આ નવલકથાના તમામ પાત્રો, સ્થળો, ઘટનાઓ કાલ્પનિક છે.
પ્રકરણ ૧૧
એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક અને તેમની ટીમ લાખાને મેજિસ્ટ્રેટ સાહેબ સામે રિમાન્ડ માટે રજુ કરે છે. જરૂરી કાગળો સબમીટ કરી ૧૫ દિવસના રિમાન્ડ માંગે છે. મેજિસ્ટ્રેટ સાહેબ આરોપી લાખાને તેના પર પોલીસે લગાવેલ ડફેર ગેંગના સાગરીત હોવાના અને ભાગેડુ હોવાના કેસમાં રીમાન્ડની વાત કરે છે અને પોતાની જાતને બચાવવા માટે વિચારીને પક્ષ મુકવાની તક આપે છે. મેજિસ્ટ્રેટ સાહેબ થોડીવાર રાહ જુએ છે.
મેજીસ્ટ્રે સાહેબને જવાબમાં કંઈ બોલવા જાય તે પહેલા શબ્દો થીજીને લાખાના ગળામાં જામી ગયાં અને તેને ડુમો ભરાઈ આવે છે. તે મેજીસ્ટ્રેટ સાહેબ સામે હાથ જોડીને શુન્ય મનસ્ક બની ઉભો રહી તેના પર થઇ રહેલી કાર્યવાહી જોઈ રહ્યો હતો. જ્યાં મેજિસ્ટ્રેટ સાહેબે ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા ત્યાં લાખાના માથાથી લઇ પગ સુધી ધ્રુજારી પ્રસરી ગઈ. લાખાનું શરીર નિચોવાઈ ગયું અને તે ઢગલો થઈને જમીન પર પડી ગયો. તરત જ પોલીસ કોન્સ્ટેબલે તેને પકડીને ઉભો કરી ક્રાઈમ બ્રાંચ લઇ જવા રવાના થઇ.
ક્રાઈમ બ્રાંચ પહોંચતા ખાન સાહેબ ૧૫ દિવસના રિમાન્ડ મળ્યા તે માટે ખુશ હતાં અને રિમાન્ડ એક્સપર્ટ સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડાને બોલાવી લાખાની બરોબર ખાતીરદારી કરવા સુચના આપે છે. ખાન સાહેબ સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડાને બબલુના કેસની ઉલટતપાસ અને ડફેર ગેંગની માહિતી મેળવી રીપોર્ટ આપવા સુચના આપે છે.
બબલુના પત્ની સુજાતા અને પીન્ટો ક્રાઈમ બ્રાંચ ખાન સાહેબને મળવા આવે છે. સુજાતા તેના મૃત પતિને સોપવા વિનંતી કરી રોઈ પડે છે અને જવાબમાં ખાન સાહેબ તેને સાંત્વના આપી થોડી જ વારમાં ફોરેન્સિક લેબોરેટરીથી એમ્બ્યુલન્સ તમારા ઘરે બબલુની બોડી લઇ પહોંચી જવાની વાત કરે છે.
ખાન સાહેબ પીન્ટોને ઈશારો કરી ઓફીસ બહાર બોલાવીને વાત કરે છે, “શું તમારી પાસે બબલુના કોઈ દુશ્મન કે શકમંદનું નામ છે ?”
જવાબમાં પીન્ટો બોલ્યો, “હા સાહેબ, કેટલાંક નામ તો છે પણ હમણાં હું સ્પષ્ટ કંઈ ના કહી શકું. હું શેઠની અંતિમ વિધિ પુર્ણ થતાં ભાભી જોડે ચર્ચા કરી આપને જણાવું.”
ખાન સાહેબે કહ્યું, “ હા વાંધો નહિ, વિચારીને નામ આપજો. હું બબલુના ઘરે જેને મોકલું તેને તમારે શક્ય હોય ત્યાં હાજર શકમંદ નો દુરથી પરિચય કરાવજો અને બીજી કોઈ પણ કેસને લગતી માહિતી આપવી હોય આપજો. તમે આપેલી તમામ વાત ખાનગી રહેશે અને તમે પણ અન્ય કોઈ બહારના સાથે ચર્ચા ના કરતાં.” પીન્ટો અને બબલુના પત્ની ક્રાઈમ બ્રાંચથી ઘરે જવા રવાના થાય છે.
ખાન સાહેબ પાસે સમય ઓછો હોવાથી પોલીસની એક ટીમને બબલુના ઘરે સાદા કપડામાં મોકલી ત્યાં ચાલતી ચર્ચામાંથી કંઈ જાણવા મળે રીપોર્ટ આપવાનું કહી રવાના કરે છે.
ખાન સાહેબ ફુલ ટન ને પણ બબલુના ઘરે મોકલે છે અને કહે છે,” હમણાં થોડી વારમાં બબલુની લાશ તેના ઘરે પહોંચી જશે એટલે તેના મિત્રો, સગા અને કદાચ દુશ્મનો પણ ત્યાં પહોંચશે. પોલીસ ટીમ તો ત્યાં નજર રાખશે જ પણ જ્યાં સુધી બબલુની અંતિમ વિધિ પુર્ણ ના થાય ત્યાં સુધી તારે પણ ત્યાં હાજર રહેવાનું છે. બબલુના ત્યાં પહોંચી પીન્ટો ને મળી તેની મારી સાથે ફોન પર વાત કરાવજે એટલે તે તને બબલુના કેસના કોઈ શકમંદ હોય તેનો પરિચય દુરથી કરાવશે . ત્યાં હાજર રહી તારી રીતે લોકોના સમ્પર્કમાં રહી બબલુના દોસ્ત અને દુશ્મન કોણ કોણ હોઈ શકે તેની જાણકારી મેળવી મને જણાવજે.”
ફુલ ટન અને પોલીસ ટીમ પણ ખાનગી કપડામાં બબલુના ઘરે પહોંચી જાય છે. બબલુના ઘરે તેની લાશ પહોંચતા તેના ઘરનું વાતાવરણ શોકમાં ફેરવાઈ જાય છે અને લોકોના ટોળા ત્યાં ભેગા થવા માંડે છે. ફુલ ટન તક મળતાં પીન્ટોને સાઈડમાં બોલાવી ખાન સાહેબ સાથે ફોન પર વાત કરાવે છે. ખાન સાહેબ ફોન પર પીન્ટો ને જણાવે છે, “ તારી પાસે ઉભેલા વ્યક્તિ મારો ખાસ માણસ છે, તેને બબલુના કેસના શકમંદની કોઈ માહિતી હોય આપજો અને જેની પર શક હોય તેનો પરિચય ખાસ કરાવજે. ત્યાં બીજી કોઈ ઘટના ના ઘટે તે માટે પોલીસની ટીમ પણ હાજર છે અને હાલ ત્યાં લોકોના ટોળા ઉમટી રહ્યા છે એટલે શક્ય હોય એટલી જલ્દી બબલુની અંતિમવિધિ કરવા વિનંતી છે. બબલુના મૃત્યુનું જેટલું દુઃખ તમને છે તેટલું મને પણ છે અને આપણે હવે ગુનેગારને શોધવાનો છે એટલે અંતિમવિધિ જલ્દી પુર્ણ થાય તો સારું “
પીન્ટો પણ ખાન સાહેબની દરેક વાત સાંભળી ને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને શક્ય બધી મદદ કરવા માટેની વાત કરી ફોન પુરો કરે છે. પીન્ટો ફુલ ટન ને પોતાની સાથે બબલુના ઘરમાં લઇ જાય છે અને નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની દુરથી ઓળખ કરાવે છે. ફુલટન પણ પોતાની શકમંદ નજરથી ત્યાં હાજર તમામને જોઈ રહ્યો હતો. ફુલટનને તો દોસ્તો કરતાં દુશ્મનોને જાણવામાં વધુ રસ હતો.
બબલુની અંતિમયાત્રામાં ઘણાબધા ચેનલના ગ્રાહકો, મિત્રો જોડાય છે અને બબલુની અંતિમવિધિ પુરી કરાય છે. સ્મશાનમાં પણ હાજર લોકોમાં, મીડિયામાં મર્ડર કોણે કર્યું હશે તેની જ વાતો થતી તે ફુલટન સાંભળી રહ્યો હતો અને લોકોનો પોલીસ માટેનો આક્રોશ પણ જોઈ રહ્યો હતો. ફુલટને ત્યાં અલગ અલગ ટોળામાં ચાલી રહેલ ચર્ચામાં ભાગ લઇ શકમંદ કોણ હોઈ શકે તે જાણવાનો પ્રયત્ન કર્યો પણ આધારભુત કે યોગ્ય માહિતી ન મળી શકી.
પીન્ટોએ ફુલટનને દુશ્મન ગણી શકાય તેવા કેટલાંક લોકોના નામ અને અંતિમયાત્રામાં આવેલા કેટલાંક લોકોનો પરિચય કરાવ્યાં તેમાં બબલુના ચેનલના ધંધાનો હરીફ ધનંજય, બબલુએ વ્યાજે પૈસા જેને આપ્યા હતાં તે વિષ્ણુ, બબલુએ બિલ્ડરના ધંધામાં રોકાણ કરવા જેને પૈસા આપ્યા હતાં તે મુળજી કોન્ટ્રાક્ટર, બબલુને ચેનલના ધંધામાં લાવનાર અને બબલુએ દગો કરી તેમનો ધંધો કબજે કર્યો હતો તે બૈજુ શેઠ, બબલુએ રાજકારણમાં પગપેસારો કરવા પ્રયત્ન કરતાં તેમના એરિયાના કોર્પોરેટર ગુલાબદાસ, કેબલ સપ્લાય કરનાર હાબીદ હતાં.
બબલુની અંતિમવિધિ પુરી થતાં ફુલટન ખાન સાહેબને ફોન કરી માહિતી આપે છે, “ સાહેબ બબલુની અંતિમવિધિ પુરી થઇ ગઈ છે અને અંતિમયાત્રામાં ઘણાં લોકો આવ્યા છતાં શાંતિપુર્ણ રીતે પુરી થઇ ગઈ છે. પીન્ટોએ કેટલાંક શકમંદ લોકોનો પરિચય અને નામ આપ્યા તે મેં મારી નોંધમાં લઇ લીધા છે અને મેં ત્યાં હાજર લોકોમાંથી પણ જે માહિતી મળી તે જાણી આગળની તપાસ માટે નોંધી લીધી છે. પીન્ટો કાલે શકમંદ લોકોના નામના લીસ્ટ સાથે તમને મળવા ક્રાઈમ બ્રાંચ આવવાનો છે.”
ખાન સાહેબે ફુલટનની પુરી વાત સાંભળ્યા પછી તેને ત્યાંથી નીકળવા પરવાનગી આપી અને કાલે આગળ તપાસ ચાલુ રાખવા સુચના આપી. પીન્ટો બબલુની અંતિમવિધિ પુરી કરીને બીજા દિવસે શકમંદ લોકોના નામનું લીસ્ટ લઇ ક્રાઈમ બ્રાંચ ખાન સાહેબ ને મળવા પહોંચે છે. ખાન સાહેબ તેમની ટીમ અને સ્થાનિક પોલીસ સાથે બેસીને પીન્ટો ના લીસ્ટ પર મીટીંગમાં ચર્ચા કરે છે. પીન્ટોએ શકમંદ લોકોના નામ આપ્યા તેમાં ધનંજય, વિષ્ણ, મુળજી કોન્ટ્રાક્ટર, બૈજુ શેઠ, કોર્પોરેટર ગુલાબદાસ, હાબીદ, બલદેવ યાદવ, આકિબ, સુદીપ હતાં. ખાન સાહેબે પીન્ટો ને લીસ્ટમાં આપેલ નામવાળા લોકો શા માટે બબલુનું મર્ડર કરી શકે અથવા તને એવું કેમ લાગ્યું કે આ લોકોમાંથી કોઈ મર્ડર કરનાર હોઈ શકે તેના કારણ આપવા માટે પણ જણાવવામાં આવ્યું. ચર્ચા ચાલતી હતી તેવામાં ખાન સાહેબના સાયલન્ટ મોડ પર રાખેલા ફોન પર અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવે છે. ખાન સાહેબ ફોન કટ કરે તરત ફરી ફોન આવવાથી કંઇક ઈમરજન્સી કોલ હોઈ શકે તેમ માની મીટીંગ હોલ્ટ પર રાખી ઓફીસ બહાર આવે છે.
બહાર આવતાં ખાન સાહેબ મિસ થયેલા નંબર પર કોલ કરે છે તો સામેથી ફોન પર સ્ત્રી ધીમા સ્વરે બોલે છે, “હેલ્લો સર, હું સુજાતા.. બબલુની પત્ની બોલું છું. સર મારે તમને મારા મનની વાત કરવી છે.”
“હા બોલો, હું આપને શું મદદ કરી શકું અને આપ જે કંઈ જણાવવા માંગતા હોય મને શાંત ચિત્તે જણાવો.”
“સાહેબ મારા પતિના કેસ અંગે માહિતી આપવા તમને ખાનગીમાં મળવા માંગું છું. હાલ મારા ઘર અને મારી આસપાસ પરિવારના લોકો હોવાથી હું તમને જાહેરમાં મળીને કે ફોન પર માહિતી આપી શકું તેમ નથી. મારે તમને માહિતી આપી મારા મનનો ભાર હળવો કરવો છે.”
સુજાતાની વાત સાંભળી એકપળ માટે ખાન સાહેબે આ રીતે મળવાની ના પાડવાનું વિચારતાં હતાં પણ પછી મળવા તૈયારી બતાવી અને ક્યાં અને કઈ રીતે મળવું છે તે જણાવવા ફોન પર કહે છે.
તેના જવાબમાં સુજાતા કહે છે, “ સાહેબ કાલે મારે અમારા ફેમીલી ડોક્ટર સાથે સાંજે ૭ વાગે અપોઈમ્નેટ છે તો તમે ત્યાં પહેલીથી આવીને ડોકટરના કેબીનમાં બેસજો. હું ત્યાં જ તમને ઇન્ફોર્મેશન આપીશ અને મારી સાથે આવનાર બહાર બેઠાં હશે એટલે આપણી મુલાકાત પણ ખાનગી રહેશે. હું ડોક્ટર સાથે વાત કરી ગોઠવણ કરી લઈશ અને મને મારા ફેમીલી ડોક્ટર પર ભરોશો છે એટલે તેમની હાજરીમાં મને કહેવામાં વાંધો નથી.”
ખાન સાહેબે હા કહી ડોક્ટરનું નામ અને સરનામું લઇ ૭ વાગે ત્યાં મળીશું એમ કહી વાત પુરી કરી ફોન કટ કરે છે અને વિચારવા લાગ્યા કે આ સ્ત્રી મને ખાનગીમાં મળીને શું ઇન્ફોર્મેશન આપવા માંગતી હશે, તેના મનમાં મને મળવા કેટલો મોટો પ્લાન પણ તૈયાર છે.
પ્રકરણ ૧૧ પૂર્ણ
પ્રકરણ ૧૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો.