Sapna advitanra - 28 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૨૮


"કેન વી મીટ? "

રાગિણી ને પોતાના કાન પર ભરોસો ન બેઠો. મિ. કેયૂર ખન્ના એ ડાયરેક્ટ તેને કોલ કર્યો! બાકી તો દરવખતે પેલા મિ. 'ખડૂસ' મનન નો કોલ આવે અને તે મિટિંગ ફિક્સ કરે, અથવા તો પહેલા મિ. મનન નો અવાજ કાનમાં ભટકાય અને પછી જ મિ. કેયૂર લાઇન પર આવે... રાગિણી આ વિચારોમાં અટવાયેલી હતી ત્યાં ફરી સામેથી કેયૂર નો અવાજ સંભળાયો. 

"હલો, મિસ રાગિણી... આર યુ ધેર? "

"હં... હા... અમ્.... મિટિંગ... અત્યારે... આઇ મીન ક્યારે... "

શું બોલી ગઈ... અને આગળ શું બોલવું... કશું સમજાતું નહોતું. તેની આવી પરિસ્થિતિ જોઈ બાટલીવાલાએ સોડાબાટલીના તળિયા જડેલા કાળી ફ્રેમના ચશ્મા નાકની દાંડી પર સરકાવી, માથું સ્હેજ ત્રાંસમાં નમાવી, બંને નેણ ઉંચાનીચા કરી આંખોથી જ પ્રશ્નાર્થ કર્યો. રાગિણી એ હાથ વડે તેમને શાંત રહેવાનો ઇશારો કરી પોતાનું ધ્યાન કેયૂર સાથે વાત કરવા પર કેન્દ્રિત કર્યું. 

સામે છેડે રાગિણી જે રીતે બોલી રહી હતી, એ સાંભળી કેયૂર ના ચહેરા પર એક નાનકડું સ્મિત રમી ગયું. રાગિણી બોલતા અટકી એટલે તેણે કહ્યું, 

"વેલ, હા. અત્યારે જ. ઇફ પોસિબલ. લિસન, ધીઝ ઇઝ લીટલબીટ પર્સનલ. નોટ અ બીઝનેસ મિટિંગ. ઇઝ ઇટ ઓકે વીથ યુ? "

રાગિણી થોડી સ્ટેબલ થઈ ગઈ હતી. તેણે તરત જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. 

"અફકોર્સ. વ્હાય નોટ... વ્હેર? "

"વેલ, યુ નો ડૉ. ભટ્ટસ હોસ્પિટલ, રાઇટ. બસ, એની નજીક મોલમાં કોફીશોપ છે. ત્યાં મળીએ. આઇ વીલ બી વેઇટિંગ ફોર યુ. "

"અફકોર્સ. બટ ઇટ વીલ ટેક એટલીસ્ટ હાફ એન અવર ટુ રીચ ધેર. "

"નોટ અ પ્રોબ્લેમ. આઇ વીલ સ્ટીલ બી વેઇટિંગ. "

રાગિણી ના કાનમાં એક જ વાક્ય રહી રહી ને પડઘાતુ હતું.... "ઇટ્સ લીટલબીટ પર્સનલ. નોટ અ બીઝનેસ મિટિંગ... " અજાણતાજ રાગિણી ના કાનની બુટ લાલ થઈ ગઈ. રોશન આંટી એ રાગિણી મા આવેલ આ પરિવર્તન નોંધી મનોમન તેમના ખોદાયજી નો આભાર માન્યો. પણ બાટલીવાલા કંઇક અલગ જ મૂડમાં હતા. તેમણે એ જ રીતે ચશ્મા સરકાવી, નેણ ઊંચા કરી, ડોકને હળવો ઝાટકો આપતા રહી પ્રશ્નાર્થ નજરે જોવાનું ચાલુ રાખ્યું. એટલે રાગિણી એ ટૂંકમા કેયૂર નો પરિચય આપી તેની સાથેની મિટિંગ વિશે જણાવ્યું. અને સમયની કટોકટી હોવાથી ફટાફટ વડાપાંઉ ને ન્યાય આપી ત્યાથી નીકળી ગઈ... ફરી એ જ કોફીશોપ તરફ, જ્યાથી એ આવી હતી. 

ટ્રાફિક ને કારણે ઇચ્છવા છતાં તે અડધા ને બદલે પોણા કલાકે ત્યાં પહોંચી. હાંફળી ફાંફળી તે કોફીશોપમા પ્રવેશી. આજુબાજુ નજર કરી, તો મિ. કેયૂર ની હાજરી વર્તાઈ નહિ, એટલે તે નિરાશ થઈ ગઈ. તેણે મિ. કેયૂર ને કોલ કરવાનું વિચાર્યું, ત્યાં તેનુ ધ્યાન એક કોર્નર ના ટેબલ પરથી પોતાની તરફ ઇશારો કરતા હાથ તરફ ગયું. તેણે સહેજ આગળ જઈ જોયું, તો ફરી ભોંઠી પડી. એ હાથ કેયૂર નો નહિ, આદિત્ય નો હતો! 

રાગિણી એ તરફ આગળ વધી. આદિત્ય એ સસ્મિત તેને આવકારી અને તેની સાથે શેકહેન્ડ માટે હાથ લંબાવ્યો. રાગિણી એ પણ પ્રોફેશનલ સ્મિત ચહેરા પર ચોંટાડી આદિત્ય સાથે શેકહેન્ડ કર્યા. તેના આશ્ચર્ય વચ્ચે, આદિત્ય ના સ્પર્શ મા એક અલગ જ ઉર્જા અનુભવાઈ. પણ તે વધુ વિચારે એ પહેલાં આદિત્ય નો અવાજ સંભળાયો. 

"વેલકમ મિસ રાગિણી. કેયૂર વોઝ હિયર ઓન્લી. બટ, સડનલી ડૉ. ભટ્ટ નો કોલ આવ્યો એટલે... બટ ડોન્ટ વરી. હી માઇટ બી હિયર એની ટાઇમ. ટીલ ધેટ, આઇ એમ વીથ યુ. "

"યા, અફકોર્સ. "

રાગિણી ના ચહેરા પર નારાજગી સ્પષ્ટ જોઇ શકાતી હતી. થોડીક ક્ષણો એમ જ વીતી... ચૂપકીદી માં.. પછી આદિત્ય એ કોફી ઓર્ડર કરી અને કોફી પે ચર્ચા ચાલુ કરવાની કોશિશ કરી. આદિત્ય સમજતો હતો રાગિણી ની રૂક્ષતાનુ કારણ. હમણાં, થોડા કલાકો પહેલાં તેણે જે રીતે રાગિણી ની ઉલટ તપાસ લીધી હતી, ત્યાર બાદ રાગિણી નુ આ વર્તન અપેક્ષિત જ હતું. એટલે જ જ્યારે કેયૂરે ઇમર્જન્સી સાચવવા માટે તેને થોડીવાર માટે રાગિણી ને કંપની આપવા કહ્યું, ત્યારે તેનો ફર્સ્ટ રિસ્પોન્સ તો નેગેટિવ જ હતો. પણ, કેયૂર ની રીક્વેસ્ટ સામે તેનું કંઈ ન ચાલ્યું. આખરે તેણે રાગિણી નો સામનો કરવાનુ મન બનાવી જ લીધું. 

"આઇ એમ સોરી. "

આદિત્ય એ વાતની શરૂઆત કરી. પણ રાગિણી એ લક્ષ ન આપ્યું. એટલે તેણે ફરી કહ્યું, 

"આઇ એમ સોરી રાગિણી. હું તો બસ, મારા ડાઉટ્સ ક્લિયર કરતો હતો. નથીંગ એલ્સ. "

હજુ પણ રાગિણી એ જાણે કશું સાંભળ્યુ ન હોય એમ પોતાની નજર કોફીના કપ પર જ સ્થિર રાખી. હવે આદિત્ય પણ અકળાયો. તેણે હળવે થી પોતાની હથેળી ટેબલ પર પછાડી. એકદમ ધીમો થડકારો થયો, પણ રાગિણી હલી ગઈ. તેણે આદિત્ય સામે જોયું. બંનેની નજર ટકરાઈ, પણ.... તણખા ન ઝર્યા. આદિત્ય એકદમ નાના બાળક જેવો ફેસ કરી બોલ્યો, 

"વ્હોટ ડુ યુ વોન્ટ? કાન પકડું? "

તેણે ખરેખર બે હાથની ચોકડી મારી પોતાના કાન પકડ્યા. 

"ઉઠક બેઠક કરૂં? "

તે પોતાની જગ્યા પરથી ઉભો થવા ગયો. હવે રાગિણી થી ન રહેવાયું. તે ખડખડાટ હસી પડી. હસતાં હસતાં હાથના ઇશારે જ ના પાડવા માંડી. 

"ઇટ્સ ઓકે મિસ્ટર.... સોરી, ડૉક્ટર આદિત્ય. હવે વધારે સીન ક્રિયેટ કરવાની જરૂર નથી. યુ આર ફરગીવન. "

આદિત્ય ના મનમાં હા'શ થઈ. અહી એ બંને વચ્ચે સમાધાન થયું અને કેયૂરે કોફીશોપમા એન્ટ્રી લીધી. તે સીધો જ એ ટેબલ પર આવ્યો. આવતાવેંત, તેણે બંને હાથે રાગિણી ના હાથ પકડી લીધા. રાગિણી પોતાની જગ્યાએ થી ઉભી થઈ ગઈ, અને સાથે આદિત્ય પણ. કેયૂર ની આંખોમાં એક અહોભાવ હતો. રાગિણી થોડી સંકોચાઈ ગઈ. પણ કેયૂર તો જાણે આ બધાથી અલિપ્ત હતો! અત્યારે તેના હ્રદય મા સંવેદના ના જે ઘોડાપુર ઉમટ્યા હતા, તે ખાળીને, પોતાની લાગણી ને શબ્દસ્વરૂપ આપવુ પણ તેના માટે અઘરું હતું... છતાં જરૂરી પણ હતું. 

"થેંક્સ અ લોટ, રાગિણી. યુ ડોન્ટ નો વ્હોટ હેવ યુ ડન ફોર મી... ફોર માય ફેમિલી..."

રાગિણી ની સમજમાં કશું આવતું નહોતું. તે તો કેયૂર નુ આવુ રૂપ જોઈને જ અચંબિત થઈ ગઈ હતી. એક વ્યક્તિ, કે જે પહેલી જ મુલાકાત મા એકદમ 'અકડું' અને વધુપડતો રૂઆબદાર લાગ્યો હતો... સાથે કામ કરતા કરતા થોડો સાલસ લાગ્યો હતો... ફેશન શો ની સક્સેસ પછી કેટલાક અંશે ફ્રેન્ડલી પણ લાગ્યો હતો... અને આજે, અત્યારે... તેનું આ વર્તન...

રાગિણી એ આદિત્ય સામે જોયું. તેના ચહેરા પર પણ એક અકળ સ્મિત હતું. રાગિણી એ આજુબાજુ જોયું. કોફીશોપમા હાજર બધાની નજર અત્યારે તેમના પર જ મંડાયેલી હતી. કેયૂર એટલી હદે ગળગળો થઈ ગયો હતો કે બસ, માત્ર આંસુ આવવાના જ બાકી હતા.

"યુ આર લાઇક એન એન્જલ, રાગિણી. "

કેયૂર બધું જ પ્રોફેશનલીઝમ ભૂલી ગયો હતો. મિસ રાગિણી માં થી તે ડાયરેક્ટ રાગિણી બની ગઈ હતી. હવે આ પરિસ્થિતિ રાગિણી માટે અસહ્ય બની રહી હતી. તેણે ફરી આદિત્ય સામે જોયું. આ વખતે આદિત્ય એક હળવો ખોંખારો ખાઇ પોતાની ચેર પરથી ખસી અંદરની ચેર પર ગયો. તેણે કેયૂર ને ખભેથી ખેંચી આગળની ખાલી કરેલી ચેર પર બેસાડ્યો. આદિત્ય અને રાગિણી પણ બેસી ગયા. હવે, કેયૂર ના હાથની પકડ થોડી ઢીલી પડી હતી. રાગિણી એ મોકો જોઈ પોતાના હાથ સેરવી લીધા. કેયૂર પણ જાણે તંદ્રામાંથી બહાર આવ્યો હોય એમ રાગિણી તરફ જોઈ રહ્યો. પછી સ્વસ્થ થતાં બોલ્યો, 

"સોરી મિસ રાગિણી. "

વચ્ચે જ રાગિણી થી બોલી પડાયું, 

"નો... ઇટ્સ ઓકે. આઇ મીન નો નીડ ઓફ મિસ. ઓન્લી રાગિણી ઈઝ ફાઈન. આઇ એમ મોર કમ્ફર્ટેબલ વીથ ઈટ. "
કેયૂર ના ચહેરા પર પણ હળવાશ છવાઇ ગઇ. તેણે પોતાની વાત આગળ ચલાવી. 

"સોરી રાગિણી. બટ આઈ એમ વેરીમચ હેપ્પી. યુ નો વ્હોટ, તમે મારું કામ કેટલું આસાન કરી દીધુ! " 

હજુ પણ કેયૂર કયા વિષય મા વાત કરે છે તે રાગિણી ને સમજાતું નહોતું. પણ હવે તેણે એકપણ શબ્દ બોલ્યા વગર માત્ર સાંભળવાનુ નક્કી કર્યું. કેયૂર હજુ પણ જાણે શબ્દો ગોતી રહ્યો હતો... ગોઠવી રહ્યો હતો... આદિત્ય ના મોબાઇલ ની રીંગથી ફરી બધાનું ધ્યાન ભંગ થયું. તેણે જોયું તો તેની અપોઈન્ટમેન્ટની રીમાઈન્ડર હતી. એટલે આદિત્ય એ અનિચ્છાએ પણ ત્યાથી જવું પડ્યુ. હવે રાગિણી અને કેયૂર બંને એકલાજ હતા. 

રાગિણી એ જોયું તો હવે કોફીશોપમા પણ પબ્લિક ઓછી થઈ રહી હતી. રાગિણી ને પણ ઉતાવળ હતી ઘરે જવાની. પણ, કેયૂર... એનો સંગાથ... મનમાં ઊંડે ઊંડે કોઇક અજબ હલચલ મચી હતી. તેણે આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને બધું ધ્યાન માત્ર ને માત્ર કેયૂર ની વાત પર કેન્દ્રિત કરવાની કોશિશ કરી. 

"માય બીગ બ્રધર... કે. કે. ઈઝ એગ્રીડ ટુ શીફ્ટ ટુ અમેરિકા ફોર હીઝ ટ્રીટમેન્ટ અંડર ડૉ. જોનાથન. "

ફરી રાગિણી કન્ફ્યુઝ થઈ ગઈ. 

"ધેટ્સ ગુડ. પણ તમારી આ પ્રતિક્રિયા... આઇ નો, ખુશી ના સમાચાર છે. પણ, આટલું બધું ઓવરરીએક્શન... આઇ જસ્ટ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. "

બસ, કેયૂરે રાગિણી ને કે. કે. ની બીમારી વિશે પહેલેથી અત્યાર સુધીની બધી વાતો કહી દીધી. જે રીતે કે. કે. એ પોતાની બિમારી બધાથી છુપાવી હતી, ઈલાજ માટે ની તેની ઉદાસીનતા... અને એને કારણે વકરી ગયેલો રોગ... કે. કે. નો જીદ્દી સ્વભાવ... બધું જ વિસ્તારથી જણાવ્યું. હવે રાગિણી સામે તેના 'સપના ના મદદગાર' નુ આખું વ્યક્તિત્વ ઊઘડી ગયું હતું. 

"છતાં હજુ એક વાત ન સમજાઈ. આ બધામા હું ક્યા આવી? "

"યુ! યુ આર ધ મેઈન મેજિશિયન. આજે તમારી સાથે મુલાકાત થયા બાદ અચાનક બહુ મોટું પરિવર્તન જોવા મળ્યું કે. કે. માં. કોઈપણ પ્રકારની આનાકાની વિના તરતજ અમેરિકા શીફ્ટ થવા માટે તૈયાર થઈ ગયા. હમણાં ડૉ. જોનાથન સાથે પણ બધી વાત થઈ ગઈ. અને અમે પરમદિવસે જ ત્યાં પહોંચી જઈશું. ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ જશે. યુ આર લાઇક અ બીગ રે ઓફ હોપ ફોર મી એન્ડ માય ફેમિલી. "

હવે રાગિણી ના મગજમાં ધીમે ધીમે ગેડ બેસી રહી હતી. તેના મોઢે અનાયાસે જ ડૉ. જોનાથન નુ નામ નીકળવું, કે. કે. ને અમેરિકા જવા સજેસ્ટ કરવું, એ સમયે આદિત્ય એ કરેલા પ્રશ્નો... બધું જ ધીમે ધીમે સમજાય રહ્યું હતું.

રાગિણી એ રીસ્ટવૉચમા નજર કરી. પછી કેયૂર ને ઉદ્દેશીને કહ્યું,

"ઇટ્સ ટુ લેટ. આઇ થીંક આઇ શુડ ગો. "

"યા. શ્યોર. એન્ડ થેંક્સ વન્સ અગેઈન. "

રાગિણી ત્યાથી બહાર નીકળી પાર્કિંગ મા આવી. એકલ-દોકલ વાહનો સિવાય બધુ સૂમસામ હતું. તેણે પોતાનુ એક્ટીવા ચાલુ કર્યું અને જેવી રોડ પર આવી કે પાંચ અજાણ્યા ઈસમો તેને ઘેરી વળ્યા. તેમાંથી એક બોલ્યો,

"દેખા બોસ. વહી ચ હૈ ના... મેકવાન કી છોકરી... અપુન કભી રોંગ નહી હોને કો સક્તા. "



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED