રસોડામાં ઉપયોગી ટિપ્સ
મિતલ ઠક્કર
ભાગ-૨
* ઢોકળાં કે ઈદડાં બનાવતી વખતે તેનો સ્વાદ વધારવા તેને બાફવા મૂકતાં પહેલાં તેના પર સાંભાર મસાલો કે ચાટ મસાલો ભભરાવથી ઢોકળાંનો સ્વાદ બદલાઈ જશે.
* સમારેલા કાચા બટાકા વધ્યા હોય તો તેને ફ્રિજમાં પાણી ભરેલા વાસણમાં રાખવાથી તે કાળા નહીં પડે.
* બટાકાવડા બનાવતી વખતે બાફેલા બટાકાને ઝીણા-ઝીણા સમારી તેલમાં રાઇ, અડદની દાળ, ઝીણા-ઝીણા સમારેલા મરચા, લીમડો, લસણ નાખવું હોય તો નાખી બટાકા વઘારી દેવા. બટાકાને હલાવતી વખતે શક્ય હોય તેટલા છુંદવા અને પછી જોઇતો મસાલો કરવો. આ મિશ્રણમાં ઝીણી સમારેલી કોથમીર વધુ પ્રમાણમાં નાખવી.
* ચીની માટીના વાસણો પરથી ડાઘ હટાવવા માટે તેને મીઠાથી સાફ કરો. ડાઘ દૂર થશે.
* કોઈ પણ વાનગીમાં ડ્રાય હર્બ્સનો ઉપયોગ કરતા પહેલાં તેને ક્રશ કરી ઉપયોગમાં લેવાથી વાનગીની સુગંધ સારી આવશે. રતાળુ બાફીને તળી લો. તેને પનીરને બદલે વાપરવાથી વધુ સ્વાદિષ્ટ લાગશે.
* ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેને બાફતી વખતે બનાવતી વખતે જ સહેજ ગરમ પાણી, મીઠું સ્વાદનુસાર અને લેમન ફ્રૂટ સોલ્ટ નાખો.
* મેથીને સાફ કરી ધોઇને સુકવવી પછી મિકસરમાં વાટી તેનો ભુક્કો કરી ગ્રેવીવાળા શાકમાં કે દાળફ્રાયમાં થોડી ઉમેરવાથી સ્વાદિષ્ટ થાય છે.
* બટાકાને બ્રાઉન રંગના અને કરકરા બનાવવા માટે તેને બેક કરતાં પહેલાં કાંટાથી કાણાં પાડી પછી બેક કરવાથી કરકરા બનશે.
* કોઈ પણ લોટની વાનગી બનાવતી વખતે તેમાં ગરમગરમ ઘી-તેલનું મોણ નાખશો તો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
* મુલાયમ ઇડલી બનાવવા ચોખા-દાળ વાટતી વખતે તેમાં થોડા પૌંઆ ભેળવી દેવા.
* ચોખાને ધોયા પછી તેના પાણીમાં સોના અને ચાંદીના ઘરેણા થોડા સમય માટે પલાળીને મુકી દો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તે ચમકી જશે.
* ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડું પાણી છાંટવાથી ઘી સારું બનશે.
* ઘી બનાવતી વખતે તેમાં નાગરવેલના પાન નાખવાથી ઘીની સુવાસ સારી આવે છે.
* ભરેલાં કેપ્સિકમ જલદી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલાં અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો. નરમ થઈ ગયેલાં કેપ્સિકમ ઓછા તેલમાં જલદી ચઢી જશે અને સ્વાદિષ્ટ પણ બનશે.
* પુડિંગ, કસ્ટર્ડ કે ખીરમાં વિવિધ રંગની ચેરી નાખી વચ્ચે ગુલાબની પાંખડીઓથી સજાવવું. સોંઘુ અને આકર્ષક ડેકોરેશન થશે.
* કાકડી, સફરજન, પીચ વગેરેની છાલ ફેંકી ન દેતા તેને સૂકવીને તેનો પાઉડર બનાવી રાખી મૂકો. જ્યારે પણ કોથમીરની ગ્રીન ચટણી બનાવો ત્યારે તેમાં જરૂર મુજબ થોડો ડ્રાય પાઉડર ઉમેરો, ચટણી એકદમ સ્વાદિષ્ટ લાગશે.
* માખીઓને ઘરમાંથી ભગાડવા માટે કપૂરને ગરમ તવા પર કે કડાહી પર મુકી દો. તેની સુગંધથી માખીઓ ભાગી જશે.
* બીન્સ તરત બનનારા શાક છે. પણ તેને કાપવામાં ખૂબ સમય લાગે છે. આવામાં તેને પહેલાથી જ કાપીને ફ્રિજમાં મુકી દેવા જોઈએ. પહેલા બીન્સને ધોઈને, કાપીને પાણી સુકાવી લો. ત્યારબાદ પ્લાસ્ટિક બેગમાં ભરીને ફ્રિજમાં મુકો.
* આદુ-લસણની પેસ્ટને વધુ દિવસ માટે તાજી રાખવા માટે તેમાં ગરમ તેલ મિક્સ કરીને ફ્રિજમાં મુકી દો.
* ઢોકળાંને નરમ બનાવવા તેમાં આથો નાખતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળાં પોચાં બનશે.
* ભરેલું કોઈ પણ શાક ઝડપથી બનાવવું હોય તો ચણાનો લોટ શેકવાની તસદી ન લેશો. મમરાનો ભૂકો, દાળિયા પાઉડર કે ગાંઠિયાનો ભૂકો ઉપયોગમાં લઈ ભરેલાં શાક કે મરચાં બનાવવાથી સ્વાદ વધશે.
* અડદની દાળ પચવામાં ભારી લાગતી હોય તો તેમાં ચપટી ચણાની અને મગ દાળની ભેળવવી.
* આલુ પરાઠા બનાવતી વખતે બટાકાના મિશ્રણમાં થોડી અથાણાની ગ્રેવી મિક્સ કરવાથી આલુ પરાઠાનો સ્વાદ વધશે.
* જો બિસ્કિટને હવા લાગવાથી નરમ પડી ગયાં હોય તો બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઑવનમાં રાખો. બિસ્કિટનો સ્વાદ જળવાશે ને કરકરાં બનશે.
* ફણગાવેલા કઠોળને ફ્રિજમાં રાખવા હોય તો થોડુ લીંબુ નીચોવી દેવું. જેથી તેની વાસ ફ્રિજમાં ફેલાશે નહીં.
* બટાકા બાફતી વખતે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરવાથી બટાકાનો રંગ એકદમ સફેદ રહેશે અને તેની બનાવેલી વાનગી પણ સારી દેખાશે.
* કોઈ પણ શાકની ગ્રેવી ઘટ્ટ બનાવતી વખતે મસાલાની સાથે તેમાં થોડું નારિયેળનું છીણ અને મગજતરીનાં બીજનો ભૂકો મિક્સ કરવાથી શાકની ગ્રેવી ઘટ્ટ બનવા સાથે તેનો સ્વાદ અને સુગંધ વધી જશે.
* ફ્લાવરના સફેદ રંગને કાયમ રાખવા માટે બનાવતી વખતે તેમાં એક ટેબલસ્પૂન દૂધ નાખી દો.
* ઢોસાને તેલ કરતા ઘીમાં શેકવાથી વધુ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ લાગશે. ઘીને બદલે બટર પર વાપરી શકાય.
* થેપલાનો લોટ વધુ પ્રમાણમાં વધ્યો હોય તો તેની દાળઢોકળી બનાવી નાખવી.
* વધેલા થેપલાના લોટમાં સરખું મોણ, થોડો ચણાનો લોટ તેમજ સાકર અને અન્ય મસાલો ભેળવી મુઠિયાનો લોટ બાંધી મૂઠિયા ઉતારવા.
* લસણને હળવું ગરમ કર્યા પછી લસણને છોલવામાં સરળતા થાય છે.
* ફરાળના બટાકાવડા બનાવવા જોઇતો મસાલો કરી શીંગોડાના લોટમાં પાણી, મીઠું, મરચું નાખી વડા બોળી ઉતારવા.
* વધેલી ખીચડીમાં દહીં, કોથમીર, ઝીણા-ઝીણા સમારેલા મરચા, કાંદા-ટામેટા નાખી પુડલા ઉતારવાથી સ્વાદિષ્ટ લાગશે. નાના બાળકો ખીચડી ન ખાતા હોય તો તેને પણ આ વાનગી બહુ ભાવશે. મેથી ભાવતી હોય તો ઝીણી સમારીને નાખવી.
* ચોખામાં એક ચમચી તેલ અને થોડા ટીંપા લીંબૂનો રસ મિક્સ કરવાથી રાંધ્યા પછી એ ખિલેલું બને છે.
* સિંકમાં ગંદા વાસણોને વધારે સમય સુધી મૂકી રાખવાથી બીમારી ઉદ્ભવી શકે છે. માટે સિંકમાં વાસણ રાખતા પહેલા તેમાં વધેલું એંઠું ભોજન બહાર ફેંકી દો. તમારા કિચન સિંકને ગરમ પાણી તથા સર્ફથી ધુઓ. સાથે જ બેકિંગ સોડાનો પ્રયોગ સિંકના ખૂણે-ખૂણે કરો જેનાથી બેક્ટેરિયા ઉદ્ભવી ન શકે.
* અથાણા અને સલાડ ડ્રેસિંગ્સને ફ્રિઝમાં રાખવાની જરૂર જ નથી હોતી. પરંતુ ઘણી મહિલાઓને એ ફ્રિઝમાં રાખવાની આદત હોય છે. જે વસ્તુમાં વિનેગર કે તેલ હોય એ લાંબા સમય સુધી બગડતી નથી અને ઉપરોક્ત બંને વસ્તુઓ લાંબા સમય સુધી વાપરી શકાય એ માટે બનાવાઇ હોય છે.
* લિંબુ, સંતરા અને મોસંબીને સામાન્ય તાપમાનમાં કિચનમાં રાખવા જોઇએ. ફ્રિઝમાં રાખવાથી એની ગુણવત્તાને નુકસાન થાય છે. બહાર રાખો ત્યારે પણ એકબીજાને ચસોચસ ન રાખતા, નહીં તો જલદી બગડી જશે.
* મહેમાન આવવાના હોય તો અગાઉથી રવાને ઘીમાં શેકી રાખી દેવો જેથી શીરો બનતા વાર નહીં લાગે.
* ભેળ મિક્સમાં થોડુ ચવાણું ભેળવવાથી ભેળ વધુ સ્વાદિષ્ટ લાગશે.
* કોઇ પણ શાકના સ્ટફડ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા કોથમીર અને ફુદીનાના પાન નાખો.
* શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી. જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.
* રોટલીનો લોટ બાંધતી વખતે પાણીમાં થોડું દૂધ નાખવાથી રોટલી વધુ પોચી-મુલાયમ થાય છે.
* ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
* જો શાક વધ્યું હોય તો તેને ફેંકી ન દેતા સવારે તેનાં સ્ટફડ પરોઠા બનાવી દો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદું, કોથમીર અને ફુદીનો ભરપૂર માત્રામાં ઉમેરો.
* ચોખાના લોટની ચકલી બનાવતી વખતે તેમાં અમુલ બટર નાખવાથી ચકલી ક્રિસ્પી થાય છે
* ફરસી પુરીનો લોટ બાંધતી વખતે તેમાં શુદ્ધ ઘીનુ મોણ નાખી સ્વાદાનુસાર મસાલો નાખી તેલમાં તળવી. પુરી ક્રિસ્પી સાથે પોચી પણ થશે.
* ઘીને લાંબો સમય સાચવી રાખવા તેમાં ગોળનો ગાંગડો મૂકી દેવો.
* ખિચિયા કે પાપડ તળેલા કે શેકેલા વધ્યા હોય તો તેને તવા પર કે માઇક્રોવેવ ઓવનમાં સહેજ તપાવાથી ફરી ક્રિસ્પી થઇ જશે.
* બ્રેડને તાજો રાખવા માટે ઘરમાં લઇ આવ્યા પછી એક એરટાઇટ બરણીમાં રાખવો.
* વટાણા બાફતી વખતે તેમાં થોડી સાકર ઉમેરવાથી વટાણા સંકોચાઇ નહીં જાય. તેમજ રંગ જળવાઇ રહેશે.
* અડધા લીંબુને તાજુ રાખવા માટે તેના પર મીઠું ભભરાવીને રાખવું.
* સમોસા બનાવાના લોટમાં મોણની સાથેસાથે અડધુ લીંબુ તેમજ આદું-મરચા અને મીઠું નાખવાથી તેનું પડ સ્વાદિષ્ટની સાથેસાથે ક્રિસ્પી થાય છે.
*****