શિકાર Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર

શિકાર

યશવંત ઠક્કર

ભૂપતરાયે જ્યારે જ્યારે શરદભાઈને ફોન કરીને ચેક પાછો આપવાની વાત કરી હતી ત્યારે ત્યારે શરદભાઈએ ઑફિસે નહિ આવી શકવાનું કોઈને કોઈ બહાનું કાઢ્યું હતું. ઉપરથી એ મતલબની શિખામણ આપવાનું પણ નહોતા ભૂલ્યા કે: ‘તમને ફલેટ મળી ગયોને ભલા માણસ, નિરાંતે રહોને. તમારો ચેક પાછો મળી જશે. વિશ્વાસ રાખો.’

છ છ મહિના સુધી ધીરજ રાખ્યા પછી આજે એમની ચિંતાનો જે અંત આવવાનો હતો એ ન આવ્યો. ઘેરથી ઉતાવળે ભાગ્યાનો, બસની રાહ જોયાનો, ધક્કામુક્કી સહન કરીને બસમાં ચડ્યાનો, બસમાં હડદોલા ખાધાનો, બસમાંથી ઉતરીને શરદભાઈની ઑફિસે ઝડપથી પહોંચ્યાનો.. એ બધો જ થાક હવે એમને સામટો લાગ્યો.

એમણે ગજવામાંથી મોબાઈલ કાઢીને શરદભાઈને ફોન લગાડ્યો. ‘હલો.. શરદભાઈ, હું ભૂપતરાય બોલું છું. તમારી ઑફિસે આવી ગયો છુ.’

‘અરે ભૂપતરાય! હું અત્યારે હોસ્પિટલમાં છુ. મારા કાકાને દાખલ કર્યા છે. કલાક પછી મળીશ.’ શરદભાઈએ પોતાના આગવા અને આકરા અવાજે કહ્યું.

‘ચોક્કસ?’ ભૂપતરાયનો એ સવાલ સાંભળ્યા પહેલાં જ શરદભાઈએ ફોન બંધ કરી દીધો.

એમણે ફલેટ નોંધાવ્યો ત્યારે શરદભાઈએ ફલેટના જરૂરી દસ્તાવેજ આપતાં પહેલાં બાકી રકમનો એક ચેક આગોતરા લઈ લીધો હતો મોટાભાગના બિલ્ડર પોતાની સલામતી માટે આવું કરતા હોય છે. પૂરી રકમ મળી જાય પછી એ ગ્રાહકની નજર સામે ફાડી નાખતા હોય છે અથવા તો પરત આપી દેતા હોય છે. આમ તો આ એક સામાન્ય વાત કહેવાય. પરંતુ, ભૂપતરાય જેવા સરળ માણસ માટે આ એક અસામાન્ય વાત હતી.

એક કલાક સુધી બિલ્ડરની ઓફિસના બંધ દરવાજે ઊભા રહેવું ઠીક ન લાગવાથી ભૂપતરાય ત્યાંથી ચાલવા લાગ્યા. ક્યા જવું એ નક્કી નહોતું. શું કરવું એ નક્કી નહોતું. નક્કી માત્ર એટલું હતું કે, એક કલાકનો સમય ગમે ત્યાં અને ગમે તે રીતે પસાર કરવાનો છે.

શેરીની બહાર નીકળીને ટાવરરોડ પર, ટાવરની બિલકુલ સામે, રસ્તાની એક બાજુએ ઊભા રહી ગયા. એક જમાનામાં જેનો વટ પડતો હતો, જેની ઘડિયાળના સમય સાથે નગરજનો પોતાની ઘડિયાળનો સમય મેળવતા હતા એ ટાવર તરફ આજે, બંદુકમાંથી છૂટેલી ગોળીની જેમ ભાગતા લોકોમાંથી કોઈ એકાદ નજર પણ નહોતું નાખતું. ભૂપતરાયને ટાવર પણ પોતાની માફક નિમાણો થઈને ઊભેલો લાગ્યો.

‘મોટાભાઈ હટો. મારી રોજની જગ્યા છે.’ બૂમ સાંભળીને ભૂપતરાય ચોંક્યા. જોયું તો સોડાની લારીવાળો એમને હટાવવા માટે અધીરો થઈ રહ્યો હતો. ભૂપતરાય ત્યાંથી ઝડપથી ન ખસ્યા હોત તો લારી એમની સાથે અથડાઈ ગઈ હોત.

‘કોઈએ બે ઘડી ઊભા રહેવા જેટલી જગ્યા પણ બાકી રહેવા નથી દીધી. વેપારીઓ, દલાલો, બિલ્ડરો, ભિખારીઓ; એ બધાએ શહેરની તસુએ તસુ જમીન દબાવી દીધી છે.’ કોઈ કટારલેખકના વિચારો જેવા વિચારો કરતાં કરતાં ભૂપતરાય આગળ ચાલ્યા.

‘સૂર્યનારાયણ બાગ’ આવ્યો. ભૂપતરાય બાગના દરવાજે ઊભા રહી ગયા. પોતે છેલ્લે ક્યારે આ બાગમાં આવ્યા હતા, એ દિવસ યાદ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમને કોઈ ચોક્કસ દિવસ યાદ ન આવ્યો. માત્ર એટલું યાદ આવ્યું કે, નોકરીમાં બદલી થવાથી પોતે આ શહેરમાં રહેવા આવ્યા ત્યારે; શરૂશરૂમાં દર રવિવારે સાંજે પત્ની રમા સાથે જુદા જુદા બાગમાં બેસવા જતા. એમાં ક્યારેક ક્યારેક ‘સૂર્યનારાયણ બાગ’નો પણ વારો આવતો. બાગમાં તેઓ, ક્યારેક ‘બાલુભાઈનાં ખમણ’ તો ક્યારેક ‘જગદીશનો ચેવડો’ લઈને આવતાં.

અનાયાસે જ ભૂપતરાય બાગમાં પ્રવેશી ગયા. એમને કોઈ જૂનો ભાઈબંધ વર્ષો પછી જોવા મળ્યો હોય એવી લાગણી થઈ. બાગમાં ખાલી બાંકડા જોઈને એમના મનને ઘણું સારું લાગ્યું. નવાઈ પણ લાગી કે, વેપારધંધાથી ધમધમતા આ શહેરની વચ્ચે નિરાંતે બે ઘડી બેસાય એવી જગ્યા હજી પણ જળવાઈ રહી છે. એ પણ મફતમાં બેસાય એવી!

‘અહીં સુધી આવ્યો છું તો પહેલાં મંદિરમાં જઈને સૂર્યનારાયણના દર્શન કરી લઉં પછી નિરાંતે બેસું.’ એવી ગણતરી સાથે એ સૂર્યનારાયણના મંદિર તરફ આગળ વધ્યા. ‘સારું છે કે, કોઈ બિલ્ડરે સૂર્યનારાયણનું મંદિર વેચાતું નથી લઈ લીધું. નહિ તો સૂર્યનારાયણ ભગવાન માટે સો ચોરસફૂટ જેટલી જગ્યા રાખીને બાકીની જગ્યામાં દુકાનો ઊભી કરી દીધી હોત.’ ભૂપતરાયને મંદિરના પગથિયાં ચડતા ચડતા વિચાર આવ્યો. ‘સ્વપ્નભૂમિ’ કૉમ્પ્લેક્સમાંનો પોતાનો ફલેટ પણ યાદ આવ્યો કે જેમાં; ઓરડા, રસોડું, બાથરૂમ, ટૉઇલિટ, ગૅલરી વગેરે બધું જ સાંકડું સાંકડું હતું. વળી, એ પણ ખાસ યાદ આવ્યું કે, ઉનાળામાં તો ફલેટ જાણે ભઠ્ઠીમાં ફેરવાઈ જતો હતો.

ભૂપતરાય સૂર્યનારાયણને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા: ‘હે દેવ, ઉનાળામાં બહુ આકરા ન થાવ તો સારું. હવે તો શિયાળા અને ચોમાસાં ટૂંકાં થતાં જાય છે. બારમાંથી આઠ મહિના તો ગરમીના જ હોય છે. ઘેર ઘેર એસી બેસવા લાગ્યાં છે. પણ, મને એસી માફક ન આવે. ગમેતેમ તોય પરંપરાનો માણસ છું. મારું જીવનધોરણ તો તમારી કૃપા પર નિર્ભર છે. દેવ, માપસર તડકોછાંયો આપજો. બીજુ તો શું માંગુ?’

ભૂપતરાયની પ્રાર્થના પૂરી થવાની અણી પર હતી ત્યાંતો, પોતાનામાં આખો સૈકો સાચવીને જીવતી હોય એવી એક ડોશી પૂજા કરવા આવી. ભૂપતરાયને એ ડોશીના ચહેરા પરની કરચલીઓ જોઈને શહેરના જૂના રસ્તાઓ સાંભરી આવ્યા. ડોશી સૂર્યનારાયણની ભાવપૂર્વક પૂજા કરવા લાગી. પરંપરાથી છલકાતી પૂજાવિધિ નિહાળીને ભૂપતરાયને પ્રસન્નતાનો અનુભવ થયો.

શહેરની જૂની ગલીઓના સંભારણાં પ્રસાદ રૂપે લઈને ભૂપતરાય મંદિરના પગથિયાં ઊતર્યા. બાગમાં પ્રવેશતી વખતે એમણે જે બાંકડા ખાલી જોયા હતા, એ હવે ભરાઈ ગયા હતા. ખાલી બાંકડાની તરસ સાથે એ બાગમાં લટાર મારવા લાગ્યા. કોકિલના ટહુકા એમના ચિત્તની પ્રસન્નતામાં વધારો કરવા લાગ્યા.

એક બાંકડા પર કોઈ સાધુ બેઠો હતો. ‘આ બાગમાં પ્રવેશવાથી મને તો શાંતિનો અનુભવ થાય છે તો સાધુને કેવું લાગતું હશે?’ એવા વિચાર સાથે એમણે સાધુના ચહેરા તરફ નજર નાખી. સંસાર છોડ્યા છતાં સાધુના ચહેરા પર સંસારનો ભાર હોય એવું એમને લાગ્યું. ‘એ ભૂતકાળની સ્મૃતિઓમાં ખોવાયો પણ હોય!’ ભૂપતરાયે ચાલતાં ચાલતાં જ ધારણા બાંધી. ‘દરેક માણસનું મન એક પાણિયારું છે!..’ એમનું મન ચિંતને ચડ્યું. ‘એ પાણિયારે સ્મૃતિઓથી સદાય છલોછલ રહેતું એક માટલું હોય છે. જેમાંથી સતત સ્મૃતિઓ ટપક્યા કરે છે. ટપક... ટપક...ટપક.’ એમને પોતાનું ગામડું, ઘર, ઓસરી,પાણિયારું, માટલું અને માટલામાંથી ટપકતાં પાણીનાં ટીપાં સાંભર્યાં. ટપક! ટપક! ટપક!

બીજા એક બાંકડા પર, રંગબેરંગી ફૂગ્ગા વેચનારી એક બાઈ પોતાની નાની છોકરીને ખવડાવતી હતી. એની બાજુમાં લાકડીએ બાંધેલા ફૂગ્ગાઓ ગરીબ માદીકરીની જિંદગીની રંગીનતાને જોઈ રહ્યા હતા. નકારાત્મક ભાવ ધરાવતો હોય તેવો એક ફૂગ્ગો જાણે કે, માદીકરીની ગરીબી સહન ન થઈ શકી હોય એમ મૂરઝાઈ ગયો હતો. ભૂપતરાયને બાળપણનો પોતાનો ફૂગ્ગાપ્રેમ સાંભરી આવ્યો. જ્યારે જ્યારે ફૂગ્ગો ફૂટતો ત્યારે ત્યારે જે દુઃખનો અનુભવ થતો એ દુઃખ તાજું થયું.

જેનું પોતાનું જ વજન ઘટી ગયું હોય એવો એક દુબળોપાતળો માણસ પડખામાં વજનકાંટો લઈને છાંયડામાં આડો પડ્યો હતો. ભૂપતરાયને એ અને એનો વજનકાંટો બંને થાકેલા લાગ્યા. એમને પોતાનું એક કિલો ઘટેલું વજન યાદ આવ્યું. ‘જેટલો ખોરાક લેવાય એટલો લો તો તમારું વજન વધશે.’ ભૂપતરાયને ફેમિલી ડૉકટરની એ સલાહ પણ યાદ આવી ગઈ. પોતે જવાબમાં કહ્યું હતું કે, ‘સાહેબ, ગમે એટલું ખાઉં તો પણ વજન વધતું નથી.’ ડોકટરે હસતાં હસતાં આશ્વાસન આપ્યું હતું કે, ‘ચિંતા છોડી દેવાની. હવે તો તમારો દીકરો અમેરિકા પહોંચી ગયો છે.પછી શાની ચિંતા?’... ‘દીકરો અમેરિકા પહોંચી ગયો એ જ તો ચિંતા છે.’ પોતે પણ ડૉકટરને મજાકમાં જવાબ આપ્યો હતો.

છેવટે બે ખાલી બાંકડા દેખાયા. એક બાંકડા પર ભૂપતરાય નિરાંતે સાથે બેઠા. બેસતાંની સાથે જ, એમની નજર બાગમાં આંટા મારી રહેલી એક યુવતી પર પડી. યુવતીના કાને મોબાઈલ હતો. એ આંટા મારતાં મારતાં જ કોઈની સાથે વાતો કરી રહી હતી. મોબાઈલ જોઈને ભૂપતરાયને પોતાના મોબાઈલના હોવાનું વજૂદ સાંભર્યું. એમણે ઘેર રમાને ફોન કરીને ‘આવવામાં મોડું થશે’ એવી ખબર આપી દીધી.

પરંતુ, પેલી યુવતીની વાતો તો ખૂટતી જ નહોતી. સામેની વ્યક્તિને દેખાતું હોય એમ એ હાથના હાવભાવ સાથે વાતો કરતી હતી. આસપાસની દુનિયાની એને કશી જ પરવા ન હતી. ભૂપતરાયને પોતાની સગાઈ વખતના દિવસો યાદ આવ્યા; કે જે દિવસોમાં મોબાઈલ નહોતા અને રમાનો ફોન લાગવામાં કલાકો નીકળી જતા. ક્યારેક તો કલાકો પછી પણ ન લાગતો.

થોડેક જ દૂરના ખાલી બાંકડા પર, જેના માથે વહેલાસર ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હોય હોય એવો, કાને મોબાઈલ સાથેનો એક યુવાન આવીને બેસી ગયો. ભૂપતરાય ચોર નજરે એના તરફ જોવા લાગ્યા. એ અકળાયેલો જણાતો હતો. વળી, એનો અવાજ એટલો મોટો હતો કે, ભૂપતરાયને એના શબ્દો ચોખ્ખા સંભળાતા હતા. એ કોઈને રીઝવતો હતો. ‘હલો.. સર, હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. સર, અમારી બેન્કે એક નવી મેડિકલ પોલિસી ‘સુંદર જિંદગી’ લોન્ચ કરી છે. આ પોલિસી એવી છે કે.... શું કહો છો?... આપને રસ નથી? સર, પહેલાં પોલિસી તો સમજો. સમજ્યા વગર જ... ‘ સામેથી ફોન બંધ થઈ ગયો હોવાથી એ નારાજ થઈને બબડ્યો, ‘લોકો પૂરી વાત સાંભળતા પણ નથી.’

હવે, એણે પોતાની પાસે રહેલી બેગમાંથી એક ડાયરી કાઢી. એમાં જોઈને બીજા એક નંબર પર ફોન લગાડ્યો. ‘હલો.. બહેનજી. હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. હું મુકેશ અમીન સાથે વાત કરી શકું? .... બહાર ગયા છે? એમનો મોબાઈલ નંબર આપશો?... નથી ખબર? સારું, હું પછી ફોન કરીશ. એ ક્યારે આવશે એ કહી શકો? ... નક્કી નહીં? ભલે. હું કાલે ફોન કરીશ.’ એની નારાજગી વધી ગઈ. એ ડાયરીમાંથી જોઈને ફરી કોઈ નંબર પર ફોન કરવા લાગ્યો.

બાગમાં બેસીને ‘બેન્કમાંથી બોલું છું’ એવું કહેનારા એ યુવાનની હરકતો જોઈને ભૂપતરાયને, ભર બપોરે પોતાના ફોન પર આરામના સમયે આવતા ફોન સાંભર્યા. પહેલાં તો પોતે દરેક ફોન વખતે ધ્યાનથી બધું સાંભળતા અને સાચા જવાબો આપતા. ‘લેવાં જેવી પોલિસીઓ લઈ લીધી છે. હવે મારી પાસે ફંડ નથી.’ એવી ચોખવટ પણ કરતા. પરંતુ, અનુભવે એમને સમજાઈ ગયું હતું કે, આ જમાત તો બહુ લપળી છે. એમને તો ‘નો ઇન્ટરેસ્ટ’ કહીને ઊગતી જ ટાળવાની હોય. છતાંય ઘણી વખત તો એવા ફોનથી પીછો છોડાવવામાં એમને ભગવાન યાદ આવી જતા.

યુવાનની સંપર્કયાત્રા વણથંભી હતી. ‘હલો..શૈલેશ માધવાણી? ...સર, હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. સર, આપ મને પાંચ મિનિટનો સમય આપો તો હું અમારી બેન્કની નવી મેડિકલ પોલિસી વિષે આપને જવાવવા માંગુ છું. ... ઓહ સોરી! આપ દવાખાનામાં દાખલ થયા છો તો સર, હું જાણી શકું કે આપની પાસે કોઈ મેડિકલ પોલિસી છે કે નહિ? ... પૂરતી છે... એ વાત બરાબર છે છતાં અમારી આ પોલિસી ખૂબ જ ફાયદાકારક છે. .. ઓકે સર. જ્યારે જરૂર લાગે ત્યારે મારો કોન્ટેક્ટ કરજો. થેન્ક્યુ સર.’

‘......જયસુખભાઈ, આ ‘સુંદર જિંદગી’ પોલીસીમાં આપે દર વર્ષે ફક્ત પચીસ હજાર રૂપિયા રોકવાના છે. એ ફક્ત પાંચ વર્ષ સુધી જ રોકવાના છે. સર, પાંચ વર્ષમાં આપ કુલ એક લાખ પચીસ હજાર રોકશો. બરાબર? પાંચ વર્ષ પછી આપને ઇન્ટરેસ્ટ સાથે બે લાખ રૂપિયા પાછા મળી જશે. એટલું જ નહિ સર, બેંક તરફથી આપને બે લાખની વીમા સુરક્ષા પણ મળશે. એ પણ પૂરાં દસ વર્ષ સુધી. સર, આ સ્કીમ ટૂંક સમય માટે જ છે. હું આપને ત્યાં આવીને આજે જ ફોર્મ ભરાવી શકું? હલો સર, .. આપની નોકરી છૂટી ગઈ છે?. ઓહ! સોરી સર!..’

હાર્યો જુગારી બમણું રમે એમ એ યુવાન ડાયરીમાં જોઈ જોઈને જુદા જુદા નંબર પર ફોન કરતો રહ્યો. ભૂપતરાય એને છૂપી નજરે જોતા રહ્યા. એમને એ યુવાનના પ્રયાસો જોઈને ‘કરતાં જાળ કરોળિયો..’ કવિતા સાંભરી ગઈ. જે ગામની નિશાળમાં ચુનીલાલ માસ્તર મોટે અવાજે ગવડાવતા.

યુવાનની નિરાશા હવે ભૂપતરાય માટે પણ અસહ્ય બનવા લાગી. ‘હું જો કરોડપતિ હોત તો આવા કેટલાંય છોકરાઓ પાસે પોલિસીઓ ઊતરાવી ઊતરાવીને એમના ટાર્ગેટ પૂરા કરી દેત.’ એ વિચાર આવતાની સાથે જ એમને એ કહેવત પણ યાદ આવી ગઈ કે: ‘વો દિન કહાં કિ મિયાંકે પાંવમે જુતી!’

‘કેમ? કોઈ શિકાર મળ્યો કે નહિ?’ એ યુવાનની પાસે આવીને એક માણસે પૂછ્યું. એ માણસ યુવાન કરતાં ઉમરમાં મોટો દેખાતો હતો. ભૂપતરાયને ખ્યાલ આવી ગયો કે એ બંને એક જ ડાળનાં પંખી છે.

‘કોઈ મંડાતું જ નથી. સાલો, આજનો દિવસ જ બેકાર છે.‘ યુવાને જવાબ આપ્યો.

‘ચાલ, ચા પીવડાવી દે. પછી ચમત્કાર થશે. કોઈને કોઈ તો મંડાઈ જશે.’

‘હું ચા પીવડાવું? ટાર્ગેટ તો તારો પૂરો થયો છે.‘

‘ટાર્ગેટ એમનમ નથી થયો દોસ્ત. મહેનત કરી છે.’

‘મહેનત તો હું પણ ક્યા નથી કરતો? કોઈ મળવા પણ તૈયાર નથી થતું. સાલી, આ તે જિંદગી છે?’

‘અરે યાર! આવી ફાલતુ વાત કરે છે? ટ્રાય ચાલુ રાખ. કોઈ તો તૈયાર થશે જ.’

‘નથી થતું યાર. તું મને સારા કોન્ટેકટ્સ આપને.’

‘આપ્યા તો ખરા. કેટલા આપવાના? તું બધા સાથે વાત કરને. સારી રીતે સમજાવ.‘

‘બહુ સમજાવ્યા. હવે થાક્યો. આ થોડા નંબર બાકી રહ્યા છે. એ ટ્રાય કરી લઉં. પછી ચાની લારી પર જઈએ.’

‘તું ટ્રાય કરીને આવ. હું લારી પર તારી રાહ જોઉં છું.’ એવું કહીને એ માણસ રવાના થયો.

‘હલો.. સર, ..’ યુવાને ફરીથી પ્રયાસો શરૂ કર્યા.

સામેથી ફોન બંધ થતા રહ્યા. એ યુવાન અકળાતો રહ્યો. બાગનું રળિયામણું વાતાવરણ, કોકિલના ટહુકા, મંદિરનો ઘંટારવ, યુવતીના લટકાઝટકા એ કશું જ એને રાહત આપનારું નહોતું. એ કશાંમાં એનું ચિત્ત પણ નહોતું.

યુવાનના ધમપછાડા જોઈને ભૂપતરાયનું મન ચિંતને ચડ્યું. ‘આ દુનીયા પણ એક જંગલ જેવી જ છે. જેમાં દરેક જણ શિકારની શોધમાં છે. જેવી જેની શક્તિ! કોઈ નાનો શિકાર શોધે તો કોઈ મોટો.’

ભૂપતરાયનું ચિંતન આગળ વધે એ પહેલાં એમના મોબાઈલમાં રિંગ વાગી. એમણે ગજવામાંથી મોબાઈલ કાઢીને મોબાઈલ સ્ક્રિન પર એક નજર નાખી. નંબર અજાણ્યો લાગ્યો.

‘હલો..’ એમણે ફોન અટેન્ડ કરતાં કહ્યું.

‘હલો.. સર, હું આદર્શ બેન્કમાંથી બોલું છું. આપ કોણ ભૂપતરાય બોલી રહ્યા છો?’ સામેથી અવાજ આવ્યો.

[સમાપ્ત]