સપના અળવીતરાં ૧૧ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૧૧


"પણ કેમ? "

આદિત્ય નો અવાજ ગૂંજતો રહ્યો અને કે. કે. ત્યાંજ પલાંઠી વાળીને બેસી ગયો. નાના છોકરા ની જેમ રેતીનો મહેલ બનાવવા માંડ્યો. આદિત્ય વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો. સવારથી કે. કે. કંઈક અલગ જ રીતે વર્તી રહ્યો હતો, અને કદાચ, જિંદગી માં પહેલી વાર આદિત્ય માટે કે. કે. એક કોયડો બની ગયો હતો.

કે. કે. અને આદિત્ય ની અન્ડરસ્ટેન્ડીંગ એટલી જોરદાર હતી કે બંને એકબીજાનું મન વાંચી શકતા. વગર બોલ્યે એકબીજાને સમજી શકતા. પરંતુ આજનું કે. કે. નુ વર્તન તે સમજી નહોતો શકતો. તેણે પણ કે. કે. ની બાજુમાં બેઠક જમાવી. થોડીવાર સુધી કે. કે. ની મહેલ બનાવવાની કારીગરી જોતો રહ્યો. અડધો મહેલ બન્યો કે અચાનક થોડી રેતી ધસી પડી અને આદિત્ય ના હાથ આપોઆપ તેને સપોર્ટ કરવા લંબાયા. આદિત્ય ના એ લંબાયેલા હાથ કે. કે. એ બે હાથે પકડી લીધા. તેની આંખમાં અત્યારે ભીનાશ હતી. તે ગળગળા અવાજે બોલ્યો,

"બસ, આમજ કાયમ સપોર્ટ કરતો રહેજે. "

આદિત્ય આશ્ચર્ય થી કે. કે. સામે જોઈ રહ્યો. શું બોલવું તે સમજાયું નહીં. તેણે અપલક કે. કે. સામે જોયા કર્યું. કે. કે. ની જમણી આંખમાંથી એક નાનકડું આંસુ સરકીને તેના ગાલ પર સ્થિર થઈ ગયુ હતું. બપોરનો આકરો સૂર્ય જાણે તે અશ્રુબિંદુમાં કેદ થઈ ગયો હોય એમ એ આંસુ ચમકતું હતું. આદિત્ય ને ચૂપ જોઈ કે. કે.એ આગળ કહ્યું, 

"મારી જિંદગી, મારા સપના પણ આ મહેલ ની જેમ અધૂરા છે. અને અધવચ્ચે જ શ્વાસોની રેતી સરવા માંડી છે. કેયૂર હજુ આખુ કે. કે.ક્રિએશન સંભાળી શકે એટલો કેપેબલ નથી. ડેડ રિટાયરમેન્ટ નું વિચારે છે. અને મોમ... એની માથે તો આભ જ તૂટી પડશે જ્યારે એને ખબર પડશે કે... કે... "

એક ડૂસકું ગળામાં અટવાઇ ગયું અને શબ્દો રોકાઇ ગયા. આદિએ હવે કે. કે.નો હાથ મજબૂતી થી પકડી લીધો હતો. એક ખોંખારો ખાઇ ફરી કે. કે.એ આગળ કહ્યું, 

"ઘરમાં કોઇને ખબર નથી, અને પડશે પણ નહિ. "

કે. કે.ના અવાજ માં દ્રઢતા ભળતી ગઈ... 

"એક મહિનો... આ એક મહિનો છે કેયૂર ને તૈયાર કરવા માટે. બસ, ત્યાર પછી ડૉ. ભટ્ટ કહેશે એટલો સમય... "

કે. કે.નો હાથ ઉષ્માપૂર્વક દબાવી આદિએ પૂછ્યું,

"હાઉ, કે. કે.? એક મહિના માં કેવી રીતે? "

"એક નહિ, દોઢ મહિનો. છેલ્લા પંદર દિવસ થી મેં મારુ કામ શરૂ કરી દીધું છે. આ ફેશન શો.... તેની સંપૂર્ણ જવાબદારી કેયૂરને સોંપી છે. તે પોતાની જાતે આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે એટલે આપોઆપ ઘણું બધું શીખી જશે. ત્યારબાદ સિંગાપોર નો ફેશન શો તે આરામથી હેન્ડલ કરી લેશે. સિંગાપોર મા નવી બ્રાન્ડ ના લોન્ચ માટે ધીઝ શો ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. જો હું ટ્રીટમેન્ટ માટે અત્યારે બ્રેક લઉં તો બધું જ વિંખાઇ જાય. કેયૂર નો કોન્ફિડન્સ તૂટી જાય... મોમ એન્ડ ડેડ ડિપ્રેશન માં આવી જાય... અને મારો આખો પરિવાર... "

બીજું એક આંસુ જમણી આંખેથી સરીને પહેલા આંસુ માં ભળી ગયું અને બંને આંસુ સાથે જ સરકીને ચિબુક પર આવી પડું પડું થતા ટીંગાઇ રહ્યા. આદિએ કે. કે.નો હાથ થપથપાવ્યો અને એક ઊંડો શ્વાસ લઇ બોલ્યો, 

"બધી વાત સાચી, બટ વ્હોટ અબાઉટ યોર હેલ્થ? કેન્સર ના જર્મ્સ વધારે ફેલાઈ ગયા તો... અને જો ફર્સ્ટ સ્ટેજમાં તારી બિમારી ની વાત થી જો બધા આટલા નાસીપાસ થતાં હોય, તો જસ્ટ ઇમેજીન, બિમારી વધી ગઈ... ન કરે નારાયણ અને કંઈક અજુગતું.. અઘટિત બની ગયું, તો બધાની હાલત શું થશે? "

આદિત્ય ઝીણવટથી કે. કે.ના મુખભાવ નુ નિરીક્ષણ કરતો હતો. ફરી તેણે કહ્યું, 

"તું જે વાત છુપાવવાની કોશિશ કરે છે, તે શેર કર. એ બધા તારા પોતાના છે. ટ્રીટમેન્ટ વખતે એ બધાના સહકાર ની, સધિયારાની જરૂર પડશે. કેન્સર ની ટ્રીટમેન્ટ કોઈ ખાવાના ખેલ નથી. ફિઝિકલ ની સાથે સાથે મેન્ટલ સપોર્ટ ની પણ એટલી જ જરૂર પડશે. અને જે સહકાર તારા પરિવાર પાસેથી મળી શકે, તે બીજે ક્યાંથી મળવાનો! "

પોતાની સમજાવટ ની શું અસર થઈ એ જોવા આદિત્ય કે. કે. સામે તાકી રહ્યો. થોડીવારે કે. કે. ની શૂન્યમાં તાકતી નજર આદિના ચહેરા પર મંડાઈ અને મક્કમતાથી ભીડેલાં હોઠ ખૂલ્યા... 

"નો... નેવર... મેં ડિસાઈડ કરી લીધું છે અને એમ જ થશે. એન્ડ પ્રોમિસ મી કે તું પણ આ વાત કોઈને નહિ જણાવે. "

આદિત્ય એ ઇચ્છા ન હોવા છતાં કચવાતાં મને કે. કે. ના હાથ પર પોતાનો હાથ રાખી દીધો. 

*******

ઊંઘ આજે વેરણ બની હતી. ક્યાક કશુંક મનમા ખટકતુ હતું. શું બોલી ગઈ સમીરા આજે? શું ખરેખર એવું હતું? કેયૂરને જોતાંજ એક અલગ ફિલિંગ આવતી હતી, તે શું સમીરા પણ જાણી ગઈ હશે! હજુ પોતે પણ બરાબર સમજી નહોતી શકી, તો સમીરાને શું જવાબ આપે?

રાગિણી એ ફરી પડખુ ફેરવ્યુ. આવા થકવી નાખનારા દિવસ પછીની રાત આવી ઉજાગરાવાળી હોય શકે! રાગિણી આજે પોતાની જાતને જ સમજી શકતી નહોતી. ફરી તેણે પડખુ ફેરવ્યુ, ત્યારે તેનો હાથ મોબાઈલ પર પડ્યો. તે બેઠી થઈ ગઈ. સારું થયું કે વાતવાતમાં સમીરા પાસે પેલી સિરિયલ નુ નામ જાણી લીધુ હતું. તેણે બેકલાઇટ એકદમ ઓછી કરીને મોબાઈલ માં એ એપિસોડ જોવાનું શરૂ કર્યું, જેનો થોડો ભાગ સીસીડીમાં સમીરા સાથે જોયો હતો.

એપિસોડ ની છેલ્લી પાંચ મિનિટ માં એ સીન આવ્યો. રાગિણી એ ખૂબ ધ્યાન પૂર્વક આખો સીન જોયો. ફરી ફરીને જોયો. પછી પોતાની સ્કેચબુક કાઢી તેની સાથે ઝીણામાં ઝીણી વિગતો સરખાવી, એ સાથે જ એનુ હૈયું એક થડકારો ચૂકી ગયું. આ એ છોકરી નહોતી...મતલબ કે.... એ ઘટના હવે ઘટશે! ફરી એક દુર્ઘટના સર્જાશે! પણ ક્યારે?

રાગિણી ના વિચારો ની દિશા બદલાઈ ગઈ હતી. હવે તેનુ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન ફરી એ અજાણી યુવતી પર ફોકસ થઈ ગયું હતું. ફરી તેણે શવાસન દ્વારા શરીર અને મનને શિથિલ બનાવ્યા અને બંધ આંખો પાછળ ની દુનિયા સાથે જોડાવા માટે તૈયાર થઈ ગઈ. કદાચ, કોઈ નવી વિગત દેખાઇ જાય!