Sundartani sambhad Matena suchano books and stories free download online pdf in Gujarati

સુંદરતાની સંભાળ માટેના સૂચનો

સુંદરતાની સંભાળ માટેના સૂચનો

મિતલ ઠક્કર

* વાળ રુક્ષ થતાં નબળા પડી જાય છે અને તૂટી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા કંડિશનર કરો. તે વાળને મજબૂતી આપે છે. તેને ગુમાવેલી ચમક આપે છે. પરંતુ વાળના પ્રકાર પ્રમાણે શેમ્પૂ તથા કંડિશનરનો ઉપયોગ કરવો. શેમ્પૂ પછી દરેક વખતે કંડિશનર કરવું જરૂરી છે. પર્મ કરાવેલા રંગ અને તડકાથી ખરાબ થયેલા વાળને સુધારવા ડિપ કંડિશન કરવામાં આવે છે.

* બ્લેકહેડ્સને દૂર કરવા માટે લીંબુ અને બેકીંગ સોડા અસરકારક રહે છે. લીંબુના રસમાં ચપટી સોડા ઉમેરો. આ મિશ્રણમાં કોટન પેડ બોળીને તેને બ્લેકહેડ્સ પર કે વ્હાઈટ હેડ્સ પર લગાવો. પાંચ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. દિવસમાં બે વખત આ પ્રયોગ કરો. બ્લેકહેડ્સની સમસ્યા દૂર થશે. સામાન્ય રીતે નાક પર બ્લેકહેડ્સની સમસ્યા વધુ જોવા મળે છે. આ માટે લીંબુની સ્લાઈસ લો. તેને નાક પર રગડો અને ચાર પાંચ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. તેનાથી ફરક પડશે.

* ચહેરાનો રંગ ગોરો પરંતુ જો ગરદન, પીઠ અને પેટનો રંગ કાળો હોય તો અડધો કપ ચણાનો લોટ, બે ચમચા ચંદન પાવડર, એક ચમચી હળદર તથા પેસ્ટ બનાવવા માટે જોઈતા પ્રમાણમાં દૂધ. આ સામગ્રી ભેળવી પેસ્ટ બનાવી ગરદન, પીઠ અને પેટ પર લગાડવી. દસ મિનિટ બાદ રગડીને સાફ કરવું. નિયમિત આ ઉપચાર કરવાથી દોઢ બે મહિનામા અવશ્ય ફરક પડશે.

* ચહેરા પરના વાળ છુપાવવા બ્લીચ કરી શકાય. હવે બજારમાં હર્બલ બ્લીચ મળે છે, તેથી હર્બલ બ્લીચ લગાવવાનું રાખો. છતાં બળતરા થાય તો બરફ લગાવો. જો ચહેરા પર વધારે પડતા વાળ હોય તો વેક્સ પણ કરી શકો, પણ વેક્સ પાર્લરમાં કરાવવું જોઈએ.

* જો તમને એવું લાગતું હોય કે તમારા પગ પર વધારે રુંવાટી છે તો તમે વેક્સ કરાવી શકો, પણ પહેલી વખત વેક્સ કરાવી રહ્યા છો એટલે કોઇ સારા પાર્લરમાં જઇને વેક્સ કરાવવું જોઇએ. જેથી નાની નાની ફોલ્લી ઉપસી ન આવે અને સ્કિનમાં બળતરા ન થાય.

* એક નાનો ચમચો ટામેટાનો રસ, બે ટીંપાં લીંબુનો રસ અને એક નાનો ચમચો ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા આકર્ષક બને છે. અને બે ચમચા ટામેટાના રસમાં ચાર ચમચા છાશ ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા પર તડકાની અસર થતી નથી તેમજ ત્વચા કોમળ રહે છે.

* હડપચીની નીચેના કાળા ભાગને સામાન્ય કરવા માટે લીંબુ અને દહીં ભેળવી પેસ્ટ બનાવી કાળા ભાગ પર લગાડવી. અને પાંચ મિનિટ સુધી મસાજ કરવો. એકાંતરે આ ઉપચાર કરવાથી ફાયદો થશે.

* પોણો કપ ગુલાબજળ, પા કપ ગ્લિસરીન, એક ટી સ્પૂન વિનેગાર અને પા ટી સ્પૂન મધ ભેળવી એક શીશીમાં ભરી દેવું. આ એક ફાયદાકારક મોઇશ્ચરાઇઝર થશે જેનો ક્લિંઝ્નીંગ માટે રોજ ઉપયોગ થઇ શકે.

* દ્વિમુખી વાળની સમસ્યા સામાન્ય છે. દ્વિમુખી વાળને દૂર કરવાનો એક જ ઉપાય છે. વાળને નિયમિત ટ્રિમ કરવા.

* વરસોથી કોઇ બાબતે શરીરના એક જ સ્થાનનો ઉપયોગ થતો હોય તો ચોક્કસ નિશાન બની જ જાય. કાંડા ઘડિયાળ પહેરવાથી પણ કાંડા પર નિશાની બની જતી હોય છે. એક જ સ્થાને નિયમિત ચાંદલો કરવાથી ચાંદલાનો ડાઘ પડી જાય તે સામાન્ય છે. આ ડાઘને છુપાવવા માટે મેકઅપનો સહારો લેવો તેમજ એન્ટસેપ્ટિક ક્રિમ લગાડીને ચાંદલો કરવો.

* ઑઇલી ત્વચા માટે મુલતાની માટીમાં ગુલાબજળ નાખી લગાડવાથી ઘણો ફાયદો થશે.

* ખીલની સમસ્યામાં ચહેરાની નિયમિત સફાઇ કરો. ખીલને સ્પર્શ ન કરશો તેમજ તેને ફોડતા નહીં. ખીલ ફોડવાથી ડાઘા રહી જતા હોય છે. રોજિંદા આહારમાંથી તીખા, તળેલા, મસાલાવાળા ખોરાકનું પ્રમાણ નહીંવત કરી નાખશો. અને ફળ તેમજ લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દેશો. જો અનુકૂળ રહે તો રાતના સૂતી વખતે ત્રિફલા ચૂરણ ફાકવાનું રાખો. કોઇ પણ ક્રીમ વાપરશો નહીં. દિવસમાં ત્રણ-ચાર વાર એસ્ટ્રીજન્ટનો ઉપયોગ કરવો. લાભ થશે.

* સ્કિનની સમસ્યામાં કડવો લીમડો હિતકારી છે. લીમડો સ્કિન પરના ડાઘ ધબ્બાને દૂર કરીને ખંજવાળમાં પણ રાહત આપે છે. આ માટે લીમડાનાં પાનને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વીસ મિનિટ ચહેરા પર લગાવો અને ત્યારબાદ ચહેરાને ધોઈ લો. આ પ્રયોગ સપ્તાહમાં ત્રણ વખત કરવાથી સમસ્યા દૂર થાય છે.

* અલોવેરાની જેલમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને એની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફેસ પર અને આંખોની આસપાસની સ્કિન પર લગાવો. એનાથી તમારી સ્કિન પરની મૃત ત્વચા નીકળી જશે.

* ચહેરાના સુંદર, આકર્ષક દેખાવ માટે આઈબ્રોઝને શેપમાં રાખવી જરૂરી બને છે. એનાથી કેવળ આંખને આકાર જ નથી મળતો, પરંતુ બંધારણ પણ મળે છે. દેખાવમાં બદલાવ લાવવા માટેનો આ એક સરળ અને ઝડપી રસ્તો છે. જો તમારી આઈબ્રોઝ નીચેની તરફ ઢળતી હોય તો શેપ આપી છેડેથી ટ્રીમ કરવાનું રાખશો જેથી શેપ જળવાઈ રહે. વધુ પડતી આઈબ્રોઝ નીકળી ના જાય તેનો ખાસ ખ્યાલ રાખવો.

* રાત્રે બદામને પાણીમાં પલાળી બીજી સવારે એને વાટી એમાં ઈંડાની સફેદી, થોડો લીંબુ રસ ભેળવી એનાથી હાથ પર માલિશ કરો. ૧૦-૧૨ મિનિટ પછી નવશેકાં પાણીથી સાફ કરી લો. હાથ સ્વચ્છ તો થશે જ. સુંદર પણ બનશે.

* બરડ નખ માટે મસાજ જરૂરી છે. દરરોજ રાત્રે બદામના તેલથી નખ ઉપર મસાજ કરવો. કેલ્શિયમયુક્ત આહાર લેવાનું રાખો. તમારે ડિટરજન્ટનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો નહીં, કેમ કે તેનાથી ફરીથી તમારા નખ સૂકા થશે. બીજું, તમારા નખ ઉપર નેઈલ પોલિશ વધુ સમય રાખવું નહીં, કેમ કે તેનાથી નખ વધુ કોરા રહેશે અને શુષ્ક થશે. નખને તાજી હવા અને સૂર્યપ્રકાશ મળવો પણ જરૂરી છે

* સોફટ ફેસ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયે એક વખત કરવો સારો છે, પરંતુ ધ્યાન રાખવું કે ખૂબ હળવાશપૂર્વક ભાર (પ્રેશર) આપવો, કેમ કે ભારપૂર્વક સ્ક્રબિંગ કરવાથી બંધ છિદ્ર ખૂલી ત્યાં સોજાવાળું ખીલ બની જાય છે. આથી ખૂબ હળવા વજન સાથે સ્ક્રબનો ઉપયોગ કરવો, કેમ કે સ્ક્રબનું ટેક્ષ્ચર અને તમારું અપાતું હાથનું વજન (પ્રેશર)તમારી ત્વચા માટે ખૂબ ભારે બની રહેતું હોય છે.

* ચાર ચમચા કાચા દુધમાં એક ચમચી ચારોળી ૧૨ કલાક સુધી પલાળી રાખી તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર ૩૦ મિનિટ સુધી લગાડી રાખવી. સુકાઈ ગયા બાદ ચહેરો ઠંડા પાણીથી ઘોઈ નાખવો. નિયમિત આ ઉપચાર કરવાથી શુષ્ક ત્વચા મુલાયમ બને છે.

* અન્ડર આર્મ્સ કાળા પડી ગયા હોય તો એ કાળાશને દૂર કરવા આર્મ્સમાં રેઝર અને ક્રીમથી શેવિંગ કરવાનું બંધ કરી દો. તેનાથી ત્વચા કાળી પડી જાય છે, તેથી અન્ડર આર્મ્સમાં વેક્સિંગનો ઉપયોગ કરવાનું રાખો. હવે બ્યુટી પાર્લરમાં અન્ડર આર્મ્સ બ્લીચ પણ કરવામાં આવે છે. તેનાથી ડાળાશ દૂર કરી શકાય છે.

* તમે જ્યારે પણ ફાઉન્ડેશન લગાવો તો ફાઉન્ડેશન લગાવ્યા પછી એના પર ટ્રૅન્ઝ્લુસન્ટ પાઉડર લગાવવો જરૂરી છે, તો જ તમારું ફાઉન્ડેશન સેટ થશે જેથી પસીનો આવે તો પણ નીકળશે નહીં.

* ડ્રાય સ્કિનવાળા માટે શાવર જેલ સૌથી સારો ઑપ્શન છે. શાવર જેલથી તમારી સ્કિન ડ્રાય નથી થતી. જો સાબુ જ વાપરવો હોય તો મૉઇસ્ચરાઇઝરવાળો સાબુ વાપરવો. ડ્રાય સ્કિનવાળાએ સ્કિન પર વારંવાર સાબુ ન લગાડવો. જો ફેસ ધોવો હોય તો સાબુના બદલે ફેસવૉશ વાપરવું.

* રિન્કલ્સ એટલે કે ત્વચા પર પડતી કરચલીઓ. કરચલી ત્યારે પડે જ્યારે ત્વચા ઢીલી થઈ ગઈ હોય. ત્વચાને ટાઇટ બનાવવા માટે મુલતાની માટીમાં એક ઈંડું અને એક ચમચી દહીં નાખવું. જો તમે ઈંડું ન નાખવા માગતા હો તો તમે ઈંડાને બદલે મિલ્ક પાઉડર નાખી શકો છો. એને બરાબર મિક્સ કરી ચહેરા પર ૪૦ મિનિટ રહેવા દેવું. ૪૦ મિનિટ પછી થોડા નવશેકા પાણીથી ધોવું અને છેલ્લે ઠંડું પાણી છાંટવું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED