Rasoda ni Rani Mate Rasoi Nuskha books and stories free download online pdf in Gujarati

રસોડાની રાણીના રસોઇ નુસ્ખા

રસોડાની રાણીના રસોઇ નુસ્ખા

- મિતલ ઠક્કર

* કેળાંની ચિપ્સ બનાવતી વખતે તે કાળા પડી ન જાય તે માટે તેની છાલ ઉતારીને પછી સમારીને થોડી વાર છાસમાં અથવા હળદરવાળા પાણીમાં પલાળી રાખો.

* ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.

* ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે.

* શાક કે કઢી ચોંટી જાય તો તેને સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. પાંચ મિનિટમાં વાસણ સાફ થઇ જશે.

* ખટાશવાળી વસ્તુઓ બનાવવા માટે ક્યારેય નોનસ્ટિકનો ઉપયોગ ન કરવો, તેનું કોટિંગ નીકળી શકે છે.

* સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં રાખી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે.

* રસોડામાં ક્યાંય કોઇ ચીકણી વસ્તુ ઢોળાઇ હોય તો તેના પર બ્લીચ નાખીને બ્રશથી સફાઇ કરવાથી જગ્યા ચોખ્ખી થાય છે.

* ગરમ પાણીમાં કોપરેલ નાખી કઠોળ બાફવાથી કઠોળ સારા તથા જલદી બફાય છે.

* પાંદડાંવાળી ભાજી રાંધતા પહેલાં મીઠાના પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.

* ફાટી ગયેલા દૂધનો ઉપયોગ તમે કેક બનાવવામાં કરી શકો છો. તેનાથી કેક વધુ સ્વાદિષ્ટ લાગશે.

* વધેલી ઈડલીને વઘારી તેમાં કેપ્સિકમની લાંબી ચીરી નાખવાથી ઈડલીનો દેખાવ ને સ્વાદ સરસ આવશે.

* સ્ટીલની સિંક સાફ કરવા માટે મકાઇના લોટનો ઉપયોગ કરો. સિંક ચમકી ઉઠશે.

* પકોડામાંથી એક્સ્ટ્રા ઓઈલ દૂર કરવા હંમેશાં તેને ડીપ ફ્રાય કર્યા બાદ પેપર નેપ્કિનમાં મૂકવાનો આગ્રહ રાખો.

* શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

* મેથીની કડવાશને દૂર કરવા માટે સમારેલી મેથીમાં મીઠું નાખીને થોડી વાર માટે રાખી મૂકો, કડવાશ ઓછી થશે.

* ચોકલેટનો સ્વાદ વધારવા માટે ચોકલેટ કેકના મિશ્રણમાં ૧/૨ ચમચી કોફી પાઉડર ઉમેરવાથી તેનો સ્વાદ વધી જશે.

* પાલક-પનીર શાકમાં લીલા રંગને જાળવી રાખવા માટે પાલકને ચઢવા માટે મૂકો ત્યારે પૅનને ઢાંક્યા વગર જ ચઢવા દેવાથી શાક વધારે સ્વાદિષ્ટ બનશે અને રંગ પણ જળવાઈ રહેશે.

* માવાની મીઠાઇ બનાવતી વખતે જો તેમાં દાણા ન થતા હોય તો તેમાં ચપટી ફટકડી મિક્સ કરી દો.

* ટામેટાં પર તેલ લગાવીને શેકવાથી તેની છાલ સરળતાથી નીકળી જશે.

* નરમ ઢોકળાં બનાવવા માટે સૌ પ્રથમ ખીરું વધુ નરમ કે વધુ ગાઢ ન બનાવવું અને સોડાનો ઉપયોગ પણ યોગ્ય પ્રમાણમાં જ કરવો.

* બિસ્કીટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કીટ કડક, તાજા અને કરકરા થશે.

* કેકને બૅક કર્યા પછી પોલિથિન બેગથી ઢાંકી દો. બીજા દિવસે પોલિથિન બેગ હટાવી લો. એનાથી કેક નરમ બનશે.

* એલચીની છાલને ફેંકો નહિ. તેને વાટીને ખાંડમાં મિક્સ કરી દો. જ્યારે પણ ચા બનાવો ત્યારે તેમાં આ ખાંડનો ઉપયોગ કરવાથી તેમાંથી એલચીની સુગંધ આવશે.

* પુરીને કડક બનાવવા લોટમાં બ્રેડ નાખી લોટને ફરીથી મસળવો.

* લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

* શાક અથવા દાળમાં મીઠું વધુ પડી ગયું હોય તો કાચા બટાકાની સ્લાઇસ નાખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઓછી થઇ જશે.

* લોટને ફ્રિજમાં રાખતા પહેલા તેના પર તેલ લગાવીને ડબ્બામાં બંધ કરીને રાખી મૂકો.

* ઇડલી સાથે સંભાર બનાવતી વખતે કોળાના ટુકડા તથા સરગવાની શીંગના ટુકડા બાફી વઘારી દાળ નાખી જોઇતો મસાલો નાખવાથી સંભાર સ્વાદિષ્ટ લાગે છે.

* નારિયેળને બે ભાગમાં તોડવા માટે તેને એક રાત પહેલા પલાળીને રાખી મૂકો અને હળવા હાથેથી કોઇપણ વસ્તુની સાથે તોડો. આનાથી આખું નારિયેળ સરળતાથી તૂટી જશે.

શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલાં હળદર નાખો. તેલના છાંટા ઓછા ઉડશે.

* છોલેને લાલ રંગ આપવા માટે એક ચમચી ચાની પોટલી બનાવીને છોલેની સાથે ઉકાળી લો. તમે ઇચ્છો તો ચાની જગ્યાએ ટી બેગ પણ ઉપયોગમાં લઇ શકો છો.

* શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તે માટે તેમાં થોડી કોફી નાખો.

* ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં કાજુની પેસ્ટ નાખીને ચડવા દો. તેનાથી તેનો સ્વાદ વધી જાય છે.

* બટાકાના છૂંદામાં થોડો સૂરણ, કંદનો છૂંદો તથા આરાલોટ ભેળવી જોઇતો મસાલો કરી પેટીસની માફક તવા પર બંને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

* અંકુરિત અનાજને ફ્રીજમાં મુકતા પહેલા તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવું કરવાથી તેમાં વાસ નહી આવે.

* જૂના બટાકા બાફતી વખતે તેમાં લીંબુનો રસ નાખી દેવાથી બટાકા સફેદ રહે છે.

* તવામાંથી ડુંગળીની દુર્ગંધ દૂર કરવા માટે તેમાં કાચું બટાકુ કાપીને તવા પર લગાવવાથી દુર્ગંધ જતી રહેશે.

* જો ઘરમાં માખી વધુ હોય તો મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખીનો ઉપદ્રવ ઓછો થઇ જશે.

* જો દહીં વધુ ખાટું હોય તો તેમાં થોડું દૂધ મિક્સ કરવાથી ખટાશ ઓછી થઇ જશે. દહીંમાં દૂધની માત્રાનું ખાસ ધ્યાન રાખવું. અડધો કિલો દહીંમાં એક કપ દૂધ પૂરતું રહેશે.

* બટાકાની છાલ કાઢી તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયોગ કરવાથી દમ આલુ સારા બનશે.

* લીંબુના રસને જો ૧૫ થી ૨૦ દિવસ સુધી સારો રાખવો હોય તો તેના રસને બરફની ટ્રેમાં નાખો. જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

* પરાઠા બનાવતા પહેલા લોટમાં એક બાફેલુ બટાકુ અને એક ચમચી અજમો નાખી દો. પરાઠા માખણથી શેકો. પરાઠા કુરકુરા અને સ્વાદિષ્ટ લાગશે.

* ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું ફૂદીનાનું ચૂર્ણ મેળવી દો. સ્વાદ સરસ આવશે.

* ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલદી બફાશે.

* દાળ- ઢોકળીને બનાવતી વખતે તેમાં ઢોકળીને કાચી- પાકી શેકીને નાખવાથી તે ચોંટશે નહિ.

* મરચા સમાર્યા બાદ થતી બળતરાને ઓછી કરવા માટે હાથ ઉપર થોડું દહીં અથવા હળદર ઘસી લો. તેનાથી બળતરા શાંત થઇ જશે.

* મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.

* પાઉંને નરમ-તાજા રાખવા પાઉંની સાથે સફરજન રાખવા.

* એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી તેને કેકના મિશ્રણમાં મિક્સ કરી દો, તેનાથી કેકનો રંગ સારો આવશે.

* બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.

* પનીરને સોફટ રાખવા તેને બનાવવા માટે પહેલા ગરમ પાણીમાં થોડીક વાર નાખી દો. અને ત્યાર બાદ તેને ગ્રેવીમાં નાખો.

* પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા લેવાથી પૂરી સરસ ફૂલશે.

* રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિક્સ કરો. રસગુલ્લા ફાટશે નહિ.

* સાબુદાણાને બનાવતા પહેલા એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલા બનશે.

* માખણને ફ્રિજમાં રાખવાથી જામી ગયું છે તો તેને સોફટ કરવા માટે નાના- નાના ટુકડામાં કાપી દો.

* ખીર બનાવતી વખતે ખીરમાં નાખેલા ચોખા ચઢી ગયા પછી તેમાં થોડુ મીઠુ નાખી દો. ખીર સ્વાદિષ્ટ લાગશે અને ખાંડની જરૂર ઓછી પડશે.

* આદુંને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

* ચાસણી બનાવતી વખતે કઢાઇમાં માખણ લગાવી દેવાથી ચાસણી સરસ બનશે.

* ઇડલી- ઢોસાનું ખીરું પાતળું થઇ ગયું હોય તો તેમાં જોઇતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઇ જશે.

* સંભારની દાળ બનાવવી હોય તો તુવેરની દાળ અને ચણાની દાળ સાથે મીઠું અને હળદર નાખીને બાફો.

* નૂડલ્સ ઉકાળ્યા પછી તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો તે ચોંટતા નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED