સપના અળવીતરાં - ૩૮

"એ વરૂણ છે... સમીરા નો દીકરો.... તારો દીકરો... "

વરૂણ અનાયાસે જ એ માસુમ ચહેરા માં પોતાની ઝલક શોધવા મથી રહ્યો. ત્યા ફરી દાદાનો અવાજ સંભળાયો. 

"હા, તારો દીકરો. અને એ જ સબૂત છે કે સમીરા હજુ તને ભૂલી નથી. અથવા તો એમ સમજ કે એ તને ભૂલવા માંગતી જ નથી. એટલે તો દીકરા નુ નામ પણ એજ રાખ્યું... વરૂણ. "

અનાયાસે જ વરૂણ ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પાંપણ પટપટાવી વરૂણે એ ભીનાશ પાછી આંખમાંજ સમાવી દીધી. તેનુ મગજ હવે બમણા જોરથી વિચારવા માંડ્યું હતું. મારો ભુતકાળ મને જ જણાવી ને દાદા કરવા શું ઇચ્છે છે? એમ વિચારી તેણે હવે દાદા પાસેથી પૂરી માહિતી કઢાવવાનું નક્કી કર્યું. 

વરૂણના ચહેરા ની પ્રત્યેક રેખામાં થયેલ ઝીણામાં ઝીણો ફેરફાર નોંધી દાદાએ આગળ કહ્યું, 

"મારી પાસે એક પ્લાન છે. જો તું મને સહકાર આપે તો ઈનામમાં સમીરા તારી. સાથે પેલી ફટાકડી પણ... અને આ દાદા ની દોસ્તી પણ... "

વરૂણ વિસ્મયથી દાદા સામે તાકી રહ્યો. 

"વિચારી લે શાંતિ થી. પૂરી પાંચ મિનિટ છે તારી પાસે. "

ધીમે ધીમે દાદા ના અવાજમાં ધાર ભળવા માંડી. 

"પણ, વિચારતી વખતે એટલુ ધ્યાનમાં રાખજે કે તારી સામે દાદા છે... કિરણ નથી, કે જેને ઉથલાવી ને એની જગ્યાએ તુ ગોઠવાયો છે. " 

ધ્રૂજી ગયો વરૂણ! દાદાએતો તેની આખી કુંડળી કઢાવી લીધી હતી. 

***

કિરણ... હ્યુમન ટ્રાફિકિંગ માં મોટું માથું.  વરૂણ અને તેની આખી ટોળી કિરણ માટે જ તો કામ કરતા હતા... છોકરીઓને ફસાવવાનું! ભોળી છોકરીઓને પ્રેમજાળમા ફસાવી ઘરેથી ભગાડી જવી... અને પછી કિરણને સોંપી દેવી... અને કિરણ દ્વારા એ છોકરીઓની નીલામી થતી... દેશ-વિદેશ થી ખરીદદાર આવતા અને બોલી લગાવી છોકરીઓ ને લઇ જતા... 

હજુ મહિના પહેલાં જ વરૂણે તેની ટીમ સાથે મળીને એક મોટું કાંડ કર્યું હતું. જેની માટે કામ કરતા હતા એની જ સત્તા ઉલટાવી દીધી. પોતે કિરણની જગ્યા ટેક ઓવર કરી લીધી. અને એટલે જ, સત્તા પર આવ્યા પછી સિક્કો જમાવવો જરૂરી હતો. આથી અંધારી આલમ ના જુદા જુદા ક્ષેત્રોના  માંધાતાઓ સાથે તે સારા સંબંધો સ્થાપિત કરવાની પેરવીમાં હતો. તેની ગણતરી હતી કે જો દાદા તેના પક્ષે હશે, તો અંધારી આલમની અડધી દુનિયા તેના પક્ષે થઈ જશે. એટલેજ વીકી થ્રુ તેણે દાદાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પણ, દાદાનું ત્યારનું વર્તન અને અત્યારનું વર્તન... કંઇ ઘેડ બેસતી નહોતી. 

***

"ટાઇમ ઈઝ અપ. " 

દાદાએ વરૂણના ચહેરા સામે બે ચપટી વગાડી. 

"તો, શું નક્કી કર્યું? "

વરૂણની વિચારધારામાં બ્રેક પડી. તેણે સંમતિ સૂચક માથું હલાવ્યું એટલે દાદા એ કહ્યું, 

"તો સાંભળ મારો પ્લાન. "

એ પછી અડધા કલાક સુધી દાદાનો અવાજ સંભળાતો રહ્યો અને વરૂણ મનોમન દાદાની સ્ટ્રેટેજી તૈયાર કરવાની ઢબ પર મોહી ગયો. દાદા પાસે ઘણું શીખવા મળશે - તેણે વિચાર્યું અને દાદાના પ્લાન પર સંમતિ ની મહોર મારી. 

"સો, એવરીથીંગ ઇઝ ડીસાઇડેડ. ફર્સ્ટ સ્ટેપ મારા તરફથી લેવાશે અને ત્યારપછીની બાજી તારે સંભાળવી પડશે. "

"ડન. તો હવે હું જઈ શકું? "

"ના, તારે હજુ રોકાવું પડશે. "

દાદાના ચહેરા પર રહેલી ભેદી મુસ્કાન તરફ વરૂણ આશ્ચર્ય થી તાકી રહ્યો. 

"હમણા એમ્બ્યુલન્સ આવશે... તારા પંટરલોક માટે... "

વરૂણના ચહેરા પર વધુ ને વધુ આશ્ચર્ય છવાતું ગયું. 

"તને શું લાગ્યું? તારા પંટરીયા પોલીસ ના ડ્રેસમાં આગલી ગલીએ ઉભા હશે અને દાદાને ખબર નહી પડે? એ તો સારું છે કે તું હથિયાર વગર આવ્યો છે, એટલે અત્યાર સુધી દાદા સામે ટક્યો છે. "

ચક્કર આવી ગયા વરૂણને... ત્યા ફરી જોરથી દાદાનો અવાજ સંભળાયો, 

"પેક અપ... "

અને દસ જ મિનિટ માં ત્યાંથી ધાબાનું અસ્તિત્વ મટી ગયું. જાણે ત્યાં કશું હતું જ નહી! 

"દસ મિનિટ... બરાબર દસમી મિનિટે એમ્બ્યુલન્સ આવી જશે. "

દાદાએ વરૂણનો ગાલ થપથપાવ્યો અને આખો રસાલો ત્યાંથી નીકળી ગયો. થોડીવાર તો વરૂણ સ્તબ્ધ બની ઉભો રહ્યો, પછી તેણે જીપીએસ પર ચેક કર્યુ તો તેના આશ્ચર્ય વચ્ચે લોકેશન પણ ગાયબ હતું! 

***

શુન્યાવકાશ.... સંપૂર્ણ સ્તબ્ધતા... મગજ બહેર મારી ગયું... શું બોલી ગઇ સમીરા!... એનો અર્થ એ જ કરવો જે મગજમાં ઝીલાયો છે કે બીજો કંઇ?... કશું સમજાતું નહોતું. રહી રહીને કાનમાં પડઘા પડતાં હતાં... સપનામાં તું પણ હતી... હું દૂર જતી રહીશ મારા વરૂણને લઈને... તારાથી દૂર... તારી દુનિયા થી દૂર... પછી તો કોઈ જોખમ નહી રહે... તારૂ સપનુ સાચુ નહિ પડે... હું આવું કંઈ જ નહી થવા દઉં... અત્યારથી... આ ઘડીથી હું તને નથી ઓળખતી... મારી દુનિયામાં તારું કોઈ અસ્તિત્વ જ નથી... 

રડતી, હિબકા ભરતી સમીરા ત્યાંથી દોડી ગઇ અને રાગિણી અન્યમનસ્ક બસ તેને જોતી જ રહી. કોઇ પ્રતિક્રિયા દર્શાવવાના તેને હોંશ જ ન રહ્યા! 

"મિસ સમીરા, પ્લીઝ, લીસન ટુ મી... "

શિંદે સરનો અવાજ પણ મેઇનગેટ સાથે અથડાઈ અટકી ગયો પણ સમીરા ન અટકી. તેના ગયા પછી વારાફરતી બધા છુટા પડ્યા અને રાગિણી.... રાગિણી ત્યાંજ બેસી રહી પોતાના મનમાં ઉઠેલા ઝંઝાવાત સામે ઝઝૂમતી... સાવ એકલી... 

***

ડ્રાઇવીંગ કરતી વખતે પણ કેયૂર ના મગજમાં વિચારો નુ વાવાઝોડું ફૂંકાતું હતું. ઘરે પહોંચી તેણે પહેલું કામ કેકેને ફોન કરવાનુ કર્યું. 

"હેલો કે. કે. નં. વન. હાઉ આર યુ ફીલિંગ નાઉ? "

"પરફેક્ટલી ઓલરાઇટ, માય ડિયર કે. કે. નં. ટુ. " 

અને એક મુક્ત ખડખડાટ હાસ્ય રેલાઇ રહ્યું, પરંતુ અવાજમાં નબળાઈ પરખાઈ આવતી હતી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી તેણે પૂછ્યું, 

વ્હોટ અબાઉટ મિસ્ટર એન્ડ મિસિસ સિનિયર કે. કે.? "

ફરી એક હાસ્ય ની લહેર અને લાઇન પર તેના ડેડ આવ્યા. હવે કેયૂરનો અવાજ થોડો સિરીયસ થઈ ગયો. 

"ડેડ, કેન વી પોસ્ટપોન અવર સિંગાપોર પ્રોજેક્ટ ફોર સમ ડેય્ઝ? "

કેદારભાઈ ના કપાળ મા સળ ઊપસી આવી. તેમણે પ્રતિપ્રશ્ન કર્યો, 

"શું થયું બેટા? એનીથીંગ સિરીયસ? "

"નથિંગ મચ. બટ... "

આગળ શબ્દો ગોઠવવામાં કેયૂર સ્હેજ ખચકાયો, પરંતુ પછી મનની વાત બોલી ગયો. 

"એક્ચ્યુઅલી, આપણી ઇવેન્ટ ને મેનેજ કરવાની જવાબદારી જેને સોંપી છે, એ લોકો અત્યારે થોડાક અટવાયેલા છે. "

કેયૂરે જાણીજોઈને રાગિણી ના નામનો ઉલ્લેખ ટાળ્યો. 

"બસ, એટલું જ ને! બીજી કંપનીને કામ સોંપી દે. સિમ્પલ. "
કેદારભાઈ એ હળવાશ અનુભવી, પરંતુ હવે કેયૂર ના કપાળે સળ ઉપસી આવ્યા. 

"નો ડેડ, કામ તો એજ કંપની કરશે. આને તમે મારો આગ્રહ ગણો કે દુરાગ્રહ.... આપણી ઇવેન્ટ થશે તો એ રાગિણી જ મેનેજ કરશે. "

"ઓહોહો! એટલે આ દુરાગ્રહ ડ્રીમ્સ અનલિમિટેડ માટે છે કે રાગિણી માટે? "

"ડેડ, આઇ વીલ કોલ યુ લેટર." 

કેયૂર શરમાઇ ગયો. કોલ કટ કરી તે બેડરૂમના આદમકદ આયના સામે ઉભો રહ્યો. પોતાનાજ પ્રતિબીંબની આંખ માં આંખ નાંખી ડેડનો સવાલ રીપીટ કર્યો. 

"સો મિસ્ટર કેયૂર, આ દુરાગ્રહ ડ્રીમ્સ અનલિમિટેડ માટે છે કે રાગિણી માટે? "

અને એકલા એકલા મલકી ગયો. કદાચ તેને જવાબ મળી ગયો હતો! થોડી વાર થઇ એટલે ફરી કેયૂર નો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર કેદારભાઈ નુ નામ જોઈને મલકાટ વધી ગયો. 

"હલો ડેડ. આઇ ગોટ ધ આન્સર. "

સામેથી આનંદ સભર અવાજ સંભળાયો, 

"આઇ નો વ્હોટ ઇઝ યોર આન્સર, માય ડિયર યંગમેન. ટેલ મી, રાગિણી સાથે વાત કરી? "


***

રેટ કરો અને રિવ્યુ આપો

Rujuta Bhatt 1 અઠવાડિયા પહેલા

nihi honey 2 દિવસ પહેલા

Nidhi Sheth 3 દિવસ પહેલા

Deepali Trivedi 1 અઠવાડિયા પહેલા

Tejal patel 1 અઠવાડિયા પહેલા