Sapna advitanra - 29 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૨૯


"દેખા બોસ. વહી ચ હૈ ના... મેકવાન કી છોકરી... અપુન કભી રોંગ નહી હોને કો સક્તા. "

'મેકવાન કી છોકરી'... સાંભળતાં જ રાગિણી ના કાન સરવા થઈ ગયા. અહિ, આ શહેરમાં આવ્યા પછી, કેટલા વર્ષે તેને કોઈએ આવી રીતે બોલાવી હતી! તેની નજર સામે ગોવા નો દરિયો તરવરી ઉઠ્યો અને તરવરી ઉઠ્યા બે ચહેરા - એ દરિયા સાથે એકાકાર! તેણે તરતજ પોતાના મન ને વર્તમાનમાં પાછું ખેંચ્યું. સામે જે લોકો હતા, તે મિત્ર તો નહોતા જ. બોલનાર નો અવાજ લથડતો હતો, તો બાકી બધા પણ નશામાં ધૂત હતા. લાલચોળ આંખો અને એ આંખો મા ભરાયેલું ખુન્નસ... 

રાગિણી બધી બાજુથી ઘેરાઇ ગઇ હતી... થોડી ગભરાઈ ગઈ હતી... આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં... કેયૂર પણ નહી... રાગિણી ના કપાળેથી સરકીને પરસેવાનુ ટીપું તેની હડપચી પર લટકી રહ્યું. બસ, થોડીક ક્ષણો... અને રાગિણી એ મન મક્કમ કરી લીધું. તેણે પરિસ્થિતિ નો ક્યાસ કાઢતાં કેટલીક વાતો નોટિસ કરી. 

પાંચ યુવકો હાથમાં હોકી સ્ટિક સાથે તેને ઘેરીને ઉભા હતા, જ્યારે તે પોતે નિઃશસ્ત્ર હતી. પણ, એક મોટો પ્લસ પોઈન્ટ હતો તેનું એક્ટીવા. તો સામે હોકી સ્ટિકનુ જોખમ પણ હતું. છતાં હિંમત દેખાડ્યા વગર ક્યા ચાલે એમ હતું! તેણે એક્ટીવા પર પક્કડ મજબૂત કરી. બ્રેક દબાવી રાખીને એક્સિલરેટર ફુલ રેઇઝ કર્યું. ઘુમ્... ઘુમ્... અવાજ શાંત વાતાવરણમાં ફેલાઈ ગયો. 

રાગિણી ને એક્શનમાં આવેલી જોઇને એ પાંચેય જણ તેની વધુ નજીક આવી ઘેરાવો નાનો કરવા માંડ્યા. એ પાંચેય ને એકદમ નજીક આવેલા જોઈ રાગિણી એ હેન્ડલ જમણી બાજુ કરી બ્રેક છોડી દીધી. ઘુમ્... ઘુમ્... ઘુરરરર... જમણા પગના ટેકે તેણે આખું એક્ટીવા ગોળ ચક્કર ફેરવ્યુ. ત્રણ જણ તો હડફેટે આવી ગયા, પણ ચોથો ખસી ગયો અને પાંચમા એ હોકી સ્ટિક થી જમણા પગ પર પ્રહાર કરી દીધો. 

સેકન્ડે સેકન્ડ નો ખેલ હતો. બધુ રાગિણી ની ગણતરી પ્રમાણે જ બની રહ્યુ હતું. જેવો ચોથો ઇસમ ખસી ગયો એટલે તેણે તરત જ જમણી બાજુ ઢળી રહેલુ એક્ટીવા સીધુ કરી પગ ઉપર લઈ લીધો હતો. જેથી પાંચમા ઇસમનો પ્રહાર ચૂકી ગયો. એ બધા ફરી સ્થિર થઈ હુમલો કરે એ પહેલા રાગિણી એ ફુલ સ્પીડમાં એક્ટીવા મારી મૂક્યું. પણ કિસ્મત! પાછળ થી છુટ્ટી ફેંકાયેલી હોકી સ્ટિક તેના બરડામાં વચ્ચોવચ વાગી અને તેનું બેલેન્સ ગયું. બાકી રહેલુ કામ આગળ ના સ્પીડ બ્રેકરે પૂરૂં કર્યું... એક્ટીવા હાથમાંથી છુટી ગયું અને તે મોં ભેર પછડાઈ. નીચે રાગિણી અને તેના પગ પર એક્ટીવા. 

રાગિણી એ ઉઠવાની કોશિશ કરી, પરંતુ વ્યર્થ. વજનદાર એક્ટીવા તે જાતે ખસેડી શકવા અસમર્થ હતી. એમા પાછો પગ અને બરડામાં થતો અસહ્ય દુખાવો... રાગિણી નું મગજ બહેર મારી ગયું. પાછળ રહી ગયેલા પેલા પાંચેય ઈસમો અટ્ટહાસ્ય કરતા કરતા તેની તરફ આવી રહ્યા હતા. રાગિણી એ આંખો મીંચી દીધી. તેને એક ચહેરો દેખાયો... થોડો અસ્પષ્ટ... કોણ હતું એ? કે. કે., કેયૂર, આદિત્ય??? તે મનોમન બબડી, પ્લીઝ હેલ્પ! 

રાગિણી ની અસહાય હાલત જોઈને પેલા લોકો મોજમાં આવી ગયા હતા. ધીરે ધીરે આગળ વધતા ચીરકુટ બોલ્યો, 

"બોસ, અભી ચ ભાઇ કો ફોન કરકે બોલતા હૂં. ફીર અપુન ભી ભાઇ કા ફેવરિટ...બોલે તો બિલકુલ આપકી ચ માફિક... "

બોસ ની નજર રાગિણી પર જ જડેલી હતી. નજર હટાવ્યા વગર જ તેણે બાજુમાં ચાલી રહેલા ચીરકુટ ના વાંસામાં ધબ્બો મારી દીધો. શરીરે પાતળો ચીરકુટ આખેઆખો હલી ગયો. માંડ માંડ બેલેન્સ રાખી તેણે બોસ સામે જોયું. 

"અબે ચીરકુટ, પહેલે દબોચનેકા, છાનબીન કરનેકા, ફિર ભાઇ કો પિક્ચર મે લાને કા, ક્યા? "

બોસ જે બોલી રહ્યો હતો, તેની સાથે તેની નજરનો તાલમેલ બીલકુલ નહોતો. તેની નજર તો ધારદાર તલવાર ની જેમ રાગિણી ના શરીર પર ફરી રહી હતી. તે જાણતો હતો કે એકવાર ભાઇ પિક્ચર મા આવી જશે, તો આ છોકરી ફરી તેના હાથમાં નહિ આવે, એટલે એ પહેલાં જ તે... સૂકા હોઠ પર જીભ ફેરવી તેણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. 

બસ, બીજા પંદર ડગલા અને રાગિણી હાથમાં... તેના ચહેરા પર નો ડર બોસ ને વધુ ચાનક ચડાવી રહ્યો હતો. બીજા ત્રણ ડગલા ભર્યા અને અચાનક એક કાર તેમની અને રાગિણી ની વચ્ચે આવીને ચિચિયારી સાથે ઉભી રહી. હવે રાગિણી તેમની નજરથી ઓઝલ થઈ ગઈ હતી. કાર ની પાછળ તે ઢંકાઈ ગઈ હતી. 

"કોન હે બે... "

બોસે બે ચાર ગાળ આપી દીધી, પણ કારમાંથી કોઈ ઉતર્યુ નહી, એટલે બોસે ચીરકુટ ને ઇશારો કર્યો. ચીરકુટે વળી તેના બીજા સાથી - ચિલ્લર ને ઇશારો કર્યો. તે બંને પૂરી સાવધાની સાથે કાર તરફ આગળ વધ્યા. ચીરકુટે જેવો દરવાજા પર હાથ રાખ્યો, એ સાથે જ એક ઝાટકા સાથે દરવાજો ખૂલ્યો અને સીધો ચિલ્લર ના નાક પર વાગ્યો. તે બંને હાથે નાક પકડી બે ડગલાં પાછળ ખસી ગયો. 

"અબે તેરી તો... "

કારમાંથી બહાર નીકળેલી વ્યક્તિ ની પર્સનાલિટી જોઇ ચીરકુટ ના અપશબ્દો તેના ગળામાં જ અટકી ગયા. સાડાચાર ફૂટની હાઇટ, ચૂંચી આંખ, ચીબું નાક, અડધા માથા સુધી વિસ્તરેલું કપાળ, સફેદ યુનિફોર્મ, કાળા શૂઝ અને ક્લીન શેવ મોઢા પર ગુસ્સો... 

હસવું કે રડવું! ચીરકુટ ને સમજાયું નહીં. થોડી વાર તો એ એમજ ડઘાઈ ને ઉભો રહ્યો. પછી ખ્યાલ આવ્યો કે તેના સાથીઓ તેની ઉપર હસી રહ્યા છે, એટલે તેનો ગુસ્સો ઔર વધી ગયો. જોશમાં ને જોશમાં તે બે કદમ આગળ વધ્યો, અને બેવડ વળી ગયો. પેલા વ્યક્તિ એ એક મુક્કો તેના પેટમાં જડી દીધો હતો, અને એ શક્તિશાળી મુક્કા સામે ચીરકુટ નુ પાતળુ શરીર ટકી શક્યુ નહી. તેનાથી રાડ પડાઇ ગઇ, અને બાકી બધા પણ થોડા ગભરાઈ ગયા. આ બધી ધાંધલ વખતે, ગાડીની બીજી તરફ... 

કેયૂરે ગાડીમાંથી બહાર નીકળી રાગિણી ને એક્ટીવા નીચેથી બહાર નીકળવામાં મદદ કરી. ટેકો કરી રાગિણી ને ગાડીમાં બેસાડી અને પોતે પણ સાથે બેસી ગયો. દરવાજો બંધ કરી તેણે બારીના કાચ પર ત્રણ ટકોરા માર્યા. 

રાઘવ સમજી ગયો. કેયૂરે તેને સબસલામત નો ઇશારો કરી દીધો હતો. 181 પર તો ક્યારનો કોલ કરી દીધો હતો. બસ, પોલીસના આવતા સુધી આ ટપોરીઓને રોકી રાખવાના હતા. રાઘવે પોતાની ચૂંચી આંખો મોટી ખોલવાની નાકામ કોશિશ કરી જોઈ. પરંતુ ટ્રેજેડી એ હતી કે તેની આ કોશિશ કોમેડી લાગતી હતી! 

આ બધી ધમાલ માં બોસ બરાબર ગિન્નાયો હતો. હાથવેંતમાં લાગતી એ છોકરી હવે પહોંચ ની બહાર હતી! તેણે પેન્ટ મા ખોસેલી ગન બહાર કાઢી અને જોરથી બૂમ પાડી, 

"અબે ઓય ડેઢફુટ, સરકસ હૈ ક્યા ઇધર? ચલ નીકલ, વર્ના... "

તેણે હવામાં એક ગોળી ચલાવી. તેના આશ્ચર્ય વચ્ચે બીજા ત્રણ ગોળીબાર સંભળાયા. બધા બઘવાઇને આજુબાજુ જોવા માંડ્યા. રાઘવના ચહેરા પર સ્મિત છવાઈ ગયું, જેના કારણે તેની ચૂંચી આંખ વધુ ઝીણી થઈ ગઈ. પોલિસ-વાન ની સાયરન ગૂંજી ઉઠી અને એ લોકો ભાગવા લાગ્યા, પરંતુ પકડાઈ ગયા. પાંચેય ટપોરી પકડાઈ ગયા એટલે સબ ઇન્સ્પેક્ટર શિંદે પેલી કાર પાસે ગયા. તેમને જોઈ કેયૂર બહાર આવ્યો. 

"થેંક્સ સર. "

"અરે, થેંક્સ તો મારે કહેવું જોઇએ. 181 અભયમ્ વિશે હજુ જોઈએ એટલી જાગૃતિ આવી નથી. તમે આ સેવાનો સમયસર ઉપયોગ કર્યો તે અમારી માટે આનંદની વાત છે. બાય ધ વે, તમે આખી ઘટના નુ રેકોર્ડિંગ કર્યું? "

"યસ સર. જેમ તમે કહ્યું, પહેલેથી છેલ્લે સુધી બધું રેકોર્ડ કર્યું છે. "

"ગ્રેટ. ધેન, મને વોટ્સ એપ પર મોકલી આપજો. "

"અફકોર્સ. "

શેકહેન્ડ કરી બંને છુટા પડ્યા. સબ ઇન્સ્પેક્ટર શિંદે પોતાની જીપ તરફ ગયો અને કેયૂરે કારમાં બેસી આદિત્ય ને કોલ કર્યો. 

" હલો, આદિ.. કેયૂર હીઅર. એક ઇમરજન્સી છે. તુ ક્લિનિક પર પહોંચ, હું સીધો ત્યાં જ આવું છું. "

આટલી મોડી રાત્રે એવી શું ઇમરજન્સી આવી ગઈ હશે? કે. કે. એ ફરી નિર્ણય બદલ્યો હશે? પણ, તો ક્લિનિક પર શું કામ બોલાવે? કોઇની તબિયત અચાનક બગડી હશે? કેદાર અંકલ... કે કોકિલા આંટી? શું થયું હશે? આદિત્ય ની સમજમાં કશું આવતું નહોતું. વિચારોના ઘોડા દોડાવતો તે ક્લિનિક પહોંચ્યો ત્યારે કેયૂર ની કાર ત્યા પહોંચી ગઈ હતી. તે ઉતાવળે કેયૂર ની કાર પાસે પહોંચ્યો. તેને જોઈને કેયૂર પણ બહાર આવ્યો અને આદિત્ય ની પ્રશ્નાર્થ નજરનો એક જ શબ્દ મા જવાબ આપ્યો - રાગિણી. 

"ઓહ! "

આ એક ઉદ્ગારમા કેટલા બધા ભાવ છુપાયેલા હતા! રાહત, ચિંતા, લાગણી, ટેન્શન... કેટલું બધું! આદિત્ય આગળ ગયો અને કેયૂર તેની પાછળ. અસહ્ય દુખાવા ને કારણે રાગિણી અત્યારે અર્ધબેહોશીમા હતી. કેયૂરે તેને ઉંચકી લીધી હતી, અને રાઘવ પણ સપોર્ટ આપતો સાથે ચાલી રહ્યો હતો. આદિત્ય એ ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. 

તંદ્રાવસ્થા ને કારણે રાગિણી ને બકવાટ ઉપડ્યો. કંઈ કેટલીય અસંબધ્ધ વાતો ના લવારા વચ્ચે આદિત્ય માટે કોન્સન્ટ્રેટ કરવું અઘરું હતું, છતાં ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ કરી રાગિણી ને એક્ષ રે રૂમમાં શિફ્ટ કરી. આદિત્ય ને તેના પગમાં ફ્રેકચર નો ડાઉટ હતો, પરંતુ સદ્ નસીબે એક પણ ફ્રેક્ચર હતું નહિ. હા'શ કરી આદિત્ય એ પેઈનકીલર ની સાથે ઘેનનુ ઇંજેક્શન પણ આપી દીધુ. ખાસ્સી એક કલાક ની મહેનત પછી રાગિણી સ્ટેબલ થઈ હતી, અને આદિત્ય પણ એક લાંબો શ્વાસ લઇ કેયૂર સામે ગોઠવાયો. 

"શી ઇઝ સ્ટેબલ નાઉ. બટ, આ બધુ છે શું? અને આ.. રાગિણી ની આ હાલત... "



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED