Cable Cut - 25 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૨૫

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૨૫

ખાન સાહેબ સ્થાનિક પોલીસ સ્ટેશનના પી આઇને બોલાવીને કહે છે, "ક્રાઇમ બ્રાંચના દરવાજે જઇને ઉભા રહો, ધનંજય આવે છે. તે આવે તરત મારી પાસે લઇ આવો."

સ્થાનિક પોલીસ સ્ટેશનના પી આઇ ક્રાઇમ બ્રાંચના દરવાજે જાય છે પછી ખાન સાહેબની સામે તેમની ટીમ આશ્ચર્યની નજરે જોવે છે.

ઇન્સપેક્ટર નાયકે મુંઝવણભરી નજરે જોઇને ખાન સાહેબને પુછયું, "સર આપણે જેને પકડવા અડધી રાતે ભેગા થયા તે સામે ચાલીને અહીં આવે છે? "

"હા.તે સામે ચાલીને આવે છે, પણ મજબુરીમાં." ઉંડો શ્વાસ લઇને ખાન સાહેબ બોલ્યા.

ક્રાઇમ બ્રાંચમાં હાજર ટીમ ધનંજના આવવાની ઉત્સુકતાથી રાહ જોઇ રહી હતી. ખાન સાહેબની નજર મોબાઇલ એક્ષપર્ટના લેપટોપ અને સીસીટીવી ના પીસી પર હતી.

ખાન સાહેબે ટીમને કહ્યું, "જુઓ આ લેપટોપમાં ધનંજયના મોબાઇલની લોકેશન આપણી નજીક આવી રહી છે અને પછી સીસીટીવીના પીસી તરફ આંગળી ચીંધી કહ્યુ, જુઓ દરવાજા પાસે ધનંજય આવી ગયો છે. "

ઇન્સપેક્ટર નાયક અને ટીમને ખાન સાહેબની ગુનેગારોને પકડવાની ટ્રીક કયારેક કયારેક મોડી સમજાતી હતી. ખાન સાહેબે ગુંચવાયેલી ટીમને જોઇને કહ્યું, "ધનંજયને સ્થાનિક પોલીસની ટીમમાંથી જ કોઇક ઇન્ફરમેશન આપતું હોય એવું મને લાગ્યું એટલે સ્થાનિક પોલીસના માથે ધનંજયને પકડવા પ્રેસર આપ્યું. આપણે રાતે ભેગા થવાના છીએ અને ધનંજયની ધરપકડ કરવાની વાત પણ લીક થશે એ મને ખબર હતી. થયું પણ એવું જ.આપણી આસપાસ હોવા છતાં ધનંજયની લોકેશન ટ્રેસ નહોતી થતી તે સામે ચાલીને અહિં આવ્યો અને આપણું કામ સરળ થઇ ગયું."

ભારે ઉત્સુકતા વચ્ચે ધનંજયને ઓફિસમાં લાવવામાં આવ્યો. ધનંજયને જોઇને ખાન સાહેબ હસીને બોલ્યા, "બહુ છુપાછુપી રમી લીધી, આમ જાતે આટલી રાતે આવવાનું કારણ?"

ધનંજય ખાન સાહેબનું હાસ્ય અને હાજર ટીમને જોઇને હાથ જોડીને ધ્રુજવા માંડયો અને થોથવાતા અવાજે બોલ્યો, "સાહેબ, મને માફ કરી દો. હું ગભરાઈ ગયો હતો એટલે ભાગતો ફરતો હતો. મેં કંઇ ખોટુ નથી કર્યું."

ઇન્સપેક્ટર નાયક બોલ્યા, "સાચુ કર્યુ છે કે ખોટુ તે જોવાનું કામ અમારુ છે. તારુ નહિં."

ખાન સાહેબે ઇશારો કરી ઇન્સપેક્ટર મેવાડાને કહ્યું, "આજની રાત ધનંજય તમને સોંપ્યો, બરોબર રીમાન્ડ લેજો અને મને કાલે સવારે આ કેસની પુરી ડીટેઈલ જોઇએ."

ખાન સાહેબ અને ટીમ મોડી રાતે ઘરે જવા નીકળી. ઇન્સપેક્ટર મેવાડા અને ધનંજય એકબીજાની સામે મૌન બનીને થોડીવાર માટે જોઇ રહ્યાં. રાતનું સુમસામ વાતાવરણ ધનંજયને વધુ ડરામણું લાગતું હતું. તેને ડુમો ભરાઇ આવ્યો હતો પણ તે ઇન્સપેક્ટર મેવાડાથી ડરીને સુનમુન બેસી રહ્યો હતો.તેના કપાળ પર પસીનાની રેલા દોડતા હતાં. તેના કપાળ પરની રેખાઓ તંગ થઇ ગઇ.

થોડીવાર પછી મૌન તોડીને ઇન્સપેક્ટર મેવાડાએ શંકાભર્યા સ્વરે પુછયું, "બોલ, બબલુંનું મર્ડર કેમ અને કેવી રીતે કર્યું ? "

સુનમુન બેઠેલો ધનંજય આ સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયો અને ધ્રુજતા સ્વરે બોલ્યો, "મેં બબલુંનું મર્ડર નથી કર્યું, મેં કંઇ ખોટુ નથી કર્યુ. મને માફ કરી દો. હું ડરીને સંતાઇ ગયો હતો."

"તું 30 અને 31 તારીખે કયાં હતો? "

ધનંજયે થોડુ વિચારીને કહ્યું, "હું પારિવારીક પ્રસંગે 29 તારીખથી બહાર ગામ ગયો હતો, હું 2 તારીખે પાછો આવ્યો."

"બબલુનું મર્ડર થયુ તેની જાણ તને કયારે અને કેવી રીતે થઇ? "

"મારા મિત્ર રાજુએ ફોન પર મને જાણ કરી હતી.તેણે મને મર્ડરના બીજા દિવસે વાત કરી ત્યારે મને ખબર પડી કે બબલુ.."

"રાજુનો નંબર કયો છે? "

ધનંજયે તેનો મોબાઇલ ઇન્સપેક્ટર મેવાડાના હાથમાં મુકીને કહ્યું, "તમે જ આમાં રાજુનો નંબર સર્ચ કરી, તેને કોલ કરી પુછી જુઓ. હું જુઠ્ઠુ નથી બોલતો."

ઇન્સપેક્ટર મેવાડાએ મોબાઇલમાં કોલ ડીટેલ સર્ચ કરી રાજુનો નંબર અને તેણે કયા દિવસે ધનંજયને કોલ કર્યો હતો તેની ડીટેલ મેળવી ડાયરીમાં નોંધી લીધી.

ઇન્સપેક્ટર મેવાડાએ અડધી રાતે તેમના મોબાઇલ પરથી રાજુને કોલ કરી ધનંજયે કરેલી વાતની ક્રોસ ઇન્કવાયરી કરવા કોલ કર્યો ત્યારે ધનંજય કયાં હતો તેની પણ પુછપરછ કરી. રાજુ આમ અડધી રાતે પોલીસનો ફોન આવતા ડરી ગયો પણ ધનંજયની વાત ઇન્સ્પેક્ટરે કરી એટલે તેણે આખી વાત ફોન પર કરી અને જરુર પડે ક્રાઇમ બ્રાંચ આવીને સ્ટેટમેન્ટ આપવાની પણ તૈયારી બતાવી.

રાજુ સાથે વાત પુરી કરી ઇન્સપેક્ટર મેવાડાએ પાણીનો ગ્લાસ આપી ધનંજયને પુછયું, "તારી અને બબલુ વચ્ચે કેવા સંબંધો હતાં? "

ધનંજયે એક જ ઘુંટડે પાણી પી લીધું અને થોડો સ્વસ્થ થઇને બોલ્યો, "સર, મારે બબલુ સાથે સારા સંબંધો ન હતાં, કેમકે તે મારી ચેનલના કેબલ કટ કરી મને અને મારા કસ્ટમરને હેરાન કરતો હતો. તે મારા એરીયામાં દાદાગીરી કરીને નવા કસ્ટમર બનાવતો હતો."

"એટલે તે એને .."

"ના સર, એવું કંઇ મેં નથી કર્યું. હું વેપારી માણસ છું. હું મારા ધંધાથી મતલબ રાખુ છુ. મેં કયારેય બબલુ સાથે ઝઘડો નથી કર્યો કે બબલુના એરીયામાં કંઇ ખોટુ નથી કર્યું. મારે કોઇ ગુંડા કે અસામાજિક લોકો સાથે સંબંધો નથી."

"તારે બબલુ વિરુદ્ધ પોલીસ કમ્પલેઇન કરવી જોઇએ ને "

ધનંજય ડરતા સ્વરે આંખ નીચી કરી બોલ્યો, "ના સર, હું પોલીસની માથાકૂટમાં નથી પડવા માંગતો એટલે મેં કયારેય તેની વિરુદ્ધ કમ્પલેઇન નથી કરી. હું ..હું આજે પહેલીવાર આમ પોલીસની સામે આયો છું"

"આમાં ડરવાની જરુર નથી, પોલીસ સામાન્ય માણસની રક્ષા માટે જ છે. ગુનેગારોએ ડરવાનું હોય છે પોલીસથી." ઇન્સપેક્ટર મેવાડાએ ધનંજયના ખભે હાથ મુકીને કહ્યું.

"સર, હું બબલુ જોડે મેટર લાંબી કરવામાં કયારેય માનતો નહોતો એટલે .."

ઇન્સપેક્ટર મેવાડાએ ધનંજયની બધી વાત સાંભળી ડાયરીમાં નોંધી લીધી.

ઇન્સપેક્ટર મેવાડાએ ધનંજયને કહ્યું, "તારી વાત પર તપાસ કર્યા પછી જ તારી પર કાર્યવાહી કરવામાં આવશે અને જો તું કોઇપણ રીતે સંડોવાયેલો હોઇશ તો તું ગયો અંદર."

ઇન્સપેક્ટર મેવાડાને ધનંજય સાથે વાતો કરવામાં કયાં સવાર પડી ગઇ તે ખબર જ ના પડી. ઇન્સપેક્ટર મેવાડાને ધનંજયની વાત પરથી તે કદાચ નિર્દોષ હોય તેવું લાગ્યું પણ સાચું તો તપાસ પછી જ ખબર પડે તેવો વિચાર પણ આવ્યો.

થોડીકવારમાં જ કોન્સટેબલ હીરાલાલ પણ ઓફિસે આવી ગયાં. ઓફિસે આવીને ઇન્સપેક્ટર મેવાડાને હાજર, જોઇને તેમણે પુછ્યુ, "પછી શું થયું રાતે ?"

ઇન્સ્પેક્ટર મેવાડાએ ધનંજય સામે ઇશારો કરીને કહ્યું , "આ રહ્યો શકમંદ."

હીરાલાલે આશ્ચર્ય સાથે પુછ્યું, "કેવી રીતે આ અહિં .."

ઇન્સપેક્ટર મેવાડાએ હસીને ધનંજયની સામે જોઇને કહ્યું, "હીરાલાલ પહેલા આપણે ત્રણે ચા પાણી કરીએ પછી આગળની વાત કરીએ. અમે બે આખી રાતના થાકી ગયા છીએ."

હીરાલાલે કેન્ટીનમાંથી ચા મંગાવી અને ત્રણે જણાંએ ચા પીધી. ચા પીતા પીતા ઇન્સપેક્ટર મેવાડાએ આખી વાત ટુકમાં હીરાલાલને કહી. ધનંજય ચુપચાપ બેસી રહ્યો. તેની આંખોમાં ડર વર્તાઇ રહ્યો હતો.

હીરાલાલ આજના દિવસની તપાસની પુર્વ તૈયારી કરતા હતા અને હાફટન, ફુલટન ના આવવાની રાહ જોતા હતાં. ધનંજય એકીટસે હીરાલાલને જોઇ રહ્યો હતો તે હીરાલાલ અને ઇન્સપેક્ટર મેવાડાએ જોયું

હીરાલાલે તેમનું કામ પડતું મુકી ધનંજયના ખભે હાથ મુકીને કહ્યું ,"કેમ આટલો બધો ડરે છે? "

"પેલા ખાન સાહેબ મને .." ધનંજય ધ્રુજતા સ્વરે હાથ જોડી બોલ્યો.

"જો ! તું સાચો હોઇશ તો ખાન સાહેબ તને કંઇ નહિં કરે પણ જો તું .."

"મેં કંઇ ખોટું નથી કર્યું. મેં બધી હકીકત ઇન્સપેક્ટર સાહેબને રાતે કહી છે. મને બચાવી લો. " ધનંજય હાથ જોડીને બોલતો હતો.

તે ત્રણેની વાત ચાલતી હતી ત્યાં જ ખાન સાહેબ ,હાફ ટન અને ફુલ ટન ક્રાઇમ બ્રાંચ આવી પહોંચે છે. ખાન સાહેબ આવતાં જ વાતાવરણમાં ગરમાવો આવી ગયો. તેમણે આવતાં સાથે જ ધનંજયની માહીતી મેળવી. તેમણે ટીમ આવે તરત ધનંજયને રીપોર્ટ સાથે તેમની ઓફિસમાં લઇ આવવા ઇન્સપેક્ટર મેવાડાને કહ્યું.

ટીમ આવી જતાં ધનંજયને ખાન સાહેબની ઓફિસમાં લાવવામાં આવ્યો. ધનંજયને જોઇને ખાન સાહેબ બોલ્યા, "કેવી રહી કાલની રાત? "

ધનંજયને ડુમો ભરાઇ આવ્યો હતો અને રોઇ રોઇને તેનું ગળુ સુકાઇ ગયું હતું. તે દયામણી નજરે હાથ જોડીને ઉભો રહ્યો. તે કંઇ જ બોલ્યો નહિં.

ઇન્સપેક્ટર મેવાડાએ ધનંજયે આપેલી ઇન્ફોર્મેશનનો રીપોર્ટ ટીમ સામે રજુ કર્યો.ખાન સાહેબે ધીમા સ્વરે ધનંજયને પુછ્યું, "તારે કંઇ કહેવું છે, કંઇ કહેવાનું બાકી હોય તો કહી દે. પછી .."

ધનંજય રોતા રોતા નીચી નજરે ઉભો રહ્યો અને ઇશારામાં માથુ હલાવી ના પાડી. ધનંજયની સામે ઇશારો કરીને ખાન સાહેબે હીરાલાલને કહ્યું, "ધનંજયને બહાર લઇ જાઓ, તેને પાણી આપો અને શાંત કરો."

હીરાલાલ ધનંજયને બહાર લઇ ગયા એટલે ખાન સાહેબે ઇન્સપેકટર મેવાડાને કહ્યું, "ધનંજયની વાત પરથી તમને શું લાગે છે? "

"સર, ધનંજય પ્રથમ નજરે અને તેની વાતો પરથી નિર્દોષ લાગે છે. પણ તેની કોલ ડીટેલ અને મર્ડરની તારીખે તે કયાં હતો તેની તપાસ કરી યોગ્ય નિર્ણય કરી શકાય."

ધનંજયને શહેરથી બહાર ન જવા માટે અને દર અઠવાડિયે ક્રાઇમ બ્રાંચ હાજરી પુરાવાની શરતે છોડી મુકવાનો નિર્ણય ખાન સાહેબે કર્યો. ધનંજયનું સ્ટેટમેન્ટ અને કોલ ડીટેલની તપાસ કરી ફાઇનલ રીપોર્ટ રજુ કરવા ટીમને કહ્યું.

ઇન્સપેક્ટર મેવાડાએ ધનંજયને છોડી મુકવાની વાત કરી અને ખાન સાહેબે કહેલી શરત પણ કહી. ધનંજયે ઇન્સપેક્ટરની વાતની હા કહી એટલે તેને છોડી દેવામાં આવ્યો.

ખાન સાહેબે ઇન્સપેકટર અર્જુને બોલાવીને પુછ્યુ, "હીરાલાલ કયાં ગયા ? હું ઓફિસ આવ્યો ત્યારે અહીં હતા હવે કયાં ગયા? "

"સર, હીરાલાલ ,હાફ ટન અને ફુલ ટન તપાસ કરવા માટે ગયા છે? "

"કઇ છોકરીની તપાસમાં ગયા છે .."

"સર, તે ત્રણે અવન્તિકાની તપાસમાં ગયા છે."

"અવન્તિકાની તપાસમાં, પણ અવન્તિકા તો વિદેશમાં છે એવું પિંન્ટોએ કહ્યું હતું ને. તો પછી તેની તપાસ કેવી રીતે? "

"હા સર. અવન્તિકા ઘણા વર્ષોથી વિદેશમાં સેટલ થઇ ગઈ છે એટલે તેની વધુ જાણકારી પિંટો પાસે નથી એવું પિંટોએ કહ્યુ હતું. પણ હીરાલાલ એમ માને તેમ નથી તે તો તમે જાણો જ છો." ઇન્સપેક્ટર અર્જુને ધીમા હાસ્ય સાથે કહ્યું.

"હા. હીરાલાલ નહીં માને તપાસ કર્યા વગર. ચલો એ બહાને પુરી તપાસ તો થઇ જશે."

"હા સર, તેમને કંઇ ઇન્ફરમેશન મળી હતી એટલે જ તે ગયા છે."

"ઓકે ઇન્સપેક્ટર અર્જુન. હવે શકમંદના લીસ્ટમાં કોનું નામ છે? "

"સર, હવે પછી બબલુએ વ્યાજે પૈસા જેને આપ્યા હતાં તે વિષ્ણુનું નામ છે. તેને પણ સ્થાનિક પોલીસે પુછપરછ માટે બોલાવ્યો હતો પણ તે સપોર્ટ કરતો નથી. તેની લોકેશન ટ્રેસ કરી લીધી છે અને તમે કહો એટલે .."

"હા. તેને હમણાંજ લઇ આવો અને ના આવે તો ઉપાડી લાવો." ખાન સાહેબ હસીને બોલ્યા.

ઇન્સપેકટર અર્જુને લોકલ ઇન્ફોર્મર કામે લગાડી વિષ્ણુની લોકેશન કન્ફર્મ કરી ત્યાં પહોંચવા ટીમ લઇને ક્રાઇમ બ્રાંચથી નીકળ્યા.

વિષ્ણુ વ્યાજે પૈસા લઇ સટ્ટા અને હવાલાનો ધંધો કરતો હતો. તેનું ટર્નઓવર વધી જાય ત્યારે તે બબલુ પાસેથી વ્યાજે રુપીયા લઇ જતો અને આપી જતો હતો તેવું પિંટોએ કહ્યુ હતું.

વિષ્ણુ સટ્ટા બજારની ઓફિસે છે તેવી ઇન્ફરમેશન મળતા ઇન્સપેક્ટર અર્જુને તેની ઓફિસ પર રેડ પાડી. પોલીસને જોઇને ઓફિસમાં અફરાતફરી મચી ગઇ. ઇન્સપેકટરે ભાગવા જતાં વિષ્ણુને દબોચી લીધો અને ક્રાઇમ બ્રાંચ લઇ આવ્યા.

ઇન્સપેક્ટર અર્જુનની અંડરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ આટલી ઝડપથી વિષ્ણુને લઇ આવી તે જોઇને ખાન સાહેબ ખુશ હતાં.

ખાન સાહેબે ખુશ થઇને ટીમને આવકારી અને વિષ્ણુની સામે જોઇને બોલ્યા, "આવો, તમારી જ રાહ જોવાતી હતી."

ખાન સાહેબે ઇન્સપેક્ટર મેવાડા ઘરેથી આવે એટલે વિષ્ણુની પુછપરછ કરવાની વાત ટીમને કરી.

ખાન સાહેબના મોબાઇલ પર ફોન આવે છે એટલે તેઓ ઓફિસ બહાર જઇ કોલ રીસીવ કરી બોલે છે , "બોલો શું નવાજુની માં ? "

"અરે સાહેબ ! તમે વિષ્ણુને આમ કેમ ઉઠાવીને લાવ્યા ? "

"અરે ગફુર ! તને આટલી જલ્દી ખબર પણ પડી ગઇ."

"મને નહિં પણ આખા સટ્ટા બજારને ખબર પડી ગઇ છે. સાહેબ, વિષ્ણુને ક્રાઇમ બ્રાંચ લઇ ગયાની વાત વહેતી થતાં સટ્ટા બજારના મોટા માથા તેને છોડાવવા ઉપલા લેવલે કોન્ટેક કરી રહ્યા છે. "

"અને મીડીયાને પણ .."

"ના મીડીયાને તે લોકોએ મેનેજ કરી લીધુ છે, તેમની વાતો બહાર ના આવે એટલે તેઓ દોડતા થઇ ગયાં છે."

"એમ વાત છે પણ ગફુર, અમે તો બબલુના કેસમાં તેની ધરપકડ કરીને લાવ્યા છીએ. અમારે હાલ સટ્ટાને કંઇ લેવું દેવું નથી. "

"જે કંઇ પણ કરવું હોય જલ્દી કરજો. કદાચ તમારી પર ઉપરા લેવલથી ફોન આવવાની તૈયારીમાં છે."

"ઓકે, બાય." ખાન સાહેબે ઉતાવળમાં ગફુરનો કોલ કટ કર્યો.

ગફુરનો ફોન કટ કરીને તરત જ ખાન સાહેબે ફોન કરીને પોલીસ કમિશ્નરને વિષ્ણુની ધરપકડની જાણ કરી. પોલીસ કમિશ્નરે તેમને વગર ટેન્શને જરુરી કાર્યવાહી કરવાની વાત કરી. પોલીસ કમિશ્નરની વાત પરથી ખાન સાહેબને જુસ્સો આવ્યો અને તેમણે તરત ઇન્સપેક્ટર મેવાડા ઓફિસ આવ્યા કે નહિં તેની જાણકારી મેળવી.

ઇન્સપેક્ટર મેવાડા કાલ રાતના ક્રાઇમ બ્રાંચમાં ધનંજયની તપાસમાં હતાં એટલે ખાન સાહેબ તેમને ફોન કરી ઉતાવળમાં ઘરેથી બોલાવવા નહોતા માંગતા.

ઇન્સપેક્ટર મેવાડા ઓફિસ પહોંચે ત્યાં સુધી ખાન સાહેબે ટીમની સાથે વિષ્ણુની પુછપરછ શરુ કરી. પણ વિષ્ણુ સટ્ટાના કેસમાં ઘણીવાર પોલીસના ઝપાટે ચડી ગયો હોવાથી તે રીઢો થઇ ગયો હતો. તે કોઇપણ સવાલના જવાબ સીધા આપતો નહોતો.

ખાન સાહેબ પણ મનોમન સમજી ગયા હતા કે આ સીધી રીતે જવાબ આપે તેમ નથી, આ ઇન્સપેક્ટર મેવાડાના હાથે જ સીધો થશે.

થોડીવારમાં જ ઇન્સપેક્ટર મેવાડા હાજર થયાં. વિષ્ણુની પુછપરછ ઇન્સપેક્ટર મેવાડાને સોંપતા ખાન સાહેબે ધીમે રહીને તેમને કાનમાં કહ્યું, "આપણી પાસે સમય ઓછો છે, આના આકાઓ આને છોડાવવા મથી રહ્યા છે, એટલે ગમે ત્યારે આ છટકી જશે."

ઇન્સપેક્ટર મેવાડાએ સીધો જ થર્ડ ડીગ્રીનો પાવર બતાવી પુછપરછ શરુ કરી, "બોલ તારીખ ૩૦ અને ૩૧ તું કયાં હતો? લાવ તારો મોબાઇલ."

ઇન્સપેક્ટર મેવાડાએ વિષ્ણુનો ફોન લઇ તેની કોલ ડીટેઈલ જાણવા મોબાઇલ એક્ષપર્ટને મોકલી આપ્યો.

ઇન્સપેકટર મેવાડાએ વિષ્ણુની આંખોમાં આંખ પરોવીને સટાસટ સવાલ પુછવા માંડયા "તારે અને બબલુને કેવા સંબંધો હતાં? તારી અને બબલુ વચ્ચે કેટલા રુપીયાના વ્યવ્હાર હતાં? તે બબલુને કેમ મારી નાંખ્યો? "

હવે વિષ્ણુ ડરી ગયો હતો અને સમજવાનો પ્રયત્ન કરતો હતો કે તેને અહીં સટ્ટાના કેસ માટે નહિં પણ બબલુના મર્ડરના કેસમાં લાવ્યા છે. તેને લાગતું હતું કે પોલીસ તેને ફસાવી રહી છે."

તે હાથ જોડીને આંસુ લુછીને બોલ્યો, "હું બધુ કહીશ પણ મને મારશો નહીં. મેં કોઇનું મર્ડર નથી કર્યુઁ ."

પ્રકરણ ૨૫ પુર્ણ

પ્રકરણ ૨૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો

મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED