Falguni Parikh 2 માસ પહેલા

Verified icon

Rujuta Bhatt 2 માસ પહેલા