કેબલ કટ, પ્રકરણ ૧૯ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ, પ્રકરણ ૧૯

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૯

ખાન સાહેબની ઓફિસમાં રાતના મોડા સુધી મીટીંગ ચાલતી રહી અને પિંટોએ આપેલા છોકરીઓના નામ પર ચર્ચા ચાલતી હતી. તપાસ કરી રહેલી ટીમ સામે ઇન્સ્પેકટર નાયકે પિંટોએ આપેલા નામ અને પિંટોએ કહેલી વિગતો જણાવતા કહ્યું કે, “પિંટોએ ચાર છોકરીઓના નામ આપ્યા છે. બબલુએ તેમને ફસાવી હતી અને તેમને ઘણી પરેશાન પણ કરી હતી. એ પાંચ નામ મંજુલા, શબનમ, રીના, માહી, અવન્તિકા છે. આ પાંચમાંથી ચાર પર પિંટોને શક છે. અવન્તિકા ઘણા વર્ષોથી વિદેશમાં સેટલ થઇ ગઈ છે એટલે તેની વધુ જાણકારી પિંટો પાસે નથી. પિંટોને અવન્તિકા પર શક પણ નથી.”

ઈન્સ્પેક્ટર નાયકની વાત અટકાવતા ખાન સાહેબ બોલ્યા, “અવન્તિકા પર કેમ શક નથી ? પિંટો પાસે તેની જાણકારી નથી એટલે તો એ આવી વાત નથી કરતો ને.” ઈન્સ્પેક્ટર નાયકે કહ્યું.

“હોઈ શકે. પણ આપણે માત્ર નામના આધારે હાલ તે ક્યાં છે તે કેવી રીતે શોધી શકીએ. એટલે હાલ તે નામ હોલ્ટ પર રાખીએ. સમય આવે જરૂર પડે તેની પણ તપાસ કરીશું.”

“ઓકે, પિંટોએ પછી શું કહ્યું.”

“પિંટોએ મંજુલા, શબનમ, રીના અને માહીના રફ એડ્રેસ આપ્યા છે. કાલે તેને સાથે લઇ જઈ એડ્રેસ કન્ફર્મ કરવાના છે.”

શકમંદ છોકરીઓને શોધવાની અને તેમના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ખાન સાહેબે ઇન્સ્પેકટર નાયકને સોંપી અને કહ્યું,“કાલે ગમે તેમ કરીને પિંટોને મળીને આ બધી છોકરીઓ વિશે બનતી માહિતી ભેગી કરી મને જાણ કરજો.”

ખાન સાહેબ મીટીંગ પુરી કરી ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કાર ડ્રાઈવ કરતાં તેમના મોબાઈલમાં મેસેજ આવ્યો એટલે તેમણે ઈમરજન્સી મેસેજ હોઈ શકે તેવું વિચારી કાર સાઈડમાં કરી. મોબાઈલમાં મેસેજમાં Thank u લખ્યું હતું. મેસેજ વાંચી વિચારવા લાગ્યા કોણે મોકલ્યો હશે. નંબર પણ મોબાઈલમાં એડ નહોતો. નંબરને કોલ લીસ્ટમાં સર્ચ કરતાં ખબર પડી કે નંબર સુજાતાનો છે. ખાન સાહેબે મોબાઈલ પોકેટમાં મુકી કાર ચાલુ કરી.

ઘરે પહોંચીને આખા દિવસની ગતિવિધિ અને બબલુના કેસ વિશે વિચારતા હતાં. સુજાતાએ કરેલા મેસેજ માટે પણ વિચારતા હતાં કે તેણે મને વાત કરીને તેના મનનો ભાર ઓછો કર્યો તે માટે મેસેજ કર્યો હશે કે બીજું કંઈ હશે.

બીજા દિવસે સવારે ઈન્સ્પેક્ટર નાયક બબલુને કોલ કરીને ઓફીસ બોલાવે છે અને તેઓ ટીમ લઈને તપાસ કરવા નીકળે છે. બબલુ પહેલા શબનમના ઘર પાસે લઇ જાય છે અને ઇશારાથી ઘર બતાવે છે. ઈન્સ્પેક્ટર નાયક શબનમના ઘર સુધી પહોંચી એડ્રેસ કન્ફર્મ કરી પુછપરછ કર્યા વગર પાછા આવી જાય છે.

પિંટો મંજુલાના ઘરે લઇ જાય છે પણ ત્યાં તો નવું બિલ્ડીંગ બનવાની કામગીરી ચાલતી હતી. પિંટો પણ ઘણાં સમયે અહી આવ્યો હોવાથી વિચારવા લાગે છે. પિંટોએ સ્થળ પર તપાસ કરી અહીં પહેલા રહેનારા ક્યાં ગયાનું એડ્રેસ મેળવી નાયકને આપ્યું. નાયક અને પિંટો એ એડ્રેસ પર જાય છે. પણ ત્યાં મંજુલા મળતી નથી. આસપાસથી માહિતી પણ મળતી નથી.

ત્યાંથી નીકળી પિંટો માહીના ઘરે લઇ જાય છે. માહીના ઘરે પહોંચીને પિંટો સાઈડમાં ઉભો રહી જાય છે અને ઇન્સ્પેકટર નાયક પાસપોર્ટ ઇન્ક્વાયરીના બહાને માહીના ઘરે જાય છે અને ત્યાં એક સ્ત્રી મળી આવે છે. પિંટોએ વર્ણન કર્યું તે મુજબની જ સ્ત્રી હોવાની ખાત્રી નાયકને થાય છે. વાત પતાવી તે ત્યાંથી નીકળી જાય છે.

પિંટો અને ઇન્સ્પેકટર નાયક રીનાના ઘરે જાય છે. રીનાના ઘરે લોક હોય છે એટલે નાયકે ફરી પાછુ પાસપોર્ટ વેરિફિકેશનનું બહાનું કાઢી પડોશીને ત્યાં ઇન્ક્વાયરી કરી રીના અહી રહેતી હોવાની ખાત્રી કરી લીધી.

પિંટોએ બતાવેલ ત્રણે એડ્રેસ પર નાયક ઇન્ક્વાયરી કરી ક્રાઈમ બ્રાંચ જાય છે અને ખાન સાહેબને રીપોર્ટ આપતા કહે છે, “ગુડ મોર્નિગ સર. પિંટોએ બતાવેલ એડ્રેસ પર તપાસ કરી જરૂરી ઇન્ફર્મેશન મેળવી લીધી છે.”

“સરસ. હવે આગળ ની કાર્યવાહી શરુ કરો.” ખાન સાહેબ બોલ્યા.

ખાન સાહેબે કોન્સ્ટેબલને પિંટોને સરકારી ગાડીમાં ઘરે મુકી આવવા કહ્યું અને જતાં જતાં પોલીસ કાર્યવાહીમાં મદદ બદલ પિંટોનો આભાર માન્યો તથા ફરી જરૂર પડે મદદ કરવાનું કહ્યું. પિંટોએ કશું બોલ્યા વગર માથું હલાવી હા કહ્યું.

પિંટોના ગયા પછી ઈન્સ્પેક્ટ નાયકે ખાન સાહેબને કહ્યું, “સર, આ શકમંદ છોકરીની તપાસ પોલીસ ડ્રેસમાં કરવી યોગ્ય નથી અને માત્ર શકના આધારે કોઈની તપાસ કરવામાં તકલીફ પડે તેમ છે.”

“તો શું ? તપાસ તો કરવી જ પડશે ને. તમે કંઈ વિચારો આ વિશે.”

“મને એક વ્યક્તિની હેલ્પ ની જરૂર છે. તે હેલ્પ કરે તો આ તપાસ ખાનગી રાહે કરી શકાય તેમ છે.”

“જો તમે હાફ ટન કે ફુલ ટન વિશે વિચારતા હોય તો રહેવા દે જો. હું તેમને ઓળખું છું, આવું કામ તે કરવા માટે યોગ્ય નથી. તેમના માટે બીજું કોઈ કામ હોય તો વિચારજો.”

“ના સર. હું એ બે વિશે નથી વિચારતો પણ આપણા કોન્સ્ટેબલ હીરાલાલ વિશે વિચારું છું.”

“ઓહો ! એટલે આપણા હીરો હીરાલાલ.” ખાન સાહેબ હસીને બોલી ઉઠ્યા.

“હા સર, આપણા હીરો હીરાલાલ. તેમની મદદ મળી રહે તો ..” ઇન્સ્પેકટર બોલતાં બોલતાં અટકી ગયા.

“તો વાર કોની જુવો છો. લગાવો તેમને ફોન અને મારી સાથે વાત કરાવો.”

ઈન્સ્પેકટરે કોન્સ્ટેબલ હીરાલાલને કોલ લગાવી ફોન ખાન સાહેબને આપ્યો. ખાન સાહેબ ફોન હાથમાં લઈને હીરાલાલ ઉપાડે તે પહેલા બોલ્યા,” ઘણા દિવસથી હીરાલાલની મદદ ક્રાઈમ બ્રાન્ચે નથી લીધી એટલે તેમની સાથે મુલાકાત પણ નથી થઇ.”

ફોન રીસીવ કરીને હીરાલાલ બોલ્યા, “નમસ્કાર કોણ બોલો ?”

“નમસ્કાર હીરો હીરાલાલ. ક્રાઈમ બ્રાંચમાંથી ખાન બોલું છું.”

“ઓહો હો હો ! ખાન સાહેબ તમે. જયહિન્દ સાહેબ. બોલો મને કેમ યાદ કર્યો ?”

“હીરાલાલ તમારી એક કેસની તપાસમાં જરૂર પડી છે. એટલે તમને યાદ કર્યા.”

“હા જરૂર સાહેબ. હું ડીપાર્ટમેન્ટના કોઈપણ કામ માટે સદાય તૈયાર જ છું. પણ..” હીરાલાલ બોલતાં સહેજવાર માટે અટક્યા.

“ચિંતા ના કરો. આ કામ ઓફીશીયલ છે એટલે તમારા ઉપલા અધિકારીને ઓર્ડર મોકલી ક્રાઈમ બ્રાંચ ની તપાસ માટે તમને ત્યાંથી થોડા દિવસ માટે રીલીવ કરાવી દઈશ. બોલો બીજું કંઈ.”

“ના બસ. સાહેબ તમે તો બધું જાણો જ છો મારા વિશે. મને બીજું કંઈ ના જોઈએ. હું ક્રાઈમ બ્રાંચની તપાસમાં કેવી રીતે અને ક્યારે જોડાઈ શકીશ ?”

“હીરાલાલ તમારી જરૂર હાલ જ છે. એટલે અહીંથી તાત્કાલિક ઇન્સ્પેકટર નાયક તમને રીલીવ કરવા મારો ઓર્ડર લઇ ત્યાં પહોંચે જ છે. ઓર્ડરની કાર્યવાહી પુરી થતાં તમારે તાત્કલિક અહી તપાસ માટે હાજર થવાનું છે. તમે અહીં આવશો એટલે આપણે રૂબરૂ મળીને આગળની કાર્યવાહીની ચર્ચા કરીશું.”

ખાન સાહેબ ઈન્સ્પેક્ટર નાયકને હીરાલાલના રીલીવનો લેટર લઇ તેમને લઇ આવવા મોકલે છે. ઇન્સ્પેકટર ઓર્ડર લઇ હીરાલાલના ઉપરી અધિકારીને વાત કરી ઓર્ડર બતાવી તેમને રીલીવ કરાવી ક્રાઈમ બ્રાંચ આવવા નીકળે છે. રસ્તામાં હીરાલાલ અને ઇન્સ્પેકટર વાતો કરે છે અને ક્રાઈમ બ્રાંચની જુની વાતો વાગોળે છે.

કોન્સ્ટેબલ હીરાલાલ એક સમયમાં ક્રાઈમ બ્રાંચમાં જ હતાં અને તેમણે ઘણી તપાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ પોલીસ સર્વિસમાં જોડાયા પહેલા નાટક કંપનીમાં કામ કરતાં અને તે સારા કલાકાર હતાં. તેમણે પોલીસમાં નોકરી મળતા નાટક કંપની છોડી પણ કલાકાર તરીકે એક્ટિંગ કરવાનું છોડ્યું નહી. પોલીસ તપાસમાં જયારે જયારે ખાનગી રીતે અલગ અલગ વ્યક્તિ બનવું પડે ત્યારે હીરાલાલ તેમની એક્ટિંગ કામે લગાડી તપાસમાં તેમનો રોલ ભજવતા. ખાન સાહેબે તેમની સાથે ઘણી તપાસમાં કામ કર્યું હોવાથી તેમને હીરાલાલ પર વિશ્વાસ હતો. ખાન સાહેબે જ કોન્સ્ટેબલ હીરાલાલનું હુલામણું નામ હીરો હીરાલાલ રાખ્યું હતું અને પોલીસ સ્ટાફમાં ઘણાં તેમને આ જ નામથી ઓળખતા અને બોલાવતા પણ હતાં.

ખાન સાહેબ હીરાલાલને ઘણાં દિવસે ક્રાઈમ બ્રાંચમાં જોઈ ખુશ થઇ જાય છે. ખાન સાહેબ તપાસ ટીમની મીટીંગમાં તેમનું સ્વાગત કરે છે. હીરાલાલ પણ ઘણા દિવસે ક્રાઈમ બ્રાંચમાં આવવાથી ખુશ હોય છે. ખાન સાહેબ હીરાલાલને બબલુ મર્ડર કેસની માહિતી શોર્ટમાં આપે છે અને ઇન્સ્પેકટર નાયક જે તપાસ કરી રહ્યા છે તેમાં તમારી જરૂર છે તેમ જણાવે છે.

હીરાલાલને તેમની ઉંમરના કારણે ક્રાઈમ બ્રાંચમાંથી ઓછા બર્ડનવાળા કામ માટે બીજા ડીપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવ્યા હતાં. ઘણાં દિવસ કોઈ તપાસમાં કામ ન કરવાથી હીરાલાલ થોડા ચિંતિત હતાં એટલે હીરાલાલ ખાન સાહેબને કહે છે, “હું કઈ રીતે આ તપાસમાં મદદ કરી શકીશ ?”

ખાન સાહેબે હીરાલાલના ખભે હાથ મુકીને કહ્યું. “હીરાલાલ તમે જ આ કેસમાં ઇન્સ્પેક્ટર નાયકને મદદ કરી શકશો. તમારે શું કરવાનું છે એ તમને ઇન્સ્પેકટર નાયક જણાવશે.”

પ્રકરણ ૧૯ પુર્ણ

પ્રકરણ ૨૦ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો