સપના અળવીતરાં ૧૦ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૧૦

સપના અળવીતરાં ૧૦

"ચાલો... ચાલો... ઘણું કામ પેન્ડીંગ છે. ફેશન શો ને હવે ખાલી એક મહિના ની વાર છે. અને આ એક મહિનો છે આપણી પાસે, આપણુ ભવિષ્ય ડિઝાઇન કરવા માટે. સો નો નખરાં નો આળસ... "

રાગિણી ના પ્રવેશતાં જ ઓફિસ ના વાતાવરણમાં એક નવી ઊર્જા નો સંચાર થવા માંડ્યો. આજે મોડેલ્સનુ ફાઈનલ સિલેક્શન કરવાનું હતું. પ્રોફાઈલ પરથી સિલેક્ટ કરીને એક શોર્ટ લિસ્ટ મિ. મનને આપ્યુ હતું અને ઈન્ટરવ્યુ ની પેનલમાં પણ રાગિણી ને હાજર રહેવા કહ્યું હતું. એટલે રાગિણી પોતાના સ્ટાફ ને કામ સોંપીને સીધી કે. કે. ક્રિએશન્સ ની ઓફિસે પહોંચી. આજે સમીરા સાથે નહોતી એટલે રાગિણી ને થોડું અૉકવર્ડ લાગતું હતું. પરંતુ, મિ. મનન ના મિત્રતાપૂર્ણ વર્તન ને કારણે તે ખૂબ ઝડપથી નોર્મલ થઈ ગઈ હતી. 
ઇન્ટરવ્યુ શરૂ થતાં પહેલાં રાગિણી એ ફેશન શો માટે ના આઉટફિટ જોવાની માંગણી કરી, કે જેથી યોગ્ય મોડેલ પસંદ કરી શકાય. ઓનપેપર બધા આઉટફીટ્સ ની ડિઝાઇન જોઈને રાગિણી અભિભૂત થઈ ગઈ. તે મનોમન બધા ડિઝાઈનર ની કળાને પ્રશંસી રહી. 

*************

"હાય સમીરા. "

આખો દિવસ કે. કે. ક્રિયેશન્સ પર વિતાવીને રાગિણી પોતાની ઓફિસે પહોંચી તો સૌથી પહેલાં સમીરા પાસે ગઈ. ખૂબ ટૂંકા ગાળામાં સમીરા તેની અંતરંગ સખી બની ગઈ હતી. આમ જુઓ તો તેની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની "ડ્રીમ્સ અનલિમિટેડ" ની સ્થાપના અને વિકાસ મા સમીરાનુ યોગદાન રાગિણી જેટલું જ હતું. "ડ્રીમ્સ અનલિમિટેડ" રાગિણી નુ સપનુ હતું, જે હવે સમીરા માટે પણ જીવન લક્ષ્ય બની ગયું છે. 

"હાય ડિયર. લુકીંગ વેરી ટાયર્ડ! "

રાગિણી નો થાકેલો ચહેરો જોઈ સમીરાને ચિંતા થઈ. પણ તરતજ રાગિણી ના ચહેરા પર આવેલા ચીર પરિચિત સ્મિત થી તેને રાહત મળી. 

"હા યાર... આજે તો ખરેખર થાકી ગઈ. "

રાગિણી એ કે. કે. ક્રિએશન્સમા વિતાવેલ એક એક ક્ષણ નુ દિલચશ્પ વર્ણન સમીરા સામે કર્યું. એમાં પણ ઇન્ટરવ્યૂ સમયે ઊભી થયેલી કોમિક સિચ્યુએશન નુ વર્ણન એટલું આબેહુબ હતું કે હસતાં હસતાં સમીરાને ઉધરસ ચડી ગઈ. સમીરાને પાણી નો ગ્લાસ પકડાવી રાગિણી તેનો વાંસો પસવારવા માંડી. ઊધરસ બેઠી એટલે સમીરાએ ફરી પૂછ્યું, 

"ઇન્ટરવ્યૂ પેનલમાં મિ. કેયૂર હતા? "

 "ના. ખાલી મિ. મનન અને હું. "

 "ઓકે. એટલે જલ્દી ઈન્ટરવ્યુ પૂરા થયા. અધરવાઈઝ બધું કામ એક જ વ્યક્તિ પર આવી જાત. બિચારા મિ. મનન... "

પહેલા તો રાગિણી સમજી નહી, પણ જેવું સમજાયું કે વાંસો પસવારતા પસવારતા જોરથી એક ધબ્બો મારી દીધો. 

"ઓ મા! સોરી... સોરી... સોરી... "

સમીરાએ બંને કાન પકડી હસતા હસતા માફી માંગી. અને પોતાનો આખા દિવસનો વર્ક રિપોર્ટ રાગિણી સામે ધરી દીધો. 

***************

"વ્હોટ??? "

આદિત્ય અને ડૉ. ભટ્ટ - બંને ની સમજની બહાર હતી કે. કે. ની વાત. કેન્સર જેવો રોગ લાગુ પડ્યા પછી, ઈલાજ ની રૂપરેખા તૈયાર થયા પછી... એક મહિના ની રાહ જોવાનું કારણ શું હોય શકે? સમજવું અઘરું હતું. ડૉ. ભટ્ટે આદિત્ય સામે અને આદિત્ય એ કે. કે. સામે જોયું. કે. કે. ના ચહેરા પર હજુ પણ એ જ સ્થિરતા હતી. તદ્દન ભાવવિહીન સપાટ ચહેરો અને સપાટ અવાજ! 

"યસ ડોક., આપણે એક્ઝેટ એક મહિના પછી મળીએ છીએ. પછીનુ દોઢ વર્ષ તમારા નામે. બટ, બિફોર ધેટ, આઇ એમ સોરી. "

ડૉ. ભટ્ટ આ પેશન્ટ ને સમજવાની નાકામ કોશિશ બાદ બોલ્યા, 

"લુક મિ. કૌશલ, "

કે. કે. વચ્ચે જ બોલી ઉઠ્યો, 

"કે. કે., જસ્ટ કોલ મી કે. કે. "

 "નો. આઇ વીલ નોટ. બીકોઝ યુ નીડ ટુ થીંક એઝ કૌશલ એન્ડ નોટ એઝ કે. કે.. લિસન, લાઈફ તમારી છે અને નિર્ણય પણ તમારોજ રહેશે. પણ, થીંક ટ્વાઇસ, આ એક મહિનામાં કેન્સર કેટલુ ફેલાશે, કયા સ્ટેજમા પહોંચશે અને ત્યારબાદ લાઈન ઓફ ટ્રીટમેન્ટ શું હશે, ધેટ ઈઝ નોટ પ્રિડીક્ટેબલ. "

 "નો પ્રોબ્લેમ. "

એ જ મક્કમતા સાથે કે. કે. એ જવાબ આપ્યો અને કેબિનમાંથી બહાર નીકળી ગયો. આદિત્ય પણ ડૉ. ભટ્ટ ને સોરી કહી, ફાઇલ લઈને ઉતાવળે કે. કે. ની પાછળ દોડ્યો. કે. કે. પાર્કિંગ માંથી ગાડી બહાર કાઢી આદિત્ય ની રાહ જોઈ રહ્યો હતો, પણ આદિ ડ્રાઇવર સીટનો દરવાજો ખોલી ઊભો રહી ગયો. 

કે. કે. એમજ બેસી રહ્યો અને આદિત્ય એમજ ઊભો રહ્યો. એમજ પાંચ મિનિટ વીતી ગઈ. પાછળથી આવતી અન્ય ગાડીએ ઉપરાઉપરી હોર્ન વગાડ્યા એટલે પરાણે કે. કે. બાજુની સીટ પર ખસ્યો અને સ્ટીયરીંગ આદિત્ય એ સંભાળ્યું. આદિત્ય એ ગાડી મારી મૂકી, ઓફિસ થી વિરુદ્ધ દિશામાં, છતાં કે. કે. એમ જ ચૂપ બેસી રહ્યો. આખા રસ્તે બસ ટ્રાફિક ના અવાજ આવતા રહ્યા. ન આદિત્ય કંઈ બોલ્યો કે ન કે. કે.! 

બ્રેક ની ચિચિયારી અને ગાડીને લાગેલા આંચકાથી કે. કે. અંદર સુધી હલબલી ગયો. તેના મનમાં ચાલતા વિચારો, ઉચાટ, ચિંતા... બધું જ જાણે સ્થિર થઈ ગયુ. તેની નજર સામે અત્યારે દરિયો હતો... બિલ્કુલ પોતાની જેવો જ! ઉપર ઉપર થી શાંત અને પેટાળમાં ન જાણે કેટલાય તોફાન છુપાવીને બેઠેલો આ દરિયો અત્યારે કે. કે. ને પોતિકો લાગ્યો. તેને આદિ ની સમજણ પર માન થઈ આવ્યું. ભરબપોરે દરિયો પણ એકલો હતો અને કિનારો પણ ખાલી હતો. બસ, આપોઆપ તેના પગ કિનારાની ભીની રેતી મા પગલાં પાડવા માંડ્યા. ચાલતા ચાલતા ફરી એ જ જગ્યાએ પહોંચી જવાયું જ્યા એ છોકરી ને જોઈ હતી... અને જ્યા પેલા બાળકો.... 

આદિત્ય પણ કે. કે. ની પાછળ મૂંગા મોઢે ચાલતો હતો. જેવો કે. કે. રોકાયો, કે આદિત્ય તેની સામે જઈને ઉભો રહી ગયો. તે મોઢેથી તો કશું બોલતો નહોતો, પણ તેની આંખો ની ભાષા કે. કે. સારી રીતે સમજતો હતો. કેટલીય વાર એમજ આંખ મા આંખ પરોવીને જોઈ રહ્યા બાદ આદિ એટલું જ બોલી શક્યો, 

"પણ કેમ? "