ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ! Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

યશવંત ઠક્કર

વાત જૂની છે પણ મજાની છે. મારા એક મિત્ર હતા. નામ રવિ કુમાર. રવિ કુમારને સિંગતેલનો ધંધો. એ વખતે મોબાઈલ નહોતા. ટેલિફોનસેવા હતી, પણ બહુ ઝડપી નહોતી. ઘણી વખત તો બબ્બે ત્રણ ત્રણ દિવસો સુધી ફોન નહોતા લગતા. બધો આધાર, ટેલીફોનની લાઇન અને માણસના નસીબ પર રહેતો, આથી મોટાભાગનો સંદેશાવહેવાર ટપાલ મારફતે જ ચાલતો. નાનાંમોટાં શહેરોમાં તો દિવસમાં બે વખત ટપાલો વહેંચાતી, બપોરે બાર વાગ્યા સુધીમાં અને બપોર પછી પાંચ વાગ્યા સુધીમાં.

રવિ કુમારની દુકાને ટપાલી આવતો ત્યારે તેલના ધંધાને ધંધાને લગતી ટપાલોનો થોકડો લઈને આવતો. એવી ટપાલોમાંથી ગંધ આવે તો શાંની આવે? તેલની જ આવેને? પરંતુ એક વખત એવું બન્યું કે, રવિ કુમારને ત્યાં આવેલી ટપાલોમાંથી અત્તરની સુગંધ આવી. રવિ કુમાર તો ખુશ થઈ ગયા. ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

બીજે દિવસે ટપાલો આવી તો એમાંથી સુગંધ કેવી ને વાત કેવી! ગંધ હતી, પણ નર્યા તેલની! અત્તરની નહિ! પછીના દિવસોમાં પણ એવું જ ચાલ્યું.

વળી, પંદરેક દિવસો પછીની ટપાલોમાથી અત્તરની સુગંધ આવી! પછી તો, દર પંદરવીસ દિવસે ટપાલોમાંથી અત્તરની સુગંધ આવે એવો ક્રમ થઈ ગયો હતો.

રવિ કુમાર જિજ્ઞાસુ માણસ હતા. એમને જિજ્ઞાસા થઈ કે, 'આ ધંધાકીય ટપાલોમાથી અત્તરની સુગંધ આવવાનું કારણ શું?’ તેલનો વેપારી એવો તો રસિક ન જ હોય કે જે ધંધાની ટપાલોમાં અત્તર છાંટે.’ રવિ કુમારે અનુમાન લગાવ્યું કે, 'અત્તરની સુગંધ કોઈક બીજાની ટપાલમાંથી મારી ટપાલોમાં વહેતી લાગે છે.'

રવી કુમારને, સુગંધી ટપાલ કોને ત્યાં આવે છે એ રહસ્ય શોધી કાઢવાનું મન થયું. રવિ કુમાર ગમે એમ તોય કાઠિયાવાડી. લીધી વાત મૂકીએ નહિ એવા. એમણે તો નક્કી કર્યું કે, ‘હવે, જે દિવસે પોતાને ત્યાં આવેલી ટપાલોમાં સુગંધ આવે, એ દિવસે ટપાલીનો પીછો કરવો. કદાચ, રહસ્ય જાણવા મળી જાય.’

એવો દિવસ ફરીથી આવ્યો પણ ખરો. ફરી એક વખત, રવિ કુમારને ત્યાં આવેલી ટપાલો સાથે અત્તરની સુગંધ આવી. રવિ કુમારે તો પોતાની દુકાન બીજાને ભળાવીને ટપાલીનો પીછો કર્યો. 'સાચી લગનથી કરેલી મહેનત એળે જતી નથી.' એ સુવાક્ય એ દિવસે સાચું પડ્યું. રવિ કુમારને એમના પ્રયાસમાં સફળતા મળી. એ દિવસે વાત એમ બની કે, ટપાલીએ થોડે દૂર જતાં જ પોતાના હાથમાં એક મોટું પરબીડિયું રાખીને એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી: 'ટપા...લ' એ ઘરના દરવાજાની બારી ખૂલી અને એક યુવાન કન્યાએ બારીમાંથી ડોકું બહાર કાઢ્યું. એ કન્યાએ ટપાલીના હાથમાં રહેલું પરબીડિયું ઝડપથી લઈ લીધું અને બારી બંધ કરી દીધી.

રવિ કુમારને રહસ્ય સમજાઈ ગયું. એ કન્યા રવિ કુમારના એક પરિચિતની દીકરી હતી. એ કન્યાની સગાઈ થઈ હતી અને એના ભાવી ભરથારના પત્રો આવવા લાગ્યા હતા. એ પત્રોમાં રહેલી સુગંધ બીજા પત્રોમાં પ્રસરતી હતી.

સુગંધને પરબીડિયાની સરહદો નડતી નથી. વળી, એને કોઈ ભેદભાવ હોતો નથી. એટલે જ પ્રેમપત્રોમાં રહેલી સુગંધ તેલિયા પત્રોમાં ફેલાતી હતી!

ટપાલી કોઈના ઘરનો દરવાજો ખખડાવે, ‘ટપા...લ’ એવી બૂમ પાડે, કોઈક કન્યા દરવાજાની બારી ખોલે, અને ટપાલીના હાથમાંથી ઝડપથી પરબીડિયું લઈ લે, એવાં દૃશ્યો આજના ઇમેલના જમાનામાં જોવા ન મળે. એ દૃશ્યોની કલ્પના કરવી પડે. એ કલ્પના પણ કરવા જેવી છે કે, ટપાલીના હાથમાંથી પરબીડિયું લેતી વખતે એ કન્યાના મનમાં કેટકેટલાં અને કેવાં મોજાં ઉછળતાં હશે! અને, એ કલ્પના પણ કરવા જેવી છે કે, એ કન્યાએ એ પત્ર ક્યારે, કેવી રીતે અને કેટલી વાર વાંચ્યો હશે.

કોઈને એમ થાય કે, કન્યાએ તો ઘરમાં જઈને ઝડપથી કાગળ વાંચી લીધો હશે, પરંતુ એવું નહોતું બનતું. મોટા ભાગનાં પરિવારો એવાં હતાં કે, પરિવારની કન્યાઓને એમની લાગણીઓને કાબુમાં રાખવી પડતી. બધી કન્યાઓને એવું વાતાવરણ નહોતું મળતું કે, તેઓ ઝડપથી પત્ર વાંચી લે. કેટલીય કન્યાઓ એમનાં ઘરમાં જઈને આવાં પત્ર સાચવીને મૂકી દેતી અને ઘરનાં કામે વળગી જતી. એકાંત મળે ત્યારે વાંચેને? પરિવારમાં બધાં માટે જુદા જુદા ઓરડાની સગવડ નહોતી.

આવી પરિસ્થિતિમાં મુકાયેલી કોઈ કન્યાને એની સરખી સહેલી સમાન ભાભી એવું પણ કહેતી કે: ‘બેનબા, કામ પછી કરજો. પહેલાં કાગળ વાંચી લો.' અને, કન્યા આનાકાની કરે તો એની ભાભી એવું કહેતી કે: ‘બેન મારા, જાઓ, પહેલાં કાગળ વાંચી લો. ન જાવ તો તમને મારા સોગંદ છે.' નણંદભાભીના મોટાભાગે વગોવાઈ ગયેલા સંબંધોની ભીડમાં આવા મધુર સંબંધો પણ હતા.

ટપાલખાતા મારફત મોકલાતા પ્રેમપત્રો એ હવે ભૂતકાળની વાત બની ગઈ છે. એ પરબીડિયું, એમાં પત્ર મૂકીને બંધ કરતી વખતે ધમધમાવીને લગાવાતો ગુંદર, એ પત્ર બીજાના હાથમાં જવાની બીક, પરબીડિયુંયા પર લખાતો ‘ખાનગી’ શબ્દ, આ બધું જ ભૂતકાળની ભોંયમાં દટાઈ ગયું છે.

પ્રેમપત્ર, માત્ર એક કાગળ નહોતો. પરબીડિયામાં સમાઈ જતો એક સાગર હતો. કોઈના પ્રેમપત્રો અલંકારો અને કલ્પનાઓથી ભરપૂર હતાં તો કોઈનાં સીધા અને સરળ. ‘પ્રેમપત્રો લખવાની કળા’ એવાં પુસ્તકો છપાતાં. કોઈ વળી, બીજા પાસે લખાવતાં. એમાંથી ગેરસમજ પણ થતી. એવી ગેરસમજ કોઈક ફિલ્મનો વિષય પણ બનતી. કોઈનો પ્રેમપત્ર પકડાઈ જાય તો કેવા અનર્થ થાય, એવી કથાઓ લખાતી. આપણી કેટલીય નવલકથાઓના આખેઆખાં પ્રકરણો પ્રેમાંપત્રોથી ભરેલાં છે. પ્રેમપત્ર, હાસ્યનો પણ વિષય બનતો. પ્રેમપત્રો પર આધારિત હાસ્યલેખો લખાતા, હાસ્યકથાઓ લખાતી.

પ્રેમપત્રોને ધ્યાનમાં રાખીને સર્જાયેલાં કેટલાંય ગીતો આજે પણ ટીવીના પરદાને સુગંધિત કરી નાખે છે. માત્ર બે ગીતોનો ઉલ્લેખ કરું છું: ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાજ ના હોના, કિ તુમ મેરી જિંદગી હો, કિ તુમ મેરી જિંદગી હો.’ અને ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, .ફૂલ નહીં મેરા દિલ હૈ...પ્રિયતમ મેરે તુમ ભી લિખના, ક્યાં એ તુમ્હારે કાબિલ હૈ.’ એક ત્રીજું ગીત પણ યાદ આવે છે. ફિલ્મમાં, કબૂતરની ચાંચમાં પ્રેમપત્ર હોય અને ગીત વાગતું હોય કે: ‘કબૂતર જા જા જા... કબૂતર જા જા જા. પહલે પ્યાર કિ પહલી ચિઠ્ઠી સાજન કો દે આ. કબૂતર જા જા જા...’ આ ફિલ્મ તો હમણાં ની છેને?

વળી, પ્રેમપત્રોમાં શાયરીઓ પણ કેવી કેવી લખાતી! એક નમૂનો આપીને મારી વાત પૂરી કરું છું.

‘અત્તર કી શીશી પત્થર સે તોડ દૂ, ખત કા જવાબ નહીં દિયા તો ખત લિખના છોડ દૂ’

છેલ્લે... સમય સમયની વાત છે. આજે ઇમેલનો જમાનો છે. એની પણ એક મજા છે. બધું પોતપોતાની જગ્યાએ બરાબર છે.