ડુંગળીનો દેશ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડુંગળીનો દેશ

પ્રવેશ : [૧]

[સ્થળ: સુખદેવનું ઘર. બેઠકખંડમાં સુખદેવ બેઠા હોય છે. બારણે ધડાધડ ટકોરા પડે અને

લલિતાનો અવાજ સંભળાય.]

લલિતા:ખોલો... બારણું જલ્દી ખોલો. કેટલી વાર લગાડો છો!

સુખદેવ :અરે પણ ખોલું તો છું. તું તો બહુ ઉતાવળી!

લલિતા :જલ્દી પંખો કરો. મારાથી રહેવાતું નથી. એકદમ ફાસ્ટ કરજો.

સુખદેવ: પણ થયું છે શું એ તો કહે.

લલિતા :બહુ વસમું લાગ્યું છે.

સુખદેવ: કેમ? કશો ખાવાફેર થયો છે?

લલિતા :ખાવાફેર નહીં. સાંભળવાફેર થયો છે.

સુખદેવ:લલિતા... લલિતા... એવું તે શું સાંભળ્યું કે આટલું બધું વસમું લાગી ગયું? કોઈએ વેણ-કવેણ કીધું? એનું નામ દે. એને સીધો ન કરી નાખું તો મારું નામ સુખદેવ નહીં.

લલિતા:કોઈએ વેણકવેણ નથી કીધું. સુખદેવજી, તમે શાંતિ રાખો.

સુખદેવ:પણ મોઢામાંથી ફાટ તો ખરી. શું સાંભળવાથી તારી આ દશા થઈ?

લલિતા :શાકભાજીના ભાવ સાંભળવાથી.

સુખદેવ:લલિતા... લલિતા.. શાકભાજીના ભાવવધારાથી ટેવાવું પડશે. એ કાયમી બીમારી છે.

લલિતા :તમારે ઘેર બેઠાં સોનેરી સલાહો આપવી છે. શાકભાજી લેવા જાવ તો ખબર પડે કે, કાળજું કેટલું કઠણ કરવું પડે છે.

સુખદેવ :મારું કાળજું તો કઠણ છે જ. જો હું શાકભાજી લેવા ગયો હોત તો તારી જેમ લીધા વગર પાછો ન આવત.

લલિતા :હું શાકભાજી લઈને આવી છું. પૂરી વાત જાણ્યા વગર આકરા ન થાવ.

સુખદેવ :થેલી તો દેખાતી નથી. ક્યાં મૂકીને આવી?

લલિતા :કયા જમાનામાં જીવો છો? શાકભાજી થેલીમાં લાવવાના દિવસો ગયા. હવે તો પર્સમાં લાવવાના દિવસો આવ્યા છે!

સુખદેવ : તું શાકભાજી પર્સમાં લાવી છે?

લલિતા :હાસ્તો! પર્સ ખોલીને જોઈ લો.

સુખદેવ :જોવા દે શું લાવી છે? આમાં તો માત્ર એક પોચુપોચું ટમેટું, બે સડેલાં બટાકાં, ત્રણ નંગ વાસી મરચાં અને કહેવાતા લીલા ધાણાની બે ડાળખી છે.

લલિતા : બરાબર જુઓ. ડુંગળીનું એક ફોતરું પણ હશે.

સુખદેવ :ડુંગળીનું ફોતરું? ડુંગળી નહીં?

લલિતા : નહીં. ડુંગળી પોસાય એમ નહોતી. પંદર રૂપિયાનું એક નંગ! એટલે માત્ર એક ફોતરું લાવી. આપણે રોજના ઘરાક એટલે દલાભાઈ ડુંગળીવાળાએ મફતમાં આપ્યું. બાકી હવે તો ડુંગળીનું ફોતરુંય કોઈ મફતમાં ન આપે.

સુખદેવ:આમાં ફોતરું તો દેખાતું નથી.

લલિતા:અરેરે! પડી ગયું લાગે છે. જાવ શોધી લાવો. દલાભાઈની દુકાનમાં જ પડી ગયું હશે.

સુખદેવ :સાવ નાખી દેવા જેવી વાત ન કર. હું ડુંગળીનું એક ફોતરું શોધવા જાઉં?

લલિતા:ફોતરું શાકમાં નાખીશું તો ડુંગળીનો થોડોક સ્વાદ તો આવશે. ડુંગળી ગઈ ને ફોતરાં રહ્યાં! કેવો સમય આવ્યો છે!

સુખદેવ : ડુંગળી! ડુંગળી! ડુંગળી! મને તો લાગે છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ ડુંગળી માટે લડાશે.

લલિતા:તમે આડીઅવળી વાતો કર્યા વગર દલાભાઈની દુકાને પહોંચો. કોઈની નજર પડશે તો ફોતરું લઈ જશે.

સુખદેવ :હે ભગવાન! આ શું થવા બેઠું છે? એક જમાનામાં જે ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાતી હતી એ ડુંગળી આજકાલ પુષ્ય નક્ષત્રમાં શુકન પૂરતી ખરીદવાની ચીજ બની ગઈ છે!

લલિતા: તમારે ડુંગળીનું ફોતરું શોધવા જવું છે કે નહીં?

સુખદેવ:નથી જવું. તું તો એવી વાત કરે છે કે જાણે સોનાની ચેન ખોઈને આવી હોય!

લલિતા:સોનું અને ડુંગળી બંને સરખાં થઈ ગયાં છે! ક્યારે કોણ આંચકી જાય તે કહેવાય નહીં. તમારે ન જવું હોય તો હું જઉં.

સુખદેવ: હું જઉં છું બસ? હે ભગવાન, પત્નીહઠ સામે ઝૂકીને હું ડુંગળીનું એક ફોતરું શોધવા જઉં છું. સફળતા મળે એ માટે મને આશીર્વાદ આપો.

[સુખદેવ જવાની તૈયારી કરે ત્યાં તો બારણું ખખડે]

સુખદેવ :કોણ છે ભાઈ?

દલાભાઈ :હું દલો ડુંગળીવાળો. આવું કે?

સુખદેવ ;આવો આવો. દલાભાઈ, હું તમારી દુકાને જ આવવાનો હતો ત્યાં તો તમે જ આવી ગયા. સારું થયું.

લલિતા:દલાભાઈ, તમે મને ડુંગળીનું ફોતરું આપ્યું હતું ને એ તમારી દુકાનમાં જ પડી ગયું લાગે છે.

દલાભાઈ :લલિતાબેન, ડુંગળીનાં ફોતરાની વાત જવા દો. મારી દુકાનમાંથી આખેઆખી એક ડુંગળી ગુમ થઈ ગઈ છે!

લલિતા :હાય હાય બા! કોણ લઈ ગયું?

સુખદેવ :દલાભાઈ, તમે કોઈ ઘરાકને આપી હશે.

દલાભાઈ :ના ભાઈ ના. કોઈ ઘરાકને નથી આપી. ગણીને વીસ નંગ હતી. એમાંથી એક ઓછી થઈ ગઈ છે. લલિતાબેન, કદાચ ભૂલથી તમારા પર્સમાં આવી ગઈ હોય તો જરા તપાસ કરી લો તો સારું.

લલિતા :એટલે? તમે શું કહેવા માંગો છો? તમારી ડુંગળી મેં ચોરી છે?

દલાભાઈ : ખોટું ન લગાડતાં બેન. મારો કહેવાનો મતલબ એવો નથી. આ તો કદાચ..

સુખદેવ:આ રહ્યું પર્સ. તમે જ જોઈ લો. એમાં તો ડુંગળી નથી ને ડુંગળીનું ફોતરુંય નથી.

દલાભાઈ :તમે કહ્યું એટલે માની લીધું. જોવાની જરૂર નથી. મને તમારાં પર વિશ્વાસ છે.

લલિતા:જોઈ લીધો તમારો વિશ્વાસ! અરેરે! ડુંગળીનું ફોતરું તો હાથથી ગયું. ઉપરથી એક ડુંગળી ચોરવાનો આરોપ માથે આવ્યો.

દલાભાઈ : અરે મારી બેન, હું તમારા પર ચોરીનો આરોપ નથી મૂકતો. એક ડુંગળી માટે આવવું મનેય ઠીક નથી લાગ્યું. પણ શું કરું? ગરીબ માણસ છું. મોંઘાભાવની એક ડુંગળી ઓછી થઈ એટલે જીવ તો બળેને? કદાચ ભૂલથી તમારા પર્સમાં આવી ગઈ હોય એમ માનીને પૂછવા આવ્યો છું.

સુખદેવ : અમે એવી ભૂલ કરીએ એવા નથી. સમજ્યા? તમે અમને હાલીમવાલી સમજો છો? અમે ડુંગળી તો શું સોનાની લગડીને પણ હાથ ન લગાડીએ.

દલાભાઈ : સુખદેવભાઈ, ભૂલ તો કોઈ પણથી થઈ જાય. મારાથી પણ થઈ જાય. કાલની જ વાત કરું. એક બેનને મેં ભૂલથી ભીંડાની એક સીંગ વધારે આપી દીધી હતી. એ બિચારાં ઘેરથી આવીને પાછી આપી ગયાં.

સુખદેવ :તમે ભીંડો પણ નંગ પર વેચો છો?

દલાભાઈ :ભીંડો ને ડુંગળી જ નહીં પણ મોટા ભાગનું શાક નંગ પર વેચવાના દિવસો આવી ગયા છે. સુખદેવભાઈ, ત્રણ પેઢીથી અમારો શાકભાજીનો ધંધો છે. મારા દાદા ખટારા મોઢે શાક લાવતા’તા. મારા બાપા ટેમ્પો મોઢે લાવતા’તા. પણ મારા નસીબ જુઓ. આજે નંગ લેખે શાક લાવું છું અને નંગ લેખે વેચું છું. વીસ નંગ ડુંગળી લાવ્યો’તો. એકેય નંગ વેચાય તે પહેલાં તો એક નંગ કોઈ લઈ ગયું.

સુખદેવ:દલાભાઈ, તમે ડુંગળીના ચોરને પકડવા દુકાનમાં છુપા કેમેરા લગાડો તો કેવું?

દલાભાઈ :કાલ ઊઠીને તમે કહેશો કે ડુંગળીને તિજોરીમાં રાખો અને એના રક્ષણ માટે ચોકીદાર રાખો. હું ડુંગળી વેચું છું. સોનામહોર નહીં.

લલિતા:દલાભાઈ, અમે તમારા જૂનાં ઘરાક છીએ. ડુંગળી મારા પર્સમાં આવી ગઈ હોત તો હુંય પછી આપી જાત. પણ તમે તો મારતે ઘોડે તપાસ કરવા આવ્યા. મને આ ઠીક નથી લાગ્યું.

દલાભાઈ:ભૂલ થઈ ગઈ બેન. આજકાલ શાકભાજીનો ધંધો બરાબર નથી ચાલતો એટલે મગજ ફરી ગયું છે.

સુખદેવ :તમે શાકભાજીને મારો ગોલી. બીજો ધંધો કરોને.

દલાભાઈ : હવે મને બીજો ધંધો ફાવે નહીં.

સુખદેવ :એક ધંધો કરવા જેવો છે. તમને ફાવે એવો છે. રોકાણ ઓછું અને કમાણી વધારે.

લલિતા :દલાભાઈ, તમે એમની વાત પર ધ્યાન આપતા નહીં. એમને તુક્કા લડાવવાની ટેવ છે.

સુખદેવ :વિશ્વમાં કેટલાય સાહસોનો જન્મ તુક્કામાંથી થયો છે. દલાભાઈ, મારું માનવું છું કે, ડુંગળી હવે ખાવાની ચીજ નથી રહી, જોવાની ચીજ થઈ ગઈ છે. માટે તમે ‘ડુંગળી દર્શન’નો ધંધો શરૂ કરો. એમાં તમારે ખાસ રોકાણ કરવાનું નથી. કાચનો કબાટ રાખવાનો. એમાં ડુંગળી રાખવાની. જેને દૂરથી જોવી હોય એ પાંચ રૂપિયામાં જોઈ શકે. જેને ડુંગળીનો સ્પર્શ કરવો હોય એ દસ રૂપિયામાં કરી શકે. અને, જેને ડુંગળીની તસવીર લેવી હોય એ પંદર રૂપિયામાં લઈ શકે. રોકાણ ઓછું અને કમાણી વધારે!

દલાભાઈ :સુખદેવભાઈ, તમારી સલાહ બદલ આભાર. પરંતુ મને એ અમલમાં મૂકવા લાયક લાગતી નથી. આટલી મોંઘવારીમાં લોકો ડુંગળી ખાતા નથી તો જોવાના પૈસા કોણ ખર્ચે? ચાલો હું જઉં. જે થોડોઘણો ધંધો થાય એ કરું. આવજો.

સુખદેવ : એ આવજો. અરે હા! આજે સાંજે પાંચ વાગે અમારી સોસાઈટીના મેદાનમાં મનોરંજનનો કાર્યક્રમ છે.

દલાભાઈ :અમારા નસીબમાં તો શાકભાજી વેચવાનો કાર્યક્રમ લખ્યો છે. બીજા કાર્યક્રમ કેવા ને વાત કેવી!

સુખદેવ :આ કાર્યક્રમ તો જોવા જેવો હશે. એમાં એક નાટક રજૂ થવાનું છે. આ નાટકમાં હું અને લલિતા પણ ભાગ લઈશું.

લલિતા: હું તો કહું છું કે, જરૂર આવજો.

દલાભાઈ :તમે બંને નાટકમાં હો તો તો પછી જોવા આવવું જ પડશે. જરૂર આવીશ. અત્યારે તો દુકાનભેગો થઉં.

[પ્રવેશ : ૨]

[સ્થળ: નાટકનો મંચ. પ્રોફેસર વાગડિયા માઈક પરથી ઘોષણા કરે.]

પ્રોફેસર :હું પ્રોફેસર વાગડિયા આપણી જ સોસાઈટીના સભ્યો શ્રીમાન સુખદેવજી અને શ્રીમતી લલિતાબેનના સહયોગથી આપ સહુના મનોરંજન માટે રજૂ કરું છું એક નાટક : ‘ડુંગળીનો દેશ’ વહાલા દર્શકો, આપનો આ સેવક પ્રોફેસર વાગડિયા, આ મંચ પર આવનાર કોઈ પણ વ્યક્તિને એની મનગમતી દુનિયામાં લઈ જવા તૈયાર છે. પ્રેક્ષકોમાથી એવી કોઈ વ્યક્તિ તૈયાર છે કે જે આ ઉપાધિના પોટલાં જેવી દુનિયાથી ઘડી બેઘડી છૂટકારો મેળવવા માંગતી હોય.

સુખદેવ :[ઝડપથી] હું તૈયાર છું.

પ્રોફેસર:આવો પધારો. આ ખુરશી પર બેસો.

સુખદેવ :આ બેઠો. બોલો મારે શું કરવાનું છે?

પ્રોફેસર :પહેલાં તો તમારું નામ જણાવો.

સુખદેવ ;મારું નામ સુખદેવ.

પ્રોફેસર :સુખદેવજી, સંસારમાં સુખી છો કે દુઃખી?

સુખદેવ :પ્રોફેસર સાહેબ, જિંદગીમાં બધી વાતનું સુખ છે. માત્ર ડુંગળીનું દુખ છે. ડુંગળી બહુ મોંઘી થઈ ગઈ છે. મને એવી દુનિયામાં જવાની ઇચ્છા છે કે જ્યાં ડુંગળીની રેલમછેલ હોય.

પ્રોફેસર :બસ? માંગી માંગીને ડુંગળી? કશો વાંધો નહીં. તમારી ઇચ્છા જરૂર પૂરી થશે. શરત એટલી કે તમારે મારાં સૂચનોને અનુસરવાનું છે. મારી વિદ્યાની સફળતાનો આધાર તમારા સહકાર પર છે. સુખદેવજી, હવે તમારી આંખો બંધ કરો. હવે તમારું ધ્યાન ધ્યાન અહીં બે આંખોની વચ્ચે કેન્દ્રિત કરો. જુઓ શું દેખાય છે?

સુખદેવ : કશું દેખાતું નથી.

પ્રોફેસર :બરાબર ધ્યાનથી જુઓ. તમને એક નાનકડું લાલ ટપકું દેખાઈ રહ્યું છે. એક લાલ ટપકું. એક લાલ ટપકું. તમને માત્ર એક લાલ ટપકું દેખાઈ રહ્યું છે. દેખાય છેને? જવાબ આપો.

સુખદેવ : [સમર્પિત થઈ રહ્યા હોય એવા ધીમા અવાજે] હા.

પ્રોફેસર : જરા મોટેથી બોલો.

સુખદેવ : હા. મને એક લાલ ટપકું દેખાઈ રહ્યું છે.

પ્રોફેસર : એ લાલ ટપકું ધીરે ધીરે વિસ્તરતું જાય છે.

સુખદેવ :હા, એ મોટું થતું જાય છે.

પ્રોફેસર :એ લાલ ટપકું વિસ્તરતું જાય છે અને ચોક્કસ ચીજનો આકાર ધારણ કરતુ જાય છે. ધ્યાનથી જુઓ અને કહો કે એ ચીજ કઈ છે.

સુખદેવ :ડુંગળી હોય એવું લાગે છે.

પ્રોફેસર :એ ડુંગળી જ છે. બોલો ડુંગળી છે કે નહીં.

સુખદેવ :છે. ડુંગળી જ છે.

પ્રોફેસર: હવે તમે આગળ વધી રહ્યા છો. આગળ ને આગળ વધી રહ્યા છો, તમે એક વિશાળ પર્વત પાસે આવીને ઊભા રહી ગયા છો. સુખદેવજી, તમારે પર્વત પર ચડવાની કોશિષ કરવાની છે. કરો કોશિષ.

સુખદેવ: નથી ચડાતું. લસરી જવાય છે.

પ્રોફેસર : કેમ એવું થાય છે?

સુખદેવ :પર્વત ડુંગળીનો હોય એવું લાગે છે!

પ્રોફેસર : લાગવાનો સવાલ નથી. પર્વત ડુંગળીનો જ છે. ચાલો તમને પર્વતની પેલે પાર લઈ જઉં છું. .. એક એવા દેશમાં કે જ્યાં ડુંગળીની રેલમછેલ છે. હવે બોલો સુખદેવજી, તમને શું દેખાય છે? .... બોલો બોલો. કેમ બોલતા નથી?

સુખદેવ :શું બોલું? ચારે તરફ ડુંગળી જ ડુંગળી છે. ડુંગળીની મોટી મોટી ઈમારતો! ડુંગળીનાં તોરણો! ડુંગળીનાં બગીચા! ડુંગળીના બાંકડા! ડુંગળીનાં સરબત! ડુંગળીના લાડવા! ડુંગળીના પેંડા! એવું લાગે છે કે જાણે.... [ગીતના ઢાળમાં]

ડુંગળીનો દેશ આ તો ડુંગળીનો દેશ

ન્યારો ન્યારો લાગે આ તો ડુંગળીનો દેશ

પ્યારો પ્યારો લાગે આ તો ડુંગળીનો દેશ

ડુંગળીનો દેશ આ તો ડુંગળીનો દેશ.

પ્રોફેસર :વહાલા પ્રેક્ષકો, સુખદેવજી આમ તો એ આપ સૌની નજર સામે મંચ પર જ બિરાજમાન છે. પરંતુ, એમની માનસિક અવસ્થાના સહારે તેઓ ડુંગળીના દેશમાં પહોંચી ગયા છે. એમને આ સ્થિતિમાં વધારે સમય રાખી ન શકાય. માટે હવે હું એમને ડુંગળીના દેશમાંથી આ મંચ પર પાછા લાવીશ. ...સુખદેવજી, હવે તમે ડુંગળીના દેશમાંથી પાછા ફરી રહ્યા છો.

સુખદેવ :નહીં. મારે ક્યાંય નથી જવું. મારે અહી જ રહેવું છે. ડુંગળીના દેશમાં.

પ્રોફેસર :આ દેશ તમારો નથી. તમે તો આ દેશના માત્ર પ્રવાસી છો. હવે તમે તમારા દેશ તરફ પાછા ફરી રહ્યા છો.

સુખદેવ :તમે બકવાસ નહીં કરો. આ મારો દેશ છે. હું ડુંગળીના દેશનો નાગરિક છું. અહીં રહેવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.

પ્રોફેસર:તમે ડુંગળીનો દેશ છોડી રહ્યા છો.

સુખદેવ : હું ડુંગળીના દેશમાં અડીખમ છુ.

પ્રોફેસર : સુખદેવજી, તમે તમારા દેશમાં પાછા ફરી રહ્યા છો. તમારી સફર શરૂ થઈ ગઈ છે.

સુખદેવ :કોઈ સફર શરૂ નથી થઈ. તમે કોણ છો? ક્યારના બકવાસ કેમ કરો છો?

પ્રોફેસર :[ગભરાઈને] હું પ્રોફેસર વાગડિયા છું.

સુખદેવ :કોણ પ્રોફેસર? કોણ વાગડિયા? હું કોઈને ઓળખતો નથી.

પ્રોફેસર :સુખદેવજી, તમને ડુંગળીના દેશમાં લાવનાર હું છુ.

સુખદેવ :અરે! મારું માથું ન ફેરવો. હું ડુંગળીના દેશમાં જ જન્મ્યો છુ. અને આ દેશમાં જ રહેવાનો છું. તમે વધારે મગજમારી કરશો તો પોલીસને બોલાવીશ.

પ્રોફેસર : [દર્શકોને] દર્શકમિત્રો, બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. સુખદેવજી પર વશીકરણની વધારે પડતી અસર થઈ ગઈ લાગે છે. એ ડુંગળીના દેશમાથી પાછા નથી આવતા. મારી એકેય વાત નથી માનતા.

લલિતા:[દર્શકોમાંથી ઊભી થઈને] એવું કેમ ચાલે? તમે એમને ડુંગળીના દેશમાં લઈ ગયા છો. એમને પાછા લાવવાની જવાબદારી તમારી છે.

[લલિતા મંચ પર ચડી જાય.]

પ્રોફેસર : હું એમને પાછા લાવવાની મહેનત કરું છુ. પણ તમે મંચ પરથી નીચે ઉતરો. કોણ છો તમે?

લલિતા:હું એમની પત્ની છુ. તમારું ન માનતા હો તો ચાલો હું એમને હુકમ કરું કે પાછા આવે. ... [સુખદેવને] એ.. સાંભળો છો? હું લલિતા. તમે ડુંગળીના દેશમાંથી પાછા આવો.

સુખદેવ :કોણ લલિતા?

લલિતા :તમારી પત્ની. મને નથી ઓળખતા?

સુખદેવ : મારી કોઈ પત્ની નથી.

લલિતા : હાય હાય બા! આનું કાંઈ કરો. પ્રોફેસર સાહેબ. મારા પતિને પાછા લાવો. એ ડુંગળીનાં દેશમાં જ લટકી રહેશે તો મારું કોણ?

પ્રોફેસર : લલિતાબેન, એમને પાછા લાવવાની મહેનત તો કરું છું. તમે મહેરબાની કરીને મારું કામ કરવા દો. ... સુખદેવજી, તમે પાછા આવો.

સુખદેવ :મને અહીં મજા છે. મારે બીજે ક્યાય જવું નથી. આ ડુંગળીનો દેશ ફરી મળે ન મળે!

લલિતા : એક કામ કરો પ્રોફેસર સાહેબ. એમને કહો કે, આજે ખાટિયાં ઢોકળાંનું પલાળ્યું છે. રાતે ઢોકળાં બનશે. ખાવા હોય તો આવે નહીં તો જાય તેલ પીવા.

પ્રોફેસર :સુખદેવજી, એક ખુશખબર સાંભળો. તમારાં પત્નીએ આજે ખાટિયાં ઢોકળાં બનાવવાની તૈયારી કરી છે.

સુખદેવ : [ખુશ થઈને] ઢોકળાં! ખાટિયાં ઢોકળાં?

પ્રોફેસર : હા! હા! સુખદેવ જી, ખાટિયાં ઢોકળાં! ગરમાગરમ ઢોકળાં ને તેલ!

લલિતા: ને સાથે લસણની ચટણી!

પ્રોફેસર : ને સાથે લસણની ચટણી! વાહ ભાઈ વાહ! તમને ગરમાગરમ ઢોકળાં બોલાવે છે! લસણની ચટણી બોલાવે છે. સુખદેવજી, તમે આવી રહ્યા છો. લલિતાબેનના હાથનાં ઢોકળાં આરોગવા આવી રહ્યા છો. આવી રહ્યા છો.

સુખદેવ :હું આવી રહ્યો છું. ઢોકળાં આરોગવા આવી રહ્યો છુ.

લલિતા :આવો જલ્દી આવો. થોડી ડુંગળી ઊંચકતા આવો.

પ્રોફેસર : લલિતાબેન, એવું ન બની શકે. એમને ડુંગળી દેખાય ખરી. પણ ખરેખર હોય નહીં. આ તો એમના મનની અવસ્થા છે.

લલિતા : ભોગ લાગ્યા એવી અવસ્થાના! હવે પછી આવા ધંધા કરતા નહીં. લાવો એમને જલ્દી પાછા લાવો.

પ્રોફેસર :સુખદેવજી, તમે ડુંગળીના દેશમાંથી ઢોકળાંનાં દેશમાં પાછા ફરી રહ્યા છો. પાછા ફરી રહ્યા છો. પાછા ફરી રહ્યા છો.

સુખદેવ : [ઊભો થઈને દોડાદોડી કરે] હું પાછો આવી ગયો છું. લાવો ઢોકળાં, લાવો ઢોકળાં, લાવો ઢોકળાં.

લલિતા : અરે પણ શાંતિ રાખો. હજી તો ઘેર જવાનું છે. ઘાણ મૂકવાનો છે. તમે તો કેવી વાત કરો છો! લાવ્ય ઘોડો ને કાઢય વરઘોડો!

પ્રોફેસરસુખદેવજી, તમે બહુ લાંબી સફર કરીને આવ્યા છો. દૂર દૂર દેશાવરથી આવ્યા છો. થોડો થાક ખાઓ. [લલિતાબહેનને] લલિતાબેન, તમે તો કમાલ કરી નાખી! તમે તો કળિયુગના સતી સાવિત્રી છો! તમારે લીધે જ આજે તમારા પતિદેવ બીજી દુનિયામાંથી આ દુનિયામાં પાછા ફરી શક્યા છે! ધન્ય છે તમને! ધન્ય છે તમારાં ઢોકળાંને!

લલિતા : પ્રોફેસર સાહેબ, આમાં કોઈ નવી વાત નથી. પત્ની ધારે તો એના પતિને ગમે તે દુનિયામાંથી ઘરભેગો કરી શકે છે.

પ્રોફેસર : દર્શકમિત્રો, આ નાટક અહીં સામાપ્ત થાય છે. આપ સહુનાં રસોડાં ડુંગળીથી હર્યાંભર્યાં રહે એવી શુભેચ્છા સાથે અમે રજા લઈએ છીએ.

દલાભાઈ :[દર્શકોમાંથી ઊભો થઈને] એ ઊભા રહો. ઊભા રહો હું દલો ડુંગળીવાળો એક અગત્યની જાહેરાત કરવા માંગુ છું. આ નાટક મને બહુ જ ગમ્યું છે. તમને બધાંને પણ ગમ્યું હશે. આ નાટકના ત્રણે કલાકારોને હું મારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એક એક નંગ ડુંગળી ભેટ આપવાની જાહેરાત કરું છું.

[સમાપ્ત]