સપના અળવીતરાં - ૩૭

જીપીએસમાં કન્ફર્મ કરી વરૂણે પોતાની કાર ઉભી રાખી. સુમસામ હાઇવે પરથી સ્હેજ અંદરના રસ્તે... કોઈ અવરજવર દેખાતી નહોતી. રસ્તા ની સામેની બાજુ એક નાની છાપરી દેખાઇ. બહાર ખાટલા ઢાળેલા હતા. નજીક જઈ જોયું તો જૂનુ ખખડધજ બોર્ડ લગાડેલુ હતું, જેના પર નામ હતું "મુન્ના દા ઢાબા"... 

"એડ્રેસ તો આજ છે... "

મનોમન વિચારી તે ઢાબા તરફ આગળ વધ્યો. ઢાબા ના આંગણામાં એક ખાટલો પછી એક ટેબલ, પાછો ખાટલો અને વળી એક ટેબલ એવી ગોઠવણ કરેલી હતી. થોડે આગળ ત્રણ ટ્રક પાર્ક કરેલી હતી. કેટલાક લોકો છૂટા છવાયા જમી રહ્યા હતા. એ બધા વચ્ચે એક વ્યક્તિ પર વરૂણની નજર સ્થિર થઇ. એ હતો દાદા... અંધારી આલમનું પંકાયેલુ નામ... ડ્રગ્સના ધંધા પર તેનુ એકચક્રી શાસન ચાલે છે એવું કહી શકાય. આ માણસ આટલી સહજતાથી, એક પણ સિક્યુરીટી વગર, આમ ઢાબા પર?

વરૂણનુ મગજ બમણી ઝડપે દોડવા માંડ્યું. નક્કી કંઇક તો ઝોલ હતો... પણ વરૂણ ને પોતાની ગોઠવણ પર પૂરો ભરોસો હતો. તેના કાનમાં હજુ પણ દાદા એ ફોનમાં કહેલા શબ્દો ઘુમરાતા હતા. 

***

"તારા બાપને કહેજે કે એનો બાપ આવે છે... એક ડીલ લઇ ને... "

હાથ ધ્રુજી ગયો રવી નો... જીભને જાણે લકવો મારી ગયો! દાદા ના અવાજ માં કડપ જ એટલો હતો કે ફોનની સામે ની બાજુ પણ એનો તાપ વર્તાય! તેણે તરતજ વરૂણ ને ફોન પાસ કર્યો. 

"હલો... "

"દાદા... દાદા બોલું છું. એક ડીલ છે મારી પાસે... તારા કામની. ઈચ્છા હોય તો કાલે બપોરે ત્રણ વાગ્યે મુન્ના દા ઢાબા પર આવી જજે... એકલો... હથિયાર લાવવું હોય તો છૂટ છે. બાકી આ દાદા એકલો જ હશે... હથિયાર વગર... "

" પણ દાદા, વાત શું છે? "

"વાત કરવા જ બોલાવ્યો છે. અને સમજી લેજે, આ દાદા કોઇને બીજો ચાન્સ નથી આપતો. કિસ્મત આવી છે ચાંદલો કરવા... કપાળ ધોવા ન બેસતો... "

બસ, ફોન કપાઇ ગયો અને મુન્ના દા ઢાબા નું લોકેશન મળી ગયું. વરૂણ વિચારમાં પડી ગયો દાદા ની વાત કરવાની સ્ટાઈલ થી. આમ તો પ્રભાવિત થઇ ગયો, પણ આ ધંધામાં કોઈના પ્રભાવમાં આવવાથી ન ચાલે એ તે બરાબર સમજતો હતો. તેણે પોતાના ચક્રો ગતિમાન કર્યા અને મુન્ના દા ઢાબા ની આખી કુંડળી કઢાવી લીધી. બધુ બરાબર લાગ્યું, છતાં સેફટી માટે પોતાના માણસોને પોલીસ ના વેશમા જીપ સાથે તૈયાર રાખ્યા. 

આના બે ફાયદા હતા. એક તો દાદા સામે તે પણ નિશસ્ત્ર જઇ ને પોતાની છાપ છોડી શકે. અને બીજું, કંઇ પણ તકલીફ જણાય તો પોલીસ ના વેશમાં તેના માણસો હુમલો કરી દાદાનુ જ એન્કાઉન્ટર કરી નાંખે. જો એમ થાય તો અંધારી આલમમાં તેના નામના સિક્કા પડવા માંડે. એક જ મહિનામાં એક સાથે બે માંધાતાઓ ને એકલા હાથે... આમ, બંને બાજુ પોતાને ફાયદો થાય એવી ગોઠવણ કરી તે નીકળી પડ્યો દાદાને મળવા... 

ઢાબા પર એક વ્યક્તિ એ તેનું ધ્યાન વિશેષ ખેંચ્યું. ખાટલા પર પણ તે પલાંઠી વાળીને બેઠો હતો. ડાબો હાથ ડાબા ઘુંટણ પર, પંજો અંદરની તરફ રહે એમ ટેકવ્યો હતો, જેને કારણે કોણી બહાર નીકળેલી હતી અને હાથ ઉંધો હોય એવો ભાસ થતો હતો. પીઠ એકદમ ટટ્ટાર, ગરદન સ્હેજ ઝુકેલી અને સંપૂર્ણ ધ્યાન જમણા હાથમાં લીધેલા કોળિયા ઉપર... જાણે આજુબાજુ ની દુનિયા નું કોઈ અસ્તિત્વ જ ન હોય! વરૂણ સીધો એની પાસે ગયો. તેની સામેના ખાટલા પર બરાબર તેની સામે અવાય એમ બેઠો. પણ, પેલા વ્યક્તિ ની નજર હજુ પણ થાળી અને હાથમાં રહેલા કોળિયા વચ્ચે જ ફરતી હતી! 

વરૂણ ને નવાઈ તો ખૂબ લાગી. તેણે તો ધાર્યું હતું કે ત્રણ ચાર સુરક્ષાચક્રોને ભેદીને દાદા સુધી પહોંચી શકાશે, પણ અહીં તો સિનારિયો જ આખો અલગ હતો. તેણે હળવો ખોંખારો ખાધો. 

"દાદા? "

"શ્ શ્ શ્....... શ્... " 

એ વ્યક્તિ એ મોઢા પર આંગળી મૂકી અને જમવાનું ચાલુ રાખ્યું. પૂરી પાંચ મિનિટ પછી તેનુ જમવાનું પૂરું થયું એટલે થાળીમાં જ હાથ ધોઈ તેણે કાંડાઘડિયાળમાં જોયું. વરૂણ થી પણ અનાયાસે આ ક્રિયા નું પુનરાવર્તન થયું. તેની ઘડિયાળ માં ત્રણ ને પાંચ થઈ હતી. ત્યાજ ઢાબાની ઘડિયાળ માં ત્રણ ના ડંકા પડ્યા અને વરૂણ ના મગજમાં ક્લીક થયું કે વર્ષો થી તેને ઘડિયાળ પાંચ મિનિટ આગળ રાખવાની આદત હતી. તે માનતો કે સફળ થવુ હોય તો બીફોર ટાઇમ રહેવુ જ પડે. 

એ વ્યક્તિ એ પણ ડાબો હાથ ઉંચો કરી વરૂણ સામે ઘડિયાળ ધરી. તેમાં પણ હવે ત્રણ વાગ્યા હતા. 

વરૂણ એકદમ રીલેક્ષ થઇ ને બેઠો. મનમાં ચાલતુ ઘમાસાણ અંદરજ દબાવી મોઢા પર એક બેફિકરું સ્મિત જડી દીધું. સુરજનો આકરો તડકો સીધો તેના મોઢા પર પડતો હતો, છતાં અકળામણની એક પણ રેખા ત્યા નહોતી. તડકામાં ચમકતો ગૌર ચહેરો, હવામાં ફરફરતા રેશમી વાળ, બેફિકરો અંદાજ.... જો સામે કોઈ યુવતી હોત તો તેના પ્રેમમાં પડી ગઇ હોત... પણ, અહિ સામે હતા દાદા... જેણે જિંદગી ના કેટલાય ખેલ જોયા છે અને કેટલાય ખેલ ભજવી જાણ્યા છે.... 

ઘડિયાળ ના બે કાંટા કાટખૂણે થયા અને દાદા ના હોઠ હલ્યા... 

"સમીરા... "

એક આંચકો લાગ્યો વરૂણને. એક કાચી સેકન્ડ મા તો કેટલીય યાદ અને કેટલાય વિચારો એકસાથે મગજમાં છવાઇ ગયા. મહામહેનતે જાત પર કાબુ રાખી તેણે અજાણ્યા થવાનો ડોળ કર્યો. 

"સોરી! "

"સોરી નહી છોરી. મને ખબર છે એ ક્યા છે. એ તારી જીંદગી મા પાછી આવી શકે છે... એની મરજીથી... તું જેવો છે એવો સ્વીકારી ને! "

વરૂણ કંઈક બોલવા ગયો, પણ દાદાએ ડાબો હાથ ઉંચો કરી તેને અટકાવી દીધો. એક કવર તેની તરફ સરકાવ્યું અને આંખથીજ ખોલવાનો ઇશારો કર્યો. વરૂણે કવર ખોલ્યું તો એમાંથી કેટલાક ફોટોગ્રાફ નીકળ્યા. પહેલો ફોટો હાથમાં લીધો ત્યા ફરી દાદાનો અવાજ સંભળાયો... 

"એ મેકવાન છે. મારો માલ દબાવીને અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. "

દાદાના ચહેરા પર ધીરે ધીરે ખુન્નસ લીંપાતુ જતુ હતુ. વરૂણે બીજો ફોટો હાથમાં લીધો. 

"મિસિસ મેકવાન...  એ બંને ગાયબ છે... ત્રણ વર્ષ થી... "

"પણ હું કેવી રીતે... "

ફરી વરૂણ ને બોલતો અટકાવી તેમણે આગળનો ફોટો જોવા ઇશારો કર્યો. હવેના ફોટા મા એક સુંદર યુવતી હતી, જેને જોઈને વરૂણ ની આંખ ચમકી...સારો માલ જોઇને ધંધાદારી માણસ ની આંખ ચમકે એમજ... 

"એ રાગિણી છે, મેકવાનની છોકરી... મેકવાન મળી જાય એટલે રાગિણી પણ તારી... "

વરૂણે પોતાના હોઠ પર જીભ ફેરવી એ જોઇ દાદાના ચહેરા પર પણ હળવાશ ની એક રેખા ફરકી ગઇ. ત્યારપછીનો ફોટો જોતાજ તેના ચહેરા પર ના ભાવ એકદમ બદલાઈ ગયા. એ ફોટામાં સમીરા હતી, એક નાનકડા ક્યુટ છોકરા સાથે.... તેના દિકરા સાથે... 


***

રેટ કરો અને રિવ્યુ આપો

nihi honey 2 દિવસ પહેલા

Deepali Trivedi 1 અઠવાડિયા પહેલા

ashit mehta 3 અઠવાડિયા પહેલા

Ajit Shah 3 અઠવાડિયા પહેલા

Rujuta Bhatt 4 અઠવાડિયા પહેલા